આ છોકરાઓ મોટા થઈ ગયા….

બાળકો ઘણી વખત કેટલી મોટી અને મોટા માણસો જેવી વાત કરી જાય છે એના બે દાખલા મારા બંને છોકરાઓએ હમણાં જ મને આપ્યાં.

બે વર્ષથી પૃથા ગો’રો (ગૌરીવ્રત) કરે છે, કેમકે હવે તે મોટી થઈ ગઈ છે (એવું તેનું કહેવું છે, મને તો તે ૧૫ દિવસ પછી ૯ વર્ષની થશે તો પણ હજુ નાની જ લાગે છે). ભારત મારી બહેન, સાળી વગેરેની સાથે ફોન પર વાત થાય અને ગોર્યોની વાતો કરીએ એટલે એને પણ ગોર્યો કરવાનો શોખ થયો હતો અને ગયા વર્ષે સફળતાપૂર્વક વ્રત કર્યા પછી આ વર્ષે અમારો પણ ઉત્સાહ સારો એવો હતો. ગો’રો ચાલુ થવાના આગલા દિવસે અમે લોકો વાતો કરતા હતા અને વ્રજે એ સાંભળી એટલે તે કહે કે હું પણ ‘ગો’રી’ કરીશ. એટલે અમે એને કહ્યું કે બેટા ગો’રો તો છોકરીઓ જ કરે, છોકરાઓ નહી. એટલે એની સ્ટાન્ડર્ડ રીત પ્રમાણે તેણે એક જ સવાલ પુછ્યો, “કેમ?” હું કે શેફાલી કશું કહીએ એ પહેલાતો પૃથા બોલી, “કેમકે ગો’રો તો સારો વર મળે એટલા માટે કરવાની હોય, છોકરાઓ કરે તો એમને સારી વહુ મળે. પણ વાઇવ્સતો બધી સારી જ હોય, એટલે છોકરાઓએ ગો’રો કરવાની જરૂર ના પડે. ખાલી અમુક જ હસબન્ડ્સ સારા મળતા હોય, એટલે છોકરીઓ આ ગો’રો કરે એટલા માટે કે એ અમુકમાંથી એક સારો એમને મળી જાય.” અને તે જ ઘડીએ અમને બંનેને લાગ્યું કે આ છોકરી મોટી થઈ જ ગઈ છે!

હવે પૃથાની વાત કરૂં અને મારો વ્રજકિશોર બાકી રહી જાય એવું બને ખરૂં. એ લોકો અત્યારે ભારત ગયેલા છે, વેકેશનમાં. હજુ આજે એમને ગયે ૧૫ દિવસ થશે. હું શરૂઆતમાં એમને લગભગ દરરોજ ફોન કરતો, હવે આંતરે દિવસે કરું છું. ૪-૫ દિવસ પહેલા વ્રજ સાથે ફોન પર વાત કરતો હતો તો મને કહે, “પપ્પા, મને તને એક વાત કહેવાય?” (અહીં રહીને ગુજરાતી શીખે છે એટલે હજુ ૫ વર્ષનો થયો પણ એને તુ અને તમેનો ભેદ નથી ખબર, એના માટે બધા તું જ હોય છે.) મે કહ્યું, “એક કેમ ભૈલું, બે વાત કે’વાય” તો મને કહે “ના, એક જ વાત કરવી છે.” હું ઉવાચ, “બોલ બેટા”. પરમજ્ઞાની, જમાનાના ખાધેલ, વ્રજકિશોર ધવલ વ્યાસે કહ્યું, “અં…. અં… મને તો તું કેવો દેખાય છે ને એ પણ યાદ નથી આવતું, હું તો તને ભૂલી ગયો છું. તને યાદ છે હું કેવો દેખાઉં છું? હું ખાલી તને સાંભળું જ છું જોતો તો નથી, પછી હું ભૂલી ના જઉં?” હવે આટલા ઠાવકા વ્રજને પણ નાનો કેવી રીતે સમજાય?

કેટલી નિખાલસતાથી એણે આ વાત કહી. આટલા નાના બાળકોના મનમાં પણ શું-શું ચાલતું હશે એ આપણે કળી જ નથી શકતાં. એ લોકો કોઈકને સહજરીતે ભૂલી જતા હોય છે તે આપણે જાણીએ છીએ પણ તેમને પોતાને એ વાતની પ્રતીતિ પણ થતી હશે તેનો તો મને ખ્યાલ નહોતો.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

14 Responses to આ છોકરાઓ મોટા થઈ ગયા….

 1. ધવલભાઈ, સીતારામ, હરે કૃષ્ણ, ભાઈ આ છોકરાઓને નિરાંતે સાંભળીએ અને તેની પ્રવૃતિઓને અંદરથી નિહાળીએ તો જ ખ્યાલ આવે કે આપણા છોકરાઓ આપણાથી પણ વધુ સમજુ અને સાણા છે. આ દુનિયામાં બાળકોને આપણે નાના સમજીએ છીએ પણ તે બધાતો આપણા પણ બાપા હોય છે. સંસારમાં દરેક મીનીટે નવુ અને આશ્ચર્ય પમાડે તેવુ જ બને છે. પણ આપણી પાસે સમય નથી અને કા’તો દ્રષ્ટી નથી એટલે કોઈજાતનો અફ઼સોસ ના કરતા, તે બાળકો તેની રીતે સાચા જ છે. આપણે તો મા-બાપ તરીકે ની ફ઼રજ જરૂરથી પુરી કરવી અને તેનુ ઘડતર યોગ્ય થાય તેમ જ આચરણ કરવુ. ચાલો, ઘણા દિવસે વાત કરી મને તો મજા આવી. જો આમા કાંઈ બફ઼ાણૂ હોય તો માફ઼ કરજો.. આ તો મારી સમજ છે. પણ હકીકતમાં ના પણ હોય…

  Like

 2. Kartik says:

  આ ટેણિયાઓ ઘણીવાર એવું બોલે છે કે આપણે ચકિત થઈ જઈએ. કવિન પણ (મારી જેમ) કોમેન્ટ્સ કરવામાં એક્સપર્ટ છે (મને મારો બ્લોગ તો ઘણીવાર એના પરાક્રમોને લીધે જ ચાલે છે). 🙂

  Like

 3. શ્રી.ધવલભાઇ, છોકરાઓ પંદર દહાડાથી છેટા હોય ત્યારે આપણે નાના થઈ ગયા હોય તેવું લાગે ! (આને કાઠીયાવાડમાં “અહાંગરો” કહેવાય !) હવે આપ ક્યારે પધારો છો ?
  બાકી આ માત્ર છોકરીઓએ જ ગૌરીવ્રત શા માટે કરવું તેનું કારણ જોરદાર આપ્યું છે, સાવ સાચી વાત. અને ચિ.વ્રજકિશોર ત્યાં રહ્યે પણ ગુજરાતી શીખે છે એ વાતે તો હૈયું ગાર્ડન ગાર્ડન થઈ ગયું ! બાકી હવે અહીં તો ગામડાઓમાં પણ ’દેખો પપ્પા કૅમલ, દેખો પપ્પા મંકી !!’ એવું સંભળાય છે.
  આભાર.

  Like

  • ભાઈ અહીં પણ એવા લોકોનો ખજાનો છે જે બાળકો પોતાની માતૃભાષા બોલે તો નાનમ સમજે છે. મારો વ્રજતો અહીં જ જન્મ્યો છે. સ્વાભાવિક રીતે જ છોકરાઓનો વિકાસ શરૂઆતમાં છોકરીઓની સરખામણીએ ધીમો હોય, એ પ્રમાણે તે બોલતા બહુ મોડો શિખેલો. બે વરસ સુધી કશું બોલતો નહી. શેફાલીની ઘણી બહેનપણીઓ તેને સલાહ આપતી કે તમે ઘરમાં ગુજરાતી બોલો છો, આપણે મળીએ ત્યારે હિંદી બોલીએ છીએ, ટોડલર ગૃપમાં બધા અંગ્રેજી બોલે, એટલે તારો છોકરો કન્ફ્યુઝ થાય છે અને બોલતા નથી શિખતો. તમે લોકો ઘરમાં અંગ્રેજી બોલવાનું રાખો તો તે બોલતો થઈ જશે. આવી માનસિકતા હોય છે આપણી જનતાની. આથી વિપરિત અહીંના ડૉક્ટરો અને હેલ્થ વિઝિટર્સ એમ કહેતા કે બાળકોની આ ઉંમરમાં તેમની મગજશક્તિ ખૂબ પ્રબળ હોય છે, એકસાથે તેઓ ૧૮ ભાષાઓ સમજી અને શીખી શકે છે. જો તમે તમારી ભાષા જાળવવા માંગતા હોવ તો તેની સાથે તમારી ભાષાનો જ ઉપયોગ કરો. શાળામાં પણ શિક્ષકો બાળકોને પોતાની માતૃભાષાનું જતન કરતા શિખવે છે. આપણા દેશની તો વાત જ ન્યારી છે, તેને પારકા ભાણે લાડુ હંમેશા મીઠા લાગતા હોય છે, ભલેને પછી તે મેથીના લાડવા હોય.

   અને ત્યાં આવવાના હવે તો દિવસો ગણું છું, ૧૨મીની સવારે પહોંચીશ. મળવાનો મેત ગમે તેમ કરીને પાડવો છે આ વખતે તો. તમે છટકી નહી શકો, ભજીયા પાર્ટી કમિટ કરી ચુક્યા છો તમે.

