માતૃભાષા (Charity begins at Home)

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે મુરબ્બી શ્રી. દીપકભાઈના બ્લૉગ પર પ્રસિદ્ધ થયેલી આ પોસ્ટ અને છેલ્લી ૨-૩ પોસ્ટ્સ પરની ચર્ચાઓમાંથી મને આ લખવાની પ્રેરણા મળી છે. મારો પોતાના ઘરનો દાખલો છે…

અમે જ્યારે યુ.કે. આવ્યા ત્યારે પૃથા ૩ વર્ષની હતી. સ્વાભાવિક રીતે જ અહીં આવીને તેણે નર્સરી જવાનું શરૂ કર્યું. ભારતમાં હતા ત્યારે પણ અંગ્રેજી માધ્યમની શાળામાં તેને મુકી હતી તેથી થોડું-ઘણું તો એને ફાવવાનું જ હતું, પરંતુ આપણે ત્યાંની શાળાઓ ભલે અંગ્રેજી માધ્યમની હોય પણ શિક્ષક સુચનાઓ તો હિંદીમાં જ આપતા હોય, એટલે મને અને શેફાલીને સૌથી મોટી ચિંતા હતી કે પૃથાને એકી-પાણી કરવા જવું હશે તો કેવી રીતે કહેશે? એને અમે “કેન આઇ ગો ટુ ટોયલેટ?” અને “આઇ વોન્ટ વોટર” આ બે વાક્યો બરાબર શીખવાડ્યા હતા. પણ નસિબ જોગે એને અંગ્રેજી શાળામાં કોઈ જ તકલીફ પડી નહી (કેહે છે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે). ઘરમાં અમે તેની સાથે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખતાં.

પણ જેમ-જેમ એ મોટી થતી ગઈ તેમ-તેમ તેનો અંગ્રેજીનો વપરાશ વધવા માંડ્યો. એ બીજા ધોરણમાં આવી ત્યારે લગભગ સદંતર ગુજરાતી બોલવાનું બંધ કરી દીધું. અમે બોલીએ તે સમજી જાય પણ જવાબ અંગ્રેજીમાં જ આપે. અહીં યુ.કે.માં થોડાઘણા ગુજરાતી પરિવારોને ઓળખતો થયો હતો, જે બધાં જ આફ્રિકાથી ૭૦ના દાયકામાં અહીં આવીને વસ્યા હતા. તેમના બાળકો ઘરમાં બીલકુલ ગુજરાતી બોલતા નથી. મને નવાઈ એ વાતની લાગતી કે મા-બાપ જે બોલે તે બાળકો સમજી જાય, પણ બોલી ના શકે તે કેવી રીતે શક્ય છે? હવે જ્યારે મારી પોતાની પણ એ જ પરિસ્થિતી ઉભી થઈ ત્યારે મેં જાણ્યું. પૃથાને પુછ્યું કે બેટા ગુજરાતીમાં કેમ નથી બોલતી? તો જવાબ મળ્યો કે શાળામાં બધા અંગ્રેજીમાં જ વાતો કરે છે એટલે આપણે પણ અંગ્રેજી જ બોલવું જોઇએ. મને કાંઇ સમજાયું નહી. અમારા પડોશમાં બીજા પણ ભારતીય પરિવારો રહેતા અને તેમાંથી એક પરિવાર સાથે અમારે સારો એવો ઘરોબો થઈ ગયો હતો. તે લોકો તમિલ ખ્રિસ્તી હતાં. તેમનો છોકરો નિખિલ પણ પૃથાના ક્લાસમાં જ હતો. તેણે પણ ઘરમાં તમિલ બોલવાનું બંધ કરી દીધું હતું. આ છોકરાઓ પહેલા એકબીજા સાથે ભાંગીતુટી હિંદીમાં પણ વાતો કરી લેતા, પણ હવે અંદરોઅંદર પણ અંગ્રેજીમાં જ વાત કરતા.

