DjVu

આ DjVu એ મૂળ ફ્રેન્ચ શબ્દો Déjà vuનું ટૂંકાવેલું સ્વરૂપ છે. Déjà vuનો શબ્દશ: અર્થ થાય છે, ‘પહેલા જોયેલું’. આ શબ્દ મોટે ભાગે આપણે બધાએ ક્યારેકને ક્યારેક કરેલા એ અનુભવને વર્ણવવા માટે વપરાય છે, જેમાં આપણે વર્તમાનમાં જે ઘટનામાંથી પસાર થઈ રહ્યા હોઈએ, તે જ ઘટના આપણી સાથે પહેલા ઘટી ચુકી હોવાનો દૃઢ પણે અહેસાસ કરીએ છીએ. આ એક માનસિક સ્થિતિ જ છે, જેમાં કંઈ અસામાન્યતા કે ચિંતા કરવા જેવું નથી હોતું.

પણ, હું અત્યારે તે માનસિક સ્થિતિની કે એ Déjà vu અનુભવની વાત નથી માંડતો. આ DjVu કમ્પ્યૂટરની ફાઇલનો એક પ્રકાર છે. જેમ .jpg, .pdg, .png, .gif, .doc, વગેરે ફાઇલ એક્સ્ટેન્શન્સ છે તેમ જ .DjVu પણ એક ફાઇલ એક્સ્ટેન્શન છે. આ એક્સ્ટેન્શન સ્કેન્ડ ઇમેજીસ સાથે સંકળાયેલું છે. જેમ કોઈ કાગળને સ્કેન કરીને સામાન્યત: તેને .pdf ફોર્મેટમાં સેવ કરતા હોઈએ છીએ તે જ રીતે આ .DjVu ફોર્મેટમાં સેવ કરી શકાય છે. આ ઉપરાંત તે ઓપન ફાઇલ ફોર્મેટ છે અને તેના ડેવલપર્સ તેને ઓપન સોર્સ તરિકે વહેંચે પણ છે. હવે આ બધી ટેકનીકલ વસ્તુઓનો અર્થ એમ થાય કે આ સરળતાથી ઉપલબ્ધ અને મફત મળતું ફાઇલ એક્સ્ટેન્શન છે. .DjVu ફાઇલો ખોલવા માટે વિવિધ સોફ્ટવેર્સ ઉપલબ્ધ છે, અને બ્રાઉઝર પ્લગ-ઇન્સ પણ ઉપલબ્ધ છે, જે જો તમે તમારા બ્રાઉઝર (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા, ગુગલ ક્રોમ, વગેરે)માં ઇન્સ્ટોલ કર્યું હોય તો જેમ .pdf ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ખુલે છે, તેમ આ ફાઇલ પણ તમે ખોલી શકો. હવે પ્રશ્ન ઉઠે કે જો તેમાં અને pdfમાં ફેર ના હોય તો શું કામ આ વાપરવું? તો જવાબ છે, કે તે બંનેમાં ફેર છે. સીધો સાદો ફરક એ કે આ ફોર્મેટમાં બનાવેલી ફાઈલનું કદ pdf અને jpgની સરખામણીએ નાનું હોય છે. અને સામ્યતા એ છે કે આમાં પણ ટેક્સ્ટ સર્ચ અને OCR (ઑપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન)ની સુવિધા તો ઉપલબ્ધ છે જ. એટલે બધી રીતે સ્કેન કરવામાં આવતી ઇમેજીસ માટે આ સારામાં સારું ફાઇલ ફોર્મેટ છે. pdf ફાઇલોને સહેલાઈથી DjVuમાં ફેરવી શકાય છે.

હવે મૂળ મુદ્દા પર આવીએ. આ નામે વિકિસ્રોતમાં એક એક્સ્ટેન્શન છે જેની વાત હું અહીં કરવાનો છું. હવે પાછું થશે કે આ વિકિસ્રોત વળી શું છે? તમે સહુએ વિકિપીડિયા તો સાંભળ્યું જ હશે, અને ગુજરાતી બ્લૉગ વાચકોને ખ્યાલ હશે જ કે ગુજરાતી ભાષામાં પણ વિકિપીડિયા છે, જેમાં ૨૨,૦૦૦થી વધુ લેખો છે. આ વિકિપીડિયાનો ભાઈ કે બહેન જે કહો તે વિકિસ્રોત, જે મૂક્ત સાહિત્યકોશ છે. એટલે કે સાહિત્યની એવી કૃતિઓ કે જેના પર હવે કોઈ પ્રકાશનાધિકારો રહ્યા નથી, તેનો સંગ્રહ. અમે (હું, અશોકભાઈ અને અન્ય ગુજરાતી વિકિપીડીયનો) ત્રણ વર્ષથી ગુજરાતી વિકિસ્રોતની માંગ કરી રહ્યા હતાં, જે ત્રણ દિવસ પહેલા સંતોષાઈ અને ૨૭ માર્ચના દિવસે ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. અમે લોકોએ ત્યાં ૧૦૦૦થી વધુ કૃતિઓ પહેલેથી જ સંગ્રહી રાખી છે, જેમાં મહદંશે ભજનો, આરતિઓ, સ્તોત્રો, ગરબા, લોકગીતો જેવી જનસહજ કૃતિઓ છે. પણ આ ઉપરાંત અમે ત્યાં ગાંધીજીના પુસ્તકો ચઢાવવાનું પણ શરૂ કર્યું. પહેલી કૃતિ અમે લીધી રચનાત્મક કાર્યક્રમ જે સહકાર્ય વડે ફક્ત પાંચ જ દિવસમાં અમે સુશાંતભાઈ સાવલાના માર્ગદર્શન હેઠળ પૂરી કરી અને હાલમાં અશોકભાઈની રાહબરી હેઠળ અમે સત્યના પ્રયોગો પર કાર્ય કરી રહ્યા છીએ.

સ્વાભાવિક રીતે જ પુસ્તકને ડિજીટાઇઝ કરવાનો એક જ માર્ગ છે, તેને ટાઈપ કરવું. અંગ્રેજી અને અન્ય રોમન સ્ક્રિપ્ટમાં લખાતી ભાષાઓને ફાયદો થયો છે OCR સોફ્ટવેર્સનો, જેમાં સ્કેન ઇમેજમાં રહેલું લખાણ આપોઆપ ઇમેજ સ્વરૂપે ન રહેતા ટેક્સ્ટ સ્વરૂપે ફેરવાઇ જાય છે. પણ આપણી ભારતીય ભાષાઓ માટે આવું કોઈ અસરકારક OCR સોફ્ટવેર ઉપલબ્ધ નથી. માટે આપણે ના છૂટકે ટાઈપ કરીને જ ગુજરાન ચલાવવું પડે. આમ કરવા માટે બે જ રસ્તા છે, પુસ્તક સાથે લઈને બેસો, અને તેમાંથી જોઈ-જોઈને ટાઇપ કરો. મારા જેવા જેની પાસે પુસ્તક ના હોય તેને અશોકભાઈ જેવા સેવાભાવી લોકો સ્કેન કરીને ઇમેજ મોકલે અને અમે પ્રિન્ટ કરી, તે પ્રિન્ટઆઉટમાં જોઇજોઇને ટાઇપ કરીએ. આમ કરવામાં ગરદન ઉંચેનીચે કરવી પડે. જો એવું ના કરવું હોય તો મારા જેવા લોકો એક સાથે બે વિન્ડો ખુલ્લી રાખી એક બાજુ સ્કેન્ડ ઇમેજ રાખે અને બીજી બાજુ વિકિસ્રોત ખુલ્લું રાખે જેમાં ટાઇપ કરીએ. આમ, એક જ સ્ક્રીન પર મૂળ સ્રોત અને તેનું નવું ગંતવ્ય બંને દેખાય, ગરદનને ઓછો શ્રમ પડે. આ જ કામ જરા અલગ રીતે કરવા માટે અમારા આ વિકિસ્રોતમાં એક સુવિધા છે જેને કહે છે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન. તેમાં આ DjVu કે pdf ફાઇલો અપલોડ કરીને તેને વિકિસ્રોતમાં જ એક બાજુએ રાખીને બાકીના અડધા સ્ક્રીનમાં ટાઇપ કરવાની સગવડ આપવામાં આવે.

How I digitise

સ્કેન ઇમેજને ટાઇપ કરવાની મારી પદ્ધતિ

Screenshot of DjVu extension

DjVu એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીને બનાવેલું મલયાલમ વિકિનું પુસ્તક

જે લોકો પારંપરિક રીતે ચોપડી કે કાગળો જોઈને ટાઇપ કરતા આવ્યા છે તેમને આ સુવિધા આશીર્વાદ સમાન લાગે, પણ મને મારી ગોઠવણમાં અને આ સુવિધામાં કોઈ ફેર જણાતો નથી. ઉલટાનું હું મારી ગોઠવણ વધુ સુવિધાજનક માનું છું. કારણકે ટાઇપ થઈ ગયા પછી, જે તે પાનું એકદમ સ્વચ્છ દેખાય છે, અને લખાણ આખા સ્ક્રીન પર વહેંચાયેલું હોય છે. જ્યારે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન વાપરીને બનાવેલા પુસ્તકમાં અડધો સ્ક્રીન ઇમેજ રોકે અને અડધા સ્ક્રીનમાં ટાઇપ કરેલું લખાણ દેખાય. મારા મનને આ ફુવડ વસ્તુ લાગે છે (ઉદાહરણ તરીકે અંગ્રેજી વિકિસોર્સનું આ પાનું જુઓ). પણ સાથે સાથે એનો એક ફાયદો એ છે કે તેમાં ટાઇપિસ્ટે કરેલી ભૂલ ભવિષમાં જો કોઈ અન્ય વ્યક્તિ પ્રૂફ રીડર તરીકે કામ કરતી હોય તો તેની પાસે પુસ્તક ના હોવા છતાં તે પ્રૂફ રીડ કરી શકે છે. જ્યારે મારા કેસમાં જે પ્રકરણ અશોકભાઈએ મને ના ફાળવ્યું હોય કે જેની કોપી મને સ્કેન ના કરી હોય તેનું પ્રૂફ રીડીંગ હું કરી શકું નહી, કેમકે મારી પાસે મૂળ સ્રોત ના હોય. પણ જો તેમાં પણ મારી ગાંધીજીના અગિયાર મહાવ્રતોમાંના એકને અનુસરતા હોઈએ, તો “જાતે મહેનત”ના સૂત્રને અનુસરીને આપણે કરેલા ટાઇપિંગનું પ્રૂફ રીડ પણ જો આપણે જ કરી લઈએ તો આ બધી ઝંઝટમાંથી ટળી શકીએ છીએ.

જો તમે વિકિપીડિયામાં કામ કરતા હોવ તો તમને વિકિસ્રોતમાં પણ આમંત્રણ છે, જો ના કરતા હોવ તો તમને વિકિપીડિયા અને વિકિસ્રોત બંનેમાં જોડાવા માટે આમંત્રણ છે. અને જો તમને જોડાઈને યોગદાન કરવામાં રસ ના હોય તો એટલિસ્ટ અમે કરેલી મહેનતનો લાભ ઉઠાવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અમે રાંધ-રાંધ કરીશું અને કોઈ જમશે નહી તો શું કામનું?

અને હા, જો તમે વિકિસ્રોતમાં યોગદાન કરતા હોવ તો આ લેખ વાંચ્યા પછી આ DjVu એક્સ્ટેન્શન વિષે વધુ જાણકારી મેળવવા માટે મારો સંપર્ક અહિં કે મારા વિકિસ્રોત અને વિકિપીડિયાના ચર્ચાનાં પાનાં પર કરી શકો છો. તથા વધુ વાંચન માટે શીજુ એલેક્સનો આ બ્લૉગ વાંચવો. ગુજરાતી વિકિસ્રોતના સભ્યોને જો આ એક્સ્ટેન્શન ઉપયોગી જણાય તો મને ત્યાં જણાવવા વિનંતી, આપણે તે વિષે વધુ ચર્ચા કરીને તે માટે ઘટતું કરી શકીએ.

શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

બે-ત્રણ દિવસ પહેલા ઇમેજીન પર આવતી સિરિઅલ દ્વારકાધીશ જોતો હતો. ઘણા સમયથી તેમાં સુદામાની કથા ચાલી રહી છે. આપણને તો સુદામા ભગવાનને મહેલે તાંબૂલ લઈને ગયો અને ભગવાને મુઠ્ઠી-મુઠ્ઠી તાંબૂલે તેની જાણ બહાર જ તેને ધન અને ઐશ્વર્ય આપ્યું જેની જાણ સુદામાને તે પોતાને ગામ પાછો ફરે છે ત્યારે જ થાય છે, તેટલી જ વાત જાણીએ છીએ (એટલિસ્ટ હું તો એટલું જ જાણતો હતો). પરંતુ આ સિરિયલમાં તો તે ઘટના કદાચ બે મહિના પહેલા આવી ગઈ અને તે પછી પણ હજુ સુદામા જ છવાયેલા રહ્યા છે.

હવે મૂળ વાત પર આવું તો, તેમાં મેં જોયું કે ભગવાન સુદામાના ઘરે રસૌયા બનીને આવે છે, કેમકે સુદામાની પત્ની ધન આવવાને કારણે છકી ગઈ હતી. સુદામા પૈસો મળવા છતાં ભિક્ષુકવૃત્તિ કરીને પેટ ભરવા માંગતો હતો અને બંબે વચ્ચે ચડભડ થતાં સુદામા તેમના ચાર પૈકીના ત્રણ પુત્રોને લઈને પત્નીથી અલગ રહેવા જતો રહે છે. ઝુંપડામાં રહીને, ભિક્ષા માંગીને, તે ભગવાનનું સ્મરણ કરતો રહે છે. પણ તેની પત્ની સુશીલા ધનમાં આળોટતી, સાહ્યબી ભોગવતી ભગવાનનું નામ સુદ્ધાં લેવા તૈયાર નથી. આથી તેને ભગવાનાભિમુખ કરવા અને તેણે સુદામાનો ત્યાગ કરીને કરેલી ભૂલ કબુલ કરાવવા કૃષ્ણ પોતે રસૌયો બની તેના ઘરે આવે છે પરંતુ તેમના લાખ પ્રયત્ન કરવા છતાં સુશીલામાં કોઈ ફેર પડતો નથી. હવે ક્લાઈમેક્સ… કૃષ્ણ એવું કરે છે કે જે એક માત્ર છોકરો સુશીલાની સાથે તેના મહેલમાં રહેતો હોય છે, તે અચાનક માંદો પડે છે. સુશીલા મોટામાં મોટા વૈદ્યને બોલાવે છે, અઢળક સંપત્તિ આપવા તૈયાર થાય છે. એક બાજુ સુદામા તેને સમજાવે છે કે ભગવાન કૃષ્ણના નામનું રટણ કર, બધું થીક થઈ જશે, પણ સુશીલા સુદામા પર ગુસ્સો કરીને તેને હાંકી કાઢે છે. બીજી બાજુ બધાંજ વૈદ્યો હાથ ધોઈ કાઢે છે. આ સમયે સુદામા ફરી તેની પત્ની પાસે જઈને કહે છે કે હવે કૃષ્ણનું શરણું લીધા સિવાય કોઈ ઉપાય નથી. અને કેમકે સુશીલા બધા પ્રયત્નો કરીને થાકી ગઈ હોય છે, પોતાના પુત્રને બચાવવા તે પણ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ એ જ રસૌયા સ્વરૂપે હાજર થાય છે અને તેમના પુત્રને સાજો કરી દે છે. સુશીલા ભગવાનની ભક્ત બની જાય છે.

હવે સવાલ…. શું ભગવાન એટલા સ્વાર્થી છે કે કોઈ માણસ તેમને ના માનતું હોય તો તેનું સંતાન લઈ લેવા સુધીની હદે તેને પિડા આપે કે જેથી ત્રસ્ત થઈને એ વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે? કે આવું તે પોતે મહાન છે અને સૌએ મારૂં શરણું સ્વીકારવું જ જોઈએ તેવા ઘમંડમાં કર્યું હશે? બીજું બધું માનવામાં આવે પણ ભગવાનનું આવું સ્વાર્થી કે ઘમંડી વલણ તો માનવામાં આવે તેવું જ નથી. શું ખરેખર કૃષ્ણએ સુદામાના બાળકની આવી હાલત કરી હશે?

WikiConference India 2011

આ શુક્રવારથી મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીના કેમ્પસમાં વિકિકોન્ફરન્સ ઈન્ડિયા ૨૦૧૧ યોજાઈ રહી છે. ભારતમાં વિકિમિડિયા ફાઉન્ડેશન (વિકિપીડિયાનું ઓર્ગેનાઈઝેશન)ની આ પહેલી કોન્ફરન્સ હશે. ત્રણ દિવસનો ભરચક કાર્યક્રમ રાખ્યો છે અને પહેલા દિવસે જીમી વેલ્સ કિ-નોટ એડ્રેસ કરવાના છે, એટલે કાંઈક મોટા પાયે આયોજન હોય તેમ લાગે છે. ફેસબુકના તેના પેજ પર તો અઢળક લોકો એટેન્ડ કરવાના હોય તેમ બતાવે છે, જોઈએ કેવું રહે છે.

હા ભાઈ, મારા સ્વભાવથી વિરુદ્ધ ટુંકી પોસ્ટ છે, પણ થયું કે આ સમાચાર તો લોકો સાથે વહેંચવા જોઈએ એટલે આટલામાં અટકું છું, જોઈએ, જો તેના અપડેટ્સ શેર કરવાનો મોકો મળશે તો જરૂર કરીશ.

નવરો બેઠો નખ્ખોદ વાળે….

હું થોડા વખત પહેલાં વિચારતો હતો કે આ દેશમાં કેટકેટલી સમસ્યાઓ છે. પેટ્રોલના ભાવ ૩-૪ વર્ષમાં દોઢા કરતા વધુ થઈ ગયા છે. ઘી, તેલ, ખાંડ, લોટ જેવી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લગભગ આ જ અરસામાં દોઢીથી બમણી મોંઘી થઈ ગઈ છે. બ્રેડ જેવો બ્રેડ મોંઘો થઈ ગયો છે. લોકો રોજે રોએ નોકરીઓ ગુમાવી રહ્યાં છે. સરકારે ચુંટણી પહેલા આપેલા વચનોમાંથી ભાગ્યે જ કોઈક વચન પાળ્યું છે. બાકી હતું તે આ વર્ષથી યુનિવર્સિટીઓની ફીમાં પણ ધરખમ વધારો કરીને વાર્ષિક £ ૯,૦૦૦ જેટલી ફી ઝીંકવામાં આવી છે. આ બધા સંજોગોમાં મને એક જ વિચાર આવતો કે, આપણા દેશમાં તો કોઈક નાનું સરખું કારણ પણ હોય તો લોકો સડક પર ઉતરી આવે છે, અહીં કોઈ કશું કેમ કરતું નથી? ૩-૪ મહિના પહેલા જ્યારે વિદ્યાર્થીઓએ ફી વધારા સામે રેલી કાઢી અને તેમાં પોતાનું વરવું રૂપ દેખાડ્યું, જેની ઝપટે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પણ ચઢી ગયા હતાં, ત્યારે થયું કે ચાલો, આ દેશમાં પણ લોકો સાવ નપાવટ નથી, તેમનું લોહી પણ ક્યારેક તો ઉકળે છે. પણ છતાં સવાલ એ જ રહેતો કે આવા આંદોલન એકાદ બે દિવસથી વધારે ચાલતા નથી અને પછી સહુ કોઈ સરકારે કરેલા નિર્ણયોને સ્વિકારી લે છે. આ દેશમાં શિક્ષણનું સ્તર આમે નીચું છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ જી.સી.એસ.સી કે એ-લેવલ (આપણું એસ.એસ.સી. અને એચ.એસ.સી.) કરીને ભણતર છોડી દે છે. જ્યારે હવે આટલી આકરી ફી વધ્યા પછી, કેટલા લોકોને ડિગ્રી લેવી પોસાશે? પણ છતાં, એ આંદોલન પણ એક-બે રેલીઓ થઈને શાંત થઈ ગયું.

પેટ્રોલના ભાવ વધારા અને મોંઘવારી તથા બેરોજગારી સામે તો કોઈ આંદોલનના એંધાણ જ ના દેખાતા. અને હું ચકરાવે ચઢી જતો, કે આવું કેમ? સામાન્ય રીતે જાગૃત અને શિક્ષિત ગણાતો આ સમાજ આમ ગુંટણીયા કેમ ટેકવી દે છે? ત્યારે મને એક જ જવાબ દેખાતો, કે આપણા દેશમાં છાશવારે આંદોલનો થાય છે, તોફાનો-રમખાણો થાય છે, કેમકે લોકોની પાસે કામ નથી. આમદની નથી, અને નવરો બેઠો નખ્ખોદ વાળેના ન્યારે લોકો આવું કોઈક બહાનું મળતા ઝંપલાવી દેતા હોય છે. જ્યારે આ દેશમાં સહુની પાસે કામ છે, લોકો એટલું કમાય છે કે આ દેશમાં જેની પાસે અઠવાડિયે ૫૦ પાઉંડ ખિસ્સ ખર્ચીના હોય તેની ગણતરી ગરિબમાં થાય. હવે આટલા સમૃદ્ધ દેશમાં ગમે તેટલી મોંઘવારી વધે, કોને પડી હોય આંદોલનો કરવાની? જે કમાય છે તે સુખી છે, અને નથી કમાતા તે વધુ સુખી છે, કેમકે તેઓ સરકારી જમાઈઓ છે. સરકાર તેમને રહેવા ઘર, ખાવા-પીવા માટે દર અઠવાડિયે બેકારી ભથ્થુ, બાળકોના ભરણપોષણ માટે ભથ્થા આપીને, તેમની બોલતી બંધ કરી દે છે. તો પછી આંદોલનો કરવા નિકળે કોણં? જે સાવ ગરિબ છે, તે દારૂના અને ડ્રગ્સના નશામાંથી નવરો નથી પડતો. અને હું આવું વિચારીને પાછૂ ફરી વિચારમાં પડી જતો કે, શું મારા આવા વિચારો સાચા છે? પણ શનિવારથી મારા આ વિચારો સાચા હોવાની પ્રતિતીરૂપ ઘટનાઓ ઘટવા માંડી અને આજે સોમવાર થતાં-થતાં તો મારી આ માન્યતા દૃઢ બની ગઈ.

શનિવારથી લંડનમાં તોફાનો શરૂ થઈ ગયા છે. રવિવારે તો એમ લાગતું હતું કે કાબેલ પોલીસ અને ઠેરઠેર ગોઠવાયેલા સી.સી.ટીવી કેમેરાના ડરથી લૂંટફાટ કરતા અને નુકસાન કરી રહેલા તત્વો શમી જશે. પણ આજે દિવસભર એક પછી એક એમ અનેક વિસ્તારોમાં તોફાનો ફેલાયા છે. ગુરૂવારે પોલીસે ટોટનમ (tottenham)માં એક કાળા ડ્રગ ડિલરને ઠાર માર્યો તેના વિરોધમાં શનિવારે નિકળેલી રેલી હિંસક બની, અને ટોટનમ ટાઉન્સેન્ટરની દૂકાનો લૂંટી, અનેકમાં તોડફોડ કરી અને આગ ચાંપી. જે વ્યક્તિ પોલીસની ગોળીનો શિકાર બની હતી તે પોતે પોલીસની સાથે ઝપાઝપીમાં મરી ગઈ. માર્ક ડગન નામનો આ શખ્સ કોકેઇનનો દલાલ હતો, અને પોલીસ ઓપરેશન ટ્રાઇડન્ટ (ડ્રગ્સ ડિલર્સ અને યુઝર્સ માટે ચલાવાતો કાર્યક્રમ)ના ભાગરૂપે તેની ધરપકડ કરવા ગઈ હતી, જે દરમ્યા આ માણસે પોતાની પાસેથી પિસ્તોલ કાઢીને કદાચ પોલીસને ધમકી આપી, અને કોઈક કારણે પોલીસે તેને ગોળી મારીને હણી નાંખ્યો. આ વાતનો પ્રત્યાઘાત કાળી જનતાએ (માફ કરજો, મને અશ્વેત કે શ્યામ જેવા હલકા શબ્દો વાપરવા કરતાં, કાળા, ગોરા જેવા શબ્દો વધુ ઉપયુક્ત લાગે છે, માટે હું તેનો જ ઉપયોગ કરીશ. મારા ઉપર જાતિવાદનો આરોપ લાગતો હોય તો ભલે લાગે) હિંસક તોફાનો દ્વારા આપ્યો. શનિવારે ટોટનમ, વુડગ્રિન, એનફિલ્ડ જેવા ઉત્તર લંડનના વિસ્તારોમાં રમખાણો થયા હતાં. રવિવારે પણ છૂટા-છવાયા છમકલા થયાં. પણ આજે બપોર પછી એક-એક કરીને કાળી પ્રજાની બહુમતિ હોય તેવા લડનના લગભગ દરેક વિસ્તારો, જેમકે બ્રિક્સ્ટન, રોમફર્ડ, હેકની, લુઇશમ, ક્રોયડન, વગેરેમાં પણ હિંસા અને રમખાણો ચાલું થઈ ગયા અને આ દરેક જગ્યાએ લૂંટફાટ, હિંસા અને આગચંપીના બનાવો નોંધાયા.

આવું કેમ થયું? એના જવાબમાં એકતો પહેલું કારણ બેરોજગારી, ડ્રગ્સ, અને આફ્રિકા તથા કેરેબિયન દેશોમાંથી આશ્રિત તરિકે આવીને રહેલી પ્રજાની રફ લાઇફસ્ટાઈલ જવાબદાર છે. મારા મતે તો સૌથી મોટું કારણ બેરોજગારી છે. નવરા બેઠેલા લોકો શું કરે? અને તેમાં પણ અધુરામાં પુરૂં, આ દેશ મૂળ રંગભેદની નીતિવાળા લોકોને. અહીંની પોલીસ પણ કાંઈક અંશે તો જાતિવાદી ખરીજ. હા, કાળી પ્રજા એકદંરે વધુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય છે તે વાત સાચી, પણ પોલીસ પણ તેમને અને એશિયનો (પાકિસ્તાની, બાંગ્લાદેશી, ભારતીય મૂળના લોકો)ને વધુ ટાર્ગેટ બનાવતી હોય. અહીંના લગભગ દરેક લોકોમાં આ રંગભેદ તો જોવા મળે જ. આ ભેદભાવથી અકળાયેલી આ કાળી પ્રજાએ જે કાળોકેર વર્તાવવા માંડ્યો છે, તેનું શું પરિણામ આવશે અને કાલે શું થશે તેની ખબર પડતી નથી.

જે હોય તે, પણ આના પરથી લાગે છે કે, પોલીસતંત્ર અને વહિવટી માળખું ગમે તેટલું સુદૃઢ હોય જ્યારે જનતા વિફરે ત્યારે તેનું કશું નથી ચાલતું.

મેં વાઘ માર્યો

બે વરસ પહેલા હું જ્યારે ભારત ગયો ત્યારે મિત્રો સાથે સુંદરબન ગયો હતો. સુંદરબનમાં તો તમને ખબર જ છે કે વાઘ રહે છે અને બન્યું એવું કે જ્યારે અમે લોકો સુંદરબનમાં ગયા ત્યારે કોઈક કારણસર એક વાઘને અમારી ઉપસ્થિતિ ના ગમી. એણે અમારો રસ્તો આંતર્યો અને અમને આગળ ના જ જવા દીધા. હું હંમેશા મારા દોસ્તોમાં બહાદુર ગણાતો, પણ તે દિવસે મારું પાણી દેખાડી શકું તેવું કશું હું ના કરી શક્યો અને એ ઘડી ને આજનો દિવસ, મારા બધા ભાઈબંધો મારી ઠેકડી ઉડાવતા થઇ ગયા. છેવટે મંગળવારે એ મારા હાથમાં આવી જ ગયો.

થયું એવું કે હું અહીં જ્યાં રહું છું ક્રૉલીમાં ત્યાં અમારા ઘરની પાછળ એક જંગલ છે, હોથ વુડ્સ. મંગળવારે રાત્રે શેફાલીએ ખીચડી અને વઘાર બનાવ્યા’તા જે મારો પ્રિય ખોરાક એટલે બંદાએ દબાઈને ખીચડી ખાધી અને રાત્રે ઉંઘ ના આવી. એટલે પેટ હળવું કરવા હું હોથમાં આંટો મારવા નીકળ્યો. અંદર જતા જ મને પેલા સુંદરબન વાળા વાઘનું બચ્ચું દેખાયું. મને મારા મિત્રોએ કહ્યું તો હતું જ કે એ લોકો ઘણા સમયથી એ વાઘ પર નજર રાખીને બેઠા હતા અને તેમણે પણ એ વાઘને લંડન અને ક્રૉલીની આસપાસ રખડતો જોયો હતો, અને કહ્યું હતું કે હવે તેને બે બચ્ચા પણ છે. હું પણ એ વાઘનું બચ્ચું જોઇને ઓળખી ગયો કે આ એ જ વાઘનું બચ્ચું છે, બસ પછી તો કરવાનું શું હતું? દોડતો પાછો ઘેર ગયો અને મોટી કિચન નાઈફ, બ્રેડ નાઈફ અને એક ફ્લોર બ્રશ લઈને પાછો પહોંચી ગયો. વાઘ અહીં એના કુદરતી નિવાસ કરતા અલગ વાતાવરણમાં હોવાથી મારે જબ્બે થઇ જશે એ ખાતરી સાથે તેને શોધતો શોધતો હું અંધારામાં પણ એની જગ્યાએ જઈ પહોંચ્યો અને ફ્લોર બ્રશનાં દાંડાથી એક એવી એના લમણામાં મારી કે એ ઢળી પડ્યો. અને પછી તો પેલી બંને નાઈફથી એના રામ રમાડી દીધા. અને સરકાર મને વાઈલ્ડ લાઈફ એક્ટમાં અંદર ના કરી દે એટલે એની લાશ મેં ત્યાંથી દૂર લઇ જઈને એક પાણીનું નાળું વહે છે એની વચ્ચે ખાડો ખોદીને દાટી દીધી જેથી કોઈના હાથમાં નાં આવે.


સવારના પહોરમાં મારા ટ્વિટર પર ટ્વિટ કરીને અને ફેસબુક પર અપડેટ કરીને બધા મિત્રોને જણાવી દીધું કે ભાઈ “મેં વાઘ માર્યો”. મોટા ભાગના બધાએ મારી બહાદુરીથી પરિચિત હોવાને કારણે માની જ લીધું પણ તમને તો ખબર છે ને કે ઘઉં હોય ત્યાં કાંકરા પણ હોય, એટલે ફેસબુક અને ટ્વિટર પર એવા શંકાશીલ લોકો સવાલો કરવા લાગ્યા અને સાબિતીઓ માંગવા માંડ્યા.

કોઈક કહે કે મંગળવારે જ કેમ વાઘ માર્યો? હોથ વુડ્સતો તમારા ઘરની પાછળ છે અને તમારે શુક્રવારથી સોમવાર એમ ચાર દિવસ રજા પણ હતી તો આ કામ એ રજાઓમાં કેમ પાર ના પાડ્યું? તમને તો મિત્રોએ પહેલેથી બાતમી આપી જ હતીને કે વાઘ ત્યાં રખડે છે? તો મેં એમને ઍલિબાઇ આપતા કહી દીધું કે ભાઈ, શુક્રવારે રોયલ વેડિંગ જોવામાં નવરાશ ના મળી અને અમે કાંઈ નવરા થોડા છીએ કે રજાઓનો ઉપયોગ આમ જંગલોમાં આંટા મારવામાં કરીએ? એ લોકોતો માની ગયા. પણ હજુ વધુ કાંકરા હતા એમણે સવાલ કર્યો કે, આ ડીજીટલ યુગમાં તમારી પાસે મારેલા વાઘના ફોટા પણ ના હોય એ તો માનવામાં ના આવે એવી વાત છે. તો આપણે પણ કહી દીધું કે માનવું હોય તો માનો અને ના માનવું હોય તો તમારી મરજી, પણ મેં વાઘ માર્યો એની સાબિતી રૂપે તમને આજ પછી ક્યારેય હોથ વુડ્સમાં વાઘ નહી જોવા મળે ત્યારે તો સ્વીકારશો ને કે “મેં વાઘ માર્યો”?

અહીં વાંચનારા પણ કોઈને મારા પર શક હોય તો બેધડક પૂછી શકો છો, હું ખુલાસા આપવા અને દલીલો કરીને મારી સત્યાર્થતા સાબિત કરવા તૈયાર છું.

લિબિયાનો આંતર્વિગ્રહ: કોના દ્વારા, કોના માટે?

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલું લિબિયાનું આંતર્યુદ્ધ શમવાનું નામ જ નથી લેતું. શરૂઆતમાં પ્રચાર માધ્યમોએ તેને આંતર્વિગ્રહ તરિકે ઓળખાવ્યું. અને પછી થોડા સમયમાં બ્રિટન અને ફાન્સ કોઈક અજ્ઞાત કારણે સફાળા બેઠા થયાં અને પારકા દેશમાં ચાલી રહેલા બળવામાં તેમને માનવ અધિકારનો ભંગ થતો દેખાયો. અને તે કારણે આ દયાળુ દેશોનું હૃદય એવું તો દ્રવી ઉઠ્યું કે વર્ગનો મોનિટર જેમ પોતાના દુશમનને અંગુઠા પકડાવવા માટે કોઈક બહાનુ કાઢીને વર્ગશિક્ષકને ચઢાવે અને પોતાનું ધાર્યું કરાવે તે રીતે ‘નાટો’ને સાથે લઈને યુ.એન. પાસે પહોંચી ગયા. હવે એ વખતે બન્યું એવું કે વર્ગશિક્ષક કોઈક કારણે વ્યસ્ત હશે, તો આ મોનિટરને એટલી બધીતો ‘એકી’ આવી હતી કે રોકી શકાય એવું નહોતું, અને તેથી વિચાર્યું કે આ પંતુતો આપણા ખિસ્સામાં જ છે ને, ચાલો એકી કરી આવીએ, પછી એણે પરવાનગી આપ્યા વગર છુટકો જ નથી ને. અને એટલે રાતોરાત લિબિયા પર હુમલો કરી દીધો. અને બિચારા માસ્તર, પોતાનાથી આખો વર્ગ સંભાળી શકાતો નથી માટે જ તગડા મોનિટરો નિમ્યા છે, હવે જો એ મોનિટરની હરકતને પરવાનગી ના આપે તો એમનાથી વર્ગતો સંભાળી શકાય એવો છે નહી, એટલે મને-કમને પણ ‘હા’ ભણી દીધી.

જ્યારે લિબિયામાં બળવાની શરૂઆત થઈ ત્યારે બ્રિટન જેવા પ્રતિષ્ઠિત દેશના વિદેશ મંત્રી વિલિયમ હેગ એવું પાયાહિન નિવેદન કરે છે કે ગદ્દાફી દેશ છોડીને ભાગી ગયા છે જેના જવાબમાં ગદ્દાફી પોતે ટીવી પર આવીને આવી તથ્યહિન વાતોને ‘ગલીના રખડતા કુતરાઓ’ની ચેનલોએ ફેલાવેલી અફવા કહીને વખોડી કાઢે છે. આટલું ઓછું હોય તેમ લિબિયા બ્રિટિશ નેવીના સૈનિકોની ધરપકડ કરે છે જેમાં તેઓ શસ્ત્રો અને ચલણી નાણાં સાથે પકડાય છે. બ્રિટન પાસે એ વખતે એનો જવાબ નહોતો કે એના લશ્કરના સૈનિકો ત્યાં શું કરી રહ્યાં હતાં. જ્યારે લિબિયા પર ‘નો ફ્લાય ઝોન’ ઇમ્પોઝ કરવાનો હતો ત્યારે બ્રિટિશ સંસદમાં ઘણી ચર્ચા ચાલી અને યુતિ સરકારે સાંસદોને એમ કહીને સમજાવ્યાં કે લિબિયાના નાગરિકોના રક્ષણ માટે તેઓ સૈન્ય મોકલી રહ્યાં છે. તે વખતે એવા પણ સવાલો પુછવામાં આવ્યાં હતાં કે શું બ્રિટિશ સૈન્ય દેશની સામાન્ય જનતાને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખશે? આ હુમલાનું મુખ્ય ધ્યેય શું છે? ગદ્દાફીનો જીવ કે લિબિયાની આઝાદી? તો આ સવાલોના કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં નહોતા આવ્યા અને એવું જણાવવામાં આવ્યું હતું કે “જો લિબિયાની આઝાદીનો અર્થ એવો થતો હોય કે કર્નલ ગદ્દાફીનો જાન” તો એવું કરવામાં અમે અચકાઈશું નહી, પણ તેનો જીવ લેવો તે અમારૂં પ્રાથમિક ધ્યેય નથી. (પણ દ્વિતિય કે તૃતિય ધ્યેય તો છે જ એવો છુપો સંદેશો હતો..) હજુ આજે પણ બ્રિટન લિબિયાના બળવાખોર નેતાને આર્થિક અને શસ્ત્ર મદદ કરવા માટે થનગની રહ્યું છે.

આ પરિસ્થિતિમાં મારા મનમાં અનેક સવાલો ઉપજે છે.
૧. દુનિયાના અનેક દેશોમાં માનવ અધિકારો પર તરાપ મારવામાં આવી છે, દા.ત. ચીન, દક્ષિણ કોરિયા, વગેરે. તો પછી લિબિયાની જનતા માટે જ બ્રિટન જેવા ‘દયાળુ’ દેશનું હૃદય કેમ પીગળ્યું? કેમ ચીન પર કે દક્ષિણ કોરિયા પર નો ફ્લાય ઝોન કે પછી વ્યાપારિક પ્રતિબંધ નથી મુકવામાં આવતાં?
(સંભવતઃ જવાબ-મારા મતે: લિબિયામાં ક્રુડ ઓઈલ છે, અને બ્રિટન-અમેરિકા જેવા દેશોને ફક્ત એવા જ દેશોની જનતાની દયા આવે છે જ્યાં તેલ હોય, જેમકે ઈરાક, કુવૈત, વગેરે અને તેથી વિપરિત ચીનની જનતા પર દયા ખાવા જાય તો પોતાની જનતાને જે ચીની માલ સસ્તા ભાવે મળે છે તે મળતો બંઢ થઈ જાય, એટલે ત્યાં બધી દયાઓ નેવે મુકી દેવામાં આવે)

૨. લગભગ ૪૦ વર્ષથી ચાલતા શાસનમાં અચાનક ત્યારેજ બળવો કેમ થાય છે જ્યારે વિશ્વ બજારમાં તેલનાં ભાવ ઉંચકાઈ રહ્યા છે?
(અનુત્તર)

૩. બળવાખોર નેતાઓ પાસે પૈસા અને શસ્ત્રો ક્યાંથી આવ્યાં?
(સંભવતઃ જવાબ: પેલા ઉપરના બ્રિટિશ નેવી વાળા સમાચાર યાદ આવે છે?)

૪. લિબિયન લશ્કરી વડા ‘અલ મેઘરાહી’ કે જે પાન એમ ફ્લાઈટ ૧૦૩ જે ૧૯૮૮માં સ્કોટલેન્ડના લોકરબી શહેર પર બોમ્બ દ્વારા તોડી પાડવાના આરોપસર સજા ભોગવી રહ્યો હતો, તેને ૨૦૦૯માં કેમ મુક્ત કરીને લિબિયા પાછો મોકલવામાં આવ્યો જ્યાં કર્નલ ગદ્દાફીએ તેનું દેશના હિરોની જેમ સ્વાગત કર્યું હતું.

૫. કર્નલ ગદ્દાફીનો છોકરો લંડન સ્કુલ ઓફ ઇકોનોમીમાંથી પી.એચ.ડી.ની પદવી કેવી રીતે લઈ ગયો? ૩૫-૩૭ વર્ષ સુધી ગદ્દાફી અને તેનું કુટુંબ બ્રિટનને મીઠું લાગતું હતું તે અચાનક કેમ કડવું લાગવા માંડ્યું?

૬. બ્રિટને વર્ષોથી કર્નલ ગદ્દાફીને શસ્ત્રો વેચ્યાં છે અને બળવો શરૂ થયાના થોડા સમય પહેલા જ નવો સોદો પાર પાડ્યો હતો, કેમ? બ્રિટિશ ગુપ્તચર સંસ્થાને ખબર નહોતી કે બ્રિટને વેચેલા એ શસ્ત્રોનો ઉપયોગ ગદ્દાફી માનવ અધિકારો ઉપર તરાપ મારવા માટે કરશે?

આવા તો અનેક સવાલ ઉભા થાય છે બ્રિટન અને તેના સાથી દેશો સામે જ્યારે તેઓ દયાના આંચળા હેઠળ પોતાના સ્વાર્થ સાધવા નિકળી પડે છે.

સ્પષ્ટતા: આ લેખનો હેતુ કર્નલ ગદ્દાફીને સારા કે નિર્દોષ ચિતરવાનો જરા પણ નથી, પણ જે ‘સારા’ લાગે તેવા છે તેમના માટે ફરી એક વાર વિચાર કરવા માટે પ્રેરવાનો છે.

ચોક્કસ સમુદાય

હમણાં નંબર ૧ ગુજરાતી વેબસાઈટ પર સમાચાર વાંચતાં ગોધરાકાંડની તારીખની તવારીખ શીર્ષક હેઠળનાં સમાચાર પર જઈ ચઢ્યો, અને તેના પહેલા જ ફકરામાં ઉપરના શબ્દ સમુહનો ઉપયોગ વારેવારે થયેલો જોવા મળ્યો. આ ચોક્કસ સમુદાય એટલે કયો સમુદાય? એ જ સમુદાય કે જેનાથી ભારતની જ નહી દુનિયાભરની જનતા ડરે છે? અને સૌથી વધારે ડરે છે આ ગુજરાતની નંબર ૧ વેબસાઈટ? રે કારયરતા….! મુસ્લિમ સમુદાય એવું સરેઆમ લખવામાં શું ડર લાગે છે કે લખનાર પોતે પણ તે ‘ચોક્કસ સમુદાય’નો હોવાથી શરમ અનુભવે છે? ગુજરાતના નાનાંમાં નાનાં બાળકને પણ ખબર હશે કે એ જે સમુદાયની વાત થઈ રહી છે તે મુસ્લિમ સમુદાયની વાત છે, કે પછી ‘ચોક્કસ સમુદાય’નું નામ લખીને હું ‘ભગવા આતંકવાદ’નો ઝંડો લહેરાવીને પ્રવક્તા બની રહ્યો છું?

જોર ક ઝટકા

NDTV Imagine પર છેલ્લા થોડા વખતથી આવતી શાહરૂખ ખાનની આ જાહેરાત કાંઇક આંખને ખૂંચે છે. આમ એકદમ ખૂલ્લેઆમ આવી ગાળ દેવા જેવી અશ્લિલ અંગ ચેષ્ટાઓ કરવી તેના જેવા મોટા કલાકારને શું શોભે છે? અને તેથી પણ મોટો સવાલ કે ઇમેજીન જેવી ચેનલે શું સોગંદ ખાધા છે કે તે ભારતની પ્રજાને અને તેની સંસ્કૃતિને ભ્રષ્ટ કરીને જ જંપશે? પહેલા મીઠી છૂરી નં ૧, જેમાં પરિવાર સાથે તો શું એકલા બેસીને પણ આપણે છોકરીઓ (મહિલાઓ કહીએ તો તો મહિલાઓનું અપમાન થયું કહેવાય)ની આવી ભાષા અને વાતો સાંભળી શકીએ તેવું નહોતું, પછી આવી આ રાખી કા ઈન્સાફ, જેમાં દરેક હપ્તે આપણને એમ લાગ્યા કરે કે હવે ભગવાન આ બાઈ સાથે ઈન્સાફ કરે તો સારૂં, અને બાકી રહેતું હતું તો હવે આ કહેવાતા કિંગ ખાનની આવી અશ્લિલ ચેષ્ટાઓ વાળી જાહેરાત. હું તો ભારતમાં નથી એટલે તમને પુછું છું કે શું ખરેખર ભારત દેશ આટલી હદે ‘ઍડ્વાન્સ’ થઈ ગયો છે? અમારા દેશમાં તો રસ્તે જતી નારીઓ આવી કુચેષ્ટાઓ કરે, કે ગાળા-ગાળી કરે, અને સહકાર્યકર્તાઓ સાથે પોતાની પાછલી રાતના અનુભવો કહે તે નવાઈ નથી, પરંતુ ભારતમાં પણ હવે એ દિવસો આવી ગયા છે?

હિમવર્ષાનો વિરામ

અંતે આજે ચોથા દિવસે હિમવર્ષાએ વિરામ લીધો છે, અને જીવન થોડું રાબેતામુજબ થવા લાગ્યું છે. હું પણ આજે ત્રણ દિવસે ઓફિસ આવ્યો. જો કે રોજે એક કલાક લેતી મારી મુસાફરી આજે લગભગ બે કલાકે પુરી થઈ અને લંડન બ્રિજ સ્ટેશને ઉતરતી વખતે ટ્રેનના ડ્રાઈવરે ઘોષણા કરી કે “જો આપ પાછા ફરવાના હોવ તો (વાહિયાત સવાલ, કોણ સવારના પહોરમાં લંડન બ્રિજ સ્ટેશન ઉપર રહેવા માટે આવે છે?) મુસાફરી શરૂ કરતા પહેલાં તપાસ કરી લેજો કે ટ્રેનો ચાલું છે”. અને તે સાથે જ હૈયામાં ફાળ પડી કે, સાંજનો ભરોસો નથી. પણ એ તો પડશે એવા દેવાશે, હિંમતે મડદા તો ઢહેડે ખુદા…

હિમવર્ષા (ચાલુ….)

હા, પોસ્ટ પણ આગલા બ્લોગના અનુસંધાનમાં એટલે શીર્ષકમાં ચાલુ… અને બરફ પણ આજે સતત ત્રીજા દિવસે ચાલુ. ગઈકાલે આખો દિવસ ઘરે હતો, કેમકે સવારે દોઢ કલાક સ્ટેશન પર ઉભો રહીને આવ્યો, મલ્ટીપલ પોઈન્ટ ફેઇલરને કારણે ટ્રેનો ચાલતી નહોતી, પૃથા અને વ્રજની સ્કુલો પણ બંધ હતી, એટલે આખો દિવસ ઘરે બેસીને ચીપ્સ અને ફરાળ ખાધે રાખ્યાં (હા ભાઈ, કાલે અગિયારશ હતીને..!). આજે સવારે સ્ટેશન પહોંચવાની મૂર્ખામી ના કરી, કેમકે ઘરની પાછળથી જ રેલ્વે ટ્રેક પસાર થાય છે, પણ સવારે ઉઠતાં જ જોયું હતું કે પાટા બીલકુલ દેખાતા નથી, એનો અર્થ કે એકેય ટ્રેન પસાર થઈ નથી, એટલે નાહી-ધોઈને ઓનલાઈન Live Departure Boardમાં ચેક કર્યું તો બધીજ ટ્રેનો કેન્સલ બતાવે છે. એટલે આજે પણ ઘરે, અને વ્રજની સ્કુલમાંથી તો ટેક્સ્ટ પણ આવી ગયો કે “સ્કુલ ઇસ ક્લોસ્ડ ટુડે અલ્સો, ડ્યુ ટુ એડ્વર્સ વેધર”, ચાલો, આજે કયું પિક્ચર ડાઉનલોડ કરવું તે વિચારૂં છું, એક્શન રિપ્લે, ગોલમાલ ૩ અને ખીચડી જોઈ લીધા છે, હવે કયાં નવા કોમેડી બાકી રહ્યા? કે પછી આજે ઓનલાઈન કોઈક નાટક જોઈશુ? નીચેનાં ફોટા જુઓ એટલે ખ્યાલ આવે કે લંડનની હાલત કેવી છે.

૧લી તારીખે દેખાતા રેલ્વેના પાટા અને વૃક્ષો

૨જી તારીખે પાટા

પહેલા ફોટોમાં છે તે જ વૃક્ષો વધુ બરફ પડ્યા પછી

Follow

Get every new post delivered to your Inbox.

Join 35 other followers