બંધારણ મુજબ ભારતની કરવામાં આવેલી વ્યાખ્યા અનુસાર ભારતની મૂલવણી

ગઈ કાલે પ્રજાસત્તાક દિને મગજમાં એક જ વિચાર ચાલતો રહ્યો કે શું ભારત ખરા અર્થમાં પ્રજાસત્તાક બન્યું છે ખરૂં? આપણા દેશનું બંધારણ તો ડૉ. આંબેડકરની અધ્યક્ષતા હેઠળની સમિતિએ ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસના ગાળામાં તૈયાર કરીને આપી દીધું હતું. બંધારણ ભારત દેશને “સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક લોકશાહી, તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપનારો અને તેમની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો” ઘોષિત કરે છે. જો કે, મૂળ બંધારણ સમિતિએ ઘડેલા બંધારણમાં ભારત દેશને સમાજવાદી અને બિનસાંપ્રદાયિક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો ન હતો, તે તો પાછળથી આપણા જનપ્રતિનિધિઓએ છેક ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીની સરકારે કરેલું ઉમેરણ છે. હવે જ્યારે આ વ્યાખ્યાના એક એક શબ્દને લઈને આજના ભારતને મૂલવવાનો પ્રયત્ન કર્યો તો મને નીચે પ્રમાણેના જવાબો પ્રાપ્ત થયા. જો કે, આ ઉત્તરો મારા અંગત વિચારોને પ્રતિબિંબિત કરે છે, પરંતુ અહિં આપ સૌની સાથે વહેંચવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, કદાચ તમારામાંથી કોઈ પણ આ ઉત્તરો સાથે સહમત થતું હોય, અથવા મારા વિચારોને સુધારવાનો પ્રયત્ન કરીને કદાચ હું ખોટો હોઉં તો મને સુધારવાનો પ્રયત્ન પણ કરે.

શું આપણે ખરા અર્થમાં સાર્વભૌમ છીએ?
મને તો લાગતું નથી. જે ભારે માત્રામાં આપણે અમેરિકા અને બ્રિટન જેવા ધનિક (કે કંગાળ) દેશો પર હજુ આજે પણ નિર્ભર છીએ (જો કે એવું કેમ છે તે પણ સમજાતું નથી) તેના પરથી ભારતને સાર્વભૌમ સત્તા કહેતા પહેલા સો વખત વિચારવું પડે છે.

શું આપણે સમાજવાદી છીએ?
કોઈ કહી શકશે ભારતને સમાજવાદી? ભારત તો માલેતુજારવાદી છે એવું લાગે છે, જ્યાં ઉદ્યોગની નીતિઓ હોય કે વ્યાપારની નીતિઓ, ટેલિકોમ્યુનિકેશન હોય કે એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ, મોટા ભાગનું બધું જ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને જ ધ્યાનમાં રાખીને જ થતું હોય અને બાકીનું થોડુંઘણું નેતાઓના અંગત સ્વાર્થને આધારે થતું હોય, તે દેશ સમાજવાદીની વ્યાખ્યામાં કેવી રીતે બંધ બેસી શકે તે સમજવું ખરેખર અઘરૂં છે.

શું આપણે બિનસાંપ્રદાયિક છીએ?
કદાચ હા, કેમકે જ્યારે કોંગ્રેસ પક્ષ ચુંટણી લડતો હોય ત્યારે તે વાત ઢોલ પીટી પીટીને કહે છે, જેથી કેટલાક લોકોના માનસ પર સંમોહનની અસર થાય છે અને તેમને એ વાસ્તવિકતા હોવાનો ભાસ થાય છે. પરંતુ જે દેશમાં “પર્સનલ લૉ”ને નામે હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી એમ ત્રણ ધર્મો માટે જૂદા જૂદા કાયદા હોય, જે દેશમાં હિંદુને લગ્ન માટે એક કાયદો લાગુ પડે અને મુસલમાનને લગ્ન કે છૂટાછેડા માટે અલગ કાયદો લાગુ પડે તેને બિનસાંપ્રદાયિક ગણવો કે નહિ તે વિષે મને તો હજુ અવઢવ છે.

શું ભારત પ્રજાસત્તાક લોકશાહી છે?
લોકશાહીનો અર્થ ફક્ત “લોકોએ આપેલા મતને આધારે ચુંટાયેલી સરકાર” પુરતો સિમિત રહેતો હોય તો, હા, ચોક્કસ ભારત લોકશાહી છે. આપણા દેશની સરહદ પર પડોશીઓ હુમલા કરી જાય, દેશની અંદર ઘુસીને જો પડોશી દેશના આતંકવાદીઓ આપણી નિર્દોષ પ્રજાને નિર્મમરીતે રહેંસી જતા હોય છતાં આપણા દેશની જનતા કશું કરી ન શકતી હોય, જે દેશની સંસદમાં ફક્ત પૈસાને જોરે સરકારો રચાતી હોય તે દેશને કેવી રીતે લોકશાહી કે પ્રજાસત્તાક લોકશાહી કહી શકાય તે મને કોઈપણ વ્યક્તિ સરળ શબ્દોમાં સમજાવી શકે તેની હું રાહ જોઈને બેઠો છું.

શું ભારત તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે?
ન્યાયની વાત કરીએ તો, જે દેશમાં આમઆદમી પોતાના ઘરમાં થયેલી ચોરી કે પછી એક સ્થાનિક ગુંડા (કે જે દાદાના હુલામણા નામે ઓળખાય છે) દ્વારા હપ્તાની માંગણી વિરુદ્ધ અને તે માંગણીને ન સંતોષતા તેને થતી કનડગત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવવા જતા ડરતો હોય; જે દેશની જનતાના અબજો (હવે તો અબજો પણ ૧૦૦ અબજ, ૨૦૦ અબજ જેવા આંકડામાં મપાય છે)ના નાણાંના કૌભાંડો કરીને સરેઆમ ફરતા હોય અને તેમને લોકો કશું કહી કે પૂછી ન શકતા હોય, જે દેશના લોકોને કાયદો અને કાયદા પ્રમાણે પોતાના હક્કોની જાણકારી આપવામાં જ ન આવતી હોય; જે દેશમાં અમીરોના ઘરમાં અને જનતાના સેવક કહેવાતા સાંસદો અને ધારાસભ્યો, વગેરેના ઘરમાં એક ફળની કિંમત અને આયોજન પંચ દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની દૈનિક આવક (શહેરી વિસ્તારોમાં રૂપિયા ૨૮.૩૫ અને ગ્રામિણ વિસ્તારમાં અંકે રૂપિયા ૨૨ અને ૪૨ પૈસા) વચ્ચે અધધધ અસમાનતા હોય; જે દેશમાં છાશવારે આતંકવાદી હુમલાઓમાં સામાન્ય જન પોતાના જાનમાલનું નુકશાન વેઠતો હોય, તે દેશ પોતાના કયા નાગરીકને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપે છે તે માનવું મારે માટે પણ સ્વપ્ને પણ શક્ય નથી.

શું ભારત દેશ તેના નાગરીકોની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો દેશ છે?
ભ્રાતૃત્વ એટલે શું? આ પ્રશ્ન મારો નથી, આપણા દેશના બંધારનનું પાલન કરનારા રાજકારણીઓ અને કાયદાનું પાલન કરાવનારા પોલીસ તંત્રના મનમાં રહેલો પ્રશ્ન હોવાની લાગણી મને થાય છે. જે દેશમાં અનામતને નામે લોકોને અંદરોઅંદર ઝઘડાવવામાં, અસ્પૃશ્યતાને હજુ આજે પણ વ્યાજબી ગણનારા, હિંદુ-મુસલમાન, શહેરી-આદિવાસી, વગેરે જેવા વાડાઓ ઉભા કરી એવા જુથો વચ્ચેની ખાઈને દિનપ્રતિદિન વધુને વધુ પહોળી કરવામાં જ જે પોતાનું હિત સમજે છે, તે દેશ આવો કોઈ પ્રયત્ન પણ કરી શકે છે, તે કદાચ ભગવાન જ મારે મન સ્પષ્ટ કરી શકે.

આમ મારા ભારત દેશને, “મેરા ભારત મહાન” કહેવામાં ગર્વ અનુભવતો હું, તેના બંધારણના ઘડવૈયાઓમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારો હું, તે જ બંધારણ ના પાલનકર્તાઓમાં લગીરેય વિશ્વાસ મુકી શકતો નથી. તેમાં નિષ્ફળતા કોની, મારી કે એ ભારતના રખવાળાઓની? આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. કદાચ વિશ્વમાં એકમાત્ર આપણો દેશ જ એવો દેશ હશે જે તેના બંધારણના અસ્તિત્વમાં આવ્યાનો દિવસ, આજે ૬૩ વર્સ પછી પણ દેશની આઝાદીના દિવસ કરતા પણ વધુ ધામધુમથી ઉજવે છે. જે બંધારણ સમિતિમાં દેશના અગ્રણી કાયદાશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતીઓ (કનૈયાલાલ મુન્શી (પૂર્વ ગૃહમંત્રી, બોમ્બે સ્ટેટ), અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર (પૂર્વ એડ્વોકેટ જનરલ, મદ્રાસ સ્ટેટ), એન. ગોપાલસ્વામી આયંગર (પૂર્વ મંત્રી, જમ્મુ અને કાશ્મિર તથા નહેરુ કેબિનેટના સભ્ય), બી.એલ. મીટ્લર (પૂર્વ એડ્વોકેટ જનરલ, ભારત), મોહમદ સાદુલ્લાહ (પૂર્વ મુખ્યમંત્રી, આસામ) અને ડી.પી. ખૈતાન (ખૈતાન ઉદ્યોગકાર કુટુંબના વારસ અને પ્રખ્યાત વકિલ), માધવ રાવ (વડોદરાના મહારાજાના કાયદા સલાહકાર), ટી.ટી. કૃષ્ણમાચારી (ઉદ્યોગપતિ અને કંગ્રેસી))નો સમાવેશ થયો હતો, જે બંધારણના સલાહકાર તરીકે સર બેનેગલ નરસિંગ રાઉ (ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય જજ) રહી ચુક્યા હોય, જે સમિતિના અધ્યક્ષને આજે બંધારણના ઘડવૈયા તરીકેનું માન આપીને તેમની પૂજા થતી હોય, જે બંધારણ અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, જેવા વિશ્વના અન્ય દેશોના બંધારણમાંથી અનુકૂળ અને યોગ્ય કલમો લઈને રચાયું હોય, તે બંધારણ દ્વારા દેશની કરવામાં આવેલી વ્યાખ્યામાં આજે ૬૩ વર્ષ પછી પણ તાર્કિક સ્પષ્ટતા શોધી ન જડતી હોય, તે દેશનું કમભાગ્ય કેટલું? દેશનું કમભાગ્ય એટલે કોનું કમભાગ્ય? દેશની સામાન્ય જનતાનું જ કે બીજા કોઈનું?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

20 Responses to બંધારણ મુજબ ભારતની કરવામાં આવેલી વ્યાખ્યા અનુસાર ભારતની મૂલવણી

 1. maharshi says:

  aape kharu chintan raju kariyu che Dhavalbhai… badhi sari sari wato j che… baki reality ma bahu j dukh thai evi hakikato che…

  Like

 2. “સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક લોકશાહી, તેના નાગરીકોને ન્યાયની, સમાનતાની અને સ્વાધિનતાની ખાતરી આપનારો અને તેમની વચ્ચે ભ્રાતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરનારો” ઘોષિત કરે છે.

  ઘોષણા કરવામાં શું જાય?

  કોંગ્રેસે “મેરા ભારત મહાન” ઘોષિત કરી દીધું.
  થોડા વખતમાં ભાજપે “Shining India” ઘોષિત કરી દીધું.

  કેટલાક બ્લોગરોએ ભારતને “નઘરોળ અને નપૂંસક” ઘોષિત કરી દીધું.

  નારા બાજી તો ટોળાશાહીના લોહીમાં વણાઈ ગઈ છે. “જય જવાન જય કીસાન” આજે જવાનો ને કીસાનોની હાલત શું છે?

  “તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દૂંગા” એવા સૂત્રો હવે ક્યાં રહ્યાં છે? “તુમ મુઝે લાંચ દો, મે તુમ્હારી ફાઈલ આગે બઢને દુંગા” તેવા સૂત્રો વ્યાપક બની ગયા છે.

  “મેં તુમ્હે નોટ / સારી / લેપટોપ / ઘરના ઘરનું વચન દું, તુમ મુઝે વોટ દો”

  રામદેવબાબા સ્ત્રીના કપડા પહેરીને ભાગી ગયાં. અણ્ણાજીને પાણીમાં બેસારી દીધા. એક મર્દ બચ્ચો નીકળ્યો કે શરદ પવારને લાફો ઝીંકી દીધો.

  તેમ છતાં સાવ નીરાશ થવા જેવુંયે નથી. આજના યુવાનો હવે વિચારતાં થયાં છે, દેશના પ્રશ્નોમાં રસ લેતાં થયાં છે, મીડીયા પણ સારી અને ખરાબ બધા પ્રકારની જાગૃતિ ફેલાવી રહી છે. મીડીયાના માધ્યમથી કાયદાઓ બદલવા પડે છે તેવું યે ઘણી જગ્યાએ જોવા મળ્યું. સહુથી મોટી તકલીફ ન્યાયની છે. જ્યાં સુધી ન્યાય માટે સમય મર્યાદા નક્કી કરવામાં નહીં આવે અને ઝડપી ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી વકીલો અને ન્યાયાધીશો ન્યાયની રમતના નામે તાગડધીન્ના કરતાં રહેશે.

  ઈન્ટરનેટે પણ લોક જુવાળ ઉભો કરવામાં મોટો ફાળો આપવાનું શરુ કરી દીધું છે.

  ભારતને માટે આ પ્રકારની રાજ્યવ્યવસ્થા સહુ પ્રથમ અને નવી હતી. સમયાંતરે બંધારણની સમીક્ષા અને સુધારા કરવા આવશ્યક હતા અને છે. આટલી બધી ભાષાઓ અને વિવિધતા ધરાવતી પ્રજા સર્વ પ્રથમ એકછત્ર હેઠળ એકઠી થઈ છે તેમ છતાં તે અત્યાર સુધી કોઈને કોઈ આંતરીક બળથી જોડાયેલી રહી છે. એટલું આશ્વાસન લઈ શકાય કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની જેમ તે સાવ ખાડે જવાને બદલે મંથર ગતિએ પણ પ્રગતિ કરી રહ્યું છે.

  Like

  • કેટલાક બ્લોગરોએ ભારતને “નઘરોળ અને નપૂંસક” ઘોષિત કરી દીધું.

   એમાં વાંક બ્લૉગરોનો અને નુકશાન પણ એમનું જ. આપણા શરીરમાં પણ ડાબું અને જમણું બંને અંગ છે. આપણે જમણાને સારૂં ગણીએ છીએ અને ડાબાને નકામું. ડાબો હાથ ફક્ત સવારના પહોરમાં એક જ કામમાં આવતો હોવા છતાં રાખ્યો તો છે જ ને? કોઈએ કપાવી નાખ્યો હોવાનું જાણમાં છે? તો એમ જ આ બ્લૉગર્સ ભારતની ફક્ત નબળી બાજુ જુએ, તેમાં વેઠવાનું તેમને જ ભાગે છે.

   “આટલી બધી ભાષાઓ અને વિવિધતા ધરાવતી પ્રજા સર્વ પ્રથમ એકછત્ર હેઠળ એકઠી થઈ છે તેમ છતાં તે અત્યાર સુધી કોઈને કોઈ આંતરીક બળથી જોડાયેલી રહી છે.” તદ્દન સાચી વાત છે. અને ભારતે ઘણું મેળવ્યું પણ છે આ ૬૩ વર્ષમાં.

   Like

 3. બંધારણ અનુસાર મારા મતે આપણી લોકશાહીની વ્યાખ્યા – ભારતીય લોકશાહી એટલે સરકારી અધિકારીઓ દ્વારા, ટેક્ષ ઉઘરાવીને, પૈસા માટે, રાજકીય પક્ષ વડે ચાલતી વ્યવસ્થા. (બંધારણના કમનસીબે..)

  http://marobagicho.com/2012/03/02/moti-moti-vato/

  Like

 4. ૨૬મી જાન્યુઆરીના ગુજરાતી અને હીન્દીના છાપાઓએ તંત્રી કે અન્ય લેખોમાં પણ નીરાશા બાબત ખુબ લખેલ છે.

  ૬૦-૭૦ વરસ પછી પણ આપણી હાલત હજી રાજાશાહી જમાના જેવી જ છે.

  પ્રજાને રાજાઓ કે વ્ય્કતી પુજામાં વધુ રસ છે.

  કોગ્રેસને સતા ટકાવી રાખવા ચીંતન શીબીરમાં વીચારવું પડેલ છે અને બીજેપીને સતા ખુંચવા પ્રમુખમાં ફેરફાર કરવો પડેલ છે.

  આજકાલ મુંબઈમાં ઓળખપત્ર કે આધારકાર્ડ માટે મોટી મોટી લાઈનો જોઈ લાગે છે હવે દરેકને પોતાની ઓળખ હોવી જરુરી છે અને વ્યકતી પુજા અટકશે.

  મોંઘાવરી વધતી જશે એમ દુધ ઘીના ભાવ વધશે અને મંદીરો કે ઘરમાં ઘીના દીપકનું ચલણ બંધ થશે અને પછી દીલમાં દીવો જરુર થાશે.

  Like

  • વોરા સાહેબ, મારો આશય નિરાશાજનક લખાણનો નથી, અને હું ખરૂં જોવા જઈએ તો ભારત અને તેની પ્રગતિથી નિરાશ પણ નથી. પણ હા, ભારત આજે જ્યાં હોઈ શકતું હતું ત્યાં નથી તે વાતનો રંજ જરૂર છે. આ પોસ્ટ લખતી વખતે મેં ફક્ત જ્યાં જ્યાં વ્યાખ્યા ખોટી ઠરે છે તેની જ વાત કરી છે, પણ હા, એવા વિસ્તારો પણ છે જેમાં વ્યાખ્યા સાચી ઠરે. એટલે સાવ નિરાશ થવા જેવું તો નથી જ.

   તમે કહો છો કે, “૬૦-૭૦ વરસ પછી પણ આપણી હાલત હજી રાજાશાહી જમાના જેવી જ છે.” હું તો કહું છું કે આહે ૬૦ વર્ષ પછી એ રાજાશાહી વધુ ફાલી રહી છે. કદાચ આપણા ભારતીય રક્તમાં એ રાજાશાહી વણાઈ ગઈ હશે. નહિતર, નહેરૂ સામ્રાજ્યનું આટલું આધિપત્ય હોય કાંઈ? અને હું તો પહેલા અન્ય બ્લૉગ્સમાં પણ મારી કોમેન્ટ્સમાં કહી ચુક્યો છું કે, હવે તો નવ-રાજાશાહીની હવા ફુંકાઈ રહી છે. જુઓને આજકાલ રાજકારણમાં કેટલા બીજી પેઢીના નેતાઓ/ઉમેદવારો ઉતરી રહ્યા છે અને ચુંટાઈ પણ રહ્યા છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રી જુઓ, વ્યવસાયો જુઓ, ડૉક્ટર્સ જુઓ…

   અને હા, બહુ આશાવાદી બનવાની પણ જરૂર નથી, ઘીના ભાવ વધશે તો અમે તેલના દીવા કરીશું, કે પછી મીણબત્તીઓ સળગાવીશું, કે પછી ઇલેક્ટ્રીક દીવાઓ જ રાખીશું, પણ મંદીરોતો આપણિ સંસ્કૃતિનું અંગ છે, તે રહેશે જ.

   Like

 5. Vyom says:

  Some say democracy is the only option for peace and development; when I see Africa and Middle East democracy seems a failed option. Some say Autocracy or Militarist regime is the only option for strict law and order and national security; see Burma and Pakistan(for most part of their existance). One option is Monarchy; those who feel inclined this way should have lived under Aurangzeb or Nero. Communism is the path? go to Russia, even China distance itself from Communism.

  We have never been secular. Congress remember 1984 riots. BJP is not secular everybody knows and they say so. Everybody is equal according to constitution then why different sets of rules for ruling class and serfs(yes that is what we are).

  So the question we should be asking ourselves is where did we missed the point or which wrong decision took us to this path? But as I can see there are only questions no answers…

  Like

  • Dear Vyom,
   ” So the question we should be asking ourselves is where did we missed the point or which wrong decision took us to this path? But as I can see there are only questions no answers…”

   I intend to try to share my views, not as final answers but for debate. The process of thinking together might help.

   I think adopting Democracy was and is a right decision. However, it was important for us to achieve economic freedom after political freedom. Immediately after the Independence we should have formulated a plan that would work for the uplift of the masses. Nehru had idealism but no concrete plan. Sardar Patel was a rightist who accorded priority to the creation of wealth over the distribution of wealth. so there was no consensus between the two leaders who were jointly counted as NO.2s in the Congress hierarchy after Gandhi.

   Well, there was, and is, much to do. Our land reforms are inadequate ant implemented in a manner that would reflect the disinterestedness of our bureaucracy. Our economic policies were not job oriented except for the first plan in which there was emphasis on community development. While the need for new technology cannot be denied, the planners should have kept it in mind that during the gestation period in production through machines people will remain jobless and, therefore, starve.

   We did not invest in human resources. Some times I think, we should have shelved every project and provided free medical service and education to all. We should have achieved this within 20 years of Independence. But we failed.

   Our mixed economy did not work as expected. What happened was , a public sector still mill would produce still which the private sector entities would buy and manufacture goods. so, our public sector, in fact, strengthened the private sector which functioned for profit. The huge amount collected from tax payers to build public sector units helped private sector make profit. Money slowly and, in most cases, rapidly, changed hands and went into the pockets of those who already possessed big money. We should have had a clear policy to curb profits.

   I can go on writing but let me put a full stop with one point: We were always soft on corruption.

   (P.S. – Atulbhai has clubbed Bangladesh with Pakistan. However, in Human Development Index (HDI) Bangladesh is ahead of India – and certainly it is not a ‘failed state’. Bangladesh’s Mohmmed Yusuf came out with the most innovative idea of microfinance and won Nobel prize. Just have a look at the micro finance schemes in India. Corporates have been allowed to take it over and people have to pay very hefty rate of interest).

   Like

   • very well said Deepakbhai, even I agree that though people out there might be debating whether which political system is right, there is no doubt about Democracy being the best option available. But yes, now time has come when we should start looking for innovations in democracy. The current model of democracy is not proving the best, at least for India. But, I will not start a debate on that here, will watch until the discussion move in that direction…

    You said, “We did not invest in human resources. Some times I think, we should have shelved every project and provided free medical service and education to all. We should have achieved this within 20 years of Independence. But we failed.” I intend to write on this in a seperate post, but as this has come up here, let me briefly touch the base. After living in UK for 7 years, I have learned that education is only necessary for country’s own satisfaction. In this country, education is not free at all, yes, primary education is free, but higher education is most expensive, and that is turning people away from studies. But the nation is confident enough of not losing anything. Reason? It has adopted an approach of using skills rather than knoweldge. Or in other words, experience here is more valuable than educational knowledge. We have been pampering the education system that we inherrited from the British, the same British have long thrown that away and moved on with a better system. We have free education and free medical treatment in our country already, which British can’t match. The only problem we are facing there is, corruption.

    What you said about mixed economy is cent per cent correct.

    વ્યોમભાઈ, તમે ગુજરાતીથી ટેવાયેલા છો, તો શક્ય હોય તો આપણે ગુજરાતીમાં જ ચર્ચા આગળ ચલાવીએ? કારણ ફક્ત એટલું જ કે, કદાચ બીજાકોઈને પણ જોડાવવું હોય તો જોડાઈ શકે અને ભાષાનો બાધ ના નડે.

    Like

    • હું પણ ગુજરાતીમાં ચર્ચા થાય તે પસંદ કરીશ.

     શિક્ષણ વિશે મારો પણ એ જ ખ્યાલ છે. પ્રાથમિક શિક્ષણ ફ્રી હોવું જ જોઈએ. આપણે ઉચ્ચ શિક્ષણને પણ એટલું સસ્તું અને અર્થહીન બનાવી દીધું છે કે આટલાં વર્ષોમાં આપણે ઢગલાબંધ ગ્રેજ્યુએટો પેદા કર્યા, ફરી ગાંધીજીને યાદ કરવા પડશે. એમની બુનિયાદી તાલીમમાં સ્કિલ ડિવેલપમેન્ટ પર જ ભાર મુકાયો હતો, પુસ્તકિયા જ્ઞાન પર નહીં.

     Like

     • દીપકભાઈ, ગુજરાતીમાં ચર્ચા આગળ ધપાવવા બદલ આભાર. એકદમ સાચી વાત કરી કે ગાંધીજીના બુનિયાદી શિક્ષણમાં ભણતર કરતા ગણતર અને ઘડતર પર વધુ ભાર મુકાયો હતો. પણ, ગાંધીને તો પૂછે છે જ કોણ? આજે પણ ગુજરાત વિદ્યાપીઠ એ જ બુનિયાદી શિક્ષણ આપે છે, પણ તેમાં ભણવા જાય છે કોણ? જે ભણે તેને આપણે બીચારા-બાપડા કહીએ છીએ. અને, ભલે ઉચ્ચ શિક્ષણ મફત રહે, પણ તેનો એટલો બધો ક્રેઝ ન હોવો જોઈએ જે આપણા દેશમાં છે. અને તે ઉચ્ચ શિક્ષણ ફક્ત પુસ્તકાઅધારિત જ હોવું જોઈએ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? “ભાર વિનાનું ભણતર” પુશ કરવા કેટલીય સંસ્થાઓ મથી રહી છે, પણ સરકારી તંત્ર અને સિક્ષણવિદો કેમ એ દિશામાં કશું કરતા નથી? લોકોના હિતમાં જે વસ્તુ છે જો તે જ ન થતી હોય, તો પ્રજાસત્તાક દેશ કહેવાય કેવી રીતે?

      Like

   • બાંગ્લાદેશ જો આપણાંથી ચડીયાતું હોય તો શા માટે તેમના નાગરીકો ભારતમાં ઘુસે છે? ભારતના નાગરીકો બાંગ્લાદેશમાં ન ઘુસતા હોત? લોકો હંમેશા વધારે સારી જગ્યાએ સ્થળાંતર કરેને? કાગળ પર હોવું અને વાસ્તવિકતા તેમાં ફરક હોય છે.

    Like

    • અતુલભાઈ,

     હ્યૂમન ડિવેલપમેન્ટ ઇન્ડેક્સમાં નાણાકીય ગરીબાઈ નથી જોવાતી. સરકારના પ્રયાસોથી જનતાને જે લાભો મળે છે તેના આધારે લોકોના આરોગ્યનું સ્તર સુધર્યું હોય, બાળકોનું કુપોષણ ઓછું હોય. આવરદા લાંબી હોય, વગેરે છ-સાત માપદંડો છે.

     આ તાજા સમાચાર છે, જે વાંચશો. સાતમી જાન્યુઆરી ૨૦૧૩નો રિપોર્ટ છે. બાંગ્દેલાદેશ કઈ રીતે આગળ છે તે જોવા મળશે.
     http://www.thedailystar.net/newDesign/news-details.php?nid=264161

     બાંગ્લાદેશના નાગરિકો ભારતમાં આવે છે તેમાં મોટા ભાગે જેમને ખેતી પર નભવું પડતું હોય તેવા લોકો છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે બાંગ્લાદેશની અર્ધી વસ્તી કઈં ભાગીને અહીં નથી આવતી. મોટા ભાગે પશ્ચિમ બંગાળમાં અને આસામમાં આવ્યા છે. દિલ્હી કે મુંબઈમાં તો દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે તેમાં બંગાળી હોય અને મુસલમાન હોય તે બધાને પણ બાંગ્લાદેશી ઠરાવી દેવાય છે. મુખ્ય સમસ્યા આસામમાં રહી.આ લોકો રાજકારણીઓની લાલચમાં પણ ફસાઈ જઈને રહેતા હોય છે, અથવા તો એ જ રાજકારણીઓને કારણે એમને હાંકી કાઢવામાં આવે છે. અત્યારે દેશમાં નવ-દસ લાખ બાંગ્લાદેશીઓ હોવા જોઇએ. બાંગ્લાદેશ ના ૧૯૭૧ના યુદ્ધ પહેલાં જે અહીં આવ્યા હોય તેમને ‘ફોરેનર’ ગણવામાં નથી આવતા. થોડાં વર્ષ પહેલાં બાંગ્લાદેશના સૈન્યે ભારતની સરહદ પર હુમલો કર્યો હતો. એ વિસ્તારમાં એ વખતે સ્થિતિ એ હતી કે એક ગામના રસ્તા વચ્ચેથી સીધી સરહદ લંબાઈમાં બની છે. એટલે તમારૂં ઘર ભારતમાં હોય અને ઘરની સામે જ વીસ ફુટ દૂર સામી બાજુએ દુકાન હોય તો એ બાંગ્લાદેશમાં હોય! આ સમસ્યાઓ સહેલાઈથી હલ થાય એવી નથી હોતી.

     મેં એક લેખ શોધવાની મહેનત કરી છે. એ તટસ્થ લેખ છે અને એમાં રાજકારણની ગંધ નથી.એટલે જરૂર વાંચશો.
     http://horizonspeaks.wordpress.com/2011/02/10/how-many-bangladeshis-live-in-india/

     આશા રાખું છું કે શ્રી ધવલભાઈ અ કૉમેન્ટને વિષયાંતર નહીં ગણે. ટુંકાવી નાખવી હોય તો ટુંકાવી નાખશો.

     Like

     • શ્રી દીપકભાઈ,

      માહિતિ માટે આભાર. ઈચ્છિએ કે ભારત અને બાંગ્લાદેશ બંને પ્રગતિ કરે અને બાંગ્લાદેશની પ્રગતિ ચાલુ રહે જેથી ભારતમાં તેમનું સ્થળાંતર અટકે. આશા રાખીએ કે ભારત પણ પ્રગતિ કરે કે જેથી લોકો ભારતમાંથી બાંગ્લાદેશમાં સ્થળાંતર ન કરવા લાગે.

      વિષયાંતર ને અટકાવીને અટકું.

      Like

      • અતુલભાઈ અને દીપકભાઈ, વિષયાંતર બીલકુલ નથી થઈ રહ્યું. આપણે ભારતના વિકાસના મુદ્દાની ચર્ચા કરીએ છીએ તો સાથે સાથે પડોશીનો વિકાસ પણ વણાઈ જ જાય. આમે આપણી ભારતીયોની આદત હોય છે ને કે આપણે આપણી સમૃદ્ધિ પડોશીની સમૃદ્ધિના પરિપ્રેક્ષ્યમાં માપીએ છીએ. ગૃહિણિઓ પડોશમાં ૪૨ ઈંચનું LCD TV આવે તો આપણા ઘરમાં ૪૪ ઈંચનું નહિ તો એટલિસ્ટ ૪૨ ઈંચનું તો આવવું જ જોઈએ એવો આગ્રહ નથી રાખતી હોતી?

       એક વાત કહું, મેં હમણા ગોવિંદભાઈના એક લેખના અનુસંધાને પણ લખ્યું હતું કે, આપણી સ્થળાંતર વિષેની માન્યતા ખૂબ ખોટી છે. સ્થળાંતર ફક્ત આર્થિક સમૃદ્ધિ માટે જ થાય છે એવું નથી. તમે આશા રાખો છો કે બાંગ્લાદેશની પ્રગતિ થાય જેથી ત્યાંથી અહિં થતું સ્થળાંતર અટકે, પરંતુ પ્રગતિને કારણે સ્થળાંતર અટકતું હોત તો, યુ.એસ.એ.માંથી લોકો યુ.કે.માં અને યુ.કે.માંથી લોકો યુ.એસ.એ.માં, કે પછી, ઓસ્ટ્રેલિયા-યુકે-ન્યુઝિલેન્ડ વચ્ચે ત્રિપાંખીયું સ્થળાંતર થતું જ ન હોત. સ્થળાંતર ફક્ત એક જ દિશાં થવું જોઈએ ને જો પ્રગતિ એક જ કારણ હોય તો?

       Like

       • શ્રી ધવલભાઈ,

        સ્થળાંતર માટે અનેક કારણો હોય છે. યાયાવર પક્ષીઓ જ્યારે ખુબ ઠંડી પડે ત્યારે ભારતમાં કે અન્ય ગરમ પ્રદેશમાં જતાં હોય છે અને પાછી ઠંડી ઘટે એટલે પરત ફરતાં હોય છે. એક વાત ખરી કે સ્વેચ્છાએ થતું સ્થળાંતર વધારે અનુકુળતા પ્રાપ્ત કરવા થતું હોય છે. પરાણે કરવા પડતા સ્થળાંતરમાં તો કોઈ પસંદગી હોતી નથી જ્યાં જગ્યાં મળે ત્યાં ચાલ્યા જવું પડતું હોય છે. ઘુસણખોરીમાં જાસુસો / ભાંગફોડીયા તત્વોએ ક્યારેક ઘુસી જતાં હોય છે. તમે સાચું કહ્યું કે આપણે પાડોશી સાથે સરખામણી કરીને સમૃદ્ધિ માપતાં હોઈએ છીએ. પાડોશમાં તો ચીન અને નેપાળ પણ છે પણ તેમની સાથે સરખામણી એટલે નથી કરી કે ભારત અને પાકિસ્તાન બંને એક સમયે આઝાદ થયાં અને ભારતે વધારે પ્રગતિ કરી. પાકિસ્તાનથી છુટા પડેલા બાંગ્લાદેશે પણ વધારે પ્રગતિ કરી. પાકિસ્તાનને પોતાની પ્રગતી કરતાં ભારતમાં ઉંબાડીયા કરવામાં વધારે રસ પડે છે તેથી નથી તે ભારત સાથે સારા સંબંધો જાળવી શકતું કે નથી તેની પોતાની પ્રગતિ સાધી શકતું. બાંગ્લાદેશના શાસકો તે દૃષ્ટિએ ભારત સાથે વધારે સહકારથી વર્તે છે તેમ છતાં ઘુસણખોરી તો કોઈ પણ દેશે ન જ ચલાવી લેવી જોઈએ.

        (થોડુંક વિષયાંતર : ગોવીંદભાઈને ત્યાં વાંચેલા લેખમાં ઘણા મુદ્દા અસંગત હતાં. ત્યાં વધારે ચર્ચા કરવી એટલે નથી ગમતી કે તેઓ રેશનાલીઝમ કે રેશનાલીસ્ટ મંડળીના સભ્યોનો જરાક વિરોધ પણ સહન કરી શકતાં નથી. જો કે કેટલાક ખાટ સ્વાદીયાઓ તેમને ચીડવવાયે જતાં હોય છે.)

        Like

        • બીલકુલ સાચી વાત છે અતુલભાઈ, સ્થળાંતર પાછળ ઘણા કારણો ભાગ ભાગ ભજવતા હોય છે. હંમેશા આર્થિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને જ નથી થતું. જો કે સ્વેચ્છાએ કરેલા સ્થળાંતર વધુ અનુકૂળતા પ્રાપ્ત કરવાના આશયથી અવધ્ય થતું હશે, પરંતુ સ્થળાંતર જે વસવાટમાં પરિણમે છે, તેના પર પાછા અન્ય પરિબળો ભાગ ભજવતા હોય છે. પણ હા, એકંદરે કહી શકાય કે મોતાભાગના સ્વેચ્છાએ થતા સ્થળાંતરો વધારે અનુકુળતા પ્રાપ્ત કરવા માટે થતા હોય છે. અને પાકિસ્તાનની બાબતમાં તો ભાઈ એવું છે ને કે, જેવી જેની મતિ, તેવી તેની ગતિ. અને એમાં એ દેશનો પણ બીચારાનો વાંક નથી, એ તો ચિઠ્ઠીનો ચાકર છે, મોટા સાહેબ જેમ કહે તેમ કરવું. પણ હા, જો હું વધુ આ બાબતે લખીશ તો વિષયફેર અવશ્ય થશે એટલે અટકું છું.

         અને તમારી કૌંસમાં રહેલી ટિપ્પણી વિષે… નો કોમેન્ટ્સ…

         Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: