લિબિયાનો આંતર્વિગ્રહ: કોના દ્વારા, કોના માટે?

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલું લિબિયાનું આંતર્યુદ્ધ શમવાનું નામ જ નથી લેતું. શરૂઆતમાં પ્રચાર માધ્યમોએ તેને આંતર્વિગ્રહ તરિકે ઓળખાવ્યું. અને પછી થોડા સમયમાં બ્રિટન અને ફાન્સ કોઈક અજ્ઞાત કારણે સફાળા બેઠા થયાં અને પારકા દેશમાં ચાલી રહેલા બળવામાં તેમને માનવ અધિકારનો ભંગ થતો દેખાયો. અને તે કારણે આ દયાળુ દેશોનું હૃદય એવું તો દ્રવી ઉઠ્યું કે વર્ગનો મોનિટર જેમ પોતાના દુશમનને અંગુઠા પકડાવવા માટે કોઈક બહાનુ કાઢીને વર્ગશિક્ષકને ચઢાવે અને પોતાનું ધાર્યું કરાવે તે રીતે ‘નાટો’ને સાથે લઈને યુ.એન. પાસે પહોંચી ગયા. હવે એ વખતે બન્યું એવું કે વર્ગશિક્ષક કોઈક કારણે વ્યસ્ત હશે, તો આ મોનિટરને એટલી બધીતો ‘એકી’ આવી હતી કે રોકી શકાય એવું નહોતું, અને તેથી વિચાર્યું કે આ પંતુતો આપણા ખિસ્સામાં જ છે ને, ચાલો એકી કરી આવીએ, પછી એણે પરવાનગી આપ્યા વગર છુટકો જ નથી ને. અને એટલે રાતોરાત લિબિયા પર હુમલો કરી દીધો. અને બિચારા માસ્તર, પોતાનાથી આખો વર્ગ સંભાળી શકાતો નથી માટે જ તગડા મોનિટરો નિમ્યા છે, હવે જો એ મોનિટરની હરકતને પરવાનગી ના આપે તો એમનાથી વર્ગતો સંભાળી શકાય એવો છે નહી, એટલે મને-કમને પણ ‘હા’ ભણી દીધી.

જ્યારે લિબિયામાં બળવાની શરૂઆત થઈ ત્યારે બ્રિટન જેવા પ્રતિષ્ઠિત દેશના વિદેશ મંત્રી વિલિયમ હેગ એવું પાયાહિન નિવેદન કરે છે કે ગદ્દાફી દેશ છોડીને ભાગી ગયા છે જેના જવાબમાં ગદ્દાફી પોતે ટીવી પર આવીને આવી તથ્યહિન વાતોને ‘ગલીના રખડતા કુતરાઓ’ની ચેનલોએ ફેલાવેલી અફવા કહીને વખોડી કાઢે છે. આટલું ઓછું હોય તેમ લિબિયા બ્રિટિશ નેવીના સૈનિકોની ધરપકડ કરે છે જેમાં તેઓ શસ્ત્રો અને ચલણી નાણાં સાથે પકડાય છે. બ્રિટન પાસે એ વખતે એનો જવાબ નહોતો કે એના લશ્કરના સૈનિકો ત્યાં શું કરી રહ્યાં હતાં. જ્યારે લિબિયા પર ‘નો ફ્લાય ઝોન’ ઇમ્પોઝ કરવાનો હતો ત્યારે બ્રિટિશ સંસદમાં ઘણી ચર્ચા ચાલી અને યુતિ સરકારે સાંસદોને એમ કહીને સમજાવ્યાં કે લિબિયાના નાગરિકોના રક્ષણ માટે તેઓ સૈન્ય મોકલી રહ્યાં છે. તે વખતે એવા પણ સવાલો પુછવામાં આવ્યાં હતાં કે શું બ્રિટિશ સૈન્ય દેશની સામાન્ય જનતાને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખશે? આ હુમલાનું મુખ્ય ધ્યેય શું છે? ગદ્દાફીનો જીવ કે લિબિયાની આઝાદી? તો આ સવાલોના કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં નહોતા આવ્યા અને એવું જણાવવામાં આવ્યું હતું કે “જો લિબિયાની આઝાદીનો અર્થ એવો થતો હોય કે કર્નલ ગદ્દાફીનો જાન” તો એવું કરવામાં અમે અચકાઈશું નહી, પણ તેનો જીવ લેવો તે અમારૂં પ્રાથમિક ધ્યેય નથી. (પણ દ્વિતિય કે તૃતિય ધ્યેય તો છે જ એવો છુપો સંદેશો હતો..) હજુ આજે પણ બ્રિટન લિબિયાના બળવાખોર નેતાને આર્થિક અને શસ્ત્ર મદદ કરવા માટે થનગની રહ્યું છે.

આ પરિસ્થિતિમાં મારા મનમાં અનેક સવાલો ઉપજે છે.
૧. દુનિયાના અનેક દેશોમાં માનવ અધિકારો પર તરાપ મારવામાં આવી છે, દા.ત. ચીન, દક્ષિણ કોરિયા, વગેરે. તો પછી લિબિયાની જનતા માટે જ બ્રિટન જેવા ‘દયાળુ’ દેશનું હૃદય કેમ પીગળ્યું? કેમ ચીન પર કે દક્ષિણ કોરિયા પર નો ફ્લાય ઝોન કે પછી વ્યાપારિક પ્રતિબંધ નથી મુકવામાં આવતાં?
(સંભવતઃ જવાબ-મારા મતે: લિબિયામાં ક્રુડ ઓઈલ છે, અને બ્રિટન-અમેરિકા જેવા દેશોને ફક્ત એવા જ દેશોની જનતાની દયા આવે છે જ્યાં તેલ હોય, જેમકે ઈરાક, કુવૈત, વગેરે અને તેથી વિપરિત ચીનની જનતા પર દયા ખાવા જાય તો પોતાની જનતાને જે ચીની માલ સસ્તા ભાવે મળે છે તે મળતો બંઢ થઈ જાય, એટલે ત્યાં બધી દયાઓ નેવે મુકી દેવામાં આવે)

૨. લગભગ ૪૦ વર્ષથી ચાલતા શાસનમાં અચાનક ત્યારેજ બળવો કેમ થાય છે જ્યારે વિશ્વ બજારમાં તેલનાં ભાવ ઉંચકાઈ રહ્યા છે?
(અનુત્તર)

૩. બળવાખોર નેતાઓ પાસે પૈસા અને શસ્ત્રો ક્યાંથી આવ્યાં?
(સંભવતઃ જવાબ: પેલા ઉપરના બ્રિટિશ નેવી વાળા સમાચાર યાદ આવે છે?)

૪. લિબિયન લશ્કરી વડા ‘અલ મેઘરાહી’ કે જે પાન એમ ફ્લાઈટ ૧૦૩ જે ૧૯૮૮માં સ્કોટલેન્ડના લોકરબી શહેર પર બોમ્બ દ્વારા તોડી પાડવાના આરોપસર સજા ભોગવી રહ્યો હતો, તેને ૨૦૦૯માં કેમ મુક્ત કરીને લિબિયા પાછો મોકલવામાં આવ્યો જ્યાં કર્નલ ગદ્દાફીએ તેનું દેશના હિરોની જેમ સ્વાગત કર્યું હતું.

૫. કર્નલ ગદ્દાફીનો છોકરો લંડન સ્કુલ ઓફ ઇકોનોમીમાંથી પી.એચ.ડી.ની પદવી કેવી રીતે લઈ ગયો? ૩૫-૩૭ વર્ષ સુધી ગદ્દાફી અને તેનું કુટુંબ બ્રિટનને મીઠું લાગતું હતું તે અચાનક કેમ કડવું લાગવા માંડ્યું?

૬. બ્રિટને વર્ષોથી કર્નલ ગદ્દાફીને શસ્ત્રો વેચ્યાં છે અને બળવો શરૂ થયાના થોડા સમય પહેલા જ નવો સોદો પાર પાડ્યો હતો, કેમ? બ્રિટિશ ગુપ્તચર સંસ્થાને ખબર નહોતી કે બ્રિટને વેચેલા એ શસ્ત્રોનો ઉપયોગ ગદ્દાફી માનવ અધિકારો ઉપર તરાપ મારવા માટે કરશે?

આવા તો અનેક સવાલ ઉભા થાય છે બ્રિટન અને તેના સાથી દેશો સામે જ્યારે તેઓ દયાના આંચળા હેઠળ પોતાના સ્વાર્થ સાધવા નિકળી પડે છે.

સ્પષ્ટતા: આ લેખનો હેતુ કર્નલ ગદ્દાફીને સારા કે નિર્દોષ ચિતરવાનો જરા પણ નથી, પણ જે ‘સારા’ લાગે તેવા છે તેમના માટે ફરી એક વાર વિચાર કરવા માટે પ્રેરવાનો છે.

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to લિબિયાનો આંતર્વિગ્રહ: કોના દ્વારા, કોના માટે?

  1. Bharat kumar says:

    ધવલભાઈ,ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરતા અચાનક જ તમારા બ્લોગની પર નજર પડી.તમારું લખાણ-સરળ ભાષાને લીધે ગમ્યું.બહુ વાંચી શક્યો નથી,એકાદ-બે પોસ્ટ વિગતે વાંચી.એમાં લીબીયાનો આંતરવિગ્રહ વાળી પોસ્ટ વધુ ગમી.તમારું તટસ્થ તારણ ને આંતરરાષ્ટ્રીય રાજકારણનો અભ્યાસ તમારી આ પોસ્ટમાં વ્યક્ત થાય છે.હું તમારી દ્રષ્ટિને વધાવું છું.આપણે બધા હઈશો હઈશો માં વધુ માનતા હોઈએ છીએ.એટલે પ્રવાહમાં વહેવાની વૃતિ વધુ જોવા મળે છે,એવા સમયમાં તમારા જેવા મિત્રનું આવું મૌલિક લખાણ વખાણવું જ રહ્યું.હમણાં જ ગુજરાત સમાચારમાં કટાર લેખક ધૈવત.ત્રિવેદી એ એમની અલ્પવિરામ કોલમમાં લીબિયા વિષે કૈક આવી જ વાત મુકેલી.બાકી મજા આવી.મને ગુજરાતી ભાષા પ્રત્યે જબરો લગાવ છે.એ જ સફરમાં તમે મળી ગયા.લખતા રહેજો.ખુબ જ શુભકામનાઓ.

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....