બંધારણ મુજબ ભારતની કરવામાં આવેલી વ્યાખ્યા અનુસાર ભારતની મૂલવણી
January 27, 2013 19 Comments
ગઈ કાલે પ્રજાસત્તાક દિને મગજમાં એક જ વિચાર ચાલતો રહ્યો કે શું ભારત ખરા અર્થમાં પ્રજાસત્તાક બન્યું છે ખરૂં? આપણા દેશનું બંધારણ તો ડૉ. આંબેડકરની અધ્યક્ષતા હેઠળની સમિતિએ ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસના ગાળામાં તૈયાર કરીને આપી દીધું હતું. બંધારણ ભારત દેશને “સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક લોકશાહી, તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપનારો અને તેમની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો” ઘોષિત કરે છે. જો કે, મૂળ બંધારણ સમિતિએ ઘડેલા બંધારણમાં ભારત દેશને સમાજવાદી અને બિનસાંપ્રદાયિક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો ન હતો, તે તો પાછળથી આપણા જનપ્રતિનિધિઓએ છેક ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીની સરકારે કરેલું ઉમેરણ છે. હવે જ્યારે આ વ્યાખ્યાના એક એક શબ્દને લઈને આજના ભારતને મૂલવવાનો પ્રયત્ન કર્યો તો મને નીચે પ્રમાણેના જવાબો પ્રાપ્ત થયા. જો કે, આ ઉત્તરો મારા અંગત વિચારોને પ્રતિબિંબિત કરે છે, પરંતુ અહિં આપ સૌની સાથે વહેંચવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, કદાચ તમારામાંથી કોઈ પણ આ ઉત્તરો સાથે સહમત થતું હોય, અથવા મારા વિચારોને સુધારવાનો પ્રયત્ન કરીને કદાચ હું ખોટો હોઉં તો મને સુધારવાનો પ્રયત્ન પણ કરે.
શું આપણે ખરા અર્થમાં સાર્વભૌમ છીએ?
મને તો લાગતું નથી. જે ભારે માત્રામાં આપણે અમેરિકા અને બ્રિટન જેવા ધનિક (કે કંગાળ) દેશો પર હજુ આજે પણ નિર્ભર છીએ (જો કે એવું કેમ છે તે પણ સમજાતું નથી) તેના પરથી ભારતને સાર્વભૌમ સત્તા કહેતા પહેલા સો વખત વિચારવું પડે છે.
શું આપણે સમાજવાદી છીએ?
કોઈ કહી શકશે ભારતને સમાજવાદી? ભારત તો માલેતુજારવાદી છે એવું લાગે છે, જ્યાં ઉદ્યોગની નીતિઓ હોય કે વ્યાપારની નીતિઓ, ટેલિકોમ્યુનિકેશન હોય કે એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ, મોટા ભાગનું બધું જ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને જ ધ્યાનમાં રાખીને જ થતું હોય અને બાકીનું થોડુંઘણું નેતાઓના અંગત સ્વાર્થને આધારે થતું હોય, તે દેશ સમાજવાદીની વ્યાખ્યામાં કેવી રીતે બંધ બેસી શકે તે સમજવું ખરેખર અઘરૂં છે.
શું આપણે બિનસાંપ્રદાયિક છીએ?
કદાચ હા, કેમકે જ્યારે કોંગ્રેસ પક્ષ ચુંટણી લડતો હોય ત્યારે તે વાત ઢોલ પીટી પીટીને કહે છે, જેથી કેટલાક લોકોના માનસ પર સંમોહનની અસર થાય છે અને તેમને એ વાસ્તવિકતા હોવાનો ભાસ થાય છે. પરંતુ જે દેશમાં “પર્સનલ લૉ”ને નામે હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી એમ ત્રણ ધર્મો માટે જૂદા જૂદા કાયદા હોય, જે દેશમાં હિંદુને લગ્ન માટે એક કાયદો લાગુ પડે અને મુસલમાનને લગ્ન કે છૂટાછેડા માટે અલગ કાયદો લાગુ પડે તેને બિનસાંપ્રદાયિક ગણવો કે નહિ તે વિષે મને તો હજુ અવઢવ છે.
શું ભારત પ્રજાસત્તાક લોકશાહી છે?
લોકશાહીનો અર્થ ફક્ત “લોકોએ આપેલા મતને આધારે ચુંટાયેલી સરકાર” પુરતો સિમિત રહેતો હોય તો, હા, ચોક્કસ ભારત લોકશાહી છે. આપણા દેશની સરહદ પર પડોશીઓ હુમલા કરી જાય, દેશની અંદર ઘુસીને જો પડોશી દેશના આતંકવાદીઓ આપણી નિર્દોષ પ્રજાને નિર્મમરીતે રહેંસી જતા હોય છતાં આપણા દેશની જનતા કશું કરી ન શકતી હોય, જે દેશની સંસદમાં ફક્ત પૈસાને જોરે સરકારો રચાતી હોય તે દેશને કેવી રીતે લોકશાહી કે પ્રજાસત્તાક લોકશાહી કહી શકાય તે મને કોઈપણ વ્યક્તિ સરળ શબ્દોમાં સમજાવી શકે તેની હું રાહ જોઈને બેઠો છું.
શું ભારત તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે?
ન્યાયની વાત કરીએ તો, જે દેશમાં આમઆદમી પોતાના ઘરમાં થયેલી ચોરી કે પછી એક સ્થાનિક ગુંડા (કે જે દાદાના હુલામણા નામે ઓળખાય છે) દ્વારા હપ્તાની માંગણી વિરુદ્ધ અને તે માંગણીને ન સંતોષતા તેને થતી કનડગત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવવા જતા ડરતો હોય; જે દેશની જનતાના અબજો (હવે તો અબજો પણ ૧૦૦ અબજ, ૨૦૦ અબજ જેવા આંકડામાં મપાય છે)ના નાણાંના કૌભાંડો કરીને સરેઆમ ફરતા હોય અને તેમને લોકો કશું કહી કે પૂછી ન શકતા હોય, જે દેશના લોકોને કાયદો અને કાયદા પ્રમાણે પોતાના હક્કોની જાણકારી આપવામાં જ ન આવતી હોય; જે દેશમાં અમીરોના ઘરમાં અને જનતાના સેવક કહેવાતા સાંસદો અને ધારાસભ્યો, વગેરેના ઘરમાં એક ફળની કિંમત અને આયોજન પંચ દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની દૈનિક આવક (શહેરી વિસ્તારોમાં રૂપિયા ૨૮.૩૫ અને ગ્રામિણ વિસ્તારમાં અંકે રૂપિયા ૨૨ અને ૪૨ પૈસા) વચ્ચે અધધધ અસમાનતા હોય; જે દેશમાં છાશવારે આતંકવાદી હુમલાઓમાં સામાન્ય જન પોતાના જાનમાલનું નુકશાન વેઠતો હોય, તે દેશ પોતાના કયા નાગરીકને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે તે માનવું મારે માટે પણ સ્વપ્ને પણ શક્ય નથી.
શું ભારત દેશ તેના નાગરીકોની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો દેશ છે?
ભ્રાતૃત્વ એટલે શું? આ પ્રશ્ન મારો નથી, આપણા દેશના બંધારનનું પાલન કરનારા રાજકારણીઓ અને કાયદાનું પાલન કરાવનારા પોલીસ તંત્રના મનમાં રહેલો પ્રશ્ન હોવાની લાગણી મને થાય છે. જે દેશમાં અનામતને નામે લોકોને અંદરોઅંદર ઝઘડાવવામાં, અસ્પૃશ્યતાને હજુ આજે પણ વ્યાજબી ગણનારા, હિંદુ-મુસલમાન, શહેરી-આદિવાસી, વગેરે જેવા વાડાઓ ઉભા કરી એવા જુથો વચ્ચેની ખાઈને દિનપ્રતિદિન વધુને વધુ પહોળી કરવામાં જ જે પોતાનું હિત સમજે છે, તે દેશ આવો કોઈ પ્રયત્ન પણ કરી શકે છે, તે કદાચ ભગવાન જ મારે મન સ્પષ્ટ કરી શકે.
આમ મારા ભારત દેશને, “મેરા ભારત મહાન” કહેવામાં ગર્વ અનુભવતો હું, તેના બંધારણના ઘડવૈયાઓમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારો હું, તે જ બંધારણ ના પાલનકર્તાઓમાં લગીરેય વિશ્વાસ મુકી શકતો નથી. તેમાં નિષ્ફળતા કોની, મારી કે એ ભારતના રખવાળાઓની? આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. કદાચ વિશ્વમાં એકમાત્ર આપણો દેશ જ એવો દેશ હશે જે તેના બંધારણના અસ્તિત્વમાં આવ્યાનો દિવસ, આજે ૬૩ વર્સ પછી પણ દેશની આઝાદીના દિવસ કરતા પણ વધુ ધામધુમથી ઉજવે છે. જે બંધારણ સમિતિમાં દેશના અગ્રણી કાયદાશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતીઓ (કનૈયાલાલ મુન્શી (પૂર્વ ગૃહમંત્રી, બોમ્બે સ્ટેટ), અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર (પૂર્વ એડ્વોકેટ જનરલ, મદ્રાસ સ્ટેટ), એન. ગોપાલસ્વામી આયંગર (પૂર્વ મંત્રી, જમ્મુ અને કાશ્મિર તથા નહેરુ કેબિનેટના સભ્ય), બી.એલ. મીટ્લર (પૂર્વ એડ્વોકેટ જનરલ, ભારત), મોહમદ સાદુલ્લાહ (પૂર્વ મુખ્યમંત્રી, આસામ) અને ડી.પી. ખૈતાન (ખૈતાન ઉદ્યોગકાર કુટુંબના વારસ અને પ્રખ્યાત વકિલ), માધવ રાવ (વડોદરાના મહારાજાના કાયદા સલાહકાર), ટી.ટી. કૃષ્ણમાચારી (ઉદ્યોગપતિ અને કંગ્રેસી))નો સમાવેશ થયો હતો, જે બંધારણના સલાહકાર તરીકે સર બેનેગલ નરસિંગ રાઉ (ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય જજ) રહી ચુક્યા હોય, જે સમિતિના અધ્યક્ષને આજે બંધારણના ઘડવૈયા તરીકેનું માન આપીને તેમની પૂજા થતી હોય, જે બંધારણ અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, જેવા વિશ્વના અન્ય દેશોના બંધારણમાંથી અનુકૂળ અને યોગ્ય કલમો લઈને રચાયું હોય, તે બંધારણ દ્વારા દેશની કરવામાં આવેલી વ્યાખ્યામાં આજે ૬૩ વર્ષ પછી પણ તાર્કિક સ્પષ્ટતા શોધી ન જડતી હોય, તે દેશનું કમભાગ્ય કેટલું? દેશનું કમભાગ્ય એટલે કોનું કમભાગ્ય? દેશની સામાન્ય જનતાનું જ કે બીજા કોઈનું?
આપના પ્રતિભાવ