   Like

 4. આપણે તો બાળકોનાં કદકાઠી જોઈને એમને નાનાં માનતા હોઈએ છીએ. મગજના વિકાસનું શું? અને મારૂં તો માનવું છે કે આજનાં બાળકોનાં મગજ આપણાં કે ચાર પેઢી પહેલાંનાં માણસ કરતાં જરા મોટાં જ હશે. ઇવૉલ્યૂશનની પ્રક્રિયા અટકી નથી. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ આ બાબતમાં વધારે પ્રકાશ પાડી શકે.
  તમારાં બન્ને બાળકોની બુદ્ધિપ્રતિભા પાંગરતી રહે એવા આશીર્વાદ.

  Like

  • મુરબ્બિ શ્રી, સૌ પ્રથમ તો તમારા આશીર્વાદ માટે આભાર. તમે સાચું જ કહો છો, ૩-૪ પેઢી પહેલાના બાળકો કરતા આજની પેઢીના બાળકોનું મગજ ખુબ ઉત્કાંતિ પામેલું લાગે છે. તેને માટેનો શ્રેય જાય છે ટીવી અને છાપાઓનો. અભિમન્યુ તેની માતાના ગર્ભમાં રહીને જ ચક્રવ્યુહ કેવી રીતે ભેદવું તે શિખ્યો હતો, આપણે નાસ્તિકતાના પડળો હેઠળની વિચારસરણીમાં તે વાતને હંબગ કહીને હસી કાઢતા હોઈએ છીએ. પણ આજની પેઢીને જોઈને જરૂર લાગે છે કે તે વાસ્તવિકતા હતી. આજે પણ ડૉક્ટરો ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રિઓને હોરર ફિલ્મ્સ, ભયાનક ચિત્રો વગેરે જોવાનું ટાળવાનું કહે છે. મધુર સંગિત સાંભળવાનું કહે છે. આપણી સ્ત્રિઓ સગર્ભાવસ્થા દરમ્યાન પણ અલકમલકનું જોએ સાંભળે રાખતી હોય છે, તેથી જ કદાચ નવી પેઢી અભિમન્યુની જેમ થોડુંઘણું જ્ઞાન ઓલરેડી ગળથુથીમાં લઈને જ આવે છે.#

   અને આમે કહે છે ને ગુરુ કરતા ચેલા સવાયા, તો બાળકનો પહેલો ગુરુ તો તેની માતા હોય છે, તે પછી પિતા અને અન્ય પરિવારજનો તેના ગુરૂ. તો એ ન્યાયે દરેક નવી પેઢી જુની પેઢી કરતાં જ્ઞાનમાં અને સમજમાં આગળજ રહેવાની.

   Like

 5. ધવલભાઈ,
  બાળલીલાની વાતો ગમી.આ તો ખજાનો કહેવાય!
  માતાપિતાએ બાળકોની કાલીકાલી વાતોનો સંગ્રહ કરી રાખવો જોઈએ જેથી તેઓ મોટા થાય ત્યારે તેઓને સહર્ષ ભેટ આપી શકાય.

  Like

  • સાચી વાત છે યશવંતભાઈ, આ ઉંમરમાં બાળકો રોજે નવું શિખે છે અને કશુંક જુનું ભુલે છે. ત્યારે જો આવી વાતોનો સંગ્રહ કરી રાખ્યો હોય તો તેમને માટે આ બધું ભૂલવું લગભગ અઘરૂં થઈ પડે છે.

   Like

 6. hirals says:

  🙂
  આ માત્ર છોકરીઓએ જ ગૌરીવ્રત શા માટે કરવું તેનું કારણ જોરદાર આપ્યું છે.

  ભાષા વિષે આપની વાત સાચી છે. અહિં પાડોશમાં એક તેલુગુ ફેમીલી રહે છે. પોણા બે વરસની છોકરી છે.
  હું એને ગુજરાતીમાં વાત કરું કે હિન્દીમાં, કે અંગ્રેજીમાં એ સમજી જાય છે. એના ઘરમાં તેલુગુ બોલે છે. એ પણ સમજે છે.

  આવું જ એક ૫ વરસના છોકરા માટે જોયેલું. અમે એના ઘરે જઈએ, તો કહે, ‘ખાવા બેસો’ . એ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ કડકડાટ બોલતો, અને ગુજરાતી, મરાઠીના ઘણા શબ્દો અમારી સાથે વાત-વાતમાં શીખી લેતો.

  Like

 7. 🙂 પૃથાની પેલી વાત વાંચવાની મજા આવી કે…

  ” ખાલી અમુક જ હસબન્ડ્સ સારા મળતા હોય, એટલે છોકરીઓ આ ગો’રો કરે એટલા માટે કે એ અમુકમાંથી એક સારો એમને મળી જાય.” 😉 🙂

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: