શબ્દ સુઝાવ

હું અંગ્રેજી શબ્દ Scriptorium (સ્ક્રિપ્ટૉરિઅમ) માટે યોગ્ય ગુજરાતી શબ્દની શોધમાં છું. અમે થોડાઘણા લોકોએ ભેગા મળીને આ વિષે ચર્ચા શરૂ કરી હતી, પણ કુતરાનો સંઘ કાશીએ ના જાય તે ન્યાયે અમે કોઈ ચોક્કસ નિર્ણય પર ન પહોંચી શક્યા, એટલે થયું કે લાવ બ્લૉગજગતનું શરણું લઉં. તો આપ સહુ મિત્રોના શરણે આવ્યો છું. અમારી થયેલી ચર્ચાના સ્થુળ અંશો અહિં રજૂ કરું છું, તે વાંચી આપના પણ અભિપ્રાયો આપશો તો મને અને આપણી ભાષાને મદદ થશે.

મૂળ ચર્ચા:
ગુજરાતી લેક્સિકન મુજબ Scriptorium (સ્ક્રિપ્ટૉરિઅમ)નો અર્થ લખવાની ઓરડી, મઠમાંની એવો કર્યો છે. આ સ્ક્રિપ્ટૉરિઅમ એ એવી જગ્યા છે, જે પૂરાણા સમયમાં મઠો/આશ્રમો (ખાસ કરીને ખ્રિસ્તી મોનેસ્ટરિઝ)માં એક ઓરડો હોતો હતો, જ્યાં બેસીને લહિયાઓ જૂની હસ્તપ્રતોની નકલ તૈયાર કરતા હતા. ટૂંકમાં જ્યાં પુસ્તકોનો સંગ્રહ હોય તે જગ્યાએ લખવાની સુવિધા માટેનું સ્થળ. જો પુસ્તકાલય હોય તો, પુસ્તકાલયમાં એવો કોઈ અલાયદો ઓરડો કે વિભાગ હોય છે જેમાં લખવાની સુવિધા હોય? અને જો હોય તો તેને શું કહે છે? આ વિષે આપના સૂચનોની તાતી જરૂર છે. મને જે ૨-૩ શબ્દો સૂઝ્યા છે તે અહિં લખું છું, આપને પણ જો સૂઝતા હોય તો જણાવવા વિનંતિ.

  લેખનખંડનવો શબ્દ, પણ વાંચનાલયમાં લખવા માટેનો ઓરડો એ ન્યાયે
  ચર્ચાખંડનવો શબ્દ, પણ અહિં આપણે ચર્ચાઓ કરીએ છીએ એ ન્યાયે (પણ થોડો કૃત્રિમ)
  સભાખંડપ્રવર્તમાન શબ્દ, વર્ચ્યૂલી તો આપણે અહિં સભાઓ જ ભરીએ છીએ ને?

એક મિત્રએ જણાવ્યું કે તેમને સભાખંડ શબ્દ વધારે વ્યાજબી જણાય છે. (સંપૂર્ણ બંધબેસતો તો નહીં પરંતુ અર્થ સારે તેવો !) એમ તો લેખનાલય એવું પણ તેમના મગજમાં આવ્યું પરંતુ શબ્દકોશમાં તેમને એવો શબ્દ મળ્યો નહિ. ત્યારે બીજા મિત્રએ કહ્યું કે સભાખંડ શબ્દ સારો છે અને તેને તેઓએ ટેકો જાહેર કર્યો. અને સાથે સાથે સૂચન પણ કર્યું કે કોઇપણ કારણસર તે ન વપરાય તો લેખનખંડને તેમનો બીજો મત આપવો. બાકી રંગશાળા એટલે કે થિએટર શબ્દનો પણ વિચાર રજૂ કર્યો. ત્યારે વળી ત્રીજા મિત્ર એક અન્ય શબ્દ લઈને આવ્યા: અભ્યાસિકા. તેને માટે તેઓનું કહેવું હતું કે ભારતના અમુક ભાગમાં સેવાભાવી કે બિનધંધાદારી સ્થળ કે જ્યાં ચર્ચા વિચારણા પરિસંવાદ આદિ યોજાય, એવા ઑફીસ જેવા નાનકડ ખંડને અભ્યાસિકા કહેવાય છે. આના સંદર્ભમાં અન્ય રંગશાળા સુચવનાર મિત્રએ પ્રશ્ન ઊઠાવ્યો કે તે અન્ય ભાષાનો શબ્દ તો નથી ને? કેમકે તે ભારતના અન્ય પ્રાંતમાં પ્રચલિત છે, આ શક વ્યાજબી હતો.

આ બધાના જવાબમાં મારું કહેવું એમ હતું કે, “લેખનાલય અને રંગશાળા બંને સારા શબ્દો છે, લેખનાલય શબ્દકોશમાં ના હોવાનો કોઈ વાંધો નથી, મને પણ બે શબ્દો તો શબ્દકોશમાં ન હોય તેવા જ સૂઝ્યા હતા. અને રંગશાળા પણ ખોટું નથી, કેમકે આપણે ઘણી વખત ચોતરા ઉપર ભવાઈઓ કરી ચૂક્યા છીએ (મજાક). પણ પુસ્તકાલયમાં રંગશાળા કંઈક જચતી નથી. અભ્યાસિકા માટે મિત્રનો શક વ્યાજબી છે, તે અન્ય ભાષી શબ્દ તો નથી ને? આમે આપણે અહિં ચર્ચાઓ કરીશું, અભ્યાસ તો નહિ જ. હિંદીમાં અભ્યાસ એટલે ‘મહાવરો’ એવો અર્થ થાય છે, એમ મરાઠીમાં કદાચ અભ્યાસનો કોઈક અર્થ થતો હોય જેને અનુલક્ષીને આ નામ વપરાતું હોય. ગુજરાતીમાં અભ્યાસ એટલે ભણતર એવો સર્વસામાન્ય અર્થ નિકળે છે.”

ત્યારે ચોથા એક મિત્ર એ જણાવ્યું કે તેમના વિચારમાં અન્ય શબ્દો આવે છે જેમકે લેખનકુટિર, વિમર્શકુટિર, ચર્ચાખંડ વિગેરે. તેમના મતે તે સ્થળનું નામ તે સ્થળના અર્થને સાર્થક કરનારું હોવું જોઈએ. તે અર્થે તેનો સંદર્ભ ચર્ચાના સંબંધે જ હોવો જોઈએ. ત્યાં હવે કોઈ લેખન ક્રિયા થવાની નથી. લેખન સંદર્ભે આપાયેલું નામ તે સ્થળના ઉપયોગ વિષે અયોગ્ય માહિતી આપે છે. નવો આવેલો માણસ લેખન સંદર્ભે નામ જોશે ને કદાચ તેને લખવાની જગ્યા સમજી બેસે તો? આવી ગડમથલ દૂર કરવા. તે નામ અર્થ સભર હોવું જોઈએ – ‘ચર્ચાકુટિર‘ કે ‘ચર્ચાલય‘ કેવું રહેશે? જો કે તેમને પણ તે ખાસ જચ્યા નહિ. તેમણે વધુમાં જણાવ્યું કે અભ્યાસિકા એ નામ પણ યોગ્ય છે કેમકે ત્યાં નિતીઓ, નિયમોનો, પરિયોજઓનો અભ્યાસ, અવલોકન, સુધારણા, વિચારણા આદિ થવાનું છે. અહીં અભ્યાસને શાળાકીય સંદર્ભમાં ન જોવાવો જોઈએ. અહીં ચર્ચા દરમ્યાન આપણે એક બીજા પાસે શીખવાના છીએ, જાણવાના છીએ, જણાવવાના છીએ આમ અભ્યાસ એટલે જ્ઞાનની આપલેના માધ્યમ સ્વરૂપે સંદર્ભે અભ્યાસિકા નામ અર્થ સભર લાગે છે. આ શબ્દનો સંધિ વિચ્છેદ કરીને તેમણે પોતાનો તર્ક રજૂ કર્યો:

અભ્યાસ = અભિ + આસ અભિ = વારંવાર, આસ = ઉમેરવું. આમ અહીં આપણે વારંવાર ચર્ચા અને માહિતી ઉમેરતા રહીશું તે અર્થે પણ નામ યોગ્ય લાગે છે. રહી વાત અન્ય ભાષાનો શબ્દ હોવાની, તો જો ગુજરાતી ભાષા અંગ્રેજીમાંથી શબ્દો કે તત્સમ ઉપાડી શકતી હોય તો પોતીકી અન્ય ભારતીય ભાષામાંથી સારા અર્થસભર શબ્દો કેમ કેમ નહીં લેવા? અને માત્ર હિંદી નહીં ભાગવદ ગોમંડળ પ્રમાણે પણ તેનો એક અર્થ મહાવરો એવો જ છે. વળી શબ્દનો અંત ‘ઈકા’થી થતો હોવાથી તે અમુક ખાસ સ્થળ કે કક્ષ છે તેવો ભાસ પણ થાય છે. જો કે આને અંતે તેમણે પણ અન્યો શું કહે છે તે જાણવા મોકળું મન રાખી ચર્ચા આગળ વધારી.

કેમકે આખી ચર્ચા મેં શરૂ કરી હતી, તે કાર્યક્રમનું સંચાલન હું કરી રહ્યો હતો, એટલે મેં કહ્યું: “સવાલ પારકી ભાષા અને પોતિકી ભાષાનો નહી, પણ જ્યાં સુધી આપણી ભાષાના શબ્દો ઉપલબ્ધ હોય ત્યાં સુધી પારકા શબ્દ ન લેવાનો છે. નવા શબ્દો બનાવીએ તો પણ પોતાની ભાષાના વિકાસ અર્થે, અન્ય ભાષાના (ભલે ભારતીય ભાષા હોય કે આંગ્લ ભાષા) શબ્દોનો સહારો શું કામ લેવો? ‘અભ્યાસ’ શબ્દને આધારમાં લઈને જ નામ રાખવું હોય તો અભ્યાસખંડ કે અભ્યાસગૃહ શબ્દો આપણી ભાષામાં છે જ, પણ આ શબ્દો યાદ આવતાની સાથે જ સાહજિકતાથી શાળાનો વર્ગ યાદ આવી જાય. મેં હિંદીમાં અભ્યાસનો અર્થ મહાવરો થાય છે તેમ લખ્યું તેનું કારણ પણ આ જ હતું, કે ગુજરાતીમાં આ શબ્દ સાંભળતાવેંત શિક્ષણ યાદ આવે, જ્યારે હિંદીમાં સાંભળીએ ત્યારે પ્રેક્ટિસ યાદ યાવે. ભગોમં પ્રમાણે [ સં. અભિ ( પાસે )+ અસ્ ( હોવું ) ] – पुं. – પડોશ; સમીપતા. અને અન્ય સંધિ એ જ ભગોમં મુજબ [ સં. અભિ ( તરફ ) + અસ્ ( જવું ) ] – पुं. – ભણતર; પઠન. ૧. અભ્યાસ કરવો = (૧) અનુભવ કરવો. (૨) ધ્યાનમાં લેવું. (૩) ભણવું; શીખવું. (૪) મનન કરવું; વિચાર કરવો. ૨. અભ્યાસ જોવો-તપાસવો = પરીક્ષા લેવી. હા, આ ઉપરાંત પણ અભ્યાસ શબ્દના અનેક અર્થો આપ્યા છે. હવે અભ્યાસિકા વિષે: ભગવદ્ગોમંડલમાં ‘અભ્યાસક’ શબ્દ છે જેનો અર્થ થાય છે [ સં. અભ્યસ્ ( ભણવું ) + અક ( કર્ત્તૃવાચક પ્રત્યય ) ] – पुं. – પંડિત; વિદ્વાન., વિદ્યાર્થી; અભ્યાસ કરનારો. અને વિશેષણ રૂપે ભણતરમાં મંડ્યો રહેનાર. સામાન્ય સંસ્કૃત વ્યાકરણના નિયમ મુજબ ‘ઈકા’ પ્રત્યય પુર્લિંગમાંથી સ્ત્રીલિંગમાં પરિવર્તન દર્શાવે છે. જેમકે, લેખક-લેખિકા, નાયક-નાયિકા, બાલક-બાલિકા, અધ્યાપક-અધ્યાપિકા, શિક્ષક-શિક્ષિકા, વગેરે. એ ન્યાયે ‘અભ્યાસક’નું સ્ત્રી વાચક રૂપ બને ‘અભ્યાસિકા’, જેનો અર્થ થાય પંડિત સ્ત્રી, વિદ્વાન સ્ત્રી, વિદ્યાર્થિની, અભ્યાસ કરનારી, વગેરે.” આ ફક્ત ફક્ત શબ્દોની સમજૂતી આપવાના જ હેતુથી મેં જણાવ્યું અને સાથે સાથે મૂળ વિકલ્પોનું ભંડોળ બહોળું થઈને આટલા શબ્દોમાં પરિણમ્યું: લેખનખંડ, ચર્ચાખંડ, સભાખંડ, લેખનાલય, રંગશાળા, અભ્યાસિકા, લેખનકુટિર, વિમર્શકુટિર, ચર્ચાકુટિર, ચર્ચાલય, અભ્યાસખંડ અને અભ્યાસગૃહ.

હવે ખરી રસાકસી જામી અને અભ્યાસિકાનો પ્રસ્તાવ લાવનાર મિત્રએ સંધિવિચ્છેદક મિત્રનો ખૂબ ખૂબ આભાર માનીને કહ્યું કે સરસ અર્થ સમજાવ્યો! અને તે શબ્દની સકારાત્મક વાતો જણાવવા બદલ પણ ખુશી અભિવ્યક્ત કરી અને વધુમાં જણાવ્યું કે સ્થળનું નામ અર્થસભર શબ્દ હોવાની વાત તેમને ગમી. એક વાત જે તેમણે અનુભવી તે એ હતી કે સંધિવિચ્છેદક મિત્રએ ભ.ગો.માંથી સર્વ એવા અર્થ સૂચવ્યા કે કેમ આપણે આ શબ્દ લઈ શકાય અને મેં (ધવલે) બધા એવા કારણો સૂચવ્યા કે કેમ આ શબ્દ ન લઈ શકાય! ફરી એક વખત તેમણે ચોથા મિત્રની સકારાત્મકતાને સલામ કરી!

હવે બીજા મિત્રએ કહ્યું કે, “અરે પણ આમાં શબ્દ કઈ ભાષાનો છે તે તો ચોખવટ થઈ જ નહિં?” સલામ કરનારા મિત્રને મેં કહ્યું કે મૂળ સંધિવિચ્છેદક ચોથા મિત્રએ સુચવેલો સંધિ વિચ્છેદ અને મેં ભગવદ્ગોમંડલના સંદર્ભને આધારે સૂચવેલો સંધિ વિચ્છેદ સરખાવીને જો તેમણે મારી નકારાત્મકતાને નવાજી હોત તો મને આથી પણ વધુ આનંદ થાત. પણ ખેર. ચર્ચા આગળ ચાલી અને અન્ય ભાષાના શબ્દને લગતા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “આપ હજુ યુવાન છો અને અપનો દ્રષ્ટિકોણ વિકસે તે અર્થે ખાસ તેઓએ આ જણાવ્યું, અત્યારે એમ માની લો કે અભ્યાસિકા એ શબ્દ કોઈ ભાષાનો નથી નવો તૈયાર થયેલો છે. તે શબ્દ અન્ય શબ્દો મેળાવીને બનાવવામાં આવ્યો છે. ભાષા ત્યારે જ વિકસે જ્યારે તેમાં નવા શબ્દો ઉમેરાય એમ મારું માનવું છે ભાષા માં વપરાતા શબ્દો તે ઓપન સોર્સ ડોમેનમાં છે અને જ્યાં શબ્દની જરૂર જણાય ત્યાં નવા બનાવી અને વાપરવાની છૂટ તે ભાષીને હોય છે. પહેલાં મને લગતું કે મારો વિચાર નિજી છે અને ભૂલ ભરેલો હોઈ શકે. પણ એક પીઢ ગાંધીવાદી ગુજરાતી ભાષાના જાણકારએ પણ મારા દ્રષ્ટિકોણનું સમર્થન કરેલું (અન્ય બે મિત્રો પણ એ વાર્તાલપમાં હતા), ત્યારથી મારી માન્યતા દ્રઢ બની છે. હવે તમે કહેશો કે ભાષામાં પહેલેથી શબ્દ હોય તો શું જરૂર છે? અરે ભાઈ, હું કહીશ આપણી આદિ ભાષા સંસ્કૃતમાં અને તે થકી ગુજરાતીમાં પાણી માટે જળ શબ્દ મોજુદ છે તો નીર અને કેટકેટલાય અન્ય સમાનાર્થી શબ્દોની શી જરૂર જ્યારે નીર પહેલેથી મોજુદ હતો. તે સમયનો સાહિત્ય સમાજ કેટલો મુક્ત દ્રષ્ટિકોણ ધરાવતો હશે કે જેથી આટઆટલા નવા શબ્દો આપણને મળ્યા. તો આપણે શા માટે એવું સંકુચિત વલણ ધરાવીયે કે નવા શબ્દો ને સ્થાન ન જ હોય.”

તેઓએ થોડું વધુ રીસર્ચ કર્યું અને ગુજરાતી લેક્સિકોન પ્રમાણે અભ્યાસિકા એક ગુજરાતી શબ્દ છે તેમ શોધી લાવ્યા જેથી હવે તે પરભાષી શબ્દ હોવાની શંકા ગઈ. ગુજરાતી લેક્સિકન મૂજબ તેનો અર્થ ” (૧) અભ્યાસપૂર્વક લખાયેલી પુસ્તિકા. (૨) કરેલા અભ્યાસની ટૂંકી નોંધ રાખવાની પોથી.

તેમના સંશોધન બદલ આભાર વ્યક્ત કરીને મે મારું સંભાષણ આગળ ચલાવ્યું, “અભ્યાસક શબ્દ પરથી અભ્યાસિકા બને તેમ તો મેં પણ ઉપર જણાવ્યું જ છે અને માટે શબ્દ ગુજરાતી ગણી શકાય તેમ તારણ કાઢવું. પણ તેના અર્થો જે મેં તારવ્યા હતા અને જે તમે ગુજરાતી લેક્સિકનમાંથી મેળવ્યા છે તે બધામાં ક્યાંય આ શબ્દનો અર્થ ‘સ્થળ’ કે ‘કક્ષ’ને અનુલક્ષીને થયો નથી તે પણ અત્રે ધ્યાન રાખવું. અને ગાંધીવાદી સાથેની ચર્ચામાં તેમણે એમ પણ કહ્યું હતું કે નવો શબ્દ એવો શોધવો કે જેનો અર્થ સરતો હોય અને જે સંદર્ભે વાપરતા હોઇએ તેને અનુરૂપ હોય.”

બસ, આટલે આવીને અમારી ચર્ચા અટકી ગઈ તે અટકી ગઈ. એ પછી કોઈ જવાબ ના મળ્યો. લાંબા સમય સુધી રાહ જોઈને હું થાક્યો એટલે તમારું મગજ ખાવા આવ્યો છું. હમણાં ભદ્રંભદ્રને અક્ષર દેહ આપી રહ્યા છીએ એટલે જરા આર્યભાષાનો પ્રયોગ કર્યો છે જે તમારે સહુએ સહન કરવો રહ્યો. અને એમાંય ખાસ કરીને ભદ્રંભદ્રના કોર્ટ કેસ પર કામ કરી રહ્યો હોવાથી દાખલા-દલીલો જરા વધારે છણાવટથી રજૂ કર્યા છે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

13 Responses to શબ્દ સુઝાવ

 1. શ્રી.ધવલભાઈ. આપે આખી વાત સ_રસ (જો કે સરળ નહિ !!) રીતે સમજાવી. એક પ્રસ્તાવ મેલું, આપે Poll ભલે મેલ્યો પરંતુ શબ્દનો નિર્ણય “બહુમતી” કરતાં “યોગ્યતા”ને ધોરણે કરવો ઠીક રહેશે એ ધ્યાને રાખવું. માત્ર બહુમતી જ આવશ્યક હોય તો તો સ્રોત પર પણ તરફેણ/વિરુદ્ધના મત આપણે કરી શકત. બ્લોગજગત મધ્યે ભાષાના વિદ્વાનજનોનો તોટો નથી, આશા છે આપને (આપણને !) કોઈ “યોગ્યત્તમ” શબ્દ સુઝાડશે જ. આભાર.

  Like

  • વિદ્યમાન અશોકભાઈ, ચોક્કસપણે બહુમતી નહિ પણ યોગ્યતા અને શબ્દની સાર્થકતાને આધારે જ આપણે આખરી નિર્ણય લઈશું. મતદાન તો ફક્ત બધું એક સ્થળે સહેલાઈથી સંકેલી રાખવા માટે થઈને જ ગોઠવ્યું છે. અને સાચી વાત છે, સરળ રજૂઆત તો નથી જ કરી શક્યો, તમે કહો છો, પણ મને તો સ_રસ થઇ છે એની પણ ખાતરી નથી. બ્લોગજગતના વિદ્વાનોના શરણે ગચ્છામિ, પણ તે વિદ્વાનો ઉવાચે અને જ્ઞાનબોધ કરે તે અપેક્ષાએ ચાતક દ્રષ્ટીએ રાહ જોઉં છું.

   Like

 2. jjkishor says:

  તમારા કાશીલક્ષી સંઘને જરુર છે બે બાબતી શબ્દની –

  ૧) ‘લખનારા’ઓ,
  ૨) એમને માટેની એક એવી “જગ્યા” જ્યાં સૌ સાથે મળીને લખવાનું કામ કરવાના છે.

  આ બે વસ્તુને ધ્યાનમાં રાખો તો મોટાભાગના શબ્દો તમારી યાદીમાંથી નીકળી જાય છે. તેથી સ્ક્રીપ્ટસર્જનસ્થાન એવો અર્થ બતાવતા શબ્દો જ શોધવા જોઈએ. શબ્દો નવા બને તો વાંધો નહીં.

  ભદ્રંભદ્રીય શબ્દ તો મળે જ છે: “લેખસર્જનસ્થલ” !! “લેખનકક્ષ” પણ ચાલે. આ બન્ને શબ્દો નવા શબ્દની પસંદગીનો ક્રાઈટેરીયા નક્કી કરે છે. હવે તેના પર આઘાપાછા થતા રહીએ તો શબ્દ મળી રહેશે.

  હુંય શોધીશ. સારા શબ્દ માટે સમય આપવો તે વાજબી વાત છે. શુભેચ્છાઓ !

  Like

  • આભાર જુગલકિશોરભાઈ. મને લેખનખંડ સુઝ્યું પણ લેખનકક્ષ નહોતું સુઝ્યું. મરા એક વડીલ ગુજરાતી સાહિત્યકાર મિત્રએ પણ લેખનકક્ષ શબ્દ સૂચવ્યો છે. તમ સુજ્ઞજનોના દિશા સૂચન આ શ્વાનસંઘ જરૂર કાશી પહોંચીને રહેશે.

   આમ તો અશોકભાઈએ લખ્યું છે તે પરથી અંદાજ આવી ગયો જ હશે કે આ બધી ચર્ચા ક્યાં થઈ હતી. તો હવે ચોખવટ કરી જ લઉં કે આ બધું વિકિસ્રોતનાં પરિપ્રેક્ષ્યમાં ચર્ચાઈ રહ્યું હતું. પહેલો ફકરો જે મેં લખ્યો છે તે મૂળ આ એક વાક્ય પણ ધરાવતો હતો. “……લખવાની સુવિધા માટેનું સ્થળ. આપણે વિકિસ્રોતને એક પુસ્તકાલયની નજરથી જોઈએ છીએ. જેમ વિકિપીડિયામાં યોગદાનકર્તાઓને વિકિપીડિયન્સ કહીએ છીએ તેમ અહિં સક્રિય હોય એવા સભ્યોને વિકિ લાયબ્રેરિયન્સ કહેવામાં આવે છે. જો આ પુસ્તકાલય હોય તો, પુસ્તકાલયમાં એવો કોઈ અલાયદો ઓરડો…..” અને કેમકે વિકિસ્રોતમાં આમ જોવા જઈએ તો સઘળી જગ્યાએ લેખનકાર્ય થતું જ હોય છે, કેમકે જે તે નામ હેઠળ વિવિધ સાહિત્યિક રચનાઓ લખાતી હોય છે. આ એવા સ્થળ માટે નામ શોધી રહ્યા હતા, જે કેન્દ્રિય રીતે ચર્ચાઓ કરવાનું સ્થાન છે. માટે સભાખંડ અને ચર્ચાખંડ એવા નામો પણ મગજમાં આવતાં હતાં.

   Like

 3. મઠ હસ્તપ્રતાલય =Scriptorium

  Like

 4. ASHOK M VAISHNAV says:

  સમગ્ર ચર્ચાને વાંચ્યા બાદ બે બાબતો આગળ પડતી નજરે જણાય છેઃ
  **વિકિસ્ત્રોત એ મુક્ત સામગ્રીનું સંગ્રહાલય છે – જેમાં મુખ્યત્વે પ્રકાશાનાધિકારથી રક્ષિત ન હોય તેવી સામગ્રી હશે તેમ જણાય છે.[મારી માન્યતામાં કોઇ ત્રુટી હોય તો જરૂરથી જણાવશો. વિકિસ્રોતની શક્તિ અને વ્યાપનો આધાર આ માન્યતાની વ્યાખ્યાપર આધારીત છે, તેવું મારૂં માનવું છે.]
  ** ચાલો માની લઇએ કે વિકિસ્ત્રોત સંગ્રહાલય છે, જ્યાં સંગ્રહમાટેની વસ્તુ સામગ્રીને પુનઃગઠીત કરવાની છે. તે અંગે ચર્ચાઓ પણ ત્યાં થશે. સામગ્રીને સંગ્રહને અનુરૂપ કરવા માટે [કદાચ] સહુથી હાથવગી રીતે મૂળ સામગ્રીને ફરીથી લખીને યથા યોગ્ય સંગ્રહસ્થાને મૂકવાની જણાય છે.
  આમ આ જગ્યાએ શું સંગ્રહ કરવું અને તે સંગ્રહ કરવામાટેના ઉપાયો [લેખન!]ની કાર્યશાળા બની રહેશે તેવું જણાય છે.
  આમ આ સ્થળ એક મંચની ભૂમિકા ભજવશે તેમ પણ જણાય છે.
  આ બધી બાબતોને ધ્યાનમાં લઇએ તો સંગ્રહ માટે લેખન કે ચર્ચાનો મચ સમજી શકાય તેવું નામકરણ કરવું જોઇએ.

  Like

 5. ASHOK M VAISHNAV says:

  મેં આ બાબતે મારા કેટલાક મિત્રોના પ્રતિભાવો મંગાવ્યા હતા, તે પૈકી ભાઇશ્રી દીપક ધોળકીયા ના વિચારોઃ
  “સારી ચર્ચા છે. આમ તો સંસ્કૃતના જે શબ્દો આપણી ભાષામાં જે અર્થમાં વપરાતા હોય તે જ અર્થમાં એનો વિસ્તાર કરીને નવો શબ્દ બનાવવો જોઈએ. બીજી ભાષામાં એનો અર્થ જુદો પણ હોય, પરMtu મુખ્યત્વે એનો પ્રયોગ આપણી ભાષા માટે થતો હોય છે એટલે અભ્યાસનો અર્થ હિન્દીમાં પ્રૅક્ટિસ હોવા છતાં આપણે એનો ઉપયોગ અધ્યયન તરીકે કરીએ છીએ એટલે અભ્યાસ ચાલે. ગીતામાં અભ્યાસનો અર્થ પ્રૅક્ટિસ છે. એ જ રીતે કન્નડમાં સંપ્રદાયનો અર્થ ટ્રેડિશન છે.
  મને લાગે છે કે અભ્યાસિકા શબ્દ સારો હોવા છતાં એ અભ્યાસકનું સ્ત્રીલિંગ બની રહે એ શક્ય છે, જો કે આપણે અભ્યાસક શબ્દ વાપરતા નથી. તે ઉપરામ્ત એનો અર્થ અબ્યાસનું સાધન એવો પણ થાય. અખાડામાં જેમ સાધનો હોય તેમ.
  આપણા મહાન ચિંતક અને કવિ શ્રી ઉમાશંકર જોષીએ વર્ષો પહેલાં કહ્યું હતું “ચાલો, ગ્રંથોનાં મયખાનાં ખોલીએ.” આમ એમણે મયખાના ઉર્દુ (મૂળ ફારસી)નો શબ્દ લીધો અને એને પુસ્તકો સાથે જોડીને નવો અર્થ આપ્યો.
  scriptorium પણ સ્ટેડિયમ, ઑડિટોરિયમ. પ્લૅનેટેરિયમ. ઍક્વૅરિયમ વગેરે જેમ બનાવેલો લેટિન શબ્દ છે.
  આપણે એને કલમઘર કહી શકીએ. કારણ કે ત્યાં મૂળ કામ તો કલમનું છે. કલમશાળા પણ છે. આમ તો શાળા એટલે મોટી ખુલ્લી જગ્યા. જેમ કે વ્યાયામ શાળા. અશ્વશાળા, ગજશાળા. પણ હવે એ સ્કૂલના અર્થમાં જ મુખ્યત્વે વપરાય છે. અને સ્ક્રિપ્ટોરિયમની લંબાઇ પહોળાઈ કઈં બહુ મોટી ન હોય. એટલે કલમઘર શબ્દ મને વધારે યોગ્ય લાગે છે, જેમ ઘરની અંદર જ પૂજાઘર પણ હોય જ છે.
  શબ્દની પસંદગી વખતે પુસ્તકો ન ખોલવાં/ખોળવાં જોઇએ. કારણ કે એમાંથી મળતો શબ્દ મરી પરવાર્યો હોય એવું બને. પણ લોકો સહેલાઇથી સમજી જાય એવો શબ્દ લોકોમાં વપરાતી ભાષામાંથી બનાવવો જોઈએ. આરીતે પણ મને કલમઘર શબ્દ વધારે સહેલો લાગે છે, વળી એ મૂળ અર્થને વધારે સારી રીતે વ્યક્ત કરે છે.”

  Like

 6. MG says:

  વિધ્યાપીઠ જે લેખન વાંચન નું કેંદ્ર હોય છે તો તેના પર થી ‘પિઠીકાખંડ’ શબ્દ કેવો રહે?

  Like

 7. ‘વિકિજન’ તરીકે આ રેફરન્સ આપ્યો હોય તો ઠીક રહેત!
  http://en.wikipedia.org/wiki/Scriptorium
  યુનિ, લાયબ્રેરીઓમાં બેસીને વાંચવા લખવા ટેબલ ખુરશી હોય છે; પણ આવો કોઈ અલાયદો ખંડ ભાળ્યો નથી

  આથી આવા શબ્દની જરૂર જ શી ? !
  मूलो नास्ति कुतः शाखा ।

  Like

  • મા. સુરેશભાઈ, મેં શરૂઆતમાં જ કહ્યું છે કે સ્ક્રિપ્ટોરિયમ એવી કોઈ વસ્તુ આપણે ત્યાં હોતી નથી. મોનેસ્ટરીઝમાં લખવા માટેનો એક ખંડ હોય છે જેને સ્ક્રિપ્ટોરિયમ કહે છે. અને એ જ કન્સેપ્ટ વિકિસ્રોતમાં એડપ્ટ કર્યો છે, કે જ્યાં મહદંશે વાંચનસામગ્રી ઉપલબ્ધ હોય છે, ત્યાં ક્યારેક લખાણ/ચર્ચા કરવાના ઉદ્દેશ્યથી લોકો ભેગા થાય (વર્ચ્યુઅલી) અને તે સ્થળને કોઈક નામ આપવાનું હતું. જો કે જે ઉદ્દેશથી આ પોસ્ટ લખી હતી તે ક્યારનોય સરી ગયો છે અને ગુજરાતી વિકિસ્રોતમાં આવા ખંડનું નામ અમે સભાખંડ (http://gu.wikisource.org/wiki/વિકિસ્રોત:સભાખંડ) રાખ્યું છે.

   Like

   • લો! આ વળી નવી જ વાત જાણવા મળી. આ તો ચર્ચા ચોરો કે’વાય!
    બ્લોગોની જેમ કુસ્તીનો અખાડો ન બની જાય ; તેની તકેદારી રાખજો !!
    ——–
    નિરાંતે એમાં બેટિંગ/ બોલિંગ કરવા આવી જઈશ.

    Like

 8. મને એક શબ્દ સુઝે છે ….સર્જન કક્ષ

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: