વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ

તમને સૌને વિકિસ્રોતની પહેલી વરસગાંઠમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે!

મોટાભાગના લોકોએ આ શબ્દ-વિકિસ્રોત, હવે તો સાંભળ્યો જ હશે. જેમણે ના સાંભળ્યો હોય તેમણે વિકિપીડિયા તો સાંભળ્યો જ હોવો જોઈએ. શક્ય છે કે મારા અને અશોકભાઈ જેવા બીજા ડઝનેકથી પણ વધુ સ્વયંસેવકોના પ્રયાસો તમને વિદિત ન હોય. વિકિસ્રોત એ એક એવું જાળસ્થળ (વેબસાઇટ) છે જેમાં તમને ગુજરાતી સાહિત્ય વાંચવા મળશે. હવે તમે પૂછશો કે તેમાં શું ધાડ મારી? બ્લૉગજગતમાં ૮૦ ટકા બ્લૉગો સાહિત્ય જ પિરસે છે. તો મારા ભાઈ કે બહેન કે પછી અન્ય (હા, આજકાલ આ અન્યનો ઉલ્લેખ અલગથી કરવો પડે એવું થઈ ગયું છે. અમારા આ દેશમાં ઘણા ફોર્મમાં જાતિમાં પુરુષ, સ્ત્રી, ઉભયલિંગી અને ગુપ્ત એમ ચાર પર્યાયો હોય છે), એ સાહિત્ય કે જે રોજની એક કૃતિ જેટલા ઝડપી દરે રચાતું હોય અને વાંચ્યા પછીની દસમી મિનિટે વિસરાઈ જતું હોય તે સાહિત્યની વાત નથી. વિકિસ્રોત પર તમને નામી સાહિત્યકારોનું સાહિત્ય મુક્તપણે માણવા મળશે. તમને ખબર છે કે ગાંધીજીએ કેટલા પુસ્તકો લખ્યા છે? ઝવેરચંદ મેઘાણીએ વ્રતકથાઓ પણ લખી છે? ભદ્રંભદ્ર વિષે તો સૌને જાણ હશે જ, પણ શું તમે વાંચ્યું છે? આ ભદ્રંભદ્ર, ગાંધીજીના તમે જાણતા હોવ તેવા અને ન જાણતા હોવ તેવા, મેઘાણીની નવલિકાઓ ઉપરાંત વ્રતકથાઓ, કલાપીની કવિતાઓ ઉપરાંત કાશ્મીરનું પ્રવાસ વર્ણન, વગેરે બધું તમારે વાંચવું હોય તો શું તમને હાથવગું છે? જવાબ છે, હા! જી હા, વિકિસોત પર મારા તમારા જેવા જ સામાન્ય માણસો આપણી માતૃભાષાની સેવા અને સંવર્ધનના હેતુથી એ બધા પુસ્તકો ટાઇપ કરે છે જેથી તમે વાંચી શકો, આપણી આવનારી પેઢીઓ વાંચી શકે. તો આ એ વિકિસ્રોતની વાત છે.

આ વિકિસ્રોતનો જન્મ ગયા વર્ષે આ મહિનામાં થયો હતો. ગુજરાતી ભાષામાં વિકિસ્રોત હોવું જોઈએ એવો વિચાર માર્ચ ૨૦૦૯ પહેલા આવ્યો હતો અને તે સમયે વિકિપીડિયા પર સક્રિય એવા અશોકભાઈ, જીતેન્દ્રસિંહજી, સુશાંતભાઈ, મહર્ષિભાઈ અને સતિષભાઈ ઉપરાંત અન્ય મિત્રોએ એ વિચારમાં પોતાનું સમર્થન ઉમેરતા અમે માર્ચ ૨૦૦૯માં એ અરજી કરી હતી જેનો નિવેડો હજુ ગયા વર્ષે આવ્યો. અને એટલે જે દિવસે ગુજરાતીમાં વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું તે તેનો જન્મ દિવસ. આ પવિત્ર મંગલકારી દિવસ હતો ૨૭ માર્ચ ૨૦૧૨નો. આ વર્ષે જોગાનુજોગે હું તે દિવસની આસપાસના સમય દરમ્યાન ભારતમાં છું એટલે અમે લોકોએ (વિકિસ્રોત અને વિકિપીડિયાના મિત્રોએ) ભેગા થઈને આ પ્રથમ વર્ષગાંઠની ધામધુમથી ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડ્યો છે. વળી સોનામાં સુગંધ ભળે તેમ, રૂપાયતન કે જે ગુજરાતી સાહિત્યના શિરોમણી એવા નરસિંહ મહેતા પુરસ્કારની યજમાન સંસ્થા છે, તેણે અમારી આ ઉજવણી પોતાને આંગણે કરવા માટે રાજીપો દર્શાવ્યો. ૨૭ માર્ચને દિવસે આ વર્ષે ધુળેટી હોવાથી, અમે ઉજવણી રવિવારે કરવાનું નક્કી કર્યું છે.

૩૧ માર્ચની સવારે ૧૦થી ૧ દરમ્યાન ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આવેલી રૂપાયતન આશ્રમશાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધરંગી કાર્યક્રમનું આયોજન છે. કાર્યક્રમની રૂપરેખા અહિં જોઈ શકાશે. તમને સૌ વાંચકોને આ કાર્યક્રમમાં આવવા માટેનું આગ્રહભર્યું આમંત્રણ છે. અને હા, ગિફ્ટ અને ચાંલા પ્રથા બંધ છે, એટલે ખિસ્સાને ખાસ ભાર પડવાનો નથી, તો જરૂર આવો. તમારા આવવાની જાણ અમને ઉપસ્થિતિના પૃષ્ઠ પર કરશો જેથી અમે તમારી આગતા-સ્વાગતાની તૈયારીઓ સુપેરે કરી શકીએ.

આ ઉપરાંત ૨૯ માર્ચે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં પણ વિકિસ્રોત પર એક વક્તવ્યનું આયોજન કર્યું છે. જેની વિગતો ટૂંક સમયમાં આપીશ અને હા, જો તમે ગુજરાતમાં ન હોતા મુંબઈમાં હોવ તો ૬ એપ્રિલે બોરીવલીમાં આવેલા સાંઈ મંદિરના મેડે ‘ઝરુખો’ની માસિક બેઠકમાં પણ હું અને સુશાંતભાઈ “ગુજરાતી સાહિત્યપ્રસારની નવી દિશા ..વિકિપીડિયા અને વિકિસ્રોત” વિષય પર વાર્તાલાપ કરવાના છીએ.

આ બધા જ કાર્યક્રમોમાં સૌને સહર્ષ આમંત્રું છું! અને તમારા કોઈ ઓળખીતા પાળખીતા, સગા, સ્નેહી, વિકિસ્રોત અને વિકિપીડીયાની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય કે તે વિષે જાણવા માંગતા હોય તો તેમને પણ જાણ કરશો. તો મળીએ રૂબરૂમાં.

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

10 Responses to વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ

  1. jjkishor says:

    તમારા ત્રણેય કાર્યક્રમોને સફળતા ઇચ્છું છું. સ્રોત એ ગંગોત્રી છે….આશા છે તમારો આ માતૃભાષાપ્રેમ સ્રોતને ધોધમાં પરિવર્તિત કરવાની શક્તિ આપે.

    Like

  2. જુનાગઢ સુધી તો ન પહોંચી શકવાનો રંજ રહેશે, પણ ૨૯મી તારીખે ગુજરાત વિદ્યાપીઠમાં જરૂર મળવાનું કરીશું.

    Like

    • અશોકભાઈ, એવા કોઈ બહાના નહિ ચાલે. તમે તો ભલા માણાસ ગુજરાતમાં જ છો, એક દિવસ તો એડ્જસ્ટ કરી શકાય ને? જે વિકિસ્રોતમાં તમે અમુલ્ય યોગદાન આપો છો, તેની જ મૂખ્ય ઉજવણી તમારા વગર કેવી રીતે થાય?

      Like

  3. ખૂબજ સુંદર કાર્ય આપ કરો છો અને તે કાર્યમાં ઈશ્વર તમને શક્તિ સાથે પ્રેરણા અર્પે તે શુભકામના સાથે શુભેચ્છાઓ !

    Like

  4. બહુ જ ઉમદા અને પરિશ્રમ માંગી લે એવું કામ. કોઈ જાતની વાહવાહની ખેવના કરનારા , આ સ્રોતના સૌ પ્રદાન કર્તાઓ મુઠ્ઠી ઊંચેરા લોક છે.
    સૌને ધન્યવાદ અને અંતરની શુભેચ્છાઓ.

    Like

  5. સાહિત્યની અને ગુજરાતી ભાષાની સાચી સેવા.. મુક સેવકોને શત શત વંદન..

    Like

  6. નેટ, વેબ, બ્લોગ, વીકીપીડીયાનો લોકો ઘણોંજ ઉપયોગ કરે છે.

    રુપીયા ખર્ચીને જે માહીતી મેળવવી મુશ્કેલ હતી એ બટન દબાવતા હાજર થઈ જાય છે.

    સરકારી સ્ટેટીસ્ટીકલ માહીતી મેળવવા જે સમય અને રુપીયાનો વ્યય થતો હતો એ બધું હવે મફતમાં હાથવગુ થઈ ગયું.

    વીકીસ્ત્રોતના મુખ્પૃષ્ઠ સ્વાગત અને સહકાર્યમાં બધું જ લખેલ છે. વીકીપીડીયાના સૌ સક્રીય મીત્રોની સાથે વધુને વધુ મીત્રો જોડાય એ જરુરી છે.

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....