નવરો બેઠો નખ્ખોદ વાળે….

હું થોડા વખત પહેલાં વિચારતો હતો કે આ દેશમાં કેટકેટલી સમસ્યાઓ છે. પેટ્રોલના ભાવ ૩-૪ વર્ષમાં દોઢા કરતા વધુ થઈ ગયા છે. ઘી, તેલ, ખાંડ, લોટ જેવી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લગભગ આ જ અરસામાં દોઢીથી બમણી મોંઘી થઈ ગઈ છે. બ્રેડ જેવો બ્રેડ મોંઘો થઈ ગયો છે. લોકો રોજે રોએ નોકરીઓ ગુમાવી રહ્યાં છે. સરકારે ચુંટણી પહેલા આપેલા વચનોમાંથી ભાગ્યે જ કોઈક વચન પાળ્યું છે. બાકી હતું તે આ વર્ષથી યુનિવર્સિટીઓની ફીમાં પણ ધરખમ વધારો કરીને વાર્ષિક £ ૯,૦૦૦ જેટલી ફી ઝીંકવામાં આવી છે. આ બધા સંજોગોમાં મને એક જ વિચાર આવતો કે, આપણા દેશમાં તો કોઈક નાનું સરખું કારણ પણ હોય તો લોકો સડક પર ઉતરી આવે છે, અહીં કોઈ કશું કેમ કરતું નથી? ૩-૪ મહિના પહેલા જ્યારે વિદ્યાર્થીઓએ ફી વધારા સામે રેલી કાઢી અને તેમાં પોતાનું વરવું રૂપ દેખાડ્યું, જેની ઝપટે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પણ ચઢી ગયા હતાં, ત્યારે થયું કે ચાલો, આ દેશમાં પણ લોકો સાવ નપાવટ નથી, તેમનું લોહી પણ ક્યારેક તો ઉકળે છે. પણ છતાં સવાલ એ જ રહેતો કે આવા આંદોલન એકાદ બે દિવસથી વધારે ચાલતા નથી અને પછી સહુ કોઈ સરકારે કરેલા નિર્ણયોને સ્વિકારી લે છે. આ દેશમાં શિક્ષણનું સ્તર આમે નીચું છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ જી.સી.એસ.સી કે એ-લેવલ (આપણું એસ.એસ.સી. અને એચ.એસ.સી.) કરીને ભણતર છોડી દે છે. જ્યારે હવે આટલી આકરી ફી વધ્યા પછી, કેટલા લોકોને ડિગ્રી લેવી પોસાશે? પણ છતાં, એ આંદોલન પણ એક-બે રેલીઓ થઈને શાંત થઈ ગયું.

પેટ્રોલના ભાવ વધારા અને મોંઘવારી તથા બેરોજગારી સામે તો કોઈ આંદોલનના એંધાણ જ ના દેખાતા. અને હું ચકરાવે ચઢી જતો, કે આવું કેમ? સામાન્ય રીતે જાગૃત અને શિક્ષિત ગણાતો આ સમાજ આમ ગુંટણીયા કેમ ટેકવી દે છે? ત્યારે મને એક જ જવાબ દેખાતો, કે આપણા દેશમાં છાશવારે આંદોલનો થાય છે, તોફાનો-રમખાણો થાય છે, કેમકે લોકોની પાસે કામ નથી. આમદની નથી, અને નવરો બેઠો નખ્ખોદ વાળેના ન્યારે લોકો આવું કોઈક બહાનું મળતા ઝંપલાવી દેતા હોય છે. જ્યારે આ દેશમાં સહુની પાસે કામ છે, લોકો એટલું કમાય છે કે આ દેશમાં જેની પાસે અઠવાડિયે ૫૦ પાઉંડ ખિસ્સ ખર્ચીના હોય તેની ગણતરી ગરિબમાં થાય. હવે આટલા સમૃદ્ધ દેશમાં ગમે તેટલી મોંઘવારી વધે, કોને પડી હોય આંદોલનો કરવાની? જે કમાય છે તે સુખી છે, અને નથી કમાતા તે વધુ સુખી છે, કેમકે તેઓ સરકારી જમાઈઓ છે. સરકાર તેમને રહેવા ઘર, ખાવા-પીવા માટે દર અઠવાડિયે બેકારી ભથ્થુ, બાળકોના ભરણપોષણ માટે ભથ્થા આપીને, તેમની બોલતી બંધ કરી દે છે. તો પછી આંદોલનો કરવા નિકળે કોણં? જે સાવ ગરિબ છે, તે દારૂના અને ડ્રગ્સના નશામાંથી નવરો નથી પડતો. અને હું આવું વિચારીને પાછૂ ફરી વિચારમાં પડી જતો કે, શું મારા આવા વિચારો સાચા છે? પણ શનિવારથી મારા આ વિચારો સાચા હોવાની પ્રતિતીરૂપ ઘટનાઓ ઘટવા માંડી અને આજે સોમવાર થતાં-થતાં તો મારી આ માન્યતા દૃઢ બની ગઈ.

શનિવારથી લંડનમાં તોફાનો શરૂ થઈ ગયા છે. રવિવારે તો એમ લાગતું હતું કે કાબેલ પોલીસ અને ઠેરઠેર ગોઠવાયેલા સી.સી.ટીવી કેમેરાના ડરથી લૂંટફાટ કરતા અને નુકસાન કરી રહેલા તત્વો શમી જશે. પણ આજે દિવસભર એક પછી એક એમ અનેક વિસ્તારોમાં તોફાનો ફેલાયા છે. ગુરૂવારે પોલીસે ટોટનમ (tottenham)માં એક કાળા ડ્રગ ડિલરને ઠાર માર્યો તેના વિરોધમાં શનિવારે નિકળેલી રેલી હિંસક બની, અને ટોટનમ ટાઉન્સેન્ટરની દૂકાનો લૂંટી, અનેકમાં તોડફોડ કરી અને આગ ચાંપી. જે વ્યક્તિ પોલીસની ગોળીનો શિકાર બની હતી તે પોતે પોલીસની સાથે ઝપાઝપીમાં મરી ગઈ. માર્ક ડગન નામનો આ શખ્સ કોકેઇનનો દલાલ હતો, અને પોલીસ ઓપરેશન ટ્રાઇડન્ટ (ડ્રગ્સ ડિલર્સ અને યુઝર્સ માટે ચલાવાતો કાર્યક્રમ)ના ભાગરૂપે તેની ધરપકડ કરવા ગઈ હતી, જે દરમ્યા આ માણસે પોતાની પાસેથી પિસ્તોલ કાઢીને કદાચ પોલીસને ધમકી આપી, અને કોઈક કારણે પોલીસે તેને ગોળી મારીને હણી નાંખ્યો. આ વાતનો પ્રત્યાઘાત કાળી જનતાએ (માફ કરજો, મને અશ્વેત કે શ્યામ જેવા હલકા શબ્દો વાપરવા કરતાં, કાળા, ગોરા જેવા શબ્દો વધુ ઉપયુક્ત લાગે છે, માટે હું તેનો જ ઉપયોગ કરીશ. મારા ઉપર જાતિવાદનો આરોપ લાગતો હોય તો ભલે લાગે) હિંસક તોફાનો દ્વારા આપ્યો. શનિવારે ટોટનમ, વુડગ્રિન, એનફિલ્ડ જેવા ઉત્તર લંડનના વિસ્તારોમાં રમખાણો થયા હતાં. રવિવારે પણ છૂટા-છવાયા છમકલા થયાં. પણ આજે બપોર પછી એક-એક કરીને કાળી પ્રજાની બહુમતિ હોય તેવા લડનના લગભગ દરેક વિસ્તારો, જેમકે બ્રિક્સ્ટન, રોમફર્ડ, હેકની, લુઇશમ, ક્રોયડન, વગેરેમાં પણ હિંસા અને રમખાણો ચાલું થઈ ગયા અને આ દરેક જગ્યાએ લૂંટફાટ, હિંસા અને આગચંપીના બનાવો નોંધાયા.

આવું કેમ થયું? એના જવાબમાં એકતો પહેલું કારણ બેરોજગારી, ડ્રગ્સ, અને આફ્રિકા તથા કેરેબિયન દેશોમાંથી આશ્રિત તરિકે આવીને રહેલી પ્રજાની રફ લાઇફસ્ટાઈલ જવાબદાર છે. મારા મતે તો સૌથી મોટું કારણ બેરોજગારી છે. નવરા બેઠેલા લોકો શું કરે? અને તેમાં પણ અધુરામાં પુરૂં, આ દેશ મૂળ રંગભેદની નીતિવાળા લોકોને. અહીંની પોલીસ પણ કાંઈક અંશે તો જાતિવાદી ખરીજ. હા, કાળી પ્રજા એકદંરે વધુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય છે તે વાત સાચી, પણ પોલીસ પણ તેમને અને એશિયનો (પાકિસ્તાની, બાંગ્લાદેશી, ભારતીય મૂળના લોકો)ને વધુ ટાર્ગેટ બનાવતી હોય. અહીંના લગભગ દરેક લોકોમાં આ રંગભેદ તો જોવા મળે જ. આ ભેદભાવથી અકળાયેલી આ કાળી પ્રજાએ જે કાળોકેર વર્તાવવા માંડ્યો છે, તેનું શું પરિણામ આવશે અને કાલે શું થશે તેની ખબર પડતી નથી.

જે હોય તે, પણ આના પરથી લાગે છે કે, પોલીસતંત્ર અને વહિવટી માળખું ગમે તેટલું સુદૃઢ હોય જ્યારે જનતા વિફરે ત્યારે તેનું કશું નથી ચાલતું.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

6 Responses to નવરો બેઠો નખ્ખોદ વાળે….

 1. તમારૂં અનુમાન સાચું છે. કામ ન મળે અને પોલીસ પણ શંકાની નજરે જૂએ, સામાન્ય પ્રજાના મનમાં કાળાગોરાના ભેદ હોય તો ક્યારેક તો અસંતોષ ફાટી નીકળે જ, પછી એનું તરત સામે દેખાતું કારણ વાજબી ન પણ હોય.

  મૂળ તો, એક વખત એવો હતો કે પશ્ચિમી દેશોને આફ્રિકા, એશિયાથી આવેલા સસ્તા મજૂરોની જરૂર હતી. એટલે મલ્ટીકલ્ચરાલિઝ્મની મહાન વાતો ચાલી. કારણ કે બધાને વેલકમ કરવા હતા. હવે, એમ કેમ થાય કે જે માણસ ત્યાં આવ્યો હોય તે માત્ર મજૂર જ રહે અને બીજા લાભમાં ભાગીદાર ન બને? અને તે પણ પેઢી-દર-પેઢી? જે લોકો એમને વેલકમ કરતા હત, તેઓ એમની સામાજિક સુરક્ષા તરફ ધ્યાન આપવા પણ તૈયાર નહોતા.
  તમારી સમીક્ષા બહુ જ સમતોલ છે. તમે સાચી દિશામાં વિચારી શક્યા છો.

  Like

  • આભાર દીપકભાઈ, તમે એકદમ સાચી વાત કરી. અહીં સરકારને એક સમયે સસ્તા મજૂરની જરુર હતી એટલે વિદેશોને લાલચ આપીને બોલાવ્યા, પણ સ્થાનિક જનતા જે હંમેશા આળસુ રહી છે, તેને સરકારે બેનિફિટ્સ આપીને વધુ પાંગળી બનાવી દીધી. દેશનો વિકાસ એટલો બધો થયો કે હવે તેને કાળામજૂરીયાઓને બદલે વ્હાઈટ કોલર મજૂરોની જરૂર હતી, કેમકે તેની જનતા રંગરાગ કરવામાંથી ઉંચી નહોતી આવતી અને શિક્ષણનું સ્તર પણ નહિવત્ હતું, તેથી છેલ્લા દસકામાં ભણેલા શિક્ષિત મારા જેવા મજૂરોને આમંત્ર્યા. પણ જ્યારે રિસેશન આવ્યું ત્યારે, અહીંની નેશનલિસ્ટ પાર્ટીએ એ જ વિદેશીઓ, ભલે તે કાળા હોય કે આપણા જેવા ઘઊંવર્ણા, તેમની સામે વાંધો ઉઠાવવા માંડ્યો, અને હાલની કન્ઝર્વેટિવ સરકારે પણ જાણ્યું કે હવે આ મોંઘા મહેમાનો પોસાય તેવા નથી, તો મનઘડંત કાયદા બનાવીને તેમના લાભો કાપવા માંડ્યા. અત્યારે અસંતોષ લગભગ દરેક સ્તરે વ્યાપેલો છે, એક ચિનગારીની જરૂર હતી, જે થોડા ઘણા અંશે પ્રગટી છે, પણ કેમકે કાળી પ્રજા આ બધું કરી રહી છે, તેમાં મોટેભાગે ગેંગ્સ ભાગ લઈ રહી છે. વહેતી ગંગામાં મારું અમદાવાદી લોહી અને ખાડિયાનું પાણીતો એમ કહે છે કે સહુએ હાથ ધોઈ લેવા જોઈએ, અને સરકારને બતાવવું જોઈએ કે લોકો કેટલા નારાજ છે.

   જો કે મને તો એમ લાગે છે કે આ બધું આપણા ત્યાંની જેમ પોલિટિકલી મોટીવેટેડ વધુ છે. સરકારની વિશ્વસનિયતા ઘટી રહી છે, લેબર પાર્ટી જેણે ઘણા વર્ષ રાજ કર્યું તેની હાલત આપણા કોંગ્રેસ જેવી છે, કોઈ સારો નેતા નથી, આંતરિક વિખવાદ પણ છે, એવામાં તે પાર્ટીને પોતાને સારા કહેવડાવવા માટે આ સરકારને ખરાબ કહેવડાવવી પડે તે જરૂરી છે. અને જો આવું બધું આપણા દેશમાં થઈ શકતું હોય તો અહીં કેમ નહી? છેવટે તો આપણને પણ આ બધું આ લોકો જ શીખવાડીને ગયા છે ને?

   Like

 2. madhuvan1205 says:

  કોઈ પણ લોકો સ્થળાંતર શા માટે કરે છે? સ્થુળ કારણ જોઈએ તો જે પરિસ્થિતિમાં છે તેના કરતાં વધુ સારી પરિસ્થિતિ પ્રાપ્ત કરવા. સ્થળાંતર કરનાર વ્યક્તિ જે તે સ્થળની વ્યક્તિઓ કરતાં વધુ શક્તિશાળી હશે તો તે ત્યાની પ્રજા પર હાવી થઈ જશે અને જો ઓછી શક્તિશાળી હશે તો ગુલામ તરીકે વર્તશે. કોઈક જ પ્રજા જેવી કે પારસી દુધમાં સાકર ભળે તેમ સ્થાનીક પ્રજા સાથે ભળી જશે.

  કાળક્રમે સ્થળાંતર કરનારાઓ ન તો પોતાના દેશના રહે છે ન તો જ્યાં ગયા હોય ત્યાના – એટલે કે જાણે ત્રીશંકુની જેમ લટકતા હોય તેવો ભાવ અનુભવે. ઘણા લોકોને મેં પ્રશ્ન કરતાં જોયા છે : અમે અમેરીકન કે ગુજરાતી? આ પ્રશ્ન શું સુચવે છે કે સ્થળાંતર કરનારા અવઢવમાં છે.

  કોઈ પણ વ્યક્તિ કાળી હોય કે ગોરી, ભણેલી હોય કે અભણ, ગરીબ હોય કે તવંગર – હંમેશા અભાવ તથા અત્યાચાર સહન ન કરી શકે અને પરીણામે જ્યારે સામર્થ્ય અને શક્તિ મળે ત્યારે અન્યાય સહન કરનારા વિદ્રોહ તો કરવાના જ છે.

  Like

  • હું તમારી સાથે આંશિક પણે સહમત થઈશ કે લોકો હું અમેરિકન કે ગુજરાતી એવી અવઢવમાં હોય છે, અહીં તો એના કરતા પણ વધુ મોટી અવઢવ મેં નોંધી છે. ગુજરાતીઓને પુછો કે તમે ઇન્ડિયન છો? તો કહેશે કે ના, આફ્રિકન કે કેન્યન. હવે તેઓ પોતાને કેવી રીતે આફ્રિકન કે કેન્યન ગણાવે છે તે જ સમજાતું નથી, કેમકે, દરેક ફોર્મમાં જ્યાં તેમનું એથનિક ઓરિજીન લખવાનું હોય છે ત્યાં મને સો ટકા ખાતરિ છે કે તે લોકો એશિયન-ઈન્ડિયન કે બ્રિટિશ-એશિયન એવું લખતાં હશે. ઘરમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ પાળે, બ્રિટિશ પાસપોર્ટ અને નેશનાલિટી ધરાવે, તો પછી આ આખામાં કેન્યા કે આફ્રિકા ક્યાંથી આવ્યું? પણ આવા લોકો ભલે અવઢવમાં હોય, તે દૂધમાં સાકરની જેમ ભળી જ ગયા છે. નહીતર તેમને માટે આટલો લાંબો વસવાટ શક્ય નહોતો. મેં ઉપર આંશિક એટલા માટે કહ્યું કે હું એ વાત સાથે સહમત નહી થઉં કે સ્થળાંતર કરનારી વ્યક્તિ શક્તિશાળી હશે તો હાવી થઈ જશે અને નહિતર ગુલામ થઈ જશે. શક્તિશાળી પણું કે ગુલામી હિજરતી પોતાની સાથે લઈને આવે છે. હા, તેની બીજી પેઢી પોતાનો રસ્તો પોતાની જાતે બનાવે છે, કે તેણે ગુલામ રહેવું કે શક્તિશાળી બનીને આવ્યાં હોવા છતાં શક્તિહિન થઈ જવું. સ્વાભાવિક રીતે શક્તિશાળી ફક્ત આક્રમણકારો જ હોય છે, જે ખુબ નાના સમુદાયના હોય, જ્યારે ગુલામોની જમાત ઘણી મોટી હોય છે. પણ, બધો મદાર છે તે લોકો હિજરત કરીને જે પ્રજા પાસે ગયા છે તેના પર. જો એ લોકો તેમને અપનાવી લે તો તે ભળી જશે, નહિતર, ભલે નબળો હશે, એક દિવસ બળવો કરવાનો જ. અને એ જ વાત આજે અહીં થઈ રહી છે.

   પેલું કહે છે ને કે કોઈની પણ સહનશક્તિની બહુ પરિક્ષા ના લેવી જોઇએ, આ એવું થયું છે. જો કે અહીં મોટે ભાગે સ્ટ્રીટ ગેંગ્સ કે જેને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે, તે જ પોતાનો પ્રતાપ બતાવી રહી છે. આ દેશ આટલો વિકસિત હોવા છતાં અહીં રોજેરોજ ડ્રગ્સના ઓવરડોઝને કારણે લોકો મરે છે. તાજેતરમાં જ તમે એમી વાઈનહાઉસ નામની પોપ સિંગરના મૃત્યુના સમાચાર પણ કદાચ વાંચ્યા હશે, તે પણ ડ્રગ્સને કારણે જ મરી. સામાન્ય જનતાને પણ ડ્રગ્સ એટલી સરળતાથી મળી રહે છે, જેટલી સરળતાથી ગુજરાતમાં દારૂ મળતો હોવાના આપણે દાવા કરતા હોઈએ છીએ. અને જેને પોલીસે માર્યો તે ડ્રગ ડિલર હતો, એટલે એ માફિયા ટોળી વિફરી છે અને પોલીસને દબાવવાનો પ્રયત્ન કરે છે.

   Like

 3. Kartik says:

  ઓહ, આ તો માફિઆઓના તોફાનો. મને એમ કે લોકો સરકારથી કંટાળ્યા હશે કે કાળા-ગોરાની ધમાલ હશે. જોઈએ હવે, ગુજરાતના તોફાનોની હજી સુધી ટીકા કરતાં લોકો આ તોફાનો વિશે શું કહે છે…

  Like

  • ના, સાવ એવુંએ નથી કે માફિયાઓના તોફાનો છે. બધું મિશ્ર છે. ગેંગ્સનું નામ છાપે ચઢાવીને સરકાર છટકી પણ જાયને કે આ તો ખોટા તોફાનો છે, જો સરકાર ખુલ્લેઆમ કહે કે કાળાઓ તોફાન કરે છે, તો ખુલ્લેઆમ પોતાની નિષ્ફળતા અને આટલા વર્ષોથી રાખેલા ભેદભાવ ખુલ્લા પડી જાય. પણ તમે કહી તે મુદ્દાની વાત છે, કે જોઈએ ગુજરાતના તોફાનોની ટિકા કરનારા આ તોફાનો વિષે શું કહે છે.

   Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: