હકારાત્મક માન્યતાઓ અને નકારાત્મક માન્યતાઓ

(આ પોસ્ટ ૩૦ ઓગસ્ટે કાગળ ઉપર લખી હતી, અહિં અક્ષરાંકન કરવામાં મોડું થયું છે પણ એ દિવસના જ શબ્દોમાં જ લખું છું.)

ગઈકાલના ડેઇલી મેલમાં અને પરમ દિવસના મેટ્રોમાં સમાચાર વાંચ્યા કે ASDAએ અત્યાર (૨૮-૨૯ ઓગસ્ટ)થી Santa’s Grotto બનાવી દીધો છે, નાતાલના ૧૧૭ દિવસ પહેલાથી. આ સમાચાર એક ટિકાની જેમ પ્રસિદ્ધ થયા હતા. લોકોને મૂળ વાંધો તો એ વાતનો હતો કે બાળકો સાન્તાક્લોસને જોઈને નાતાલ સંબંધી ભેટોની ખરીદી કરાવશે અને અત્યારે જ્યાં લોકો પાસે પૈસા નથી, મંદીનો માહોલ છે ત્યારે વધુ ખર્ચો થશે.

પણ એ સમાચારમાં એક રસપ્રદ વાત ધ્યાન પર આવી કે લોકોનું કહેવું છે કે, “બાળકોને ખબર પડી જશે કે સાન્તાક્લોસ હકિકતમાં અસ્તિત્વ ધરાવતા નથી” (Others say Asda’s campaign gives children the impression Santa isn’t real.-Metro, ૨૮-૦૮-૨૦૧૨ અને ‘spoiled the festive period by conveying to children that Santa may not be real’ and that they ‘take away their child’s innocence’-Daily Mail, ૨૯-૦૮-૨૦૧૨). કેટલી સરસ વાત છે? એક વિકસિત દેશના લોકો જાણે છે કે સાન્તા જેવું કશું નથી છતાં નાની ઉંમરના બાળકોને એમાં વિશ્વાસ મુકતા શિખવે છે. અને એટલું જ નહિ, તેમનો એ વિશ્વાસ કોઈ રીતે ભાગી ન જાય તેની પણ કાળજી રાખે છે. આ એ જ લોકો છે જે બાળકને અંધારાની, ભૂતની, બાવાની કે પોલીસની કૃત્રિમ બીક લગાડવાના સખત વિરોધી છે, ફક્ત ડર ના બેસાડવો એ હેતુ થી જ નહિ, પણ બાળકને વાસ્તવિકતાથી અવગત કરાવવું જોઈએ એ હેતુથી પણ.

રસની વાત એ છે કે તેઓ તદ્દન ખોટા નથી. બાળકને સાન્તા આનંદ આપે છે. જે વાત કોઈને આનંદ આપતી હોય, સાંત્વના આપતી હોય, તે ભલે ને કાલ્પનિક હોય તેને યથાવત રહેવા દેવી જોઈએ. જ્યારે આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો, જેમને પોતાને ખાતરી નથી કે ભગવાન નથી જ, તે એમની અંગત માન્યતા જ હોવા છતાં ઢોલ નગારા લઈને લોકોને એમ ઠસાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે કે ભગવાન જેવું કશું નથી. અને એ પણ એવા લોકોને ઠસાવવાનું કે જે ભગવાનનું અસ્તિત્વ છે તેમ માનીને રાજી થતા હોય, પોતાનું દુ:ખ બે ધડી વિસરી જતા હોય કે આશાના સહારે જીવનની વિષમ ઘડીઓ વ્યતિત કરતા હોય છે. વાત છે હકારાત્મક માન્યતાઓની અને નકારાત્મક માન્યતાઓની. જેમ અહિંના માતા-પિતાઓ માને છે બાળકને તેની બાલ્યાવસ્થામાં સાન્તા પર વિશ્વાર રાખવા દેવું અને તેને સાન્તાના નામે ભેટ-સોગાદો પણ આપવી, એ રીતે આપણે ભલે નાસ્તિક હોઈએ કે ભલે રેશનલ હોઈએ શું આપણે અન્ય આસ્તિક કે ઇરેશનલ લોકોને બક્ષી ના શકીએ?

વડીલ બ્લૉગર મિત્ર દીપકભાઈ ધોળકીયાએ રામાયણ અને કૃષ્ણની દ્વારકા એ બે વિષય પર પુરાતત્વિય શોધો પરથી લખાયેલા પુસ્તકના આધારે બે લેખમાળાઓ લખી. તેની શરૂઆતમાં તેમણે લખ્યું હતું કે “અહીં રામની નહીં – રામાયણની રચના, એના સ્વરૂપ વિશે સાહિત્યિક દૃષ્ટિએ અને પુરાતત્વની દૃષ્ટિએ ચર્ચા કરી છે.” આ એક ડિસ્ક્લેમર હતું. આ જ વાત તેઓએ વારંવાર આ લેખો પરની ચર્ચામાં પણ કહી. છેલ્લ લેખ પરની એક ચર્ચાના જવાબમાં તેઓ લખે છે કે “એટલે કૃષ્ણને કે રામને ભગવાનપદેથી પદભ્ર્ષ્ટ કરવાનો પુરાતત્વનો ઇરાદો નથી. આમ પણ કૃષ્ણ મારૂં પ્રિય પાત્ર છે અને એ ન હોય તો એમને શોધી કાઢવા પણ તૈયાર થાઉં. ભાલકા તીર્થ પાસે પુરાતત્વીય ખોદકામમાં પારાધિના તીરથી ઘાયલ કૃષ્ણનુ અશ્મિ આખું ને આખું મળી આવે તો -એવી ઇચ્છા રહી છે.” મને તો આ ખરી ખેલદિલી લાગે છે, જે બહુ ઓછા લોકો બતાવી શકતા હોય છે. જો સહુકોઈ આ પ્રકારની ખેલદિલી બતાવે તો એક સુહૃદયી સમાજનું નિર્માણ થાય જ્યાં ધર્મના નામે ય્દ્ધો થતા બંધ થઈ જાય તેમ મારૂં માનવું છે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

4 Responses to હકારાત્મક માન્યતાઓ અને નકારાત્મક માન્યતાઓ

 1. 1} હંમેશા નાસ્તિક લોકો આસ્તીકોની પાછળ અને આસ્તિક લોકો નાસ્તિકોની પાછળ પોતાનો સિક્કો ખરો છે , તેમ બતાવવા મચી પડ્યા હોય છે , પણ ખરેખર તો તેઓ જાણતા નથી કે તે બંને એક જ સિક્કાની બે બાજુઓ છે !

  2} ધીમે ધીમે આ માન્યતાઓને ભાંગવાનો તેઓ રીતસર વ્યવસાય આરંભે છે , ક્યારેક વધુ પડતું લોજીક પણ ગોટે ચડાવી દયે છે વચ્ચે વચ્ચે થોડુક મેજિક પણ ભળે તો જીંદગી ખટમધુરી બની રહે 🙂

  Like

 2. ધવલભાઈ,
  મારો ઉલ્લેખ કરીને તમે મને ગદગદ કરી દીધો. પણ ખુલ્લા મને વિચારવું એ સ્વાભાવિક સ્થિતિ ન હોવી જોઇએ? શા માટે આપણે મતાગ્રહોમાં ફસાઈ જઈએ છીએ? આપણે આપણા સંસ્કારો, ભાવનાઓ, નવાં સંશોધનો અને વિચાર બધા વચ્ચે સંતુલન રાખીએ તો એ એકબીજાને આડે ન આવે. એનાથી સમાજનો વિકાસ જ થાય.
  નીતિ, સમાજશાસ્ત્ર, માઇથોલૉજી, ધર્મ આ બધાની બહુ ભેળસેળ થઈ ગઈ છે. ખરેખર તો આ બધાં અલગ છે પણ મિક્સ થઈને આપણી સમક્ષ ધર્મ તરીકે આવે છે. આપણે નીતિને શાશ્વત માનીએ તોસમાજશાસ્ત્ર તો પરિવર્તનશીલ છે જ, માઈથોલૉજીનો આપણે સાંસ્કૃતિક વારસા તરીકે સ્વીકાર કરીએ પણ એને આજે પણ લાગુ કરવા જેવાં સત્યનો દરજ્જો ન આપીએ તો નવા વિચારોનો પ્રભાવ સ્વીકારી શકીએ. આમાં ક્યાંય પણ અંતર્વિરોધ નથી. એટલે ધર્મમાં આવેલાં પરિવર્તનોનો ઇતિહાસ સમજવાનો પ્રયાસ કરીએ, એના પ્રભાવો તપાસીએ એ જરૂરી છે. મને નથી લાગતું કે આ અઘરૂં છે.

  Like

 3. hema patel says:

  ધવલભાઈ,બહુ મજાની વાત છે. બાળક ને તેની બાલ્યાવસ્થામાં કલ્પનાશક્તિ ખીલવવામાં આવી શ્રદ્ધા રખાવવી કે રાખવા દેવી બહુ જરૂરી છે. પણ કિશોરાવસ્થા માં આવતા તથા સમય અનુસાર સત્ય થી વાકેફ કરાવતા રહેવાની માતા પિતાની જ ફરજ છે. જીવનલક્ષી મિથ્યા અને સત્યમી સાચી પરખ જ બાળકને સમાજ માં સ્થિર ચિત્તે ભળતા અને જીવતા શીખવે છે

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: