ભગવદ્ ગીતા ૪.૧૩

ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: |
તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ||૪.૧૩||

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલાં કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે. જો કે, હું આ વ્યવસ્થાનો સ્ત્રષ્ટા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું તેમ તું જાણ.

ભગવદ્ ગીતાના ચોથા ધ્યાયનો આ તેરમો શ્લોક છે, જેમાં ભગવાન અર્જુનને જણાવે છે કે સમાજના ચાર વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર)ની રચના તેમણે કરી છે. અને માટે જ મેં ક્યાંક કોઈક અન્ય બ્લોગ પરની કોમેન્ટમાં કોઈકને એવું ઘોષિત કરતા જોયું હતું કે, જે કૃષ્ણએ વર્ણાશ્રમ ધર્મ ઉત્પન્ન કર્યો તેને હું ભગવાન નથી માનતો. સાચી વાત છે ભાઈ, તમારે શું કામ એ કૃષ્ણને ભગવાન માનવો પડે કે જે આગળ જતાં એમ પણ કહે છે કે ચારે વેદો, આ સમગ્ર સૃષ્ટિ, પર્વત, જળ, વાયુ, વગેરે બધું જ મેં ઉત્પન્ન કર્યું છે. સવાલ છે આપણા સ્વાર્થીપણાનો. આપણને સારૂં ના લાગે તે આપણે બેધડકપણે જણાવી દેતા હોઈએ છીએ અને તેના પર આપણે આપણો આખરી નિર્ણય પણ સંભળાવી દેતા હોઈએ છીએ, પણ તેની સાથે સાથે સારું શું લાગ્યું તેનો ઉલ્લેખ નહી કરવાનો. હવે આપણે આ જ વ્યક્તિને પુછીએ કે શું તમે માનશો કે કૃષ્ણએ ૯માં અધ્યાયમાં કહેલું “હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધિકર્તા તથા ૐકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ છું” એ પણ સાચું છે? તો કદાચ કહી દેશે કે, હોતું હશે? કોઈ કેવી રીતે સૃષ્ટિનો પિતા અને માતા તથા આશ્રયદાતા હોઈ શકે?

હવે ધ્યાનથી જોવાની વાત એ છે કે જે કૃષ્ણ આપણને આજે અન્યાયી લાગતી તે વર્ણપ્રથાના સ્થાપક તરિકે અન્યાયી લાગે છે, તે જ કૃષ્ણ આગળ જઈને એમ પણ જણાવે છે કે હું જ આ સૃષ્ટિનો આશ્રયદાતા પણ છું. જો તે આશ્રયદાતા હોય, માતા-પિતા હોય તો અન્યાયી કેવી રીતે હોઈ શકે? પણ ના, આપણે આ બધા તર્કમાં શું કામ ઉતરીએ? આપણે તો કોઈકે કરેલા એક વિધાનના અંશ પરથી જ તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ આંકવાનો ભગિરથ પ્રયાસ કરતા હોઈએ છીએ. આના પહેલાની મારી પોસ્ટ નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતામાં આનું જ એક ઉમદા ઉદાહરણ એક સંપ્રદાયના મહાન સ્થાપક દ્વારા કરવામાં આવેલા વિધાન સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. જે હોય તે, ભાઈ, દરેકને પોતાનો મત બાંધવાનો અને પોતાના નિર્ણય જાતે લેવાનો પુરેપુરો અધિકાર છે. મને તેની સામે કોઈ વાંધો હોઈ જ ના શકે.

મારો આજનો પ્રયાસ એ વર્ણપ્રથાને સમજવાનો છે. આપણે હંમેશા પૂર્વગ્રહ બાંધીને કોઈપણ વસ્તુને જોવા ટેવાયેલા છીએ, એટલે આ વર્ણપ્રથામાં દોષ જોઈએ તે સ્વાભાવિક છે. હું કાંઈ તે પ્રથાનો હિમાયતી નથી, પણ તેને વખોડવાના મતનો પણ નથી. જે રીતે અડધા ભરેલા પાણીના ગ્લાસને આપણે અડધો ખાલી પણ જોઈએ છીએ અને આપણી માનસિકતા પ્રમાણે તેને અડધો ભરેલો કહેવો કે અડધો ખાલી કહેવો તે નક્કી કરતાં હોઈએ છીએ, તે જ રીતે આ વર્ણપ્રથાને સાચી કે ખોટી, ન્યાયી કે અન્યાયી, વગેરે વગેરે કહેવા ઉતાવળા થઈ જઈએ છીએ. વનસ્પતિશાસ્ત્રનો વિદ્યાર્થી હોવાને નાતે મને વનસ્પતિઓમાં રહેલી ડિવિઝન ઓફ લેબરની વ્યવસ્થા બહુ આકર્ષતી હતી. વનસ્પતિમાં પર્ણનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવવાનું, પુષ્પનું કાર્ય છે કિટકોને આકર્ષિને પરાગનયન દ્વારા બીજ બનાવવાનું બીજનું કાર્ય છે નવી પેઢીને જન્મ આપવાનું, મૂળનિં કાર્ય છે જમીનમાંથી પાણી અને પોષકદ્રવ્યો શોષીને અન્ય અંગો સુધી પહોંચાડવાનું, અને તેમ છતાં કોઈ પણ અંગને અન્યાય નથી થતો, આપણને ક્યારેય એવો અહેસાસ પણ નથી થતો કે આ બિચારા પાંદડા, આખો દિવસ તડકામાં પોતે તપે અને તેમના બનાવેલા ખોરાકથી જલ્સા કરે પેલા ફૂલો. કે પછી આ બિચારાં મૂળિયાં પોતે આખી જીંદગી જમીનમાં દટાયેલાં રહે અને હવામાં લીલાલહેર કરે પેલા પાંદડા. ઉલટાનું બધાંજ અંગોએ કરેલા સહિયારા કાર્યને કારણે જ વનસ્પતિ અડિખમ ઉભી રહે છે અને ફૂલેફાલે છે.

ચાર વર્ણની સમાજવ્યવસ્થાનું પણ આવું જ હતું. કેમકે સમાજમાં દરેક વર્ગને પોતપોતાનું કાર્ય વહેંચવી દેવામાં આવ્યું હતું, દરેકનું એકબીજા પર અવલંબન પણ હતું. કુંભાર શૂદ્ર ભલે કહેવાતો, પણ તેના સિવાય અન્ય કોઈ ઘડા બનાવી નહોતું શકતું, અને તેના ઘડા વગર કોઈને પાણી ઠંડુ મળતું નહી. જો ભંગી સફાઈ કરવા ના આવે તો શેરીઓમાં કચરાના ઢગ થઈ જાય અને બિમારીઓ ફેલાઈ જાય, અને માટે જ તેને વારે તહેવારે સીધું આપવાનો પણ રિવાજ હતો. આજે પણ ઝાડુવાળાઓ દિવાળીના નાસ્તા ઘરેઘરેથી ઉઘરાવે છે. તે શું સુચવે છે? તેમનો સમાજમાં સમાવેશ. જો તેમને સમાજમાં સમાવ્યા ના હોત તો આપણે તેમની પાસેથી ગુલામની જેમ કામ કરાવવું અને તેમને કશું ના આપવું તેમ જ માનતા હોત. હોળી પ્રગટાવવા માટે એ જ હરિજન/ભંગીની જરૂર પડે. કંસારો ના હોત તો પિત્તળના કે અન્ય ધાતુઓના વાસણો કોણ ઘડતું હોત? સમાજમાં અસમાનતા ત્યારે દેખાવા લાગી જ્યારે આ ડિવિઝન ઓફ લેબરની પ્રથા નષ્ટ થઈ ગઈ. જ્યારે બ્રાહ્મણ પણ ઘડા ઘડવા માંડ્યો અને લુહાર રાજગાદીએ બેસી ગયો. કોઈપણ કામ હોય તેને કરવા માટે ચોક્કસ આવડતની જરૂર પડે છે. અને આ આવડત શીખવાથી મળે છે. પ્રૌરાણિક કાળમાં દરેક કામો શીખવા માટે આજે હોય છે તેવી કોલેજો અને યુનિવર્સિટીઓની વ્યવસ્થા નહી હોય અને માટે જ આ ટેકનિકલ શિક્ષણ સુલભ થઈ પડે માટે તે આવડત ગળથુથીમાં જ મળી આવે અને જીવનના વિકાસની સાથે સાથે તેનો વિકાસ થતો જાય તેવી વ્યવસ્થા ઘડવામાં આવી હતી.

આપણે વખતો વખત જનિન (જીન્સ) દ્વારા વારસામાં મળતા ગુણોના વખાણ કરીએ છીએ. બ્લોગર મિત્ર ભુપેન્દ્રસિંહજી એ આ જીન્સ પર એક આખી લેખમાળા તૈયાર કરી છે. તેમણે અમુક પોતાના તારણો અને અમુક મનોવૈજ્ઞાનિકોના નિષ્કર્ષો ટાંક્યા છે જેના દ્વારા એ બતાવે છે કે આપને (પુરુષગત કે સ્ત્રીગત) સ્વભાવ પણ આપણા આ જીન્સ દ્વારા મળેલા વારસાને કારણે જ હોય છે. આધુનિક વિજ્ઞાન પણ એ વાત કહે છે કે સ્ત્રીની ગર્ભાવસ્થાના ચોક્કસ ગાળા દરમ્યાન ગર્ભમાં રહેલા બાળકને માતાના વિચારો, તેના દ્વારા જોવામાં આવતા દૃશ્યો અને સાંભળવામાં આવતા અવાજોની અસર થાય છે. હવે જો બ્રાહ્મણના ઘરમાં રોજ સવારસાંજ શાસ્ત્રોના પાઠ થતાં હોય અને સ્ત્રી તે વાતાવરણમાં રહેતી હોય તો ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં આ પાઠોને ગ્રહણ કરવાની ક્ષમતા ગર્ભથી જ વધી ગઈ હોય છે. અને તે જ રીતે આપણા જનિનો પણ આપણી કુશળતા આગલી પેઢીમાં ટ્રાન્સફર કરતાં હોય છે.

એટલે વર્ણપ્રથામાં બધાજ પરિબળો મિશ્ર થઈને બાળકના પુખ્ત થવા સુધીમાંતો તેને પોતે જે કુટુંબમાં કે જે વર્ણમાં જન્મ્યું હોય તે વર્ણ કે કોમના કામનું જ્ઞાન સ્વાભાવિક રીતે જ આવી ગયું હોય. શાળામાં ભણવા ના ગયો હોય પણ શાકવાળાનો છોકરો પોતે હોલસેલમાં લીધેલા શાકનો છુટક ભાવ શું રાખવો, અને ભણ્યો ના હોવા છતાં નોટો અને સિક્કાઓ પારખવાનું અને તેણે વેચેલા ૩૫૦ ગ્રામ રિંગણા માટે તેને આપવામાં આવેલી મોટી નોટના એક્ઝેક્ટ છુટા પૈસા કેટલા પાછા આપવા તેની ગણતરી તેને બખુબી આવડતી હોય છે. આમ, તેનું જે કામ છે તે શિખવા માટે તેણે ક્યાંય નથી જવું પડતું. એવું પણ બની શકે કે ભણેલા ગણેલા માણસને ૩૫૦ ગ્રામ રિંગણ, ૨૫૦ ગ્રામ ભીંડા, ૫ કિલો બટાકા, લીલો મસાલો અને ૭૫૦ ગ્રામ મૂળાના કેટલા પૈસા થયા અને ૧૦૦ રૂપિયામાંથી કેટલા બચશે તે ગણતરી કરવામાં અભણ કાછીયા કરતા બેવડો સમય લાગે. પાણીપુરીની લારી પર એક સાથે ૮ બહેનો પાણીપુરી પિરસતા ભૈયાને કઈ બેને કેટલી ખાધી, કોને તીખી, કોને તીખી-ગળી ભેગી અને કોને ફક્ત કોરી પાણીપુરી આપવાની છે તે બધી જ ખબર રહે છે, જે સંપૂર્ણ ભગવદ્ ગીતા મોઢે બોલી જનાર બ્રાહ્મણને કે આખા રાજ્યનો ભાર સહન કરનાર રાજા કે તેના પ્રધાન માટે લગભગ અશક્ય બાબત બની રહે.

આ ઉપરાંત તે પ્રથાનું કે અન્ય એક જમાપાસુ એ હતું કે તેમાં સ્પર્ધા નહોતી. દરેકને નાનપણથી ખબર હોય કે તેને મોટા બનીને શું બનવાનું છે, તેનો વ્યવસાય અન્ય કોઈ નથી મેળવી લેવાનું, માતે ૧૦માં અને ૧૨માં ધોરણની પરિક્ષાઓમાં ૨૦ કલાક વાંચવાની અને પરિક્ષામાં ૯૩.૭ ટકાથી ઓછા માર્ક આવે તો કાંકરિયામાં ઝંપલાવવા જવાની જરૂર નહોતી પડતી. આજે પણ ભારતમાં પુસ્તકિયા જ્ઞાનની જેટલી ઘેલછા છે તેટલી પશ્ચિમના દેશોમાં નથી. ખાસ કરીને અહીં બ્રિટનમાં તો નથી જ. અહીં હું જે બેંકમાં કામ કરૂં છું તે મલ્ટીનેશનલ બેંક છે, ખાલી લંડનમાં આજે રિસેશન પછી પણ હજુ અમારો ૧૦,૦૦૦નો સ્ટાફ છે, પણ આટલી મોટી બેંકમાં અનેક સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ્સ એવા મળી આવશે કે જે જીસીએસસી કે એ-લેવલ (અનુક્રમે આપણું દસમું અને બારમું) પાસ હોય. અહીં પુસ્તકીયા જ્ઞાન કરતાં વ્યવહારૂ જ્ઞાન અને અનુભવને વધુ પ્રાધાન્ય છે. એવુંજ આપણી વૈદિક સંસ્કૃતિનું હતું. તેમાં પણ કોઈ બાળકને જીવનના પહેલા ૧૦-૧૨ વર્ષ સુધી લગભગ બધુંજ ભણાવ-ભણાવ કરવું અને પછી વિદ્યાર્થી જીવનના છેલ્લા ૩ કે ૫ વર્ષ દરમ્યાન જ વ્યાવસાયિક જ્ઞાન આપવું એવી મૂર્ખામિ ભરેલી માનસિકતા નહોતી. તે સમયે બાળકને જન્મથી જ તેનું વ્યાવસાયિક જ્ઞાન મળતું રહેતું.

હા, જ્યારે સમાજમાં સારો વર્ગ અને હલકો વર્ગ અને સ્પૃશ્ય અને અસ્પૃશ્ય એવા વર્ગો સ્થપાયા ત્યારે આ વર્ણપ્રથા દુષિત થઈ ગઈ. તેવું કેમ થયું અને ક્યારે થયું તે હજું શોધવું બાકી છે. પણ જો આપણી આ વર્ણપ્રથામાંથી અસ્પૃશ્યતા દૂર કરી દઈએ તો ખરેખર તેમાંથી ઘણું શિખવા જેવું છે, મને તો એ આખી પ્રથા એક અલગ દૃષ્ટિકોણથી જોવાનું હંમેશા મન થાય છે. કદાચ મને પ્રતિભાવમાં બ્રાહ્મણ હોવાને નાતે પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણથી આ લેખ લખવાનો આરોપ પણ સહન કરવાનો વારો આવે. પન હું ફરી એક વખત સ્પષ્ટતા કરી દઉં કે હું પોતે પણ એ વર્ણપ્રથાનો પ્રખર હિમાયતી નથી, કે નથીતો તેને પુનઃસ્થાપિત કરવા માટેનું જોઈ જનઆંદોલન છેડવાનો વિચાર ધરાવતો. આ પ્રયાસ છે ફક્ત તે પ્રથાને નફરતની દૃષ્ટિએ ન જોતાં તેને જોવાનો અન્ય એક અભિગમ પુરો પાડવાનો. આશા છે કે આ પોસ્ટ વાંચનાર બુદ્ધિજીવીઓ પોતાના પ્રતિભાવો આપશે અને મારો દૃષ્ટિકોણ કેટલો સાચો અને કેટલો ખોટો છે તેની ચર્ચા કરવાનો મોકો મળશે. અસ્તુ!

Follow

Get every new post delivered to your Inbox.

Join 35 other followers