મારી લીટી મોટી કે તારી લીટી નાની?

વર્ષો પહેલા કદાચ ચોથા ધોરણમાં કે એમ સ્વામી વિવેકાનંદ વિષેની એક વાર્તા ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં આવતી હતી તે યાદ છે? સ્વામી વિવેકાનંદ જ્યારે શાળામાં હતા ત્યારે તેમના શિક્ષકે બોર્ડ પર એક આડી લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને અડક્યા વગર ટૂંકી કરીને બતાવો. બધાને એક જ રસ્તો સૂઝતો હતો, ડસ્ટર વડે લીટી ભૂંસવાનો પણ તેમ કરવા પર પ્રતિબંધ હતો. વિચક્ષણ બુદ્ધિવાળા નરેન્દ્રએ (જે પાછળથી સંન્યાસ લઈને સ્વામી વિવેકાનંદ બન્યા) ચોક (કે ચાક) હાથમાં લીધો અને પાટીયા પર જ્યાં એ લીટી દોરેલી હતી એની ઉપર બીજી એક લીટી તાણી નાખી, આ લીટી શિક્ષકે દોરેલી લીટી કરતા મોટી હતી. આમ તેમણે શિક્ષકની લીટીને ભૂંસ્યા વગર તેને નાની સાબિત કરી બતાવી.

આમ તો આ વાર્તા પ્રેરણાત્મક વાર્તા (મોટિવેશનલ સ્ટોરી) ગણાય અને એ કારણે જ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામી હશે, પણ જ્યારથી સમજણો થયો ત્યારથી એ વાત કદી ગળે ઉતરી નહી કે પોતાનો કક્કો ખરો કરીને બીજાને ખોટો પાડવાથી કેવી રીતે મહાન બનાય? કોઈ પણ લીટીને નાની કરવા માટે એની બાજુમાં, ઉપર કે નીચે એથી લાંબી લીટી શું કામ તાણવી પડે? આપણે પણ જીવનમાં અન્યને નીચા પાડવા કે બતાવવા માટે થઈને આપણી જાતને એમનાથી ચડિયાતા સાબિત કરતા હોઈએ જ છીએ, જે સૈદ્ધાંતિક રીતે જ ખોટું છે. એવી કેળવણીનો પાયો આવી વાર્તાઓમાં રહેલો છે.

આ બધું આજે કેમ યાદ આવ્યું એમ ના પૂછશો. થયું એવું કે સવાર સવારમાં પ્રાતઃકાળે અર્લિ મોર્નિંગ ઉઠ્યો ત્યારે મોબાઈલમાં એક બ્લૉગ અપડેટનો ઇમેલ આવ્યો હતો તે વાંચ્યો. બ્લૉગ સારા એવા જાણીતા મુરબ્બીશ્રીનો છે. નામ નહિ લઉં, કારણ એક જ કે જે મુદ્દો છે તેમાં તેઓ સીધી રીતે દોષી નથી કે નથી હું એમનો વાંક કાઢતો. તેઓ તો ફક્ત નિમિત્ત બન્યા છે. હા, તો વાત એમ છે કે બ્લોગમાં તેમણે એક વાર્તા લખી છે, એ વાર્તામાં એમણે ઔષધશાસ્ત્ર માટે લખ્યું કે “ઔષધશાસ્ત્ર (Medicine)ના પિતા હિપોક્રેટ્સ…” અને બસ, મારી પીન ત્યાં ચોંટી ગઈ. તે મુરબ્બી શ્રી કાંઈ ઇતિહાસની દૃષ્ટિએ તવારિખ નથી આપી રહ્યા, આ ઉલ્લેખ ફક્ત વાર્તાનું એક પાત્ર શું વિચારે છે તેની પૃષ્ઠભૂમિ બાંધવા જ લખાયું છે, એટલે તેના માટે અમારી વિકિપીડિયાની આદત મૂજબ સંદર્ભ માંગી ન શકું.

સવાલ એમ થયો કે ગ્રિક હિપોક્રેટ્સ ઔષધશાસ્ત્રના જનક કેવી રીતે હોઈ શકે? જો તે પિતા હોય તો આપણા ચરક મૂનિ અને સુશ્રુત શું બાળકો હતા? ખાંખાખોળા ચાલુ કર્યા, પહેલા તો આ વાત સાચી કે ખોટી એ તપાસ કરવી હતી જે આંશિક રીતે સાચી છે એમ પ્રતિપાદિત થયું. બીજે ક્યાંથી થાય ભાઈ? (અને બહેન? પણ, બસ!) વિકિપીડિયામા સ્તો. અંગ્રેજી વિકિપીડિયા હિપોક્રેટ્સ માટે કહે છે કે તે આધુનિક ઔષધશાસ્ત્રનો પિતા ગણાય છે (He is referred to as the “Father of Modern Medicine”), અને આવું કહેનારા ઓછામાં ઓછા ત્રણ સંદર્ભો છે (1. Grammaticos PC, Diamantis A (2008). “Useful known and unknown views of the father of modern medicine, Hippocrates and his teacher Democritus”. Hell J Nucl Med. 11 (1): 2–4. PMID 18392218.
2.Jump up ^ “Hippocrates”. Microsoft Encarta Online Encyclopedia. Microsoft Corporation. 2006. Archived from the original on 2009-10-31.
3.Jump up ^ Strong, W.F.; Cook, John A. (July 2007), “Reviving the Dead Greek Guys” (pdf), Global Media Journal, Indian Edition). હવે ‘(ફક્ત આધુનિક નહિ, સમસ્ત) ઔષધશાસ્ત્રના પિતા’ કોણ એ જાણવા ચરકનું પાનું ખોલ્યું અને ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ ઔષધશાસ્ત્રના પિતા તરિકે સુપ્રખ્યાત છે (He is well known as the “father of medicine”.) (સંદર્ભ: Dr. B. R. Suhasનું પુસ્તક https://books.google.co.uk/books?id=nEKFAwAAQBAJ&pg=PP18&dq=charaka+father+of&hl=en&sa=X&redir_esc=y#v=onepage&q=charaka%20father%20of&f=false).

માટે મિત્રો, આપણે આપણા ભવ્ય વારસાને ભૂલીએ નહિ અને લોકોએ કરેલા દાવાઓથી ભરમાઈએ નહિ. આપણી ભારતીય સંસ્કૃતિએ વિશ્વને ઘણું આપ્યું છે, વેદોથી માંડીને ઔષધશાસ્ત્ર અને શુન્ય અને બીજગણિત અને ત્રિકોણમિતિ અને બીજું ઘણું બધું. ભલે પછી ઇલિયાડ અને ઓડીસીને પાશ્ચાત્ય સાહિત્યની પુરાતનતમ કૃતિઓમાં ગણવામાં આવી હોય, આપણા વેદો અને મહાભારત એથી પણ વધુ પહેલા રચાયા હતા અને માટે તે (ફક્ત પાશ્ચાત્ય કે પૌરાત્ય નહિ, પણ સમગ્ર) સાહિત્યની જૂનામાં જૂની રચના ગણવામાં આવે છે. જે પાશ્ચાત્ય જગતને ભારતની મહાનતા સ્વિકારતા પેટમાં દુઃખે છે તે પશ્ચિમ, આધુનિક એવા વિશેષણો વાપરીને અન્ય લીટીઓને આપણી લીટી કરતા મોટી બતાવવાનો પ્રયત્ન કરે છે, અને આપણા ઘણા ભારતીયો પશ્ચિમના ચશ્મા પહેરતા હોવાથી એમને પણ એ લીટીઓ મોટી દેખાવા માંડે છે.

અસ્તુ.

વ્યથા કે ગુલામીની મનોદશા?

બે-ત્રણ દિવસ પહેલા પ્રજસત્તાક દિને વોટ્સએપ પર આ કવિતા ફરતી થઈ ગઈ હતી, મને નહિ નહિ તોય ઓછામાં ઓછી સાત વખત મળી. તમને બધાને મળી જ હશે… જો ના મળી હોય તો વાંચી જુઓ અને વાંચેલી હોય તો નજરઅંદાજ કરીને નીચે વાંચો:

“સારું થયું આઝાદ થઇ ગયા…!”

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા,
રસ્તા પાણી થી ધોતા હતા,
આપણે કેટલા નસીબ- વાળા ?
ગમે ત્યાં થૂકી શકયા,
ગુટખા ખાઈ…. સારું થયું આઝાદ થઇ ગયા….

તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા,
મૂરખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજ- માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,….. સારું થયું આઝાદ થયા. …‌

એ મૂરખ અંગ્રેજો
શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા,
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા આપણે  ભાગ્યશાળી બન્યા, …..સારું થયું આપણે આઝાદ થયા……

એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો- ને ભીખ માગવા દેતા નોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી,
ભીખ મગાવી ઉદાર આપણે થયા,……સારું થયું આઝાદ આપણે થયા……

એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નોતા,
એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા, હવે આપણે લાંચિયા ની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા, ……સારું થયું આઝાદ થઈ ગયા…..

(માફી: સર્જકની કે જેનું નામ કદાચ કોઈકે મોકલ્યું હતું પણ મને યાદ નથી રહ્યું, જો કોઈ જાણતું હોય તો જણાવશો, અહિં ઉમેરી દઈશ)

આ કવિતા વાંચીને મને એવી માનસિકતાવાળા માણસોની દયા આવવા માંડી જે માને છે કે મહાન અંગ્રેજો ના હોત તો આપણે જન્મી જ ન શક્યા હોત અને જો જન્મ્યા હોત તો હજુ જંગલમાં જાનવરોને મારીને કાચું માંસ જ ખાતા હોત. ક્યારે લોકો અંગ્રેજોની ગુલામી કરવાનું છોડશે? હું એમ નથી કહેતો કે આ કવિતાના રચયિતાએ દેશની આજની પરિસ્થિતિ પ્રત્યે જે વ્યથા વ્યક્ત કરી છે તે ખોટી છે કે તેમાં અતિશયોક્તિ છે કે નથી તો હું સામાન્ય ભારતીય નાગરીકની માનસિકતાના વખાણ કરું છું (કેમકે તે તો આ કવિતાને ફોરવર્ડ કરીને લોકોએ સાબિત કરી જ દીધું છે), પરંતુ અહિં અંગ્રેજોને જે રીતે મહાન ચિતર્યા છે એની સાથે સંપૂર્ણ અસહમત છું.

ચાલો એની સામે થોડા તર્ક રજૂ કરું, સર્જક કહે છે કે ” મૂરખા રાશન માં સારું અનાજ આપતા”, શું તેમને ખબર છે કે રાશન (મર્યાદિત પ્રમાણમાં અનાજ-કરિયાણું) કેમ અને ક્યારે આપતા? શું રાશન આપવું એ ખરેખર પ્રશંસનિય કાર્ય હતું? વિશ્વયુદ્ધમાં જ્યારે એમના દેશમાં પુરવઠો ખોરવાયો ત્યારે આપણે અહિંથી અને બધેથી ભેગું કરીને મર્યાદિત પ્રમાણમાં વહેંચ્યું. જે વિશ્વયુદ્ધ સાથે આપણે કોઈ લેવાદેવા નહોતી તેમાં અકારણ આપણા સેંકડો લોકો હોમાઈ ગયા, આજે પણ અહિં બ્રિટનમાં રિમેમ્બરન્સ સન્ડે ઉજવાય અને એમાં યુદ્ધની બલિહારીઓ લેવાય ત્યારે ભારતીય સૈનિકોને ભાગ્યે જ યાદ કરાતા હોય, પણ છતાં એ રાશન આપનાર અંગ્રેજો મહાન?

” સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા,” ખરેખર? ભારતની શિક્ષણપ્રથાને નેસ્તનાબુદ કરીને પોતાનું ઘુસાડ્યું તે મહાન? આપણી આરોગ્યવિદ્યા આયુર્વેદને નેસ્તનાબુદ કરીને એલોપથી જબરજસ્તીથી ઘુસાડી તે મહાન?

“એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નોતા, એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા,” વાહ વાહ, શું વાત છે! લાંચ લેતા આપણને શીખવાડ્યું કોણે? લાંચની પ્રથા ચાલુ કોણે કરી? એટલા જ દૂધે ધોયેલા હતા જો તમારા એ અંગ્રેજો કે ફિરંગીઓ તો એમણે ભારતના ભાગલા કરવા માટે લાંચમાં મહમદ અલી ઝીણાને પાકિસ્તાન શું કામ આપ્યું? શું કામ રાજાઓને લાંચમાં લંડનની સહેલ કરાવીને છાનુંમાનું રાજ છીનવી લીધું? જેણે લાંચ આપતા શીખવ્યું તે અંગ્રેજો મહાન?

ધન્ય છે સર્જકને.

અંગ્રેજોએ આપણા માટે કશું નહોતું કર્યું, જે કર્યું તે તેમના પોતાના માટે કર્યું, આપણે એમની આરતિ ઉતારવાની હવે આઝાદીના લગભગ ૭૦ વરસે તો બંધ કરવી જ જોઈએ. અંગ્રેજોને આપણી કોઈ દયા નહોતી આવતી, કે નહોતા તો તે કોઈ ધર્માદાનું કે પરોપકારનું કામ કરવા નીકળ્યા. એ ફક્ત ધંધો કરવા અને આપણી જાહોજલાલીને લુંટવા આવ્યા હતા જ્યારે આપણે નીચોવાઈ ગયા ત્યારે એ લોકો દેશને કંગાળ હાલતમાં છોડિ ને જતા રહ્યા અને નહેરુ-ઝીણા જેવા લાલચુ નેતાને લાંચ આપતા ગયા.

તા.ક. (સ્પષ્ટતા): કવિતા મારી નથી, તેના વ્યાકરણ અને જોડણી સુધાર્યા નથી, જે રૂપમાં મળી હતી તે જ રૂપમાં પ્રસ્તુત કરી છે.

એમાં મેં શું ખોટું કહ્યું?

આજે એક ભાઈની સાથે વાત ચાલતી હતી. વાતમાંથી કોઈક ત્રાહિત વ્યક્તિની કાંઈક વાત નીકળી અને મેં પૂછ્યું કે તે ક્યાં રહે છે? જવાબ મળ્યો: “ન્યુ મણીનગરઅને મરી ભભકી. મેં કીધું કે મને સખત ગુસ્સો ચડે છે જ્યારે લોકો એક સ્થળના નામ પરથી બીજાનું નામ પાડે છે. તેઓ ઉવાચ: “એમાં શું થઈ ગયું યાર, તો ખાલી નામ છે“.

મેં એમને એક સવાલ પૂછ્યો, “માનો કે તમારે એક બાબો છે ચિંતન, ભગવાનની કૃપાથી તમારે ઘેર ફરી પારણું બંધાય અને અન્ય એક પૂત્રરત્ન અવતરે તો તમે ક્યારેય એનું નામનવો ચિંતનપાડશો? જવાબમાં તેઓ હસ્યા અને મેં ફેંકેલા બોલ પર ચોગ્ગો મારતા હોય એવા ભાવ સાથે બોલ્યા: “એક ઉપર બીજો બાબો તો ૨-૪ વરસમાં આવી જાય. મણીનગર પછી ન્યુ મણીનગર કાંઈ બેચાર વરસમાં થોડું બન્યું?” મને લાગ્યું કે અહિં સ્વિંગ બોલિંગથી કામ નહિ ચાલે એટલે મેં ગુગલી ફેંક્યો: “બરોબર છે. ચાલો બીજો પ્રશ્ન પૂછું કે તમારા માતુશ્રીનું નામ રમીલાબેન છે અને તમારા ઘરે ઈશ્વરના આશીર્વાદથી સુંદર કન્યા જન્મે છે. હવે તો તમે એનું નામનવી રમીલાપાડશોને? કે પછી રાજાઓમાં હોતુંતું એમરમીલા બીજીવધારે યોગ્ય રહેશે?” અને સાલું મારી ગુગલીએ કામ કર્યું. ભાઈ કહે, એવું તે કાંઈ હોતું હશે? અને અચાનક એમને કાંઈક કામ યાદ આવ્યું અને એમણે મારી રજા માંગી જે મેં આપી દીધી.

હવે તમે કહો, એમાં મેં શું ખોટું કહ્યું?

સજાતીય સંબંધો અને હિંદુ ધર્મ

તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે ‘સજાતીય સંબંધો’ને એટલે કે ‘same-sex relationship’ને અવૈધ હોવાનું પુન:સ્થાપિત કર્યું છે. જો કે ટેકનિકલી એ ચુકાદા વિષે કશું કહી શકું તેવી મારી લાયકાત નથી, છતાં હું તો એમ માનું છું કે સર્વોચ્ચ અદાલત તેના ચુકાદામાં સાચી જ છે. અરે, અરે, અરે…. ખમો, હું શું કહું છું તે તો સાંભળો (વાંચો)!

સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો આમ તો ખાસ કરીને દિલ્હીની વડી અદાલતે ૨૦૦૯માં નાઝ ફાઉન્ડેશન વિરુદ્ધ દિલ્હી રાજ્ય સરકારના ખટલાના આપેલા ચુકાદા સંદર્ભે આપ્યો છે. દિલ્હીની વડી અદાલતમાં ૨૦૦૧થી ચાલતા આવેલા એ ખટલામાં વડી અદાલતે ૨૦૦૯માં આપેલા ચુકાદામાં સજાતીય સંબંધોને (જો બે વયક્ત વ્યક્તિઓ વચ્ચે) એકબીજાની સંમતિથી થયા હોય તો માન્ય ગણાવ્યા હતા. ૧૧મી ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણીમાં બે ન્યાયાધિશોની ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો પાછો વાળ્યો, જે માટેનું કારણ આપ્યું છે કે, “(દિલ્હીની વડી અદાલતનો) એ ચુકાદો બંધારણીય દૃષ્ટિએ ટકી શકે તેમ નથી, કેમકે ભારતના બંધારણ મુજબ કાયદો ફક્ત સંસદ જ ઘડી શકે છે, અદાલત નહિ”. અને એ વાત તો સાચી જ છે ને? ભારત દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને સજાતીય સંબંધોને બંધારણની કલમ ૩૭૭માં અવૈધ ગણાવવામાં આવ્યા છે, માટે ફક્ત સંસદ જ ખરડો પસાર કરીને કાયદો બનાવી શકે અને બંધારણની કલમ ૩૭૭માં ફેરફાર કરી શકે અથવાતો તેને હટાવી શકે છે.

આ તો થઈ વાત ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ એ કાયદાની કે બંધારણની કલમની. હવે મારી વાત, ભલે અદાલત એમ કહેવામાં સાચી હોય કે કાયદો બદલવાનું કામ કે કાયદો ઘડવાનું કામ અદાલતનું નથી, સંસદનું છે, પણ શું હું માનું છું કે ૧૨૯ વર્ષ જૂનો એ કાયદો સાચો છે? ના, ના અને સાડી સત્તર વખત ના! બંધારણની એ કલમ બ્રિટિશ શાસન દરમ્યાનના કાયદાના આધારે લખાયેલી છે. આજે સવાસો વર્ષ પછી પણ શું સજાતીય સંબંધોને “કુદરત વિરુદ્ધનું કૃત્ય” કે “અપ્રાકૃતિક” ગણાવીશું? કેવી રીતે ગણાવી શકીએ? સમાજમાં આ સવાસો વરસમાં, અરે સવાસોને ભૂલી જાવ, છેલ્લા ૫૦ વરસમાં જ કેટલા પરિવર્તનો આવ્યા છે! કોઈ વ્યક્તિ કઈ જાતિથી આકર્ષાય અને કઈ જાતિના પ્રેમમાં પડે છે (અહિં જાતિ એટલે નર કે માદા) તે એ વ્યક્તિનો અંગત નિર્ણય છે. જો એનાથી ત્રીજી વ્યક્તિને કોઈ નુકસાન ન થતું હોય તો સરકારને બોલવાની ક્યાં જરૂર છે? જ્યારે આંતરજ્ઞાતીય લગ્નો થાય છે ત્યારે તો સમાજની ઘણીબધી વ્યક્તિઓનો વિરોધ હોય છે, ફક્ત લગ્ન કરનાર યુગલ જ રાજી હોય છે, અને છતાં અદાલત, ન્યાયતંત્ર અને સરકાર બધા જ એ યુગલના પક્ષે હોય છે. તો પછી અહિં કેમ યુગલની મરજી નહિ અને સરકારની મરજી જોવાની?

આ સમગ્ર પ્રકરણમાં બ્રિટિશ સરકારની તે સમયની માનસિકતા અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ નજરે પડે છે. ખ્રિસ્તી ધર્મમાં પરસ્ત્રીગમન, સજાતીય સંબંધો, વેશ્યાવૃત્તિ, વગેરે જેવી બાબતો પ્રત્યે છોછ છે અને એ ધર્મના પ્રભાવમાં જ તે સમયના (સવાસો વર્ષ પહેલાના) કાયદા ઘડાયા હતા. સેક્સ વિષે હું કદી કશું લખતો કે ચર્ચતો નથી, કેમકે એ બે વ્યક્તિઓ વચ્ચેનું અંગત કર્મ છે, જેની જાહેર ચર્ચા ન હોય. પરંતુ સેક્સને બંધબારણે જ કરવામાં આવતું, જાહેરમાં ચર્ચી ન શકાય એવું, કર્મ જાહેર કોણે કર્યું? એ જ અંગ્રેજોએ અને કદાચ એમના પહેલા આપણી ઉપર શાસન કરનાર મુઘલ અને અન્ય મુસલમાન શાસકોએ. આપણા શાસ્ત્રોમાં તો સેક્સને એટલું હલકું કૃત્ય નહોતું માનવામાં આવતું. જો સેક્સ એટલું હલકું કૃત્ય હોત કે જેની ચર્ચા કરી ન શકાય તો કોઈ મુનિ એ સેક્સની કળા વિષે આખો ગ્રંથ શું કામ લખત (એ તો યાદ જ હશે ને કે કામસૂત્ર જેવો વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ લખનાર ભારત દેશના જ હિંદુ ધર્મના વાત્સાયન મુનિ હતા)? શું કામ (કોણાર્ક, ખજુરાહો, અને એવા અનેક) હિંદુ મંદિરોની દિવાલો ઉપર રતિક્રીડામાં રત યુગલોના શિલ્પો કંડારાયેલા છે? એ જ ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ વેશ્યાવૃત્તિને પણ અવૈધ ગણાવવામાં આવી છે. શું આપણા ધર્મમાં ગણિકાઓની વાત નથી? અપ્સરાઓ, ગણિકાઓ, વગેરેનું કેટલું ઉમદા ચિત્રણ છે શાસ્ત્રોમાં! એ કર્મને કે વ્યવસાયને ‘દેહનો વ્યાપાર’ એવું હિણપતભર્યું નામ આપીને કંઈ કેટલીય સ્ત્રીઓ પર દમન કરવાનું કામ એ જ અવિચારી કાયદાઓએ અને બંધારણે કર્યું છે. જો સ્ત્રી દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવતી વેશ્યાવૃત્તિને કાયદેસર કરવામાં આવે તો આપણા દેશમાં રોજે થતા બળાત્કારો આપોઆપ જ કાબુમાં આવી જાય એવું નથી લાગતું? સપ્રેસ્ડ સમાજ કે જ્યાં સેક્સ સહજ રીતે પ્રાપ્ય નથી ત્યાં જ અબળાઓ પર અત્યાચાર થાય છે. આ જ રીતે હિંદુ શાસ્ત્ર સજાતીય સંબંધો વિષે શું કહે છે? અરે કંઈ કહે છે પણ ખરું કે નહિ  એ જાણવાની કોઈએ કોશીશ કરી? કરી જ હશે એમ માનીને હું પણ એ સમુદાયમાં જોડાઉં છું.

આપણા અનેક હિંદુ શાસ્ત્રો છે, જેમાં વેદો, ઉપનિષદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, પુરાણો, વગેરેનો સમાવેશ થઈ જાય. આપણે એક દૃષ્ટિ કરીએ ફક્ત એક જ શાસ્ત્ર – પુરાણ પર. પુરાણોમાં સૌથી વધુ જાણીતું અને પુરાણ નામ લેતા જ તરત યાદ આવે તેવું શ્રીમદ્ ભાગવતમ્ ઉદાહરણ તરીકે લઈએ તો, ભાગવતમ્ ના પંચમ સ્કંધના અંતિમ એવા ૨૬મા અધ્યાયમાં નર્કોનું વર્ણ કર્યું છે. સ્વાભાવિક રીતે જ નરક સમાજમાં રહેલી બદીઓ માટે અથવા તો સમાજમાં અસ્વીકાર્ય કાર્યો કરનારાઓ માટે હોય. જેમ આધુનિક શાસનમાં ન્યાયતંત્ર છે જે દંડ આપે છે, એમ ધાર્મિક શાસનમાં દંડ સ્વરૂપે નરકની સજા કરવામાં આવે છે. જો આ ૨૬માં અધ્યાયના શ્લોક ક્રમાંક ૮થી ૩૬ને ધ્યાનથી વાંચવામાં આવે તો જણાશે કે આજના આધુનિક ન્યાયતંત્રમાં જે દંડનીય અપરાધ ગણાય છે એવા કેટલાય એમાં પણ દંડનીય અને નરકને પાત્ર છે, પરંતુ જે કૃત્યો ખ્રિસ્તી ધર્મ પ્રમાણે દંડનીય નથી, અને માટે આપણા કાયદામાં પણ દંડનીય નથી, તેને પણ આપણા ભાગવતમે દંડનીય કે નરકને પાત્ર ગણાવ્યા છે. જેમકે સમાજના કોઈ એક વર્ગ દ્વારા પ્રાણીઓની હત્યા, વગેરે. કુલ ૨૮ પ્રકારના નર્કો એ પુરાણમાં ગણાવવામાં આવ્યા છે. એમાંથી એકેય નરક ગણિકાને કે દેહવિક્રય કરતી સ્ત્રીને નથી આપ્યું. જોવાની ખૂબી એ છે કે ઘણા નરકો સ્ત્રીઓએ કરેલા અમુક કૃત્ય માટે છે, પણ તેથી વધુ નરકો તો પુરૂષોના કૃત્યો માટે છે, એટલે લોકોનો એ દાવો પણ પોકળ છે કે આપણો ધર્મ અને આપણા શાસ્ત્રો પુરુષપ્રધાન સમાજના પરિણામે છે. આપણો ધર્મ અને સમાજ તથા શાસ્ત્રો શરુઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતામાં માનતો આવ્યો છે, સ્ત્રીને દબાવવાનો અને નબળી ગણાવવાનો સીલસીલો તો વિદેશીઓએ આપણી ઉપર કરેલા છેલ્લા ૬૦૦-૭૦૦ વર્ષના શાસનના પ્રતાપે છે. ફરી પાછા આડા પાટે ચડીએ એ પહેલા મૂળ મુદ્દા પર આવું તો, આ નરકોનું વર્ણન કરતા અધ્યાયમાંના ૨૮ પૈકીના ૬, એટલે કે લગભગ પાંચમાં ભાગના (૨૦ ટકા) નરકો સેક્સ સંબંધી પાપ (અપરાધો)ના ફળસ્વરૂપે પ્રાપ્ત થતા નરકો છે. આ નરકોના નામ છે, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તપ્તસૂર્મિ, વજ્રકંટક શાલ્મલી, પૂયોદ અને લાલાભક્ષ. આ છએ નરકોમાં જનારાઓ એક યા બીજા પ્રકારે સેક્સ સંબંધી પાપ કરનારા છે, જેમાં અન્યની પત્ની, રજસ્વલા સ્ત્રી, પશુ વગેરે સાથે જાતીયસંબંધ બાંધનારાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ ૨૮માંથી એકેય નરકમાં વેશ્યા, ગણિકા કે દેહવિક્રય કરતી સ્ત્રી નથી જતી. હા, જે પતિ પોતાની પત્નીના દેહવિક્રયની કમાણી ખાતો હોય તે આમાંના એકાદા નર્કમાં જાય છે. તો એ શું દર્શાવે છે? એવું સ્પષ્ટ નથી થતું કે એ સમાજમાં સ્ત્રી વેશ્યાવૃત્તિ કરે તો તે બદચલન નહોતી બની જતી. કોઈ સ્ત્રી મજબૂરીમાં પોતાનું કે પોતાના બાળકોનું ભરણપોષણ કરવા માટે એ માર્ગ અપનાવે તો તેને પાપ નહોતું ગણવામાં આવતું. એ જ રીતે જે શાસ્ત્ર માણસના પશુ સાથેના સંબંધો વિષે વાત કરતું હોય તે શાસ્ત્રને શું પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધોની જાણ નહિ હોય? જો જે ધર્મ આવા ખૂબ જ અલ્પપ્રમાણમાં થતા કર્મો વિષે પણ લખી શકતો હોય અને જેને નિંદનીય ગણતો હોય, તે ધર્મએ કદી સજાતીય સંબંધો નહિ જોયા હોય? શક્ય જ નથી. તો પછી એ ધર્મમાં એવા સજાતીય ધર્મોને ક્યાંય નિંદનીય કે પાપ કે નરકના અધિકારી નથી ગણાવ્યા એનો અર્થ એમ ન કરી શકાય કે ધર્મએ એ પ્રકારના સંબંધોને સ્વીકાર્યા છે? જો હજારો કે સેંકડો વર્ષ પહેલાનો આપણો સમાજ એ સંબંધોને સ્વીકારી શક્યો હોય તો આપને કેમ ના સ્વીકારી શકીએ?

આજના સમાજમાં આપણે ‘દોસ્તાના’ જેવી ફિલ્મો સપરિવાર જોઈ શકીએ છીએ, છાશવારે ફિલ્મોમાં ગે પાત્રની કોમેડી સહન કરી શકીએ છીએ, અરે પ્રખ્યાત ‘સાસ ભી કભી બહુ થી’ કે એ જ અરસાની કોઈક ટેલિવિઝન સિરિયલમાં પણ ગે/સજાતીય પાત્ર હતું જેને ઘરઘરમાં જોવામાં આવતું હતું, તો છાપાઓ અને મીડિયાવાળાઓ કયો સમાજ ‘ઓર્થોડોક્સ’ છે એમ કહે છે? ભલે સર્વોચ્ચ અદાલત એમ કહે કે આ કાયદો સંસદે બદલવો પડશે, પણ એ સંસદમાં બેઠેલા એકેય લલ્લુએ દુનિયા જોઈ જ નથી. એમને શું ખબર કે દુનિયામાં શું થઈ રહ્યું છે? એ લોકોએ આપણા શાસ્ત્રોનું પણ અધ્યયન નથી કર્યું કે આવો બધો વિચાર કરી શકે. ભગવાન એમને સદ્‌બુદ્ધિ આપે કે એ લોકો આ બાબતે કશુંક વિચારે અને આવા મુર્ખામીભર્યા કાયદાને બદલે. દુનિયાને બતાવી આપો કે આપણો સમાજ કેટલો પ્રગતિશીલ અને સહિષ્ણુ છે.

માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ

સૌપ્રથમ આપ સહુને ગુજરાતીમાં સાલ મુબારક! અને સંસ્કૃતમાં નૂતન વર્ષાભિનંદન!

Imageઆજે વિકિપીડિયામાં અમદાવાદ વિષેના લેખમાં કોઈક રીતે જઈ ચડ્યો તો ધ્યાને આવ્યું કે ત્યાંના માહિતીચોકઠામાં અમદાવાદનું હુલામણું નામ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ લખેલું છે. વિકિપીડિયામાં માહિતીચોકઠું એ છાપા કે સામયિકમાં લેખની વચ્ચે ચોકઠામાં લેખનો કોઈ અંશ હાઇલાઇટ કર્યો હોય છે તેવી રીતે વપરાતું એક ચોકઠું છે, જેમાં જે-તે લેખમાં રહેલી અગત્યની બાબતો ટૂંકમાં દર્શાવીહોય છે. દેશ, શહેર કે ગામ વિષેના લેખમાં જે તે સ્થળનું નક્શામાં સ્થાન, તેની વસ્તી, નેતા, ભાષા, વગેરે જેવી માહિતી સંક્ષેપમાં આપેલી હોય છે. હવે વાત એ છે કે આ ચોકઠામાં માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટનો ઉલ્લેખ છેક ૧૦ જૂન ૨૦૧૨થી છે, મેં અનેક વખત વાંચ્યું પણ હશે, પણ કોઈક કારણે આજે મનમાં પ્રાશ્ન થયો કે, શું ખરેખર આજે પણ અમદાવાદનું હુલામણું નામ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ કે માન્ચેસ્ટર ઓફ ધ ઇન્ડિયા છે?

આપણને આ નામ જ્યારે અમદાવાદનો મીલ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે મળ્યું હતું અને એનું કારણ હતું કે તે સમયે આપણી ઉપર અંગ્રેજોનું શાશન હતું. અંગ્રેજોના દેશમાં માન્ચેસ્ટર શહેર કાપડ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર હતું અને ત્યાં પણ અમદાવાદની જેમ જ મસમોટો મીલ ઉદ્યોગ હતો. આમ એ વખતે અંગ્રેજોના બે શહેરોની સરખામણી તેના ઔધોગીકરણ અને તેમાં પણ ખાસ કરીને કાપડની મીલોને કારણે થતી. આઝાદી પછી અને મજૂર યુનિયનનોની દાદાગીરીને કારણે અમદાવાદનો મીલ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો અને લગભગ ૮૦ના દાયકાની શરૂઆત પહેલા તો તેણે કદાચ પોતાના આખરી શ્વાસ લઈ લીધા હતા. ૮૦ સુધી એ થોડાઘણા અંશે જીવિત હતો એ એટલા માટે કહું છું કે ૮૫ની સાલ સુધી અમે ખાડિયામાં રહ્યા, અને મારી સ્મૃતિમાં હજુ છે કે અમે રાત્રે ૧૦ વાગ્યાની, સવારે ૪ વાગ્યાની, વગેરે મીલની સાયરનો સાંભળતા. ઊનાળાના વેકેશનમાં પોળમાં રમતા હોઈએ ત્યારે રાતની સાયરન સાંભળીને ઘરે જવાની તૈયારી કરતા, અથવા કોઈ કારણે રમવાનું ચાલુ રાખઈએ તો પોળના કોઈ વડીલ ડોલ ભરીને પાણી રેડીને કહેતા કે હવે તો ૧૦ની (કે ૧૦.૩૦ની) સાયરન થઈ ગઈ, ઘરે જાવ. છાપરે સૂતા ત્યારે વહેલી સવારની સાયરનથી ઊંઘ ઊડી જતી. પણ ૮૩-૮૪ના વર્ષોમાં મારા પરમ મિત્રના પિતાશ્રીની મીલ બંધ થયાના સામાચાર મને યાદ છે. અને કદાચ એ જ અરસામાં આ બધી સાયરનો સંભળાતી બંધ થયેલી.

એ જ રીતે આપણી આઝાદી પછીના કાળમાં, એટલે કે ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં જ્યારે બ્રિટન યુદ્ધની અસરોમાંથી બેઠું થવા માંડ્યું ત્યારે અને ત્યાર પછી બ્રિટનની કન્ઝર્વેટીવ સરકાર હસ્તક બીન-ઔધોગીકરણની હવા ચાલી તેમાં સપડાઈને માન્ચેસ્ટરનો મીલ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો. ૧૯૬૩માં માન્ચેસ્ટરનું જે બંદર કાપડ અને મીલોના કોલસાની હેરફેર કરીને બ્રિટનના ત્રીજા ક્રમના બંદરનું સ્થાન પામ્યું હતું તે ૧૯૮૨માં કોઈ ખાસ વેપાર નહિ મળતો હોવાને કારણે બંધ કરી દેવું પડ્યું. એ જ અરસામાં માન્ચેસ્ટરની મીલો પણ બંધ પડવા માંડી અને દોઢ લાખ જેટલા લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી.

આમ માન્ચેસ્ટર ઓફ વેસ્ટ અને ઈસ્ટ કદાચ એક સાથે ઉદિત થયા અને એક જ સાથે અસ્ત પણ થયા. અમદાવાદને એ નામ કોણે અને ક્યારે આપ્યું એ શોધવા છતાં હું જાણી નથી શક્યો. પણ આજે જ્યારે માન્ચેસ્ટર, માન્ચેસ્ટર નથી રહ્યું અને અમદાવાદ એવું અમદાવાદ નથી રહ્યું ત્યારે પણ શું અમદાવાદને એ નામ બંધ બેસે છે? કદાચ આજે અમદાવાદમાં કોઈ વિદેશી પર્યટક આવે, અરે કોઈ માન્ચેસ્ટરવાસી જ આવે અને આપણે કહીએ કે અમારું શહેર માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ કે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાય છે તો શું તે સમજી શકે કે એવું કેમ હશે?

એના બદલે મને તો એમ લાગે છે કે હવે અમદાવાદનું હુલામણું નામ કર્ણાવતી હોવું જોઈએ. બિનસત્તાવાર રીતે ભા.જ.પ. તો આ શહેરને કર્ણાવતી કહે જ છે, અને એ જ રીતે અનેક હિંદુ અમદાવાદીઓ પણ પોતાના શહેરને કર્ણાવતી કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે. ભલે રાજકરણીય-ઐતિહાસિક રીતે કર્ણાવતી નગર હતું કે નહિ, અને જો હતું તો એ આજના અમદાવાદની જ જગ્યાએ હતું એ કોઈ રીતે સ્પષ્ટ થયું ન હોય અથવા સ્પષ્ટ થયું હોય અને આજના કહેવાતા બુદ્ધિજીવીઓ એ સ્વીકારવા તૈયાર ન હોય, પણ તે શહેરની પ્રજા તો શહેરને કર્ણાવતી કહેવાડવામાં પોતાનું ગૌરવ સમજે છે. તો આજના પરિપ્રેક્ષ્યમાં અમદાવાદનું હુલામણું નામ કર્ણાવતી કેમ ન હોવું જોઈએ?

(તા.ક.: હિંદુત્વ વિરોધી તત્ત્વોએ, કોંગ્રેસીઓએ કે ભાજપ વિરોધીઓએ કર્ણાવતીના બદલે આશાવલ કે આશાપલ્લી નામોની ભલામણ કરવી નહિ… તેમની લખેલી કોમેન્ટ્સ એપ્રુવ કરવામાં નહિ આવે… )

વિકિપીડિયામાં બે મહત્વના ફેરફારો

વિકિપીડિયામાં ગયા ૧૦-૧૨ દિવસ દરમ્યાન થયેલા બે મહત્વના ફેરફારો સૌના ધ્યાને લાવવા ચાહું છું. પહેલો અને મારા મતે વધુ અગત્યનો ફેરફાર છે, કડીઓની પાછળ લાગેલી પૂંછડીઓને આંતરિક કડી તરીકે દર્શાવવાનો જેને અંગ્રેજીમાં linktrail કહે છે. એટલે કે જો તમે નોંધ્યું હોય તો અત્યાર સુધી ચોરસ કૌંસમાં કશુંક લખ્યું હોય અને તેને અડોઅડ કૌંસની બહાર કશુંક લખ્યું હોય તો ફક્ત કૌંસની અંદરના લખાણને જ વાદળી રંગમાં (કે લાલ રંગમાં) દર્શાવવામાં આવતું અને તેની બહારના લખાણને નહિ. દા.ત. [[મહેસાણા]]માં એમ લખ્યું હોય તો મહેસાણા વાદળી રંગમાં પણ ‘માં’ કાળા રંગમાં જ દેખાતું (મહેસાણામાં). હવે આખું ‘મહેસાણામાં‘ વાદળી રંગમાં દેખાશે. ઉદાહરણ તરીકે જુઓ નીચેની બે છબીઓ:

no Linktrail

કડીની પૂંછડીઓ (linktrail) સક્રિય થઈ તે પહેલા આવું દેખાતું…

Linktrail

હવે આવું દેખાય છે

અને બીજો ફેરફાર એ છે કે, હવેથી વિકિમીડિયાની બધી જ સાઇટો એટલે કે બધી જ ભાષાના વિકિપીડિયા, વિકિસ્રોત, વિક્શનરી, વગેરેમાં સભ્યનામ (username) અને ગુપ્તસંજ્ઞા (password)નો ઉપયોગ કરીને દાખલ થયેલા સભ્યો (logged in users) ફક્ત સુરક્ષિત જોડાણ (secure connection) એટલે કે https://થી જોડાશે. આ આપણા સૌના હિતમાં છે. એના કારણે તમારું સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા સુરક્ષિત રહેશે. શક્ય છે કે કદાચ આને કારણે તમને વિકિપીડિયા ધીમું ચાલતું હોય તેમ લાગે (જો કે એની શક્યતા નહિવત્ છે). જો કોઈ કારણે તમારે આ https://ને બદલે http:// જોડાણ જ વાપરવું હોય તો તમારી પસંદમાં જઈને શરૂઆતના મૂળ માહિતી વિભાગમાં છેલ્લો પર્યાય સભ્યનામથી પ્રવેશ કર્યો હોય ત્યારે સુરક્ષિત જોડાણ (https) જ વાપરો છે તેની આગળના ખાનામાં ક્લિક કરીને તેની અંદરની ખરાની નિશાની દૂર કરવાની રહેશે (જુઓ નીચેની છબી). જો કે પ્રવેશ કરતી વખતે એટલે કે લોગ-ઈન કરતી વખતે ફરજીયાત પણે સુરક્ષિત જોડાણ જ વપરાશે.

તમારી પસંદ

તમારી પસંદમાં સુરક્ષિત જોડાણ કેવી રીતે નિષ્ક્રિય કરવું

વિકિપીડિયા અને બ્લૉગ્સ-એક સરખામણી

માતૃભાષાના મંડપ નીચે – ૨ શીર્ષક હેઠળ મુરબ્બી શ્રી જુગલકિશોરભાઈએ વેબગુર્જરી પર પ્રસિદ્ધ કરેલા સંપાદકિય પર મેં કરેલી ટિપ્પણી

હું અહિં આવ્યો તો હતો વિકિપીડિયા વિષે જણાવવા, પણ મેં જોયું કે અત્યાર સુધીમાં મળેલી ત્રણે-ત્રણ કોમેન્ટ્સ વિકિપીડિયા વિષે જણાવી ચૂકી છે. હું વિકિપીડીયાનો પ્રબંધક છું અને ઉપરની ત્રણે કોમેન્ટ્સ સાથે સહમત થઉં છું, હા, મુરબ્બી શ્રી વોરા સાહેબે જણાવ્યું તેમાં અને પછીની યોગેશભાઈની કોમેન્ટમાં થોડો વિરોધાભાસ જરૂર છે, છતાં તે બંને સાથે સહમત છું. વ્યોમભાઈએ પણ સમજાવ્યું જ છે, જે એકદમ સાચું છે. અંગ્રેજી વિકિપીડિયા જેટલી ઝડપથી ગુજરાતી વિકિપીડિયામાં ફેરફારો નથી થતા, એનું મોટું કારણ બંનેના સંખ્યાબળમાં ૧:૧૦૦૦નો કે કદાચ તેથી દસ ગણો કે સો ગણો ગુણોત્તર પ્રમાણ છે. હશે, જે હોય તે. વિકિપીડિયાની સરખામણી બ્લૉગ્સ સાથે કોઈ કાળે ન થઈ શકે. જેમ વર્તમાન પત્રોની સરખામણી નવલકથાઓ સાથે, નવલકથાઓની સરખામણી વ્રતકથાઓ સાથે કે આ ત્રણેમાંથી કોઈની પણ સરખામણી ગુજરાતી વિશ્વકોશ સાથે ન થઈ શકે, અને ગુજરાતી વિશ્વકોશની સરખામણી Encyclopædia Britannica સાથે ન થઈ શકે, તેમ જ ગુજરાતી વિકિપીડિયાની સરખામણી અંગ્રેજી વિકિપીડિયા સાથે ન થઈ શકે અને ન તો તેને અન્ય કોઈપણ ઓનલાઇન માધ્યમ સાથે સરખાવી શકીએ.

બ્લૉગ જગતનું જમાપાસું કહો તો જમાપાસું અને ઉધારપાસું કહો તો ઉધારપાસું, તે એ છે કે તેમાં જેને જેમ ફાવે તેમ લખી શકે છે. તેને કોઈ પડકારે તો એ પડકારરૂપ કોમેન્ટને લેખક પોતે ડિલિટ કરી શકે છે, કોમેન્ટકર્તાને બ્લૉક કરી શકે છે, વગેરે, વગેરે. એટલે કે મુદ્રણાલયોમાંથી છપાતા સાહિત્યની જેમ જ, આ સાહિત્ય પણ અસ્પૃશ્ય રહી શકે છે, અને આપણે તેને આમ નિસ્પૃહી રહેલું જોયું પણ છે. જેમ છાપામાં કોઈ સમાચાર, લેખ કે વિગત છપાઈ હોય, તેના વિરોધમાં કે તેની સામે વાંધો ઉઠાવતો પત્ર તમે અખબારના કાર્યાલયને લખ્યો હોય તો પણ તે છાપવો કે નહિ, કે તેનો ઉત્તર આપવો કે નહિ તે અખબારના તંત્રી કે માલિકના હાથમાં હોય છે, તેમ જ બ્લૉગ જગતમાં પણ એ સત્તા બ્લૉગના ઓનર (બ્લૉગર)ના હાથમાં હોય છે. એટલે આપણે જે બીક વિકિપીડિયા માટે બતાવીએ છીએ કે “…… એમાં સૌ કોઈને માહિતી મૂકવાની છૂટ હોઈ તે લખાણોની ચકાસણીનાં કોઈ ધોરણો ખરાં ? લખાણો પર સુધારાવધારા થતા હોય છે પણ એ બધા સુધારાની પણ સચ્ચાઈનું શું ?” ત્યારે આપણે આ જ પ્રશ્ન બ્લૉગના સંદર્ભમાં પૂછવાની દરકાર પણ કરતા નથી, અને ત્યાં તો આપણે બ્લૉગરના વિચારોની સ્વતંત્રતા અને વૈવિધ્યની વાહવાહ કરીએ છીએ. કેમ આવા બેવડા ધોરણો? શું કોઈ બ્લૉગ એવો છે જેમાં લખેલું લખાણ સુધારવાની છૂટ અન્ય કોઈ વ્યક્તિને હોય? પોતાના લખાણો ક્યાંથી લીધેલા છે તેની માહિતી અને સંદર્ભ આપતા બ્લૉગો કેટલા? આપણે આવા અસંદર્ભ બ્લૉગો પર તો કોઈ ખાસ પ્રશ્ન ઉઠાવતા હોઈએ એવું ખાસ ધ્યાને ચડતું નથી. તો વિકિપીડિયા પર પ્રશ્ન ઉઠે છે એનો મતલબ શું એમ જ કરવો ને કે વિકિપીડિયા પાસેથી લોકોની અપેક્ષા અનેકગણી વધુ છે? હું તો ચાહીશ કે લોકો જેટલી સંખ્યામાં બ્લૉગ્સ વાંચે છે તેટલી જ સંખ્યામાં પહેલા વિકિપીડિયા વાંચે. વિકિપીડિયામાં મળતી માહિતીને બ્લૉગ્સ પર મળતી માહિતી સાથે સરખાવી જુએ, જો કોઈ બ્લૉગમાં કોઈ માહિતી ખોટી છે તેમ લાગે તો તેના લેખકને તે સુધારવા માટે જણાવી જુએ અને પછી મુલવણી કરે.

તમે ઉઠાવેલા પહેલા પ્રશ્નના જવાબમાં મને તો એમ લાગે છે કે જાણીતા લેખકો અને વિવેચકોને પ્રિન્ટમીડિયામાં એ કામ કરવાથી અર્થોપાર્જન થાય છે, જ્યારે અહિં ફક્ત સમય વેડફાતો લાગે અને કાળે કરીને કદાચ દુશ્મનો પણ વધે, એટલે આ માધ્યમથી તેઓ દૂર રહેતા હોય તે સ્વાભાવિક છે.

બીજો પ્રશ્ન જે તમે ઉઠાવ્યો છે, તે જ મારી હૈયા વરાળ પણ છે, કે બ્લૉગજગતમાં મનફાવે તેમ લખવા કરતા મને તો મોટો વાંધો મનફાવે તેવા વ્યાકરણમાં અને મનફાવે તેવી જોડણીમાં લખવા સામે છે. મને તો હજુ સુધી એ સમજાતું નથી કે જો કોઈને લખવાનો એટલો બધો શોખ હોય તો કેમ તેઓ પોતાનું વ્યાકરણનું જ્ઞાન સુધારવાની કોશિશ નથી કરતા? આપણી પોતાની ભાષામાં લખવાનું મન થાય તો ભાષાને જાણવી તો જોઈએ ને? વિચારો ભલે પોતાના હોય, પણ ભાષાનું તો બંધન નડવું જોઈએ ને? હું પોતે પણ કોઈ વ્યાકરણનો કે જોડણીનો ખાં નથી, પણ હું જ્યારે લખતો હોઉં ત્યારે એટલી તો સભાનતા રાખું છું કે બને ત્યાં સુધી ભૂલ ના કરું, જો કોઈ જોડણીની ખબર ન હોય તો જોડણીકોશ, ભગવદ્‌ગોમંડલ કે ગુજરાતી લેક્સિકન જેવા હાથવગા માધ્યમમાં ચકાસણી કરી લઉં છું. એમ કરવું કશું અઘરૂં નથી, ઉપરથી એમ કરતા મારું જ જ્ઞાન વધે છે. પણ લોકોને ક્યારે એ સમજાશે? જો ખરેખર આપણી ભાષાને અને તેમાં લખાતા લખાણોને સમૃદ્ધ કરવા હોય અને લોકભોગ્ય બનાવવા હોય તો, સૌપ્રથમ તો ભાષાશુદ્ધિ માટેની જાગૃતિ આણવાની જરૂર છે. આપણે જે લોકો ફક્ત પ્રિન્ટમીડિયા જ વાંચે છે તેમને બ્લૉગ્સ વાંચતા કરીશું અને તે બ્લૉગ્સમાં સાર્થ, ઊંઝા, મહેસાણા, ભાવનગર, અમદાવાદ, લંડન, સીડની, વગેરે બધા જ પ્રકારની જોડણીઓ વંચાવીશું તો આપણી ભાષાની હાલત અત્યારે છે તેના કરતા પણ વધારે કફોડી થશે એમ નથી લાગતુ? આપણે આપણા ઘરે લગનપ્રસંગ લઈએ ત્યારે કેવું ઘરને ધોળાવીને અને સ્વચ્છ કરીને રાખીએ છીએ? દીવાળીમાં પણ કેમ નવી ચાદરો પાથરીએ છીએ? કેમકે ઘરે આવતા મહેમાનને આપણી ભીંતના ઉખડી ગયેલા પોપડા, કે ચાદરોમાં પડેલા કાણા, કે ગાદલા પર પડેલા છોકરાઓના મૂતરના ધાબા બતાવવામાં આપણને જેટલો સંકોચ થાય છે તેટલો જ સંકોચ બ્લૉગજગતમાં રહેલી જોડણી અને ભાષાની અરાજકતા બતાવવામાં થવો જોઈએ.

જો ભાષાના નિયમોની ચિંતાની વાત કરતા હોઈએ તો હું તો એવા લોકોથી પણ ખુશ નથી કે જે અન્ય જગ્યાએથી માહિતી લઈ આવે અને તમે કહો છો તેમ “પોતે ક્યાંક્યાંથી માહિતી લાવ્યા છે તેની લિંક મૂકીને પોતાની નિષ્ઠા અને જાગૃતિનો પરિચય કરાવતા જ રહે” આ વિધાન તમારા એ જ ફકરામાં આવે છે જેમાં તમે ભાષા કે સાહિત્યનાં ધારાધોરણોની, સાહિત્યસ્વરૂપોની કક્ષાની અને ભાષાના નિયમોની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને એટલે એમ સમજી લઉં છું કે તમે ક્યાંથી લાવ્યાની લિંક મૂકનારને તાજના સાક્ષીની રૂએ આ પ્રશ્નોમાંથી બાકાત રાખો છો. શું કામ? જો નિષ્ઠા પારકા લેખક પ્રત્યે હોય તો પોતાની ભાષા-માતૃભાષા-માટે કેમ નહી? કોઈએ ભૂલ કરી હોય તો એ ભૂલ હું જ્યારે એ લખાણ મારા બ્લૉગ પર મેલતો હોઉં ત્યારે તો સુધારી શકું ને? ગુજરીમાંથી ચાર પાયાવાળું ટેબલ લાવ્યો હોઉં અને એ ડગુમગુ થતું હોય તો શું હું એને એમનું એમ રાખીશ કે એકાદ પાયાને છોલાવીને કે એની નીચે ગડી કરેલો કાગળ કે પૂંઠું મૂકીને ટેબલને ડગતું બંધ કરીશ? તો કોઈને ત્યાંથી લઈ આવેલું લખાણ ડગુમગુ થતા ટેબલ જેવું હોય તો તેના એક પાયાની નીચે ગડી વાળેલું પૂંઠું કેમ ન ખોસી શકાય?

ચાલો, મૂળ લેખ કરતા તો મારી ટીપ્પણી લાંબી ખેંચાઈ ગઈ, મારા બ્લૉગ પર તો હું લખતો નથી , પાછું મને કોઈ કહેશે કે પારકે રસોડે આટલું બધું કેમ રાંધી આવો છો?

%d bloggers like this: