કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે…

(મારા બે ઘનિષ્ઠ મિત્રો સાથે થયેલી ધર્મ અને દાન વિષેની ચર્ચા….. મિત્રોનો સંપર્ક થઈ શક્યો નથી માટે તેમના નામ દૂર કર્યા છે, તેમની સંમતિ મળતા નામ અહીં ઉમેરીશ..)

પ્રથમ મિત્રઃ

શ્રી ધવલભાઈ,  હરે કૃષ્ણ, સીતારામ, જય માતાજી…

હું આપણા મેઈલની આપલે ને અહીં લાવ્યો છુ. માટે ખોટુ થતુ હોય તો માફ કરજો. પણ આપણા બીજા મિત્રો, તમે અને હું:-)બધાનાં વિચારો જાણી શકાય અને વધુ જ્ઞાન મેળવી શકાય તે માટે.

તમારી વાત બિલકુલ સાચી છે. જીવનમાં કાંઈને કાંઈ નવુ શીખતા રહેવુ જોઈએ. શીખેલું કયારેક કામ લાગે (કહેવત છે ને કે – સંઘર્યા સર્પ પણ કામ લાગે:-) આમ પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ અત્યારનાં સમયમાં આખા વિશ્વમાં થાય છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનાં વપરાશમાં અંગ્રજીભાષાનાં જ્ઞાનની વધુ જરૂર પડે છે. આમ પણ તમે કીધુ તેમ કે બધીજ ભાષા આવડવી જરૂરી નથી પણ કોઈપણ ક્ષેત્રનું જ્ઞાન વધુને વધુ મળે તો ખોટુ શું છે.

સારૂ ચાલો તો આપણે સામાન્ય ચર્ચા તો કરી પણ તમે કીધુકે અમારે અહીં મંદિર પણ શોધવા નીકળવુ પડે તેમ છે. મારા માનવા મુજબ ભગવાનની ભક્તિ કરવા મંદીરની જરૂર નથી, મંદીર કે મુર્તિ તો આપણા મનને ચલિત ન થવા દે અને ધ્યાન કેન્દ્રીત કરવા માટે છે. બાકી તો ઈશ્વર ક્યાં નથી ? ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યુ છે તેમ કે હું સર્વ વ્યાપક બ્રહ્મ છુ. હું અણુ અણુ માં છું. (છોડમાં રણછોડ) છતા પણ સમય મળે એટલે મંદીરે કે ચર્ચમાં જવુ જોઈએ અને આપણને જોઈને પણ બીજાને ઈશ્વરમાં શ્રધ્ધા બેસે અને બીજાને પ્રેરણા મળે તે માટે. બાકી તો આ દુનિયામાં કોઈ માણસ, પશુ, પંખી કે કોઈ જીવની ભુખ કે તેની કોઈ પણ પીડા આપણને સ્પર્શે નહી તો બધી ભક્તિ નકામી છે. માટે મારા મતે તો સાચી ભક્તિ તે છે, કે ” ”’કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે…સંત કબીરજી”’ “. અને જો જીવનમાં આવી સમજણ આવે તો સમજવુ કે આપણને સનાતન ધર્મનો માર્ગ મળી ગયો છે અને ઈશ્વરની નજીક છીએ. મને તો ખબર કે તમારે ત્યાના(લંડન) સમાજમાં ભુખ્યામાણસ કે પીડિત માણસ, પશુ પંખી જેવા હશે. જેમ ભારતમાં આવુ દરેક શહેર કે ગામડામાં જોવા મળે છે. જેથી અહીં સૌરાષ્ટ્રમાં સંતો એ અલગ અલગ જગ્યાઓ સ્થાપી છે અને ભુખ્યાને ભોજન ઘરબાર વગરનાં આશ્રય આપ્યો છે. 

સારૂ ચાલો તો ધવલભાઈ આમા કાંઈ વધારે કે ખોટુ લખાણુ હોય તો ધ્યાન દોરજો અને આજે હું વધારે કાંઈક ખિલી ગયો ખબર નહી શું થયુ.પણ તમારા જેવા સુપાત્ર મળે તો કોણ સતસંગ ન કરે ? આમ પણ કીધુ છેને કે  ચાર મિલે, ચોસઠ ખીલે, બીસ રહે કર જોઈ, હરિજન સે હરિજન મિલો તો નાચે સાત કરોડ. તમે, અશોકભાઈ, મહર્ષિભાઈ, સતિષચંદ્રજી તથા સુશાંતભાઈ વગેરે તમારા બધા જેવા મિત્રો હોયને તો સતસંગ કરવાની મજા આવે. બાકી તમે કીધુ તેમ અંગ્રજી ખંતથી શિખવા માંડીશ. પણ આવી રીતે કયારેક મળતા રહેજો. આવુ બધુ તમને કહેવાનુ ન હોય કારણકે તમોતો ઓલરાઉન્ડર છો. આને ચર્ચા ન સમજતા પણ સતસંગ જ સમજજો. આ સમયમાં આવો આધ્યાત્મિક સતસંગ તો સપનામાં પણ દુર્લભ છે. આતો આપણા ઉપર પ્રભુની કૃપા છે કે આપણે દુર હોવા છતા મળીએ છીએ. હું તમારાથી નાનો છુ માટે ભુલચુક માફ કરજો (ઓર્ડર નથી અરજ છે:-)સૌ મિત્રોને સતસંગ કરવા નિમંત્રણ છે. બરોબરને ધવલભાઈ?

દ્વિતિય મિત્રઃ

શ્રી ધવલભાઇ, આપની આગળની ચર્ચાઓ ખબર નથી પરંતુ જરૂર રસપ્રદ હશે !!! મને લાગે છે કે આપણાં ….”સિંહ”  …..”સ્વામિ”માં રૂપાંતરીત થઇ રહ્યા છે (અને આપને “ધવલસ્વામિ” જામશે!!) 🙂 જો કે તેમાં પણ કશું ખોટું નથી,”સિંહ” ને પણ જંગલનો “સ્વામિ” જ કહેવાય છે ને!!! નેટ પર ઘણું જોઉં અને જાણું છું!!! તેમાં ક્યાંક આવી સાત્વિક ચર્ચાઓ વાંચી અને પ્રેરકબળ મળે છે. અને આપણાં મિત્ર …..સિંહ અને તેમનું મિત્રમંડળ ”’કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે…સંત કબીરજી”’, એ દોહાનો વ્યવહારમાં અમલ પણ કરે છે તેનો એકાદ વખત સાક્ષી બનવાનું બહુમાન મને પણ મળેલ છે. આપ બન્નેનો આભાર. 

મારો ઉત્તરઃ

“…. સ્વામી” તમારી વાત સાચી છે,  ભગવાનતો સર્વત્ર વ્યાપક છે, પરંતુ આપણે મંદિર જઇએ છીએ કારણકે, મંદિર ફક્ત આરાધનાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક શિક્ષણ આપતું સ્થળ પણ છે, ઘરે ભક્તિ કરવાથી આપણને સંત વાણીનો લાભ નથી મળતો, મંદિરમાં જતા સંતોની વાણીનો લાભ મળી શકે છે, અને ત્યાં આપણને શિક્ષણ મળે છે, આપણી સંસ્કૃતિમાં કહે છે કે ગુરૂ વિના જ્ઞાન નહી, આ ગુરુ આપણને સામાન્ય રીતે ઘરે બેઠા નથી મળતા, તેના માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. માટે અનેક ઉદ્દેશ્યોથી મંદિર જવું આવશ્યક છે. તમારી વાત સાચી છે કે સાચી ભક્તિતો ગરીબ ગુરબાની સેવા જ છે. પરંતુ આ યુગમાં ગરીબ કોને ગણવો તે એક પ્રશ્ન છે. હું તો એમ માનું છું કે દાન પણ પાત્રને આપવું, કુપાત્રને આપેલું દાન એળે જાય છે, એટલેકે કોઇ પણ ભીખારીને ખાવા કે પૈસા આપવા જોઇએ, પરંતુ જો કોઇ વ્યક્તિ ભીખ ફક્ત એટલા માટે જ માંગતી હોય કે તેને વગર કામ કરે કે વગર મહેનતે બેઠા બેઠા ખાવાની આદત પડી ગઈ હોય તો આપણે તેને ભીખ આપીને પાપ કરીએ છીએ. તમે કદાચ જોયું હશે કે દુનિયાની મોટા ભગાની બધી બદીઓ ઝુંપડ પટ્ટીઓમાં ફુલતી ફાલતી હોય છે, ત્યાં જ દારૂના અને જુગારના અડ્ડાઓ જોવા મળશે, જો એ લોકોને ખાવા માટે પૈસા નાહોય તો તેમની પાસે દારૂના પૈસા કેવી રીતે આવી જાય છે? આપણે આપેલા દાનથી જો વ્યક્તિની બૂરી આદતોની લત સંતોષાતી હોય તો તે પરોપકાર એળે ગયો ગણાય.

::બીજી એક કથા કહું, એક વખત લક્ષ્મીજી ભગવાનને પુછે છે કે, “પ્રભુ, તમે બધા જીવોને ઉત્પન્ન તો કરો છો, પરંતુ પછી તેમનું પાલન કરવાની ચિંતા પણ કરો છો ખરા?” તો ભગવાન વિષ્ણુ ઉત્તર આપે છે કે, “દેવી, મેં ઉત્પન્ન કરેલા દરેક જીવ માટે અન્નની વ્યવસ્થા હું કરી જ દઉં છું”. લક્ષ્મીજી ભગવાનને ખોટા પાડવા માટે એક ડબ્બીમાં કીડીને બંધ કરી છે છે, અને ૨-૩ દિવસ પછી ભગવાનને જઈને કહે છે કે, જો તમે કહેલી વાત સાચી હોય તો મને કહો કે આ ડબ્બીમાં રહેલા જીવના અન્નની વ્યવસ્થા કોણે કરી છે? ભગવાન કહે છે કે તેને પણ આ સમય દરમ્યાન તેનું અન્ન મળી ચુક્યું છે, દેવી કેહે છે, “કેવી વાત કરો છો પ્રભુ! હવે તો પોતાની હાર સ્વિકારી લો, આ ડબ્બિ ૨ દિવસથી મારી પાસે છે, મેં કીડીને અન્ન આપ્યું નથી તો તેની વ્યવસ્થા કેવી રીતે થઈ ગઈ?” ભગવાન કહે છે કે ડબ્બી ખોલીને જુઓ, અને જ્યારે લક્ષ્મીજી ડબ્બી ખોલે છે ત્યારે કીડી તેમાં જીવતી હોય છે, અને અંદર એક  ચોખાનો દાણો પડેલો જુએ છે. ભગવાન કહે છે, કે “જોયું દેવી? જ્યારે તમે ડબ્બી બંધ કરતા હતા ત્યારે જ તમારા કપાળમાં કરેલા ચાંલા પર ચોંટાડેલા ચોખાનો એક દાણો ડબ્બીમાં પડી ગયો હતો, આમ તમે જ તેના ખોરાકની વ્યવસ્થા કરી દીધી હતી.” આમ આપણે ઘણી વખત નાહકની ચિંતા કરતા હોઇએ છીએ. કથાનો ભાવાર્થ એવો નથી કે આપણે કોઇને અન્ન ના આપનું કે દાન ના આપવું, પન તેમ કરતા પહેલા ખાતરી લેવી કે સુપાત્ર વ્યક્તિ છે કે નહી? લોકો કીડીઓના દર પુરવા જાય છે (લોટ ભભરાવીને) અને અમારા અમદાવાદમાં સવારના પહોરમાં કાંકરીયા તળાવમાં લોકો માછલાને ખવડાવવઅ આવે છે (તળાવની પાળે લોકો લોટની કણક વેચે છે, તે ખરીદીને તેઓ કણકની ઝીણી ઝીણી ગોળીઓ કરી તળાવની માછલીઓને નીરે છે), પરતું કીડીનો ખોરાક લોટ નથી અને માછલીનો ખોરાક કણક નથી, ભગવાને તેમનો ખોરાક નિયત કરેલો છે અને તે તેમને મળી જ રહેશે. આપને નાહકનાં તેમનો આવો નિરર્થક ખોરાક ખવડાવીને ફક્ત આત્મ સંતોષ મેળવીએ છીએ, તેના બદલે આવા પ્રયત્નો ખરેખર જરૂરિયાતમંદને મદદ કરવામાં કર્યા હોય તો લેખે લાગે.

::હવે ___ભાઈ મારે માટે બીજું કોઇ બિરૂદ લઈને આવે તે પહેલા અહીં સત્સંગને અલ્પ વિરામ આપું છું, ___ભાઈ તમારા કામના સાક્ષી છે, એટલે તમે કરો છો તે સેવા કાર્યને ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન નથી લગાડતો, આ તો ફક્ત ઉદ્દેશોની વાત કરી છે, ક્યાંય બંધ બેસતી પાઘડી ના પહેરી લેશો. અને આ સત્સંગ ચાલુ રાખશો.

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

આપના પ્રતિભાવ જણાવશો.....