વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ

તમને સૌને વિકિસ્રોતની પહેલી વરસગાંઠમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે!

મોટાભાગના લોકોએ આ શબ્દ-વિકિસ્રોત, હવે તો સાંભળ્યો જ હશે. જેમણે ના સાંભળ્યો હોય તેમણે વિકિપીડિયા તો સાંભળ્યો જ હોવો જોઈએ. શક્ય છે કે મારા અને અશોકભાઈ જેવા બીજા ડઝનેકથી પણ વધુ સ્વયંસેવકોના પ્રયાસો તમને વિદિત ન હોય. વિકિસ્રોત એ એક એવું જાળસ્થળ (વેબસાઇટ) છે જેમાં તમને ગુજરાતી સાહિત્ય વાંચવા મળશે. હવે તમે પૂછશો કે તેમાં શું ધાડ મારી? બ્લૉગજગતમાં ૮૦ ટકા બ્લૉગો સાહિત્ય જ પિરસે છે. તો મારા ભાઈ કે બહેન કે પછી અન્ય (હા, આજકાલ આ અન્યનો ઉલ્લેખ અલગથી કરવો પડે એવું થઈ ગયું છે. અમારા આ દેશમાં ઘણા ફોર્મમાં જાતિમાં પુરુષ, સ્ત્રી, ઉભયલિંગી અને ગુપ્ત એમ ચાર પર્યાયો હોય છે), એ સાહિત્ય કે જે રોજની એક કૃતિ જેટલા ઝડપી દરે રચાતું હોય અને વાંચ્યા પછીની દસમી મિનિટે વિસરાઈ જતું હોય તે સાહિત્યની વાત નથી. વિકિસ્રોત પર તમને નામી સાહિત્યકારોનું સાહિત્ય મુક્તપણે માણવા મળશે. તમને ખબર છે કે ગાંધીજીએ કેટલા પુસ્તકો લખ્યા છે? ઝવેરચંદ મેઘાણીએ વ્રતકથાઓ પણ લખી છે? ભદ્રંભદ્ર વિષે તો સૌને જાણ હશે જ, પણ શું તમે વાંચ્યું છે? આ ભદ્રંભદ્ર, ગાંધીજીના તમે જાણતા હોવ તેવા અને ન જાણતા હોવ તેવા, મેઘાણીની નવલિકાઓ ઉપરાંત વ્રતકથાઓ, કલાપીની કવિતાઓ ઉપરાંત કાશ્મીરનું પ્રવાસ વર્ણન, વગેરે બધું તમારે વાંચવું હોય તો શું તમને હાથવગું છે? જવાબ છે, હા! જી હા, વિકિસોત પર મારા તમારા જેવા જ સામાન્ય માણસો આપણી માતૃભાષાની સેવા અને સંવર્ધનના હેતુથી એ બધા પુસ્તકો ટાઇપ કરે છે જેથી તમે વાંચી શકો, આપણી આવનારી પેઢીઓ વાંચી શકે. તો આ એ વિકિસ્રોતની વાત છે.

આ વિકિસ્રોતનો જન્મ ગયા વર્ષે આ મહિનામાં થયો હતો. ગુજરાતી ભાષામાં વિકિસ્રોત હોવું જોઈએ એવો વિચાર માર્ચ ૨૦૦૯ પહેલા આવ્યો હતો અને તે સમયે વિકિપીડિયા પર સક્રિય એવા અશોકભાઈ, જીતેન્દ્રસિંહજી, સુશાંતભાઈ, મહર્ષિભાઈ અને સતિષભાઈ ઉપરાંત અન્ય મિત્રોએ એ વિચારમાં પોતાનું સમર્થન ઉમેરતા અમે માર્ચ ૨૦૦૯માં એ અરજી કરી હતી જેનો નિવેડો હજુ ગયા વર્ષે આવ્યો. અને એટલે જે દિવસે ગુજરાતીમાં વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું તે તેનો જન્મ દિવસ. આ પવિત્ર મંગલકારી દિવસ હતો ૨૭ માર્ચ ૨૦૧૨નો. આ વર્ષે જોગાનુજોગે હું તે દિવસની આસપાસના સમય દરમ્યાન ભારતમાં છું એટલે અમે લોકોએ (વિકિસ્રોત અને વિકિપીડિયાના મિત્રોએ) ભેગા થઈને આ પ્રથમ વર્ષગાંઠની ધામધુમથી ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડ્યો છે. વળી સોનામાં સુગંધ ભળે તેમ, રૂપાયતન કે જે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા નરસિંહ મહેતા પુરસ્કારની યજમાન સંસ્થા છે, તેણે અમારી આ ઉજવણી પોતાને આંગણે કરવા માટે રાજીપો દર્શાવ્યો. ૨૭ માર્ચને દિવસે આ વર્ષે ધુળેટી હોવાથી, અમે ઉજવણી રવિવારે કરવાનું નક્કી કર્યું છે.

૩૧ માર્ચની સવારે ૧૦થી ૧ દરમ્યાન ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આવેલી રૂપાયતન આશ્રમશાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધરંગી કાર્યક્રમનું આયોજન છે. કાર્યક્રમની રૂપરેખા અહિં જોઈ શકાશે. તમને સૌ વાંચકોને આ કાર્યક્રમમાં આવવા માટેનું આગ્રહભર્યું આમંત્રણ છે. અને હા, ગિફ્ટ અને ચાંલા પ્રથા બંધ છે, એટલે ખિસ્સાને ખાસ ભાર પડવાનો નથી, તો જરૂર આવો. તમારા આવવાની જાણ અમને ઉપસ્થિતિના પૃષ્ઠ પર કરશો જેથી અમે તમારી આગતા-સ્વાગતાની તૈયારીઓ સુપેરે કરી શકીએ.

આ ઉપરાંત ૨૯ માર્ચે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં પણ વિકિસ્રોત પર એક વક્તવ્યનું આયોજન કર્યું છે. જેની વિગતો ટૂંક સમયમાં આપીશ અને હા, જો તમે ગુજરાતમાં ન હોતા મુંબઈમાં હોવ તો ૬ એપ્રિલે બોરીવલીમાં આવેલા સાંઈ મંદિરના મેડે ‘ઝરુખો’ની માસિક બેઠકમાં પણ હું અને સુશાંતભાઈ “ગુજરાતી સાહિત્યપ્રસારની નવી દિશા ..વિકિપીડિયા અને વિકિસ્રોત” વિષય પર વાર્તાલાપ કરવાના છીએ.

આ બધા જ કાર્યક્રમોમાં સૌને સહર્ષ આમંત્રું છું! અને તમારા કોઈ ઓળખીતા પાળખીતા, સગા, સ્નેહી, વિકિસ્રોત અને વિકિપીડીયાની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય કે તે વિષે જાણવા માંગતા હોય તો તેમને પણ જાણ કરશો. તો મળીએ રૂબરૂમાં.

DjVu

આ DjVu એ મૂળ ફ્રેન્ચ શબ્દો Déjà vuનું ટૂંકાવેલું સ્વરૂપ છે. Déjà vuનો શબ્દશ: અર્થ થાય છે, ‘પહેલા જોયેલું’. આ શબ્દ મોટે ભાગે આપણે બધાએ ક્યારેકને ક્યારેક કરેલા એ અનુભવને વર્ણવવા માટે વપરાય છે, જેમાં આપણે વર્તમાનમાં જે ઘટનામાંથી પસાર થઈ રહ્યા હોઈએ, તે જ ઘટના આપણી સાથે પહેલા ઘટી ચુકી હોવાનો દૃઢ પણે અહેસાસ કરીએ છીએ. આ એક માનસિક સ્થિતિ જ છે, જેમાં કંઈ અસામાન્યતા કે ચિંતા કરવા જેવું નથી હોતું.

પણ, હું અત્યારે તે માનસિક સ્થિતિની કે એ Déjà vu અનુભવની વાત નથી માંડતો. આ DjVu કમ્પ્યૂટરની ફાઇલનો એક પ્રકાર છે. જેમ .jpg, .pdg, .png, .gif, .doc, વગેરે ફાઇલ એક્સ્ટેન્શન્સ છે તેમ જ .DjVu પણ એક ફાઇલ એક્સ્ટેન્શન છે. આ એક્સ્ટેન્શન સ્કેન્ડ ઇમેજીસ સાથે સંકળાયેલું છે. જેમ કોઈ કાગળને સ્કેન કરીને સામાન્યત: તેને .pdf ફોર્મેટમાં સેવ કરતા હોઈએ છીએ તે જ રીતે આ .DjVu ફોર્મેટમાં સેવ કરી શકાય છે. આ ઉપરાંત તે ઓપન ફાઇલ ફોર્મેટ છે અને તેના ડેવલપર્સ તેને ઓપન સોર્સ તરિકે વહેંચે પણ છે. હવે આ બધી ટેકનીકલ વસ્તુઓનો અર્થ એમ થાય કે આ સરળતાથી ઉપલબ્ધ અને મફત મળતું ફાઇલ એક્સ્ટેન્શન છે. .DjVu ફાઇલો ખોલવા માટે વિવિધ સોફ્ટવેર્સ ઉપલબ્ધ છે, અને બ્રાઉઝર પ્લગ-ઇન્સ પણ ઉપલબ્ધ છે, જે જો તમે તમારા બ્રાઉઝર (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા, ગુગલ ક્રોમ, વગેરે)માં ઇન્સ્ટોલ કર્યું હોય તો જેમ .pdf ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ખુલે છે, તેમ આ ફાઇલ પણ તમે ખોલી શકો. હવે પ્રશ્ન ઉઠે કે જો તેમાં અને pdfમાં ફેર ના હોય તો શું કામ આ વાપરવું? તો જવાબ છે, કે તે બંનેમાં ફેર છે. સીધો સાદો ફરક એ કે આ ફોર્મેટમાં બનાવેલી ફાઈલનું કદ pdf અને jpgની સરખામણીએ નાનું હોય છે. અને સામ્યતા એ છે કે આમાં પણ ટેક્સ્ટ સર્ચ અને OCR (ઑપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન)ની સુવિધા તો ઉપલબ્ધ છે જ. એટલે બધી રીતે સ્કેન કરવામાં આવતી ઇમેજીસ માટે આ સારામાં સારું ફાઇલ ફોર્મેટ છે. pdf ફાઇલોને સહેલાઈથી DjVuમાં ફેરવી શકાય છે.

હવે મૂળ મુદ્દા પર આવીએ. આ નામે વિકિસ્રોતમાં એક એક્સ્ટેન્શન છે જેની વાત હું અહીં કરવાનો છું. હવે પાછું થશે કે આ વિકિસ્રોત વળી શું છે? તમે સહુએ વિકિપીડિયા તો સાંભળ્યું જ હશે, અને ગુજરાતી બ્લૉગ વાચકોને ખ્યાલ હશે જ કે ગુજરાતી ભાષામાં પણ વિકિપીડિયા છે, જેમાં ૨૨,૦૦૦થી વધુ લેખો છે. આ વિકિપીડિયાનો ભાઈ કે બહેન જે કહો તે વિકિસ્રોત, જે મૂક્ત સાહિત્યકોશ છે. એટલે કે સાહિત્યની એવી કૃતિઓ કે જેના પર હવે કોઈ પ્રકાશનાધિકારો રહ્યા નથી, તેનો સંગ્રહ. અમે (હું, અશોકભાઈ અને અન્ય ગુજરાતી વિકિપીડીયનો) ત્રણ વર્ષથી ગુજરાતી વિકિસ્રોતની માંગ કરી રહ્યા હતાં, જે ત્રણ દિવસ પહેલા સંતોષાઈ અને ૨૭ માર્ચના દિવસે ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. અમે લોકોએ ત્યાં ૧૦૦૦થી વધુ કૃતિઓ પહેલેથી જ સંગ્રહી રાખી છે, જેમાં મહદંશે ભજનો, આરતિઓ, સ્તોત્રો, ગરબા, લોકગીતો જેવી જનસહજ કૃતિઓ છે. પણ આ ઉપરાંત અમે ત્યાં ગાંધીજીના પુસ્તકો ચઢાવવાનું પણ શરૂ કર્યું. પહેલી કૃતિ અમે લીધી રચનાત્મક કાર્યક્રમ જે સહકાર્ય વડે ફક્ત પાંચ જ દિવસમાં અમે સુશાંતભાઈ સાવલાના માર્ગદર્શન હેઠળ પૂરી કરી અને હાલમાં અશોકભાઈની રાહબરી હેઠળ અમે સત્યના પ્રયોગો પર કાર્ય કરી રહ્યા છીએ.

સ્વાભાવિક રીતે જ પુસ્તકને ડિજીટાઇઝ કરવાનો એક જ માર્ગ છે, તેને ટાઈપ કરવું. અંગ્રેજી અને અન્ય રોમન સ્ક્રિપ્ટમાં લખાતી ભાષાઓને ફાયદો થયો છે OCR સોફ્ટવેર્સનો, જેમાં સ્કેન ઇમેજમાં રહેલું લખાણ આપોઆપ ઇમેજ સ્વરૂપે ન રહેતા ટેક્સ્ટ સ્વરૂપે ફેરવાઇ જાય છે. પણ આપણી ભારતીય ભાષાઓ માટે આવું કોઈ અસરકારક OCR સોફ્ટવેર ઉપલબ્ધ નથી. માટે આપણે ના છૂટકે ટાઈપ કરીને જ ગુજરાન ચલાવવું પડે. આમ કરવા માટે બે જ રસ્તા છે, પુસ્તક સાથે લઈને બેસો, અને તેમાંથી જોઈ-જોઈને ટાઇપ કરો. મારા જેવા જેની પાસે પુસ્તક ના હોય તેને અશોકભાઈ જેવા સેવાભાવી લોકો સ્કેન કરીને ઇમેજ મોકલે અને અમે પ્રિન્ટ કરી, તે પ્રિન્ટઆઉટમાં જોઇજોઇને ટાઇપ કરીએ. આમ કરવામાં ગરદન ઉંચેનીચે કરવી પડે. જો એવું ના કરવું હોય તો મારા જેવા લોકો એક સાથે બે વિન્ડો ખુલ્લી રાખી એક બાજુ સ્કેન્ડ ઇમેજ રાખે અને બીજી બાજુ વિકિસ્રોત ખુલ્લું રાખે જેમાં ટાઇપ કરીએ. આમ, એક જ સ્ક્રીન પર મૂળ સ્રોત અને તેનું નવું ગંતવ્ય બંને દેખાય, ગરદનને ઓછો શ્રમ પડે. આ જ કામ જરા અલગ રીતે કરવા માટે અમારા આ વિકિસ્રોતમાં એક સુવિધા છે જેને કહે છે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન. તેમાં આ DjVu કે pdf ફાઇલો અપલોડ કરીને તેને વિકિસ્રોતમાં જ એક બાજુએ રાખીને બાકીના અડધા સ્ક્રીનમાં ટાઇપ કરવાની સગવડ આપવામાં આવે.

How I digitise

સ્કેન ઇમેજને ટાઇપ કરવાની મારી પદ્ધતિ

Screenshot of DjVu extension

DjVu એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીને બનાવેલું મલયાલમ વિકિનું પુસ્તક

જે લોકો પારંપરિક રીતે ચોપડી કે કાગળો જોઈને ટાઇપ કરતા આવ્યા છે તેમને આ સુવિધા આશીર્વાદ સમાન લાગે, પણ મને મારી ગોઠવણમાં અને આ સુવિધામાં કોઈ ફેર જણાતો નથી. ઉલટાનું હું મારી ગોઠવણ વધુ સુવિધાજનક માનું છું. કારણકે ટાઇપ થઈ ગયા પછી, જે તે પાનું એકદમ સ્વચ્છ દેખાય છે, અને લખાણ આખા સ્ક્રીન પર વહેંચાયેલું હોય છે. જ્યારે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન વાપરીને બનાવેલા પુસ્તકમાં અડધો સ્ક્રીન ઇમેજ રોકે અને અડધા સ્ક્રીનમાં ટાઇપ કરેલું લખાણ દેખાય. મારા મનને આ ફુવડ વસ્તુ લાગે છે (ઉદાહરણ તરીકે અંગ્રેજી વિકિસોર્સનું આ પાનું જુઓ). પણ સાથે સાથે એનો એક ફાયદો એ છે કે તેમાં ટાઇપિસ્ટે કરેલી ભૂલ ભવિષમાં જો કોઈ અન્ય વ્યક્તિ પ્રૂફ રીડર તરીકે કામ કરતી હોય તો તેની પાસે પુસ્તક ના હોવા છતાં તે પ્રૂફ રીડ કરી શકે છે. જ્યારે મારા કેસમાં જે પ્રકરણ અશોકભાઈએ મને ના ફાળવ્યું હોય કે જેની કોપી મને સ્કેન ના કરી હોય તેનું પ્રૂફ રીડીંગ હું કરી શકું નહી, કેમકે મારી પાસે મૂળ સ્રોત ના હોય. પણ જો તેમાં પણ મારી ગાંધીજીના અગિયાર મહાવ્રતોમાંના એકને અનુસરતા હોઈએ, તો “જાતે મહેનત”ના સૂત્રને અનુસરીને આપણે કરેલા ટાઇપિંગનું પ્રૂફ રીડ પણ જો આપણે જ કરી લઈએ તો આ બધી ઝંઝટમાંથી ટળી શકીએ છીએ.

જો તમે વિકિપીડિયામાં કામ કરતા હોવ તો તમને વિકિસ્રોતમાં પણ આમંત્રણ છે, જો ના કરતા હોવ તો તમને વિકિપીડિયા અને વિકિસ્રોત બંનેમાં જોડાવા માટે આમંત્રણ છે. અને જો તમને જોડાઈને યોગદાન કરવામાં રસ ના હોય તો એટલિસ્ટ અમે કરેલી મહેનતનો લાભ ઉઠાવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અમે રાંધ-રાંધ કરીશું અને કોઈ જમશે નહી તો શું કામનું?

અને હા, જો તમે વિકિસ્રોતમાં યોગદાન કરતા હોવ તો આ લેખ વાંચ્યા પછી આ DjVu એક્સ્ટેન્શન વિષે વધુ જાણકારી મેળવવા માટે મારો સંપર્ક અહિં કે મારા વિકિસ્રોત અને વિકિપીડિયાના ચર્ચાનાં પાનાં પર કરી શકો છો. તથા વધુ વાંચન માટે શીજુ એલેક્સનો આ બ્લૉગ વાંચવો. ગુજરાતી વિકિસ્રોતના સભ્યોને જો આ એક્સ્ટેન્શન ઉપયોગી જણાય તો મને ત્યાં જણાવવા વિનંતી, આપણે તે વિષે વધુ ચર્ચા કરીને તે માટે ઘટતું કરી શકીએ.

Follow

Get every new post delivered to your Inbox.

Join 35 other followers