ચાન્સ કે ઈમાનદારી (૩)?

આગળની બે પોસ્ટ્સની શ્રેણીની જ આ ત્રીજી અને હાલ પુરતી છેલ્લી પોસ્ટ છે. જો કે આ અનુભવ પહેલાના બે કરતાં જુદો છે, પણ ભળતો સળતો હોવાથી તે જ શ્રેણીમાં સમાવી લીધો છે.

‘સૃષ્ટિ’માં કામ કરતો ત્યારે સૌરાષ્ટ્ર બાજુના કોઈક ગામડાની મુલાકાત લઈને ઘેર પાછા જવા માટે એસ.ટી.ની બસમાં બેઠો હતો. ભાડું ૪૯ કે ૫૯ રૂપિયા જેવું હતું. કંડક્ટરને પૈસા આપ્યાં એટલે એણે સ્વાભાવિક રીતે જ મોટી નોટો પાછી આપીને કહ્યું કે “એક રૂપિયો છુટો નથી, આવે એટલે આપું છું.” હજુ તો મુસાફરી શરૂ જ થઈ હતી અને ઓછામાં ઓછા બે અઢી કલાકના અંતરમાં ૩-૪ સ્ટોપ અને એક ડ્રાઈવર-કંડક્ટરની મરજીનું નાસ્તા સ્ટોપ આવવાની ખાતરી હતી એટલે કંડક્ટરને મારો એક રૂપિયો ક્યાંકથી છુટો મળી જ જશે તેમ વિશ્વાસ રાખીને બેઠો. પહેલા એક-બે સ્ટોપ પરથી મુસાફરો ચઢ્યા અને બધાની ટિકીટ અપાઈ ગઈ એટલે મેં કંડક્ટરને મારો રૂપિયો યાદ અપાવ્યો, પણ તેણે મોઢું બગાડીને “અરે યાર નથી આવ્યો, કીધુંને કે આવે એટલે આપીશ” કહીને પોતાનો જીવ છોડાવ્યો. અને પછી તો એને ખબર પડી ગઈ કે હું તેની છાલ નહી છોડું, એટલે તેણે મારી સામે નજર મેળવવાનું જ ટાળવા માંડ્યું. હું સમજી ગયો હતો કે મારો રૂપિયો પાછો મળવાનો નથી.

બસ સરખેજ થઈને આવી એટલે મેં અંજલી સિનેમા પાસે ઉતરી જવાનું નક્કી કર્યું. એપીએમસીના થોડાક પહેલેથી ઉભો થઈ ગયો અને કંડક્ટર પાસે પહોંચીને એક રૂપિયો માંગ્યો, તેણે એ જ સ્વાભાવિક રકઝક ચાલુ રાખી. અને જાણે રૂપિયો પાછો માંગવો તે મારી ભૂલ હોય તેમ મને ખખડાવવા માંડ્યો કે, ક્યાં ક્યાંથી હેંડ્યા આવે છે, આવા સારા કપડા પહેરીને એક રૂપિયા માટે મરે છે, અમારે તો જાણે એમના રૂપિયામાં બંગલા બંધાઈ જવાના હોય, વગેરે વગેરે. વાસણા બસ સ્ટોપ આવતાં બીજા થોડાઘણા લોકો ઉતરવા માટે ઉભા થયા અને હું બારણામાં ઉભો રહી ગયો. કંડક્ટરને કીધું કે જ્યાં સુધી મારો રૂપિયો પાછો નહી મળે ત્યાં સુધી હું કોઈને ઉતરવા નહી દઉં. તેની પાસે છુટા ના હોય તો હું ચાર રુપિયા છુટા આપું તે મને પાંચનો સિક્કો આપે. પણ તે હવે નાગાઇ ઉપર ઉતરી આવ્યો હતો. કહે કે, “મારી પાસે પાંચનો સિક્કો પણ નથી. હું ટિકીટની પાછળ લખી આપું એસ.ટી. સ્ટેન્ડ પર આવીને મેઇન કાઉન્ટર પરથી લઈ જજો.”

હું ટસનો મસ ના થયો. લોકો ઉતરવા માટે રાહ જોઈને ઉભા હતા અને બસ આગળ વધી શકે તેમ નહોતી. ક્લાઇમેક્સ હવે આવ્યો. મને જતું કે ઉભેલા લોકો કહેશે અને કંડક્ટરને ઝુક્યા વગર છુટકો નહી રહે. પણ મારા આશ્ચર્ય વચ્ચે તે લોકો પણ કંડક્ટરના સૂરમાં સૂર પુરાવીને બોલવા લાગ્યાં અને મને ગાળો દેવા માંડ્યા કે એક રૂપિયા માટે આટલો કજીયો કરું છું. મેં આખી બસ બાનમાં લીધી છે, વગેરે વગેરે. છેવટે મારે પ્રજામત સામે ઝુકાવવું પડ્યું અને કંડક્ટર પાસે ટિકીટ પાછળ લખાવ્યું, તેનો બીલ્લા નંબર લખાવ્યો અને ખાડિયા જવાનું થયું ત્યારે રસ્તામાં એસટી સ્ટેન્ડેથી મારો રૂપિયો પાછો લેતો આવ્યો અને તે કંડક્ટર સામે ફરિયાદ પણ નોંધાવતો આવ્યો.

પરમ દિવસે દીપકભાઈની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ત્યાં સુરેશભાઈની કોમેન્ટ હતી કે પ્રજાને તેની લાયકાત પ્રમાણે જ મળે છે. જે મારા આ અનુભવ પરથી પણ સાબીત થાય છે. આપણી પ્રજા એટલી બધી તો બેઈમાન થઈ ગઈ છે કે બેઈમાની તેમના મગજમાં ઘુસી ગઈ છે. જે પ્રજા પોતે જ બેઈમાન હોય તે અન્યને ક્યાં ઈમાનદારીના પાઠ ભણાવવાની હતી. આપણી પ્રજાની લાયકાત તો ઘણી ઉંચી છે, પણ તેમના મગજ એટલા દૂષિત થઈ ગયાં છે કે તેમને પોતાનો હક્ક માંગવામાં શરમ આવે છે અને કોઈક હક્ક માંગતું હોય તો તે તેમને દોષી જણાય છે. તેમની પાસે સમયનો અભાવ છે, એટલે એક રૂપિયો જતો કરીને બસમાંથી ઉતરી જવાની ઉતાવળ હોય છે, અને આડોશીપાડોશી શું કહેશે એવી હિનતાથી પીડાતા પોતાનો હક્ક જતો કરીને પણ ગરદન ટટ્ટાર રાખીને ચાલશે.

ચાન્સ કે ઈમાનદારી (૨)?

આગળ જણાવ્યો તેવો અન્ય એક અનુભવ તાજેતરમાં ઑગસ્ટ મહિનામાં જ્યારે ભારત ગયો હતો ત્યારે થયો. મારા જીજાજીએ અહીંથી HTCનો મોબાઇલ ફોન મંગાવ્યો હતો. અહીં યુ.કે.માં નેટવર્ક લોક કરેલા મોબાઇલ્સ મળે જેને ભારતમાં કે અન્ય ક્યાંય પણ વાપરવા માટે અનલોક કરાવવા પડે. જીજાજી ફોન અનલોક કરાવવા રિલીફ રોડ પરના જૂના કૃષ્ણ ટોકિઝની જગ્યાએ બનેલા શોપિંગ સેન્ટરમાં લઈ ગયા અને અનલોક કરાવીને લાવ્યા ત્યારે મારું ધ્યાન ગયું કે ફોનની સાથે મફત આવેલું 2 GB માઇક્રો એસડી કાર્ડ ફોનમાંથી ગાયબ હતું. હું અને મારી બહેનતો જીજાજી પર ચઢી બેઠા કે જઈને એની પાસેથી પાછું લઈ આવો. ફોન અનલોક કરવાના એણે ૩૦૦ રૂપિયા હતાં જ્યારે કાર્ડની કિંમત પણ ઓછામાં ઓછી ૩૦૦ તો હશે જ. એણે કાર્ડ કાઢી લીધું તો અનલોક મફત કરી આપવું જોઈતું હતું, અને તે પણ જણાવીને. જીજાજી વ્યવહારૂ દૃષ્ટિથી કહેવા માંડ્યા કે એ હવે કશું પાછું નથી આપવાનો અને એની સાથે ઝગડીને શું ફાયદો. છતાં ૨ દિવસ સુધી હું અને મારી બહેન એમને વારે ઘડીએ કાર્ડ લઈ આવવા માટે આગ્રહ કરતા જ રહ્યાં.

છેવટે જ્યારે મને લાગ્યું કે એ નહી જ જાય ત્યારે હું ત્યાં ગયો અને જીજાજીને પુછીને જે દુકાનેથી તેમણે અનલોક કરાવ્યું હતું ત્યાં જઈને કહ્યું કે ૨ દિવસ પહેલા અમુક વાગ્યાના સમયે HTC Wildfire ફોન અનલોક કરાવ્યો હતો તેનું કાર્ડ તેમની પાસે રહી ગયું છે (હા ભાઈ, એવું તો કહેવાય નહીને કે તેમણે કાઢી લીધું છે, કાણાને કાણો કહેવાતો હશે?). કાઉન્ટર પર બેઠેલો માણસ તો મુકરી જ ગયો કે એવું કોઈ અનલોક કર્યાનું તેને યાદ નથી. થોડી લમણાઝીક કરતો હતો ત્યાં જ અંદરથી અન્ય વ્યક્તિ બહાર આવી અને તેણે પુછ્યું, “તમે આવ્યા હતાં ફોન લઈને?” હું કશું કહું તે પહેલા તેણે જ નિર્ણય જાહેર કર્યો કે, “ના, તમે નહોતા આવ્યા”. મેં જણાવ્યું કે મેં ક્યાંય એવો દાવો કર્યો નથી કે હું આવ્યો હતો, જે આવ્યું હતું તેની પાસેથી તમે આ કાર્ડ કાઢ્યું છે જે પાછું આપ્યું નથી. હવે મારી ભૂલ હોય તેમ પેલા અંદરથી આવેલા માણસે તેની હાથમાંથી કાર્ડ કાઢી મને આપતા કહ્યું, “આ લો કાર્ડ, મેં ના કહ્યું કે તમે નહોતા આવ્યા”.

જે હોય તે, મને તો મારું કાર્ડ ધાર્યા કરતા વધુ સરળતાથી મળ્યું એટલે હું તો ખુશ થતો ઘરે ગયો. પણ હજુ પણ સમજાયું નથી કે એ તેની ઈમાનદારી હતી કે તે પણ ચાન્સ જ લેતો હતો?

વિકિપીડિયા ગુજરાતી વેબ મીટિંગ ૨

આ રવિવારે અને આવતા રવિવારે ભારતીય સમય મુજબ સવારના ૧૧ વાગ્યે વેબ મીટિંગનું આયોજન કર્યું છે. ખાસ કરીને તો સભ્યોને અમુક મૂળભૂત બાબતોથી અવગત કરાવવા, લેખન અને સંપાદન વખતે તથા ભાષાંતર કરતી વેળા ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જેવા મુદ્દાઓ ચર્ચવાનો વિચાર છે. આ ઉપરાંત સભ્યોને કોઈ સમસ્યા હોય તો તેની પણ ચર્ચા કરીશું જ. ગઈ વખતે ૩-૪ જણાં આકસ્મિક સંજોગોને કારણે જોડાઈ નહોતા શક્યા પણ એક સભ્ય સાથે સારી એવી ચર્ચા થઈ હતી. આ વખતે પહેલા સુચન ૨૯ જાન્યુઆરીનું હતું અને પછી ૫ ફેબ્રુઆરીનું. કોઈકને એક તારીખ નથી ફાવે તેમ તો અન્યને બીજી, માટે આ બંને દિવસે મીટિંગ રાખવાનું નક્કી કર્યું છે. જો તમને પણ વિકિપીડિયામાં રસ હોય (અને ના હોય તો રસ લેવો હોય) તો રવિવારે સવારે સ્કાયપ (skype) ID gu.wikipedia પર મળીએ. જો તમે મને ઓનલાઇન મળવાના હોવ તો gu.wikipedia(at)gmail.com પર કે અહીં નીચે પ્રતિભાવમાં જણાવશો તો તે દિવસે સવારે તમારી રાહ જોવાની ખબર પડશે.

આ ઉપરાંત જો ગુજરાતી વિકિપીડિયાની ગતિવિધિઓની જાણકારી નિયમિત રીતે મેળવવા ચાહતા હોવ તો અમારું મેઇલિંગ લિસ્ટ પણ છે, તેમાં જોડાઇ શકો છો.

ચાન્સ કે ઈમાનદારી?

ગઈકાલે કાર્તિકભાઈના બ્લૉગ પર ઉત્તરાયણ નિમિત્તની આ પોસ્ટ વાંચીને મને પણ મારો વર્ષો પહેલાનો અનુભવ યાદ આવી ગયો.

કદાચ તે સમયે કોલેજમાં હોઇશ. ફ્લેટના બધા છોકરાઓ મળીને દિલ્હી દરવાજા બહારના પતંગ બજારમાં ઉત્તરાયણના બે દિવસ પહેલા પતંગ લેવા નીકળ્યા. આમ તો દર વર્ષે રાયપુર દરવાજાના પતંગ બજારમાંથી પતંગ લેતા, પણ આ વખતે બધા પોત-પોતાના વાહનો લઈને નીકળ્યા હતા અને અમુક ભાઈબંધો નવા નવા સ્કૂટર ચલાવતા થયા હતાં (હા જી, સ્કૂટર જ, તે સમયે બાઇક તો માલદારના છોકરા ચલાવતા, અને અમે તો બધા બેંકરોના છોકરા હતા). લગભગ ૭-૮ જણાએ ભેગા થઈને વીશેક કોડી પતંગ ખરીદ્યા. ઘરે પહોંચીને પોતપોતાના પતંગ છૂટા પાડવા બેઠા ત્યારે ધ્યાન ગયું કે એક પંજો ઓછો હતો. મેં કહ્યું કે પાછા જઈને લઈ આવીએ. વસ્ત્રાપુરથી દિલ્હી દરવાજા એક પંજો પતંગ લેવા જવા માટે અડધા તો તૈયાર થયા નહી. બાકીના અડધાને મન એ બહાને જે અડધો-પોણો કલાક વધારે રખડવા મળ્યું તે અને મારે મન જેના પૈસા ચુકવ્યા છે તે વસ્તુ નાહકની શું કામ જવા દેવી, એમ મિશ્ર હેતુથી અમે બધા પતંગવાળાની દુકાને પહોંચ્યા. એને કીધું તો એણે તો માનવાનો જ ઇન્કાર કરી દીધો. અમારી સંખ્યા કાંઇ ઓછી નહોતી અને દુકાનમાં ભીડ પણ હતી. અમે થોડી મોટેથી વાત કરી અને લોકોનું ધ્યાન અમારી તરફ પણ ગયું. અમે દુકાનદારને કહ્યું કે અમે કાંઈ એક પંજો પતંગ મફત લેવા છેક વસ્ત્રાપુરથી અહીં લાંબા થવાના હતાં? છેવટે દુકાનદારને ત્યાં ઉભેલા ગ્રાહકોમાં પોતાની છબી છતી થવાની બીક જોય કે જે હોય તે, તેણે પોતાની ભૂલ થઈ હશે તેમ જણાવીને અમે જે ક્વોલિટીના પતંગ લીધા હતાં તે જ ક્વોલિટીનો એક પંજો આપ્યો.

આવા બીજા અનુભવો પણ વખતો વખત થયાં, અને માટે જ હજુ સુધી નક્કી નથી કરી શક્યો કે આ વેપારીઓ ગ્રાહની વસ્તુ પચાવી લેવાનો ચાન્સ લેતા હશે કે ખરેખર તેમની ભૂલ થતી હશે અને જ્યારે ભારપૂર્વક હક્ક માંગવામાં આવે ત્યારે ઇમાનદારીથી તે આપતા હશે? બીજા પણ આવા અનુભવો આગળ જતા અહીં લખીશ.

અને છેલ્લે છેલ્લે ક્રૉલીની ઉત્તરાયણની એક ઝલક….

Prutha flying kite

Vraj flying kite

Kite in the skies of Three Bridges

ગુજરાતી વિકિપીડિયાની પ્રથમ વેબ કોન્ફરન્સ

મુંબઈમાં યોજાયેલી વિકિકોન્ફરન્સ પછી ગુજરાતી વિકિપીડિયામાં નિયમિત યોગદાન કરતાં સભ્યોની સંખ્યામાં વધારો થયો છે. અશોકભાઈએ અમારી જૂનાગઢમાં થયેલી મુલાકાતની વાત અહીં કરી તે પછી બ્લૉગર મિત્રો પણ વિકિપીડિયામાં યોગદાન કરવા જોડાયા કે પુનઃસક્રિય થયા છે. કેમકે હાલમાં ઘણા નવા સભ્યો યોગદાન કરી રહ્યાં છે, તે સહુને એક સાથે મળવા અને વિકિપીડિયા વિષે ચર્ચા કરવાના આશયથી એક નવતર પ્રયોગ રૂપે સૌપ્રથમ વખત વેબ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. નવા કામની શરૂઆત માટે નવા વર્ષથી વધુ સારો સમય ક્યાં મળવાનો હતો? માટે જ બેસતા વર્ષને દીવસે સવારે ૧૧ વાગ્યે ઓનલાઇન થવાનું નક્કી કર્યું છે. તેનું આમંત્રણ ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદી દ્વારા તો સહુને મોકલ્યું જ છે. પરંતુ થયું કે અહીં પણ તમને સહુને જણાવું, જેથી જો કોઈને રસ હોય તો અમારી સાથે જોડાઇ શકે.

જો તમારે પણ અમારી સાથે આ રવિવારે (૧ જાન્યુઆરી ૨૦૧૨) સવારે ચર્ચામાં જોડાવું હોય તો સ્ક્યાપ (skype) પર લૉગ ઇન થઇને gu.wikipedia ને એડ કરજો. હું ભારતીય સમય મુજબ સવારના ૧૧ વાગ્યાથી ઓનલાઇન હોઇશ. એકાદ કલાક માટે ચર્ચા કરવાનો વિચાર છે. સભ્યોના પ્રતિભાવ પર સમયમાં વધઘટ થવાની પુરેપુરી સંભાવના છે. પણ આપને ઇચ્છા હોય તો આપ પોતાને અનુકૂળ સમય માટે પણ અમારી સાથે જોડાઇ શકો છો. જો સ્કાયપ પર ઓનલાઇન થવામાં કોઇ મુશ્કેલી હોય તો બેક-અપ તરીકે યાહુ મેસેન્જરનો પણ ઉપયોગ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. અને તેમાં પણ મેળ ના પડે તો છેવટે ગુગલ ટોકનો સહારો લઈ શકાશે. ગુગલ ટૉકની તકલીફ એક જ છે કે તેમાં એકથી વધુ લોકો જોડો એકીસાથે વાત કરવાનો ઓપ્શન નથી. ત્રણે જગ્યાએ સંપર્ક કરવા માટેનું આઇડી એક જ રહેશે, gu.wikipedia.

ગુગલ ટૉક લેબ્સ એડિશનમાં કોન્ફરન્સની સગવડ છે તેમ જાણવા મળ્યું છે. તેની આ લિંક પણ મળી છે, ઇન્સ્ટોલ તો થયું પણ ચાલતું હોય તેમ લાગતું નથી. જોકે હજુ એક આખો દીવસ છે અખતરા કરવા માટે…

શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

બે-ત્રણ દિવસ પહેલા ઇમેજીન પર આવતી સિરિઅલ દ્વારકાધીશ જોતો હતો. ઘણા સમયથી તેમાં સુદામાની કથા ચાલી રહી છે. આપણને તો સુદામા ભગવાનને મહેલે તાંબૂલ લઈને ગયો અને ભગવાને મુઠ્ઠી-મુઠ્ઠી તાંબૂલે તેની જાણ બહાર જ તેને ધન અને ઐશ્વર્ય આપ્યું જેની જાણ સુદામાને તે પોતાને ગામ પાછો ફરે છે ત્યારે જ થાય છે, તેટલી જ વાત જાણીએ છીએ (એટલિસ્ટ હું તો એટલું જ જાણતો હતો). પરંતુ આ સિરિયલમાં તો તે ઘટના કદાચ બે મહિના પહેલા આવી ગઈ અને તે પછી પણ હજુ સુદામા જ છવાયેલા રહ્યા છે.

હવે મૂળ વાત પર આવું તો, તેમાં મેં જોયું કે ભગવાન સુદામાના ઘરે રસૌયા બનીને આવે છે, કેમકે સુદામાની પત્ની ધન આવવાને કારણે છકી ગઈ હતી. સુદામા પૈસો મળવા છતાં ભિક્ષુકવૃત્તિ કરીને પેટ ભરવા માંગતો હતો અને બંબે વચ્ચે ચડભડ થતાં સુદામા તેમના ચાર પૈકીના ત્રણ પુત્રોને લઈને પત્નીથી અલગ રહેવા જતો રહે છે. ઝુંપડામાં રહીને, ભિક્ષા માંગીને, તે ભગવાનનું સ્મરણ કરતો રહે છે. પણ તેની પત્ની સુશીલા ધનમાં આળોટતી, સાહ્યબી ભોગવતી ભગવાનનું નામ સુદ્ધાં લેવા તૈયાર નથી. આથી તેને ભગવાનાભિમુખ કરવા અને તેણે સુદામાનો ત્યાગ કરીને કરેલી ભૂલ કબુલ કરાવવા કૃષ્ણ પોતે રસૌયો બની તેના ઘરે આવે છે પરંતુ તેમના લાખ પ્રયત્ન કરવા છતાં સુશીલામાં કોઈ ફેર પડતો નથી. હવે ક્લાઈમેક્સ… કૃષ્ણ એવું કરે છે કે જે એક માત્ર છોકરો સુશીલાની સાથે તેના મહેલમાં રહેતો હોય છે, તે અચાનક માંદો પડે છે. સુશીલા મોટામાં મોટા વૈદ્યને બોલાવે છે, અઢળક સંપત્તિ આપવા તૈયાર થાય છે. એક બાજુ સુદામા તેને સમજાવે છે કે ભગવાન કૃષ્ણના નામનું રટણ કર, બધું થીક થઈ જશે, પણ સુશીલા સુદામા પર ગુસ્સો કરીને તેને હાંકી કાઢે છે. બીજી બાજુ બધાંજ વૈદ્યો હાથ ધોઈ કાઢે છે. આ સમયે સુદામા ફરી તેની પત્ની પાસે જઈને કહે છે કે હવે કૃષ્ણનું શરણું લીધા સિવાય કોઈ ઉપાય નથી. અને કેમકે સુશીલા બધા પ્રયત્નો કરીને થાકી ગઈ હોય છે, પોતાના પુત્રને બચાવવા તે પણ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ એ જ રસૌયા સ્વરૂપે હાજર થાય છે અને તેમના પુત્રને સાજો કરી દે છે. સુશીલા ભગવાનની ભક્ત બની જાય છે.

હવે સવાલ…. શું ભગવાન એટલા સ્વાર્થી છે કે કોઈ માણસ તેમને ના માનતું હોય તો તેનું સંતાન લઈ લેવા સુધીની હદે તેને પિડા આપે કે જેથી ત્રસ્ત થઈને એ વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે? કે આવું તે પોતે મહાન છે અને સૌએ મારૂં શરણું સ્વીકારવું જ જોઈએ તેવા ઘમંડમાં કર્યું હશે? બીજું બધું માનવામાં આવે પણ ભગવાનનું આવું સ્વાર્થી કે ઘમંડી વલણ તો માનવામાં આવે તેવું જ નથી. શું ખરેખર કૃષ્ણએ સુદામાના બાળકની આવી હાલત કરી હશે?

સાત્વિક ૨૦૧૧

આજે કાર્તિકભાઈના બ્લૉગ પર આ પોસ્ટ વાંચીને ભૂતકાળના એ દિવસોની યાદ તાજી થઈ ગઈ જ્યારે અમે આ સાત્વિક ફુડ ફેસ્ટિવલનું આયોજન કરતાં હતાં. આ ફેસ્ટિવલના આયોજન પાછળની પૃષ્ઠભૂમિ જોઈએ તો, સૃષ્ટિ એક સેવાભાવી સંસ્થા છે, જે અમદાવાદના આઇ.આઇ.એમ.ના પ્રોફેસર અનિલ ગુપ્તા દ્વારા સ્થાપવામાં આવી હતી. તે મૂળ ગુજરાતનાં ખૂણે-ખાંચરે પથરાયેલા એવા નાનાં ખેડૂતો, કારીગરો અને વ્યક્તિઓ માટે કામ કરે છે જેમણે પોતાની કોઠાસૂઝથી કાંઈક નવિન કર્યું હોય. સૃષ્ટિ સંસ્થાનું નેટવર્ક આખા ગુજરાતમાં ફેલાયેલું છે જેમાં મોટાભાગની ગ્રામ વિદ્યાપીઠોનો સમાવેશ થઈ જાય છે. સૃષ્ટિના પોતાના ક્ષેત્રિય શોધકો (ફિલ્ડ વર્કર્સ) અને અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ ગામે ગામ જઈને આવા કોઠાસૂઝના કલાકારોને શોધી કાઢે છે. સૃષ્ટિ આવી વ્યક્તિઓને મદદ કરે છે તેમની કોઠાસૂઝને વ્યવસ્થિત ઓપ આપવામાં. વર્ષોની આવી શોધને પરિણામે અમારી આ સંસ્થા પાસે એક મોટો ડેટાબેઝ ભેગો થયો હતો જેમાં ખેડૂતો બિનરાસાયણિક પદ્ધતિથી (એક પ્રકારની ઓર્ગેનિક) ખેતી કરતા હોય તેમની માહિતી હતી.

સૃષ્ટિમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરી હતી જેમાં અમે ખેડૂતોએ વિકસાવેલી જૈવિક ખેતી માટેની મૌલિક પાકરક્ષક દવાઓ અને પશુઓ માટેની વનસ્પતિ આધારિત દવાઓ પર સંશોધન કરીને તે ફોર્મ્યુલામાં મુલ્યવૃદ્ધિ કરવાનું કામ કરતાં. અને તેમની વિક્સાવેલી ક્રુડ ફોર્મમાં રહેલી ફોર્મ્યુલાને અમે આખરી ઓપ આપી માર્કેટમાં મુકી શકાય તેવા રૂપમાં લઈ જતાં. આમ સુઘટિત રીતે પ્રયોગસિદ્ધ ફોર્મ્યુલાના રાઈટ્સ અમે માર્કેટ લિડીંગ કંપનીઝને આપીને તેમાંથી મળતી રોયલ્ટી તે ફોર્મ્યુલા ડેવલપ કરવા માટે જે લોકોની કોઠાસૂઝનો ઉપયોગ કર્યો હોય તે લોકોને વહેંચતા. એક વખત કોઈક મિટિંગ દરમ્યાન એવી ચર્ચા ચાલી કે જે લોકોએ આવી દવાઓ કે વૃદ્ધિવર્ધકો વિકસાવ્યા છે તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને અમે વધુ સંશોધન કરી રહ્યાં છીએ અને તેથી મળતાં નાણાંમાંથી તેમને તો લાભ થશે, પરંતુ એવા લોકોનું શું જેમણે લુપ્ત થતાં અનાજ-કઠોળની ખેતી કરતાં રહીને તેમને બચાવ્યાં છે, કે જે લોકો માર્કેટમાં ચાલતા ઓર્ગેનિક ફુડથી અજ્ઞાત હોવાં છતાં પણ બિનરાસાયણિક ખેતી કરી રહ્યાં છે? ત્યારે અચાનક જ વિચાર આવ્યો કે આપણે એવા ઓર્ગેનિક ઉત્પાદન કરતાં ખેડુતોને અમદાવાદ જેવા હબમાં અનૌપચરિક માર્કેટ પુરૂં પાડીએ. આની સાથે સાથે અમારા અન્ય એક પ્રોજેક્ટના ભાગરૂપે અમે ગામડાઓમાં વાનગી હરિફાઈઓ કરી હતી, તે ઉપરાંત દર છ મહિને યોજાતી અમારી શોધયાત્રા (પદયાત્રા)માં પણ અમે વાનગી હરિફાઈ યોજતાં તેનો ડેટાબેઝ પણ હતો. તો નિર્ણય લીધો કે અમદાવાદના લોકો ખાવાપીવાના શોખીન છે, તો ચાલો ફુડ ફેસ્ટિવલ કરીએ જેમાં આપણે આવી દેશી વાનગીઓ કે જે લુપ્ત થતાં આનાજમાંથિઇ બનતી હોય તે પિરસીએ અને સાથે સાથે અમુક શહેરમાં પ્રચલિત વાનગીઓ પણ પિરસીએ જે જૈવિક ખેતી દ્વારા પકવેલી સામગ્રીમાંથી બનાવવામાં આવી હોય. આ વાત છે આજથી દસ વર્ષ પહેલાની.

કેમકે અમદાવાદમાં આ પ્રકારનો પહેલો ફુડ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યાં હતાં, અમને ખબર નહોતી કે કેવો પ્રતિસાદ મળશે. તેનું નામ શું રાખવું તે નક્કી કરવામાં પણ અમે ઘણી કસરત કરી હતી. ત્યારે તો ખબર પણ નહોતી કે અમે ૯ વર્ષ પછી પણ આ ફેસ્ટિવલ કરતાં હોઇશું. પણ પહેલો ફુડ ફેસ્ટિવલ હિટ ગયો, અને ફિડબેક ફોર્મ્સમાં ઘણા લોકોએ આવો ફેસ્ટિવલ દર વર્ષે કરવાની વાત કરી હતી, જેથી અમે બીજા વર્ષે પણ તેનું આયોજન કર્યું અને પ્રતિસાદ પહેલા વર્ષ કરતાં પણ વધુ સારો મળ્યો. અને એમ કરતાં કરતાં આ અમારી એક રેગ્યુલર ઇવેન્ટ બની ગઈ.

ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ ફુડ ફેસ્ટિવલની સાથે સાથે અમે શહેરની નારીઓ માટે પણ વાનગી હરિફાઈ યોજીએ છીએ, જેમાં બિન પરંપરાગત સામગ્રી વાપરીને મહિલાઓ વાનગીઓ બનાવી લાવે. આજે ભલે સંસ્થાથી હજારો માઈલના અંતરે બેઠો છું, છતાં જે મેળાવડાના મૂળ આયોજનમાં પાયાની ભૂમિકા ભજવી હતી તે મેળાવડો હજુ આજે પણ યોજાતો જોઈને મન એવું તો હરખાઈ ઉઠે છે કે મારું બ્રેઇન ચાઇલ્ડ હજુ આજે પણ જીવિત છે. અને તેના સક્રિય આયોજનમાં ભાગ ના લઈ શકવાનો રંજ પણ થતો રહે છે.

WikiConference India 2011

આ શુક્રવારથી મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીના કેમ્પસમાં વિકિકોન્ફરન્સ ઈન્ડિયા ૨૦૧૧ યોજાઈ રહી છે. ભારતમાં વિકિમિડિયા ફાઉન્ડેશન (વિકિપીડિયાનું ઓર્ગેનાઈઝેશન)ની આ પહેલી કોન્ફરન્સ હશે. ત્રણ દિવસનો ભરચક કાર્યક્રમ રાખ્યો છે અને પહેલા દિવસે જીમી વેલ્સ કિ-નોટ એડ્રેસ કરવાના છે, એટલે કાંઈક મોટા પાયે આયોજન હોય તેમ લાગે છે. ફેસબુકના તેના પેજ પર તો અઢળક લોકો એટેન્ડ કરવાના હોય તેમ બતાવે છે, જોઈએ કેવું રહે છે.

હા ભાઈ, મારા સ્વભાવથી વિરુદ્ધ ટુંકી પોસ્ટ છે, પણ થયું કે આ સમાચાર તો લોકો સાથે વહેંચવા જોઈએ એટલે આટલામાં અટકું છું, જોઈએ, જો તેના અપડેટ્સ શેર કરવાનો મોકો મળશે તો જરૂર કરીશ.

રામકહાણી

હમણાં કોઈક કારણે મારી દુર્મતિને વશ થઈને હું રેલ્વેની ઓનલાઈન બુકિંગ સાઈટ www.irctc.co.in પર લૉગ-ઈન થવા ગયો. સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા (હવે આ શું એ મારે ગુજરાતી બ્લૉગર્સને કહેવાની જરૂર લાગતી નથિ, કે છે?) દાખલ કર્યા પછી, બારણું તો ખુલ્યું પણ મને ઊમરે જ રોકી દીધો. અને પાછું કંઈક ચલિત ખરાઈ આંકડા (મોબાઈલ વેરિફિકેશન કોડ) એવું પુછવામાં આવ્યું. આપણને તો એ શું તેની જાણ હતી નહી. છેવડે નવા ખરાઈ આંકડા મંગાવવાની કડી પર ક્લિક કરીને મમ્મીને ફોન કર્યો (કેમકે મોબાઈલ નંબર ભારતનો જ આપવો પડે, એટલે મમ્મીનો નંબર આપેલો છે) કે તેમને કોઈ આંકડા ટૂંસંસે (SMS યાર) દ્વારા મળ્યા છે. જવાબ હતો ના. આપણે ફોન ચાલુ રાખીને જ ફરી એ આંકડા મોકલવાની વિજ્ઞપ્તિ કરી, પણ પરિણામ શૂન્ય. મમ્મીને અંગ્રેજી સંદેશા જોવામાં થોડી તકલીફ પડે, એટલે સંશયને સ્થાન નહી આપવાનું નક્કી કરીને મારી બહેન ધાત્રીના મોબાઈલ નંબર પર ખરાઈ આંકડા મોકલવાની ફેર વિજ્ઞપ્તિ કરી. પણ પરિણા હજુ પણ શૂન્ય. છેવટે હારી થાકીને તેમના જાળસ્થળ પર રહેલા ફરિયાદ નોંધાવો સ્થળે જઈને ફરિયાદનો વિપત્ર મોકલ્યો. સામે તરત જ ટિકિટ ક્રમાંક મળ્યો અને બાંહેધરી હતી કે ત્વરિત મારી સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે. આ બધું થયું દિનાંક ૧૨ ઓક્ટોબરે. હવે ખેલ શરૂ થયો. બીજે દિવસે મને વિપત્ર મળ્યો કે મેં મારા નોંધાવેલ વિપત્ર સરનામા સિવાયના અન્ય સરનામેથી ફરિયાદ નોંધાવી હતી, માટે મારે નવેસરથી ફરિયાદ નોંધાવેલા સરનામેથી વિપત્ર કરીને ફરિયાદ નોંધાવવી. રોજે એક વિપત્ર દ્વારા તેઓ મને કશુંકને કશુંક પુછતા રહ્યાં અને છેવટે ચોથા દિવસે મને કહેવામાં આવ્યું કે મારી નવી ગુપ્ત સંજ્ઞા ગોઠવીને મને મોકલવામાં આવશે. હું તો ખુરશીમાંથી ઉભો થઈ ગયો, કેમકે મારી ફરિયાદ ગુપ્તસંજ્ઞા બાબતે હતી જ નહી. તેમ કર્યા પછી પણ મને ઊમરેથી અંદર પ્રવેશવા દેવાશે તેની કોઈ બાંહેધરી નહોતી. છેવટે વિપત્રાચારનો નવો દૌર ચાલુ થયો અને મને જાણ કરવામાં આવી કે મારી ફરિયાદ લાગતા-વળગતા વિભાગને પ્રેષિત કરવામાં આવી છે અને તે લોકો મારા ચલિત નંબરની ખરાઈ કરવા માટે આંકડા મોકલશે. આ બધું થયું શુક્રવારે. ફરિયાદનો વિભાગ ૨૪ કલાક અને સાતે દિવસ ચાલુ હોય છે તેથી મને હતું કે મારી સમસ્યાનો ઉકેલ મોડામાં મોડો શનિ-રવીમાં તો આવી જ જશે.

પણ સોમવાર સુધી કશું હલ્યું નહી હોવાથી મેં છેવટે તેમના દૂરભાષ ક્રમાંક પર સંપર્ક કર્યો. સદનસિબે કોલ જોડાઈ ગયો અને કોઈક સુહૃદયી બહેન સાથે વાત થઈ. તેમણે મારી ઘટતું કરી જોયું અને ફલિત થયું કે કોઈક તકનિકી કારણોને લીધે તેમની પ્રણાલી ટૂંસંસે મોકલી શકતી નથી અને તે લોકો હવે ફોન કરીને ખરાઈ કરશે અને તે બાદ મને વિપત્ર દ્વારા મારા ખરાઈ આંકડા મોકલવામાં આવશે. આ પછી મારે દરરોજ દિવસમાં ત્રણ વખત ફોન કરવો પડતો અને તે લોકોએ મારી બહેનને ત્રણ વખત ફોન કર્યો. છેવટે ગુરૂવારે ૨૦ તારિખે મને તેમના ત્રીજા એક અધિકારીએ દુ:ખદ સંદેશો આપ્યો કે તેમણે ત્રણ વખત મારા ચલિત ક્રમાંક પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એક વખત અમે ફોન ઉપાડ્યો નહી, બીજી વખત અમે કાપી નાંખ્યો અને ત્રીજી વખત અમે તેમણે પુછેલા પ્રશ્નોના ઉત્તર ના આપી શક્યા. મેં ઉગ્રપણે આ ટિપ્પણીનો વિરોધ કર્યો. પરંતુ અધિકારીશ્રીને ઘરે જવાનો સમય થયો હોવાથી અને સંલગ્ન વિભાગના સહુ કર્મચારીઓ ઘરે જતા રહ્યાં હોવાથી તેઓ મને કોઈ રીતે મદદરૂપ નહી થઈ શકે તેમ અસહાયતા વ્યક્ત કરી. મને બીજે દિવસે મેં તેમના પહેલા જે અધિકારી સાથે વાત કરી હતી તેમની સાથે વાત કરવાનું જણાવીને તેમણે વિદાય લીધી. પણ જતાંજતાં મેં તેમને તે લોકોએ કરેલા બધાજ કોલ્સની તવારિખ આપી તાકિદ કરી હતી કે યોગ્ય પૂછપરછ કરીને બીજે દિવસે મારી ફરિયાદ તાજી કરે.

છેવટે શુક્રવારે ૨૧ તારિખે મેં તેમણે સુચવ્યા પ્રમાને બપોરે ૩ વાગ્યે ફોન કરીને તેમના અધિકારીશ્રી સાથે વાત કરવાની વિનંતિ કરી ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને મને ચલિત ખરાઈ આંકડા મારા નોંધાવેલ વિપત્ર સરનામા પર અડધા કલાકની અંદર મોકલી આપવામાં આવશે. જો કે આ ત્રીજો વાયદો હતો, એટલે આશા ઓછી હતી. પણ ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કશું કરી શકાય તેમ નહોતું. તેથી પરમ કૃપાળું પરમેશ્વરને પ્રાર્થના કરતો રહ્યો અને એકાદ કલાકમાં ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી કર્મચારીના હૃદયમાં કરૂણા પ્રગટાવી મને વિપત્ર દ્વારા સંદેશો પાઠવાવડાવ્યો. અને મારી દસ દિવસની આ રામકથાનો અંત આવ્યો.

મારા મનમાં ઉઠેલો સવાલ:
જે ભારતનું ટેકનિકલ જ્ઞાન દેશવિદેશની કસ્ટમર કેર સેવાઓ પુરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમકે અમારી બ્રિટિશ ટેલિકોમ (BT) ની લેન્ડલાઈન કોલની ગ્રાહક સેવા ભારતમાં છે, આ ઉપરાંત અનેક મોબાઈલ પ્રોવાઇડર્સના કોલ સેન્ટર્સ, સધર્ન રેલ્વે (યુકેની)ની વેબસાઈટ સપોર્ટ, વગેરે અનેક ટેકનિકલ ટીમ્સ ભારતમાં બેસીને સેવાઓ પુરી પાડે છે, તો પછી ભારતની જ કંપનીઓ કેમ એવી ગુણવત્તાની સેવા પુરી ના પાડી શકે?

નવરો બેઠો નખ્ખોદ વાળે….

હું થોડા વખત પહેલાં વિચારતો હતો કે આ દેશમાં કેટકેટલી સમસ્યાઓ છે. પેટ્રોલના ભાવ ૩-૪ વર્ષમાં દોઢા કરતા વધુ થઈ ગયા છે. ઘી, તેલ, ખાંડ, લોટ જેવી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લગભગ આ જ અરસામાં દોઢીથી બમણી મોંઘી થઈ ગઈ છે. બ્રેડ જેવો બ્રેડ મોંઘો થઈ ગયો છે. લોકો રોજે રોએ નોકરીઓ ગુમાવી રહ્યાં છે. સરકારે ચુંટણી પહેલા આપેલા વચનોમાંથી ભાગ્યે જ કોઈક વચન પાળ્યું છે. બાકી હતું તે આ વર્ષથી યુનિવર્સિટીઓની ફીમાં પણ ધરખમ વધારો કરીને વાર્ષિક £ ૯,૦૦૦ જેટલી ફી ઝીંકવામાં આવી છે. આ બધા સંજોગોમાં મને એક જ વિચાર આવતો કે, આપણા દેશમાં તો કોઈક નાનું સરખું કારણ પણ હોય તો લોકો સડક પર ઉતરી આવે છે, અહીં કોઈ કશું કેમ કરતું નથી? ૩-૪ મહિના પહેલા જ્યારે વિદ્યાર્થીઓએ ફી વધારા સામે રેલી કાઢી અને તેમાં પોતાનું વરવું રૂપ દેખાડ્યું, જેની ઝપટે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પણ ચઢી ગયા હતાં, ત્યારે થયું કે ચાલો, આ દેશમાં પણ લોકો સાવ નપાવટ નથી, તેમનું લોહી પણ ક્યારેક તો ઉકળે છે. પણ છતાં સવાલ એ જ રહેતો કે આવા આંદોલન એકાદ બે દિવસથી વધારે ચાલતા નથી અને પછી સહુ કોઈ સરકારે કરેલા નિર્ણયોને સ્વિકારી લે છે. આ દેશમાં શિક્ષણનું સ્તર આમે નીચું છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ જી.સી.એસ.સી કે એ-લેવલ (આપણું એસ.એસ.સી. અને એચ.એસ.સી.) કરીને ભણતર છોડી દે છે. જ્યારે હવે આટલી આકરી ફી વધ્યા પછી, કેટલા લોકોને ડિગ્રી લેવી પોસાશે? પણ છતાં, એ આંદોલન પણ એક-બે રેલીઓ થઈને શાંત થઈ ગયું.

પેટ્રોલના ભાવ વધારા અને મોંઘવારી તથા બેરોજગારી સામે તો કોઈ આંદોલનના એંધાણ જ ના દેખાતા. અને હું ચકરાવે ચઢી જતો, કે આવું કેમ? સામાન્ય રીતે જાગૃત અને શિક્ષિત ગણાતો આ સમાજ આમ ગુંટણીયા કેમ ટેકવી દે છે? ત્યારે મને એક જ જવાબ દેખાતો, કે આપણા દેશમાં છાશવારે આંદોલનો થાય છે, તોફાનો-રમખાણો થાય છે, કેમકે લોકોની પાસે કામ નથી. આમદની નથી, અને નવરો બેઠો નખ્ખોદ વાળેના ન્યારે લોકો આવું કોઈક બહાનું મળતા ઝંપલાવી દેતા હોય છે. જ્યારે આ દેશમાં સહુની પાસે કામ છે, લોકો એટલું કમાય છે કે આ દેશમાં જેની પાસે અઠવાડિયે ૫૦ પાઉંડ ખિસ્સ ખર્ચીના હોય તેની ગણતરી ગરિબમાં થાય. હવે આટલા સમૃદ્ધ દેશમાં ગમે તેટલી મોંઘવારી વધે, કોને પડી હોય આંદોલનો કરવાની? જે કમાય છે તે સુખી છે, અને નથી કમાતા તે વધુ સુખી છે, કેમકે તેઓ સરકારી જમાઈઓ છે. સરકાર તેમને રહેવા ઘર, ખાવા-પીવા માટે દર અઠવાડિયે બેકારી ભથ્થુ, બાળકોના ભરણપોષણ માટે ભથ્થા આપીને, તેમની બોલતી બંધ કરી દે છે. તો પછી આંદોલનો કરવા નિકળે કોણં? જે સાવ ગરિબ છે, તે દારૂના અને ડ્રગ્સના નશામાંથી નવરો નથી પડતો. અને હું આવું વિચારીને પાછૂ ફરી વિચારમાં પડી જતો કે, શું મારા આવા વિચારો સાચા છે? પણ શનિવારથી મારા આ વિચારો સાચા હોવાની પ્રતિતીરૂપ ઘટનાઓ ઘટવા માંડી અને આજે સોમવાર થતાં-થતાં તો મારી આ માન્યતા દૃઢ બની ગઈ.

શનિવારથી લંડનમાં તોફાનો શરૂ થઈ ગયા છે. રવિવારે તો એમ લાગતું હતું કે કાબેલ પોલીસ અને ઠેરઠેર ગોઠવાયેલા સી.સી.ટીવી કેમેરાના ડરથી લૂંટફાટ કરતા અને નુકસાન કરી રહેલા તત્વો શમી જશે. પણ આજે દિવસભર એક પછી એક એમ અનેક વિસ્તારોમાં તોફાનો ફેલાયા છે. ગુરૂવારે પોલીસે ટોટનમ (tottenham)માં એક કાળા ડ્રગ ડિલરને ઠાર માર્યો તેના વિરોધમાં શનિવારે નિકળેલી રેલી હિંસક બની, અને ટોટનમ ટાઉન્સેન્ટરની દૂકાનો લૂંટી, અનેકમાં તોડફોડ કરી અને આગ ચાંપી. જે વ્યક્તિ પોલીસની ગોળીનો શિકાર બની હતી તે પોતે પોલીસની સાથે ઝપાઝપીમાં મરી ગઈ. માર્ક ડગન નામનો આ શખ્સ કોકેઇનનો દલાલ હતો, અને પોલીસ ઓપરેશન ટ્રાઇડન્ટ (ડ્રગ્સ ડિલર્સ અને યુઝર્સ માટે ચલાવાતો કાર્યક્રમ)ના ભાગરૂપે તેની ધરપકડ કરવા ગઈ હતી, જે દરમ્યા આ માણસે પોતાની પાસેથી પિસ્તોલ કાઢીને કદાચ પોલીસને ધમકી આપી, અને કોઈક કારણે પોલીસે તેને ગોળી મારીને હણી નાંખ્યો. આ વાતનો પ્રત્યાઘાત કાળી જનતાએ (માફ કરજો, મને અશ્વેત કે શ્યામ જેવા હલકા શબ્દો વાપરવા કરતાં, કાળા, ગોરા જેવા શબ્દો વધુ ઉપયુક્ત લાગે છે, માટે હું તેનો જ ઉપયોગ કરીશ. મારા ઉપર જાતિવાદનો આરોપ લાગતો હોય તો ભલે લાગે) હિંસક તોફાનો દ્વારા આપ્યો. શનિવારે ટોટનમ, વુડગ્રિન, એનફિલ્ડ જેવા ઉત્તર લંડનના વિસ્તારોમાં રમખાણો થયા હતાં. રવિવારે પણ છૂટા-છવાયા છમકલા થયાં. પણ આજે બપોર પછી એક-એક કરીને કાળી પ્રજાની બહુમતિ હોય તેવા લડનના લગભગ દરેક વિસ્તારો, જેમકે બ્રિક્સ્ટન, રોમફર્ડ, હેકની, લુઇશમ, ક્રોયડન, વગેરેમાં પણ હિંસા અને રમખાણો ચાલું થઈ ગયા અને આ દરેક જગ્યાએ લૂંટફાટ, હિંસા અને આગચંપીના બનાવો નોંધાયા.

આવું કેમ થયું? એના જવાબમાં એકતો પહેલું કારણ બેરોજગારી, ડ્રગ્સ, અને આફ્રિકા તથા કેરેબિયન દેશોમાંથી આશ્રિત તરિકે આવીને રહેલી પ્રજાની રફ લાઇફસ્ટાઈલ જવાબદાર છે. મારા મતે તો સૌથી મોટું કારણ બેરોજગારી છે. નવરા બેઠેલા લોકો શું કરે? અને તેમાં પણ અધુરામાં પુરૂં, આ દેશ મૂળ રંગભેદની નીતિવાળા લોકોને. અહીંની પોલીસ પણ કાંઈક અંશે તો જાતિવાદી ખરીજ. હા, કાળી પ્રજા એકદંરે વધુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય છે તે વાત સાચી, પણ પોલીસ પણ તેમને અને એશિયનો (પાકિસ્તાની, બાંગ્લાદેશી, ભારતીય મૂળના લોકો)ને વધુ ટાર્ગેટ બનાવતી હોય. અહીંના લગભગ દરેક લોકોમાં આ રંગભેદ તો જોવા મળે જ. આ ભેદભાવથી અકળાયેલી આ કાળી પ્રજાએ જે કાળોકેર વર્તાવવા માંડ્યો છે, તેનું શું પરિણામ આવશે અને કાલે શું થશે તેની ખબર પડતી નથી.

જે હોય તે, પણ આના પરથી લાગે છે કે, પોલીસતંત્ર અને વહિવટી માળખું ગમે તેટલું સુદૃઢ હોય જ્યારે જનતા વિફરે ત્યારે તેનું કશું નથી ચાલતું.

Follow

Get every new post delivered to your Inbox.