ચાન્સ કે ઈમાનદારી (૩)?

આગળની બે પોસ્ટ્સની શ્રેણીની જ આ ત્રીજી અને હાલ પુરતી છેલ્લી પોસ્ટ છે. જો કે આ અનુભવ પહેલાના બે કરતાં જુદો છે, પણ ભળતો સળતો હોવાથી તે જ શ્રેણીમાં સમાવી લીધો છે.

‘સૃષ્ટિ’માં કામ કરતો ત્યારે સૌરાષ્ટ્ર બાજુના કોઈક ગામડાની મુલાકાત લઈને ઘેર પાછા જવા માટે એસ.ટી.ની બસમાં બેઠો હતો. ભાડું ૪૯ કે ૫૯ રૂપિયા જેવું હતું. કંડક્ટરને પૈસા આપ્યાં એટલે એણે સ્વાભાવિક રીતે જ મોટી નોટો પાછી આપીને કહ્યું કે “એક રૂપિયો છુટો નથી, આવે એટલે આપું છું.” હજુ તો મુસાફરી શરૂ જ થઈ હતી અને ઓછામાં ઓછા બે અઢી કલાકના અંતરમાં ૩-૪ સ્ટોપ અને એક ડ્રાઈવર-કંડક્ટરની મરજીનું નાસ્તા સ્ટોપ આવવાની ખાતરી હતી એટલે કંડક્ટરને મારો એક રૂપિયો ક્યાંકથી છુટો મળી જ જશે તેમ વિશ્વાસ રાખીને બેઠો. પહેલા એક-બે સ્ટોપ પરથી મુસાફરો ચઢ્યા અને બધાની ટિકીટ અપાઈ ગઈ એટલે મેં કંડક્ટરને મારો રૂપિયો યાદ અપાવ્યો, પણ તેણે મોઢું બગાડીને “અરે યાર નથી આવ્યો, કીધુંને કે આવે એટલે આપીશ” કહીને પોતાનો જીવ છોડાવ્યો. અને પછી તો એને ખબર પડી ગઈ કે હું તેની છાલ નહી છોડું, એટલે તેણે મારી સામે નજર મેળવવાનું જ ટાળવા માંડ્યું. હું સમજી ગયો હતો કે મારો રૂપિયો પાછો મળવાનો નથી.

બસ સરખેજ થઈને આવી એટલે મેં અંજલી સિનેમા પાસે ઉતરી જવાનું નક્કી કર્યું. એપીએમસીના થોડાક પહેલેથી ઉભો થઈ ગયો અને કંડક્ટર પાસે પહોંચીને એક રૂપિયો માંગ્યો, તેણે એ જ સ્વાભાવિક રકઝક ચાલુ રાખી. અને જાણે રૂપિયો પાછો માંગવો તે મારી ભૂલ હોય તેમ મને ખખડાવવા માંડ્યો કે, ક્યાં ક્યાંથી હેંડ્યા આવે છે, આવા સારા કપડા પહેરીને એક રૂપિયા માટે મરે છે, અમારે તો જાણે એમના રૂપિયામાં બંગલા બંધાઈ જવાના હોય, વગેરે વગેરે. વાસણા બસ સ્ટોપ આવતાં બીજા થોડાઘણા લોકો ઉતરવા માટે ઉભા થયા અને હું બારણામાં ઉભો રહી ગયો. કંડક્ટરને કીધું કે જ્યાં સુધી મારો રૂપિયો પાછો નહી મળે ત્યાં સુધી હું કોઈને ઉતરવા નહી દઉં. તેની પાસે છુટા ના હોય તો હું ચાર રુપિયા છુટા આપું તે મને પાંચનો સિક્કો આપે. પણ તે હવે નાગાઇ ઉપર ઉતરી આવ્યો હતો. કહે કે, “મારી પાસે પાંચનો સિક્કો પણ નથી. હું ટિકીટની પાછળ લખી આપું એસ.ટી. સ્ટેન્ડ પર આવીને મેઇન કાઉન્ટર પરથી લઈ જજો.”

હું ટસનો મસ ના થયો. લોકો ઉતરવા માટે રાહ જોઈને ઉભા હતા અને બસ આગળ વધી શકે તેમ નહોતી. ક્લાઇમેક્સ હવે આવ્યો. મને જતું કે ઉભેલા લોકો કહેશે અને કંડક્ટરને ઝુક્યા વગર છુટકો નહી રહે. પણ મારા આશ્ચર્ય વચ્ચે તે લોકો પણ કંડક્ટરના સૂરમાં સૂર પુરાવીને બોલવા લાગ્યાં અને મને ગાળો દેવા માંડ્યા કે એક રૂપિયા માટે આટલો કજીયો કરું છું. મેં આખી બસ બાનમાં લીધી છે, વગેરે વગેરે. છેવટે મારે પ્રજામત સામે ઝુકાવવું પડ્યું અને કંડક્ટર પાસે ટિકીટ પાછળ લખાવ્યું, તેનો બીલ્લા નંબર લખાવ્યો અને ખાડિયા જવાનું થયું ત્યારે રસ્તામાં એસટી સ્ટેન્ડેથી મારો રૂપિયો પાછો લેતો આવ્યો અને તે કંડક્ટર સામે ફરિયાદ પણ નોંધાવતો આવ્યો.

પરમ દિવસે દીપકભાઈની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ત્યાં સુરેશભાઈની કોમેન્ટ હતી કે પ્રજાને તેની લાયકાત પ્રમાણે જ મળે છે. જે મારા આ અનુભવ પરથી પણ સાબીત થાય છે. આપણી પ્રજા એટલી બધી તો બેઈમાન થઈ ગઈ છે કે બેઈમાની તેમના મગજમાં ઘુસી ગઈ છે. જે પ્રજા પોતે જ બેઈમાન હોય તે અન્યને ક્યાં ઈમાનદારીના પાઠ ભણાવવાની હતી. આપણી પ્રજાની લાયકાત તો ઘણી ઉંચી છે, પણ તેમના મગજ એટલા દૂષિત થઈ ગયાં છે કે તેમને પોતાનો હક્ક માંગવામાં શરમ આવે છે અને કોઈક હક્ક માંગતું હોય તો તે તેમને દોષી જણાય છે. તેમની પાસે સમયનો અભાવ છે, એટલે એક રૂપિયો જતો કરીને બસમાંથી ઉતરી જવાની ઉતાવળ હોય છે, અને આડોશીપાડોશી શું કહેશે એવી હિનતાથી પીડાતા પોતાનો હક્ક જતો કરીને પણ ગરદન ટટ્ટાર રાખીને ચાલશે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

6 Responses to ચાન્સ કે ઈમાનદારી (૩)?

 1. બસ આ સમસ્યા છે !!! આપે ખરે જ ’પ્રજા’ની રગ પકડી એમ કહીશ ! પ્રજાને એ વાત મનમાં બેસે કે સવાલ ૧ રૂ. નો નથી પરંતુ આપણાં અધિકારનો છે ત્યારે વાત બને ! પરંતુ આવી વાતો કરનારાને ’પ્રજા’ હોહા અને હર્ષભેર ઊંચકી ગામની ભાગોળે ફેંકી આવશે !! (અને અમને મળેલા કંજૂસ, ચીકણો, ધડકૂટો, મારવાડી, એવા ખિતાબો પણ સહર્ષ પ્રાપ્ત થશે !)

  એક કહેવત છે; જેને આવી શરમ, તેનાં ફૂટ્યા કરમ ! આપણને આવવી જોઈએ ત્યાં શરમ નથી આવતી પણ હક્કનો એક રૂપિયો પરત માંગતા શરમ આવે છે ! (આ વાંચીને હવે એક જગ્યાએ (સરકારી ખાતામાં જ સ્તો !) હક્કની થોડી રકમ છે અને લગભગ ૧૦ માસથી લખાપટ્ટી કરી થાક્યો તે હવે ઘોયરી (જતી) કરવાનો હતો તેને બદલે બમણાં જોરથી વળગવાનું જનૂન ચઢ્યું છે ! આભાર.)

  Like

  • બીલકુલ વસુલ કરવી જ જોઈએ અશોકભાઈ. મને તો બાળપણમાં શિખવાડેલી એક-બે કહેવતો યાદ આવે, ‘હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની’ અને બીજી ‘છાશમાં માખણ જાય અને રાંડ ફુવડ ગણાય’. એ ન્યાયે જો આપણે આપણો હક્ક જતો કરીએ તો સામેવાળા આપણને મૂર્ખમાં ખપાવતા હોય છે. અને તેમનામાં એવું કરવાની વધુ હિંમત આવતી હોય છે.

   Like

 2. Kartik says:

  થોડા સમયથી આવા બનાવો વધતાં જાય છે. મારું નિરિક્ષણ છે કે જો ધ્યાન ન રાખો તો કંડકટર ટિકિટ પણ આગળના સ્ટેન્ડની આપી દે છે!

  Like

  • કળિયુગ છે ભાઈ! બધા કમિશન પર કામ કરતા થઈ ગયા છે. જેટલો વધુ માલ વેચો તેટલું વધુ કમિશન. એટલે જ કદાચ ટ્રાફિક સિગ્નલ પર ઠોલાઓને આજકાલ રોકડી કરવાને બદલે પાવતી ફાડવામાં વધુ રસ હોય છે.

   Like

 3. S.S Rathod says:

  અહ્યાં ભારતમાં હવે નવો ટ્રેડ શરૂ થયો છે. મોલદારો કે દુકાનદારો પાસે ૧-૨ રૂપિયા છુટા ન હોય (અને હોય તો પણ ) તેઓ ચોકલેટ કે જેતે કિંમતની વસ્તુ આપી દે છે. પાછી કિંમત ૯૯ રૂપિયા જેવી રાખે.

  Like

  • મેં એનો પણ રસ્તો શોધ્યો હતો, મને પણ એવું નડતું. એક વખત દુકાનદારે મને એક ચોકલેટ આપી, તો એમાં ૯ બીજી ઉમેરીને એને પાછી આપી અને કહ્યું કે દસની નોટ આપે, જો એની પાસે દસની નોટ પણ ન હોય તો હું ૯૯ ચોકલેટ ગણી આપવા તૈયાર છુ. બીચારો થુંકેલું ચાટી શકે એમ તો હતો નહિ, એટલે ના છૂટકે મારી ૯ અને એની એક એમ દસ ચોકલેટ પાછી લઈને મને દસની નોટ આપી હતી.

   Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: