મોટો થઈને શું બનીશ?

આજે સવારે વ્રજ ઊઠીને આવ્યો અને મારા ખોળામાં બેઠો અને મને વળી શું સુજયું તે મેં થોડી વાર એને લાડ કરીને પુછ્યું, “ભૈલુ, તું મોટો થઈને શું બનીશ બેટા?”

એટલે એની વિચાર પ્રક્રિયા ચાલું, અં…. અં…… અં……

છેવટે મેં તેને પર્યાય આપવા માંડયા, ડૉક્ટર? એન્જિનિઅર? એસ્ટ્રોનોટ? સાયાન્ટિસ્ટ? સૉફ્ટવેર એન્જિનિઅર? ટીચર? …… અને બધાનો જવાબ હતો…. “ના

હારીને મેં તેને પૂછયું, “તો શું બનીશ?”

અને નહી કલ્પેલો જવાબ મળ્યો, “જે’ જે’ (ભગવાન)”.

હું ખુશ થઈ ગયો અને મેં એને કીધું કે સરસ બેટા, તો તું જે’ જે’ જ બનજે, વંઠી ના જઈશ, એટલે સવાલ થયો, “એટલે શું?”

મેં કીધું કે એટલે એમ કે તું બગડી ના જઈશ (આ વિદેશની ધરતી પર તો એ જ મોટી બીક ને ભાઈ). એટલે એણે તરતજ સામે ટીવી પર પડેલી નાના કૃષ્ણની મૂર્તિ બતાવીને જવાબ આપ્યો, “પણ આતો આવો જ છે ને!”

મેં એને પૂછ્યું કે, આવો એટલે કેવો?

તો મને બ્રહ્મજ્ઞાન આપતો જવાબ મળ્યો, “જો ને, આવો જ છે ને? ચૂપ-ચાપ બેસી રહે છે, કશું બોલતો નથી, હલતો નથી, એતો બગડી જ ગયો છે ને!”

Vraj and Krishna in background

Vraj Kishor & Krishna

ત્યારે મને ભાન થયું કે એને મન બગડી જવું એટલે કોઈક વસ્તુનું કામ કરતાં અટકી જવું. એની પાસે ઉપર બેસીને ચલાવી શકાય તેવી રિચાર્જેબલ મોટર બાઈક છે, જેની બેટરી ડાઉન થઈ જાય અને ચાલે નહી ત્યારે તે બાઈક બગડી જાય છે. એટલે કનૈયો પણ બગડી ગયો છે. અને માટે જ તે મોટો થઈ ને જે’ જે’ બને અને બગડી ના જાય તે કેવી રીતે શક્ય બને?

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

7 Responses to મોટો થઈને શું બનીશ?

  1. ” અને માટે જ તે મોટો થઈ ને જે’ જે’ બને અને બગડી ના જાય તે કેવી રીતે શક્ય બને? ”
    શ્રી ધવલભાઇ, નાની ઘટનાએ બહુ ઉમદા બોધ આપ્યો. આભાર.

    Like

  2. સરસ વાત. નાના વ્રજ પર વહાલ ઉપજ્યું. એણે જે જવાબ આપ્યો તેનો અર્થ ઘણો ઊંડો લાગ્યો.
    “આ તો આવો જ છે ને? ચૂપચાપ બેસી રહ્યો છે…. બગડી ગયો છે.” જગતમાં આટલો અધર્મ ફેલાયો છે તેમ છતાં તે ચૂપચાપ બેસી રહ્યો છે, બગડી ગયો છે – આ વ્રજના મનની વાત છે. આપણે તેના બાલમનને કેવી રીતે સમજાય કે ‘તદાત્માનમ્ સૃજામ્યહમ્’નો સમય આવે ત્યાં સુધી તેણે ચૂપચાપ બેસી જ રહેવાનું છે/

    Like

  3. ટાંબરીયા કેટલીક વખત (લગભગ મોટાભાગે) વાત વાતમાં બહૂ મોટી વાત કરી દેતા હોય છે, ..ખેર આજે પહેલી વખત તમારો બ્લોગ વાંચ્યો (હજુ પૂરો વાંચવાનો બાકી) મજા આવી…

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....