હવે મને લાગ્યું કે આ અંગ્રેજીના મૂળ ક્યાંક ઉંડા લાગે છે. એટલે મેં પૃથાને સાથે બેસાડીને વિસ્તારથી પુછ્યું તો તેણે કહ્યું કે ગુજરાતી કે હિંદીમાં વાતો કરવામાં શરમ આવે છે, કેમકે બીજા બધા અંગ્રેજી બોલતા હોય છે. અમે એને સમજાવી કે બેટા સાચી વાત છે, શાળામાં ભલે અંગ્રેજીમાં બોલો પણ ઘરે તો ગુજરાતીમાં જ બોલવું. બીજા દીવસે તેને શાળાએ મુકવા ગયા ત્યારે ઇસ્ટર્ન યુરોપિયન્સના છોકરાઓ પણ હતાં જેમને મુકવા તેમના મા-બાપા આવ્યા હતા. તે લોકો તેમને બાય પણ તેમની ભાષામાં જ કહેતા હતા. પૃથાને આ બતાવ્યું અને સાંજે ફરીથી સમજાવ્યું કે જો બેટા તેમને તો શરમ નથી આવતી તો આપણને આપણી ભાષામાં બોલવામાં શેની શરમ? આ ઉપરાંત આ દેશની, અને ખાસ કરીને લંડન શહેરની શાળાઓની એક સારી વાત એ છે કે અહીં અમુક દ્વિભાષી પુસ્તકો રાખવામાં આવે, જેમાં વાર્તાઓ અંગ્રેજી અને તમારી ભાષા એમ બંનેમાં હોય. આવા ૨-૪ પુસ્તકો શાળામાંથી લીધા અને તેને બતાવ્યા કે જો બેટા આપણી ભાષાનો વપરાશ શરમજનક હોય તો તમારી શાળામાં આપણી ભાષાના પુસ્તકો કેમ હોય છે? કેમ તમારા શિક્ષકો ફક્ત અંગ્રેજી પુસ્તકો જ નથી રાખતા? એક-બે દિવસ આ ખચવાટ રહ્યો, પણ પછી તેની જાતે જ એ ગુજરાતીમાં અમારી સાથે વાતો કરતી થઈ ગઈ.

આજે એ વાતને પાંચ વર્ષ વિતી ગયા, એ મોટા ધોરણમાં પણ આવી ગઈ, પણ એ અને વ્રજ બંને ઘરમાં ગુજરાતી જ બોલે છે. ઘણી વખત એને ભણાવતી વખતે કે એ કશુંક પુછે તે સમજાવતી વખતે હું અજાણપણે અંગ્રેજી પર ચઢી જઉં તો તે મને ટોકીને કહે કે, “પપ્પા તમે મારી સાથે અંગ્રેજીમાં કેમ વાત કરો છો?” અરે ઘરે ગુજરાતી છાપું મંગાવીએ છીએ તે વાંચતા પણ હવે તો પૃથા શીખવા માંડી છે. મારા પેલા પડોશીના છોકરા આજે પણ તમિલ બોલતા નથી થયાં. હવે તો તે બાળકો એવો વર્તાવ કરે છે કે તે તમિલ સમજતા પણ ના હોય, મા-બાપને પણ અંગ્રેજી બોલવા મજબૂર કરે છે. મેં તેને ઘણીવાર કીધું કે તું પણ તેમની સામે દાંડાઈ કર કે, તને અંગ્રેજી નથી સમજાતું. ખાવા બેસે ત્યારે ત્યારે જો એ લોકો અંગ્રેજીમાં કશું માગે તો ના આપ, તમિલમાં જવાબ આપ કે મને અંગ્રેજી નથી સમજાતું, પાપી પેટ કા સવાલ હૈ, છોકરાઓ ૪ દિવસમાં તમિલ બોલતા ના થાય તો મને કહેજે. પણ તેની તૈયારી નથી, કદાચ તે હરખાતો પણ હશે કે તેના છોકરા કેટલા એડ્વાન્સ્ડ છે કે ફક્ત અંગ્રેજી જ બોલે છે.

થોડો આગ્રહ રાખવાથી અને બાળકોને કેળવણી આપવાથી તે આપણી ભાષાનું જતન કરતા થઈ જ જાય છે. પહેલ આપણે કરવાની હોય છે, બાળકો તો આપણી પાસેથી પ્રેરણા લેવાના જ છે.

તા.ક.: માતૃભાષા દિને શક્ય તેટલી જગ્યાએ અંગ્રેજી શબ્દો ટાળવાનો પ્રયત્ન કર્યો છે, ફરી પાછી એ જ દીપકભાઈની ગુજરાતી ભાષાના ધોવાણને લગતી પાછલી પોસ્ટ પરથી જ પ્રેરણા લઈને ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે, કદાચ ક્યાંક કૃત્રિમ લાગે પણ ચલાવી લેવા વિનંતી છે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

25 Responses to માતૃભાષા (Charity begins at Home)

 1. ધવલભાઈ,
  તમારી જાગૃતિનું જ આ સારૂં પરિણામ છે. પરંતુ, તમારા સંયોગોમાં આટલું જ થઈ શકે. અન તમે ઘણું કર્યું છે. સવાલ તો જ માબાપ ભારતમાં રહીને પણ પોતાની માતૃભાષાને ઊતરતી ગણતા હોય એમનો છે. હકીકત એ છે કે બાળક ઘણી ભાષાઓ શીખી શકે છે, આ શક્તિ ઉંમર વધતાં ઓછી થઈ જતી હોય છે.
  મારી વાત કરૂં તો, હું પોતે ભાષાનો જાણકાર નથી, પણ ભાષાનો વિકાસ કેમ થયો અને એનો ઇતિહાસ શું છે તે જાણવાની બહુ મઝા આવતી હોય છે. આના આધારે અનુમાનો કરૂં તો ક્યારેક તુક્કા સાચા પડી જતા હોય છે. ક્યારેક આ વિશે વાત કરીશું.

  Like

  • સાચી વાત છે દીપકભાઈ, બાળક એક સાથે વધુ ભાષાઓ શીખી શકે છે. મારો બાબો વ્રજકિશોર અહિં યુ.કે.માં જન્મ્યો અને જેમ વડિલો કહેતા હોય છે કે છોકરા શીખવામાં મોળા હોય, છોકરીઓ ઉતાવળી, તેમ વ્રજ પણ બે વર્ષ પૂરા કર્યા ત્યાં સુધી બોલતા નહોતો શીખ્યો. એક વર્ષનો થયો ત્યારથી બોલતો થયો ત્યાં સુધી અહિંના અમારા બધા દેશી ઓળખીતાઓ અમને શીખામણ આપતાં કે અમારે ઘરમાં અંગ્રેજી બોલતા થઈ જવું, કેમકે વ્રજ જૂદીજૂદી ભાષાઓ સાંભળીને કન્ફ્યુઝ થાય છે અને માટે બોલતા શીખતો નથી. કેમકે શેફાલી જ્યારે તેને લઈને ‘ટોડલર ગ્રુપ’માં જાય ત્યારે ત્યાં અંગ્રેજી, ઘરમાં ગુજરાતી અને દેશી સર્કલમાં હિંદી બોલાય, એ બાળક માટે સારું નહી. અમને જો કે આનાથી કોઈ ફરક પડતો નહી, પણ માબાપસહજ ભાવે ક્યારેક ચિંતા થતી અને માટે ડૉક્ટર સાથે વાત કરી તો ડૉક્ટરે અમને સાંત્વન આપીને કહ્યું કે બાળક એક સાથે એકથી વધુ ભાષાઓ સમજી અને બોલી શકે છે. કદાચ તેમણે અમને ૧૮ ભાષા એવું કહ્યું હતું, પરંતુ અત્યારે પાકું યાદ નથી એટલે હું એવો કોઈ દાવો નહી કરું કે કેટલી ભાષા. પણ એ પછી એમણે અમને સ્પિચ થેરાપિસ્ટ સાથે પણ મેળવ્યા અને તેમનું પણ એમજ કહેવું હતું. એટલું જ નહી ડૉક્ટરોની તો એવી સલાહ હતી કે અમારે બાળકને અમારી માતૃભાષા જ શીખવવી અને ભાષાનું જતન કરવું. તેમનું કહેવું હતું કે બાળક બહાર જશે એટલે અંગ્રેજી તો આપોઆપ શીખી જ લેશે. એ જેટલી વધારે ભાષા જાણશે તેટલો તેના મગજનો વિકાસ વધુ થશે. આ વાત અમને તો સમજાઈ, પણ બીજા અંગ્રેજી ભાષાથી અભિભૂત થઈ જતા આપણા દેશી ભાઈબહેનોને કોણ સમજાવે? ફક્ત ભારતમાં જ માબાપને અંગ્રેજીના પ્રભાવમાં આપણી ભાષા હિન લાગે છે તેમ નથી, અહિં પણ એવું થાય છે, અને કદાચ આજે વૈશ્વિક કુટુંબો બનવા માંડ્યા છે તે કારણે આપણા ભારતીયો પણ અંગ્રેજીના તેજથી અંજાઈ જતા વધુ જોવા મળે છે.

   હું પણ તમારી જેમ જ ભાષાની ઉત્પત્તિ વિષે તુક્કા લગાવતો હોઉં છું, ચોક્કસ એ વિષે વાત કરવામાં મજા પડશે.

   Like

 2. jjugalkishor says:

  ૨૧મી ફેબ્રુઆરી નિમિત્તે આમ બે બ્લૉગ ભેળા થયા ! બહુ સારું લાગે છે. જગત સાવ નાનું થતું જાય છે.

  જય જય ગરવી ગુજરાતી !!

  Like

 3. શ્રી.ધવલભાઈ,
  યોગ્ય સમયે, ઉત્તમ નિર્ણય લઈ, યોગ્ય પગલું ભર્યું એમ કહેવાય. દીપકભાઈએ જણાવ્યું તેમ ’બાળક ઘણી ભાષાઓ શીખી શકે છે’ તો અંગ્રેજી અને અન્ય પણ જરૂરી ભાષાઓ ઉપરાંત તેમને માતૃભાષા શીખવા, સમજવાનો લાભ તો ઘરમાં જ મળી રહે અને લાભદાયક બની રહે તે તેને માટે ઉત્તમ જ થશે.

  મારા એક સંબંધી કેનેડા સ્થિત છે, તેમનો ધો-૧ માં અભ્યાસ કરતો પુત્ર સામાન્ય રીતે અંગ્રેજીમાં જ ભણતો હોઈ અંગ્રેજી તો બહુ સુંદર રીતે જાણે જ, કિંતુ ગુજરાતી પણ અહિનાં ધો-૧નાં બાળકની સરખામણીએ સારૂં કહેવાય તેવું જાણે અને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તે અમારી ગામઠી બોલી (જે મહેર બોલી કહેવાય છે) પણ કોઈ ગામડાવાળાને બાઘો બનાવી દે તેવી કડકડાટ બોલી શકે છે ! તે સંબંધી ઉચ્ચ અભ્યાસ ધરાવે છે પરંતુ, માત્ર ને માત્ર, ગુજરાતી અને આ બોલીનો વારસો પણ જળવાય તે હેતુથી ઘરમાં સઘળી વાતો ગામઠીબોલીમાં ચલાવે ! ત્યાં તો દિકરાને ઉલ્ટું આ એક મજાનું અને ગર્વ લેવા જેવું કામ લાગે કે હું અને મારો ’પપ્પો’ અન્ય (ત્યાંનાં હિસાબે !) કરતાં એક વધારાની જ ભાષા (બોલી) જાણીએ છીએ !!

  આપે કર્યું તેમ માતૃભાષાનાં દરેક ચાહકે કરવું જોઈએ, બાળકને માતૃભાષા શીખવા માત્ર દબાણ ન કરતાં એ શીખવામાં, કે બોલવામાં, કશી નાનપ નથી અને આ પણ એક મજાનું, કે પડકારરૂપ કાર્ય છે તેવું સમજાવી તેને પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકને તો પડકારો ગમતા હોય છે ! તેને શરમાવાનું કશું કારણ પણ નથી હોતું !! આપણને જ ’શરમો’ આવતી હોય છે. ઘણો સ_રસ અને પ્રેરણાદાયક લેખ. આભાર.

  Like

  • અરે ના ભાઈ પ્રેરણાદાયક તો કશું નહી, આપવિતી લખી છે. અને શરમો આવવાની વાત સાચી કહી તમે. પણ આ સાલી શરમો ભાષામાં જ કેમ આવે છે? પહેરવેશમાં કદાચ આવે તે તો સમજી શકાય કેમકે તમે પહેરેલા પહેરવેશમાં લોકો તમને જોતા હોય, અને તમને લોકલાજ નડે (જો કે મને તો એ પણ નથી આવતી, હું તો મંદિરે જઉ ત્યારે ધોતી પહેરીને જઉં છું, અને ગાડીમાંથી ઉતરીને રસ્તામાં શોપિંગ કરવા પણ ધોતીયામાં જ ફરતો હોઉં છું). પણ આપણીઈ ભાષા તો આપણા ઘરમાં આપણા જ લોકોની વચ્ચે બોલાતી હોય છે, કોણ જુએ છે આપણને યાર? અને આવી શરમ આપણો ખોરાક ખાતા તો આવતી નથી? હા અહીં આવીને પીઝા-પાસ્તા અને પાઈ વધારે ખાતા થઈએ પણ રોટલી દાળ્આ ભાત શાક તો ભૂલાતા નથી, તો ભાષા કેમ ભૂલાઈ જાય?

   બસ આ જ આક્રોશ છે એવા લોકો પ્રત્યે જે પોતાની ભાષાનું જતન નથી કરતાં.

   Like

 4. અહીં શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના ‘કુરુક્ષેત્ર; બ્લૉગ પરના લેખની એક લિંક આપું છું. એમાં બાળકની ભાષા શીખવાની ક્ષમતા અને એના ભવિષ્યના લાભોનો ઉલ્લેખ છે. આખો લેખ બહુ સારો છેઃ
  http://raolji.com/2011/11/07/અભિમન્યુ-બાળક/

  Like

 5. Saralhindi says:

  આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન…………

  Why not celebrate this day as Gujarati Divas like હિન્દી દિવસ(૧૪ સિતમ્બર) and વિશ્વ હિન્દી દિવસ( 10 जनवरी)

  if Hindi states celebrate 3 days for language why not one special day for Gujarati??

  http://uni.medhas.org/transliterate.php5?file=http%3A%2F%2Fhi.wikipedia.org%2Fwiki%2F%25E0%25A4%25B9%25E0%25A4%25BF%25E0%25A4%25A8%25E0%25A5%258D%25E0%25A4%25A6%25E0%25A5%2580_%25E0%25A4%25A6%25E0%25A4%25BF%25E0%25A4%25B5%25E0%25A4%25B8&transliterate_to_button=%E0%AA%85

  Like

  • ચોક્કસ, કેમ નહી. પણ હું તો એમ કહું છું કે ફક્ત ૧ કે ૩ દિવસ જ કેમ? કેમ ૩૬૫ દિવસ ગુજરાતી દિવસ ના હોઈ શકે? આપણે આવા અલાયદા દિવસો રાખવાની શું જરૂર છે?

   હર દિન દીવાળી…!

   Like

  • Ishwer C Naik says:

   આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનો એક ફાયદો એ છે કે આખી દુનિયાના તમામ લોકો જોડાઈ શકે, દરેકને પોતાની માતૃભાષા તો હોય જ ને ? માનો કે ન માનો.

   Like

   • હોય જ ને, સવાલ જ નથી. ના માનવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ તો આપણે ગુજરાતીમાં લખીએ છીએ, અને ગુજરાતીને આપણી માતૃભાષા ગણીએ છીએ એટલે આપણી ચર્ચાઓમાં માતૃભાષા એટલે “આપણી માતૃભાષા” એમ ગણીને જ સંવાદો કરતા હોઈએ છીએ.

    Like

 6. Saralhindi says:

  Wait till children go to high school then see what they say about Matrubhasha!

  if western technology and modern dress is a way of life why not speech?

  Why not give equal education in both languages?

  Like

  • સાહેબ આશાવાદી રહેવું સારું, નિસાશાવાદી થવામાં આપણને જ નુક્શનાન છે. જો અત્યારથી આપણે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીશું તો એ લોકો ચોક્કસ માતૃભાષા માટે જે આજે કહે છે તે જ આવતી કાલે અને આવતા ૨૫-૫૦ વર્ષ પછી પણ કહેશે. મારી સાથે મારી બેંકમાં એક છોકરી છે જે ગુજરાતી છે, તેનો જન્મ પણ અહીં થયો છે અને અહિં અંગ્રેજો વચ્ચે જ ભણી અને ઉછરી છે. છતાં ઓફીસમાં જ્યારે મારી સાથે વાત કરે છે ત્યારે તે ગુજરાતીમાં જ વાત કરે છે. જો તે તેમ કરે છે તો મારા બાળકો પણ હાઇસ્કુલ તો શું કોલેજમાં જશે તો પણ ગુજરાતીનો ઉપયોગ કરશે જ.

   અને કઈ મોડર્ન ટેક્નોલોજીની વાત કરો છો? આપણે હજુ રસોઈ કરવા માટે આપણી તપેલીઓ, લોઢીઓ અને તાવડીઓ નથી ત્યજી. ભલે જીન્સ આવ્યા પણ સાડીઓ હજુ ચલણમાં છે. આપણા દેશ પર અનેકાનેક આક્રમણો થયા અને વિદેશી સંસ્કૃતિઓનો મારો ચાલ્યો, પણ છતાં આપણે આપણી સંસ્કૃતિ સંપૂર્ણપણે તો નથી જ ગુમાવી. નવામાંથી જેટલું કામનું લાગ્યું તે ગ્રહણ કર્યું અને આપણું પણ સાચવી રાખ્યું. જેવું ટેક્નોલોજીનું થયું, પહેરવેશનું થયું તેવું જ ભાષાનું પણ થયું. જે ગુજરાતી લિપિને રાષ્ટ્રભાષા બનાવવાનો તમે પ્રચાર કરી રહ્યા છો તે પણ તો ક્યારેક ઉત્ક્રાંતિ પામીને જ ઉદ્ભવી છે ને? અને ઉત્ક્રાંતિની આ પ્રક્રિયામાં જે નવા સાથે તાલ ના મેળવી શકે તે નાશ પામે છે, તે તો તમે જાણતા જ હશો. માટે નવાનો તદ્દન વિરોધ કરવો અને આપણા જૂનાને જ જડપણે વળગી રહેવું તે હિતાવહ ના જ ગણાય.

   કયા સમાન શિક્ષણની વાત કરો છો આપ? અને જે ભાષાનો અને લિપિનો પ્રચાર કરો છો તેના બદલે આ આંગ્લભાષા અને મ્લેચ્છ લિપિનો ઉપયોગ શું કામ કરવો?

   Like

   • Saralhindi says:

    કયા સમાન શિક્ષણની વાત કરો છો આપ?

    I am talking about medium of study in school.

    It does not matter, what’s the medium of study as long as standard subjects and examination methods are same in both mediums. English medium school should teach Gujarati as one subject through out all school years and Gujarati medium school should do the same with English.
    How about Hindi???Oh….. our Rashtrabhasha??? What does Indian constitution say about this?
    First of all India needs simple national language script and that is Gujarati script.

    It’s good to learn English along with mother language to understand world better.If we don’t teach English/Gujarati to our children who is going to translate all books for our schools?How we know it’s correct translation without other’s opinions?

    Like

 7. ASHOK M VAISHNAV says:

  અગ્રેજી સિવાયની ભાષામાં વ્યવહારો કરવા તે ક્ષોભ અને શરમની વાત આપણે ભારતીયો જ, તેમાં પણ કદાચ ગુજરાતીઓ સવિશેષ,માનતાં હોઇશું.જર્મન કે ફ્રેંચ કે અન્ય કોઇ ભાષામાં વાત કરનાર વ્યક્તિ પોતાની ભાષામાં વાત કરવાને પોતના દેશમાટેની ગૌરવપૂર્ણ લાગણી ગણે. આમાં અમૅરીકન અંગ્રેજીને વીક્ટોરીયન અંગ્રેજીથી અલગ ગણીને સામાન્યતઃ અમૅરીકનૉ પણ આવી જતા જણાય.
  અંગ્રેજો એ ભારત પર રાજ કરીને આ મનોદશા કરી મૂકી છે તેમ કહીને આપણે આપણી નૈતિક જવાબદારીમાથી છટકી રહ્યાં છીએ તેવું વધારે કહી શકાય. આફ્રિકા કે દક્ષિણ અમૅરિકાના નયા દેશો જ્યાં બીજા યુરોપીય દેશો એ રાજ્ય કર્યું હતું તે દેશોમાં હાલની પરિસ્થિતિ શું છે તે જાણવું જોઇએ.

  Like

  • જો કે એવા ઘણા દેશોમાં ફ્રેન્ચ આજે પણ વપરાય છે, ઉદા. કેનેડા, આલ્જેરિયા અને એવા બીજા ઘણા દેશો. પણ ત્યાં ફક્ત વ્યવહારની ભાષા તરિકે, અથવા તો અન્ય શબ્દોમાં કહીએ તો સેકન્ડ લેન્ગ્વેજ તરીકે જ

   Like

  • Dipak Dholakia says:

   આમ તો જે દેશોમાં વિદેશીઓએ શાસન કર્યું ત્યાં સ્થાનિકની ભાષાઓ લગભગ મરી પરવારી. આફ્રિકામાં અંગ્રેજી જ છે. ક્યૂબા અને બીજા લેટિન અમેરિકન દેશોમાં સ્પેનિશ ચાલે છે. સોવિએત સંઘ હતો ત્યારે એના બધા ઘટકો (હવે સ્વતંત્ર દેશો)માં રશિયનનું પ્રભુત્વ હતું. ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન વગેરે દેશોમાં તો રશિયનનો પ્રભાવ એતલો રહ્યો છે કે એમનાં નામો પણ રશિયન સ્ટાઇલનાં બની ગયાં. રખમાનોફ એટલે મૂળ રહમાન નામ. પણ રશિયનમાં ‘હ’ નથી. એને બદલે ઉર્દુમાં બોલાતો ‘ખ’ (જે હિન્દીમાં નીચે બિન્દી મૂકીને લખાય છે) બોલાય છે. છેલ્લો ‘ઓ્ફ (કે ઓ્વ) ઉચ્ચાર રશિયન સ્ટાઇલ છે. ખ્રુશ્ચોવ, બ્રેઝનેવ, વોરોશિલોવ વગેરે રશિયન નામોની તર્જ પર આ ફેરફાર થયા છે. પરંતુ આ દેશો પોતાની માતૃભાષા તરફ પાછા વળ્યા છે.
   મારો ખ્યાલ છે કે ભાષામાં શબ્દો તો આવતા જ રહે છે. ક્રિયાપદો ભાષાની જમીન છે. એમાં વિકૃતિ ન જ આવવી જોઈએ શબ્દોને પણ આપણે ગુજરાતી વ્યાકરણ પ્રમાણે ઢાળવા જોઈએ. કૃત્રિમ રીતે અનુવાદ ન કરવા જોઇએ. ઉદાહરણ તરીકે અંગ્રેજીનો શબ્દ Nation – National – Nationalise -Nationalisation આમ, નામ વિશેષણ, ક્રિયાપદ, અને ફરી નામ એ પ્રક્રિયા પછી બન્યો. આપણે સીધો અનુવાદ કર્યો -‘રાષ્ટ્રીયકરણ’. આ શબ્દ આપણે માત્ર નામ તરીકે જ વાપરવો પડે છે. એટલે એની સાથે જુદું ક્રિયાપદ વાપરવું પડે છે -‘રાષ્ટ્રીયકરણ કર્યું’. અહીં ‘કરણ’ અને ‘કર્યું’ બન્ને એક જ મૂળમાંથી આવે છે. ‘બાષ્પીભવન થવું’માં ભૂ – ભવ -ભવન છે જેનો અર્થ ‘થવું’ છે. અહીં પણ શબ્દ બેવડાય છે. ખરી (અથવા અંગ્રેજી પ્રમાણે) પ્રક્રિયા તો રાષ્ટ્ર – રાષ્ટ્રીય – -રાષ્ટરવું (રાષ્ટ્રવું). રાષ્ટ્રિત હોવી જોઇતી હતી, એમ મને લાગે છે. આ માત્ર તુક્કો જ છે! પણ કદાચ મઝા આવશે એમ ધારીને લખી નાખ્યો.

   Like

   • તમારો તર્ક સાચો જ લાગે છે, પણ આપણે ‘ise માટે કરવું સિવાય કશું વાપરી શક્તા નથી, કદાચ એજ આપણી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની ભિન્નતા ના કહેવાય? જેમ સંસ્કૃત વ્યાકરણના રૂપો ભલે ગુજરાતી ભાષા ઘણા અંશે સંસ્કૃત પરથી ઉતરી આવી હોવા છતા સીધેસીધા વાપરી શકાતા નથી, તેમ nationalise અને nationalisation બંને શબ્દો (અને એવા અનેક અન્ય અંગ્રેજી શબ્દો) માટે ગુજરાતીમાં એક-એક અલાયદા શબ્દો બનાવવું અઘરૂં થઈ પડે. આ પરથી મને મારો વિકિપીડિયાનો એક અનુભવ યાદ આવે છે, મારા એક મિત્રએ જૈન ધર્મ પર લેખો તૈયાર કરવાનું શરૂ કર્યું, સાહજિક રીતે જ અંગ્રેજી વિકિ સમૃદ્ધ હોવાથી ત્યાંથી અને હિંદી વિકિમાંથી મૂળ લખાણ લઈને તેનું ભાષાંતર આદર્યું. હવે ત્યાં અનેક ઢાંચા (templates) વપરાય છે, જે રિપિટેડલી વપરાતા ચોકઠાઓ (માહિતીચોકઠાં) માટે (વળી પાછું આ વ્યાકરણની અવઢવ-ચોકઠું એક વચન, તો બહુ વચન ચોકઠાં કે ચોકઠાઓ??) વપરાતા હોય. આ મિત્રએ અંગ્રેજી Template:Jainismનું ગુજરાતી કર્યું ઢાંચો:જૈનત્વ. એટલે જ્યારે આપણે અન્ય ભાષાઓમાંથી ભાષાંતર કરીએ છીએ ત્યારે ખરેખર તેના શબ્દેશબ્દનો અનુવાદ કરી નાંખીએ અને આપણી ભાષા પ્રત્યે નિષ્ઠા દાખવવાને બદલે પારકી ભાષા પ્રત્યે નિષ્ઠા દાખવીને તેને જડ પણે વળગી રહીએ છીએ અને જૈન ધર્મ કરવાને બદલે જૈનત્વ કરીએ, કેમકે સીધું લોજીક છે ને બોસ, જૈન ધર્મ એટલે તો Jain Religion પણ અહિંતો Jainism, એટલે જૈનત્વ જ થવું જોઈએ.

    Like

    • Dipak Dholakia says:

     તમારી વાત સાચી છે. અંગ્રેજીમાં નામ પરથી ક્રિયાપદ અને ક્રિયાપદ પરથી નામ બનાવી શકાય છે. આપણી ભાષાઓમાં આ ખાસિયત નથી. અંગ્રેજીમાં રન, વૉક, ટૉક, વૉટર, સ્પીક, સ્ટોપ વગેરે નામ તરીકે અને ક્રિયાપદ તરીકે, એમ બન્ને રીતે વાપરી શકાય છે. આપણી ભાષામાં પણ અમુક શબ્દો છે. દા. ત. ‘વર’ આ નામ પન છે અને મૂળ ધાતુ પણ છે. વર એટલે પતિ અને વર, વરવું, વરણી, વરદ, વરદાન વગેરે. આમ આ ખાસિયત છે પણ એનો ઉપયોગ બહુ નથી થયો.

     Like

     • jjugalkishor says:

      દોડ–દોડવું / ચાલ–ચાલવું / પેય – પીવું / અટક – અટકવું વગેરેમાં નામ અને ક્રિયાપદો એક હોય છે. વર શબ્દનો દાખલો સરસ છે.

      Like

      • આભાર જુગલકિશોરભાઈ, આ શબ્દો જાણતા હોવા છતાં તેમની આવી ખુબીઓની જાણ હોતી જ નથી. મારી નીચેની અવઢવ વિષે તમે શું કહો છો?

       વળી પાછું આ વ્યાકરણની અવઢવ-ચોકઠું એક વચન, તો બહુ વચન ચોકઠાં કે ચોકઠાઓ??

       આવું જ પાનું, પાનાં અને પાનાઓનું પણ છે. ‘પાનું’ શબ્દને જ્યારે એક વચનમાં વિભક્તિ પ્રત્યય લાગે ત્યારે તેમાં અનુસ્વાર આવે અને બહુવચન થાય ત્યારે પણ અનુસ્વાર આવે? આ હંમેશા મુંઝવતું આવ્યું છે.

       Like

      • Dipak Dholakia says:

       જુગલભાઈ,
       પેય સંસ્કૃતનો શબ્દ છે. આપણે ગુજરાતી ક્રિયાપદ પરથી બનેલા નામમાં એને ન ગણી શકીએ. ‘પીણું’ ખરો પણ ‘પી’ પોતે નામ નથી બનતું. ‘પહોંચ’ આવું નામ ગણી શકાય. ‘જપ’ નામનું ક્રિયાપદ ‘જપવું’ બન્યું હશે કે ઉલ્ટું છે?

       ધવલભાઈ,
       ‘ઉ’ નો એકવચનમાં ‘આ’ બને અને બહુ વચનમાં ‘આં’ બને પણ પાનું એક્વચનમાં વાક્યમાં વપરાય ત્યારે જ અનુસ્વાર વગર પાના લખાય. “પહેલા પાના પર ચિત્ર છે” પણ “પહેલાં દસ પાનાં પર ચિત્ર છે”.

       Like

 8. GUJARATPLUS says:

  Growing Hindi medium schools in Gujarat state may force us to write Gujarati in Devanagari Lipi in future along with other languages.

  ભવિષ્ય માં સરળ ગુજરાતી ભાષા લિપિ લુપ્ત થવા ના કારણો……………………….you may visit blog..

  3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં ! http://saralhindi.wordpress.com/

  Like

 9. hirals says:

  સરસ. ગમ્યું. મને પણ મારી દીકરી માટે ઉપયોગી થશે.

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: