સજાતીય સંબંધો અને હિંદુ ધર્મ

તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે ‘સજાતીય સંબંધો’ને એટલે કે ‘same-sex relationship’ને અવૈધ હોવાનું પુન:સ્થાપિત કર્યું છે. જો કે ટેકનિકલી એ ચુકાદા વિષે કશું કહી શકું તેવી મારી લાયકાત નથી, છતાં હું તો એમ માનું છું કે સર્વોચ્ચ અદાલત તેના ચુકાદામાં સાચી જ છે. અરે, અરે, અરે…. ખમો, હું શું કહું છું તે તો સાંભળો (વાંચો)!

સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો આમ તો ખાસ કરીને દિલ્હીની વડી અદાલતે ૨૦૦૯માં નાઝ ફાઉન્ડેશન વિરુદ્ધ દિલ્હી રાજ્ય સરકારના ખટલાના આપેલા ચુકાદા સંદર્ભે આપ્યો છે. દિલ્હીની વડી અદાલતમાં ૨૦૦૧થી ચાલતા આવેલા એ ખટલામાં વડી અદાલતે ૨૦૦૯માં આપેલા ચુકાદામાં સજાતીય સંબંધોને (જો બે વયક્ત વ્યક્તિઓ વચ્ચે) એકબીજાની સંમતિથી થયા હોય તો માન્ય ગણાવ્યા હતા. ૧૧મી ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણીમાં બે ન્યાયાધિશોની ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો પાછો વાળ્યો, જે માટેનું કારણ આપ્યું છે કે, “(દિલ્હીની વડી અદાલતનો) એ ચુકાદો બંધારણીય દૃષ્ટિએ ટકી શકે તેમ નથી, કેમકે ભારતના બંધારણ મુજબ કાયદો ફક્ત સંસદ જ ઘડી શકે છે, અદાલત નહિ”. અને એ વાત તો સાચી જ છે ને? ભારત દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને સજાતીય સંબંધોને બંધારણની કલમ ૩૭૭માં અવૈધ ગણાવવામાં આવ્યા છે, માટે ફક્ત સંસદ જ ખરડો પસાર કરીને કાયદો બનાવી શકે અને બંધારણની કલમ ૩૭૭માં ફેરફાર કરી શકે અથવાતો તેને હટાવી શકે છે.

આ તો થઈ વાત ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ એ કાયદાની કે બંધારણની કલમની. હવે મારી વાત, ભલે અદાલત એમ કહેવામાં સાચી હોય કે કાયદો બદલવાનું કામ કે કાયદો ઘડવાનું કામ અદાલતનું નથી, સંસદનું છે, પણ શું હું માનું છું કે ૧૨૯ વર્ષ જૂનો એ કાયદો સાચો છે? ના, ના અને સાડી સત્તર વખત ના! બંધારણની એ કલમ બ્રિટિશ શાસન દરમ્યાનના કાયદાના આધારે લખાયેલી છે. આજે સવાસો વર્ષ પછી પણ શું સજાતીય સંબંધોને “કુદરત વિરુદ્ધનું કૃત્ય” કે “અપ્રાકૃતિક” ગણાવીશું? કેવી રીતે ગણાવી શકીએ? સમાજમાં આ સવાસો વરસમાં, અરે સવાસોને ભૂલી જાવ, છેલ્લા ૫૦ વરસમાં જ કેટલા પરિવર્તનો આવ્યા છે! કોઈ વ્યક્તિ કઈ જાતિથી આકર્ષાય અને કઈ જાતિના પ્રેમમાં પડે છે (અહિં જાતિ એટલે નર કે માદા) તે એ વ્યક્તિનો અંગત નિર્ણય છે. જો એનાથી ત્રીજી વ્યક્તિને કોઈ નુકસાન ન થતું હોય તો સરકારને બોલવાની ક્યાં જરૂર છે? જ્યારે આંતરજ્ઞાતીય લગ્નો થાય છે ત્યારે તો સમાજની ઘણીબધી વ્યક્તિઓનો વિરોધ હોય છે, ફક્ત લગ્ન કરનાર યુગલ જ રાજી હોય છે, અને છતાં અદાલત, ન્યાયતંત્ર અને સરકાર બધા જ એ યુગલના પક્ષે હોય છે. તો પછી અહિં કેમ યુગલની મરજી નહિ અને સરકારની મરજી જોવાની?

આ સમગ્ર પ્રકરણમાં બ્રિટિશ સરકારની તે સમયની માનસિકતા અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ નજરે પડે છે. ખ્રિસ્તી ધર્મમાં પરસ્ત્રીગમન, સજાતીય સંબંધો, વેશ્યાવૃત્તિ, વગેરે જેવી બાબતો પ્રત્યે છોછ છે અને એ ધર્મના પ્રભાવમાં જ તે સમયના (સવાસો વર્ષ પહેલાના) કાયદા ઘડાયા હતા. સેક્સ વિષે હું કદી કશું લખતો કે ચર્ચતો નથી, કેમકે એ બે વ્યક્તિઓ વચ્ચેનું અંગત કર્મ છે, જેની જાહેર ચર્ચા ન હોય. પરંતુ સેક્સને બંધબારણે જ કરવામાં આવતું, જાહેરમાં ચર્ચી ન શકાય એવું, કર્મ જાહેર કોણે કર્યું? એ જ અંગ્રેજોએ અને કદાચ એમના પહેલા આપણી ઉપર શાસન કરનાર મુઘલ અને અન્ય મુસલમાન શાસકોએ. આપણા શાસ્ત્રોમાં તો સેક્સને એટલું હલકું કૃત્ય નહોતું માનવામાં આવતું. જો સેક્સ એટલું હલકું કૃત્ય હોત કે જેની ચર્ચા કરી ન શકાય તો કોઈ મુનિ એ સેક્સની કળા વિષે આખો ગ્રંથ શું કામ લખત (એ તો યાદ જ હશે ને કે કામસૂત્ર જેવો વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ લખનાર ભારત દેશના જ હિંદુ ધર્મના વાત્સાયન મુનિ હતા)? શું કામ (કોણાર્ક, ખજુરાહો, અને એવા અનેક) હિંદુ મંદિરોની દિવાલો ઉપર રતિક્રીડામાં રત યુગલોના શિલ્પો કંડારાયેલા છે? એ જ ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ વેશ્યાવૃત્તિને પણ અવૈધ ગણાવવામાં આવી છે. શું આપણા ધર્મમાં ગણિકાઓની વાત નથી? અપ્સરાઓ, ગણિકાઓ, વગેરેનું કેટલું ઉમદા ચિત્રણ છે શાસ્ત્રોમાં! એ કર્મને કે વ્યવસાયને ‘દેહનો વ્યાપાર’ એવું હિણપતભર્યું નામ આપીને કંઈ કેટલીય સ્ત્રીઓ પર દમન કરવાનું કામ એ જ અવિચારી કાયદાઓએ અને બંધારણે કર્યું છે. જો સ્ત્રી દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવતી વેશ્યાવૃત્તિને કાયદેસર કરવામાં આવે તો આપણા દેશમાં રોજે થતા બળાત્કારો આપોઆપ જ કાબુમાં આવી જાય એવું નથી લાગતું? સપ્રેસ્ડ સમાજ કે જ્યાં સેક્સ સહજ રીતે પ્રાપ્ય નથી ત્યાં જ અબળાઓ પર અત્યાચાર થાય છે. આ જ રીતે હિંદુ શાસ્ત્ર સજાતીય સંબંધો વિષે શું કહે છે? અરે કંઈ કહે છે પણ ખરું કે નહિ  એ જાણવાની કોઈએ કોશીશ કરી? કરી જ હશે એમ માનીને હું પણ એ સમુદાયમાં જોડાઉં છું.

આપણા અનેક હિંદુ શાસ્ત્રો છે, જેમાં વેદો, ઉપનિષદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, પુરાણો, વગેરેનો સમાવેશ થઈ જાય. આપણે એક દૃષ્ટિ કરીએ ફક્ત એક જ શાસ્ત્ર – પુરાણ પર. પુરાણોમાં સૌથી વધુ જાણીતું અને પુરાણ નામ લેતા જ તરત યાદ આવે તેવું શ્રીમદ્ ભાગવતમ્ ઉદાહરણ તરીકે લઈએ તો, ભાગવતમ્ ના પંચમ સ્કંધના અંતિમ એવા ૨૬મા અધ્યાયમાં નર્કોનું વર્ણ કર્યું છે. સ્વાભાવિક રીતે જ નરક સમાજમાં રહેલી બદીઓ માટે અથવા તો સમાજમાં અસ્વીકાર્ય કાર્યો કરનારાઓ માટે હોય. જેમ આધુનિક શાસનમાં ન્યાયતંત્ર છે જે દંડ આપે છે, એમ ધાર્મિક શાસનમાં દંડ સ્વરૂપે નરકની સજા કરવામાં આવે છે. જો આ ૨૬માં અધ્યાયના શ્લોક ક્રમાંક ૮થી ૩૬ને ધ્યાનથી વાંચવામાં આવે તો જણાશે કે આજના આધુનિક ન્યાયતંત્રમાં જે દંડનીય અપરાધ ગણાય છે એવા કેટલાય એમાં પણ દંડનીય અને નરકને પાત્ર છે, પરંતુ જે કૃત્યો ખ્રિસ્તી ધર્મ પ્રમાણે દંડનીય નથી, અને માટે આપણા કાયદામાં પણ દંડનીય નથી, તેને પણ આપણા ભાગવતમે દંડનીય કે નરકને પાત્ર ગણાવ્યા છે. જેમકે સમાજના કોઈ એક વર્ગ દ્વારા પ્રાણીઓની હત્યા, વગેરે. કુલ ૨૮ પ્રકારના નર્કો એ પુરાણમાં ગણાવવામાં આવ્યા છે. એમાંથી એકેય નરક ગણિકાને કે દેહવિક્રય કરતી સ્ત્રીને નથી આપ્યું. જોવાની ખૂબી એ છે કે ઘણા નરકો સ્ત્રીઓએ કરેલા અમુક કૃત્ય માટે છે, પણ તેથી વધુ નરકો તો પુરૂષોના કૃત્યો માટે છે, એટલે લોકોનો એ દાવો પણ પોકળ છે કે આપણો ધર્મ અને આપણા શાસ્ત્રો પુરુષપ્રધાન સમાજના પરિણામે છે. આપણો ધર્મ અને સમાજ તથા શાસ્ત્રો શરુઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતામાં માનતો આવ્યો છે, સ્ત્રીને દબાવવાનો અને નબળી ગણાવવાનો સીલસીલો તો વિદેશીઓએ આપણી ઉપર કરેલા છેલ્લા ૬૦૦-૭૦૦ વર્ષના શાસનના પ્રતાપે છે. ફરી પાછા આડા પાટે ચડીએ એ પહેલા મૂળ મુદ્દા પર આવું તો, આ નરકોનું વર્ણન કરતા અધ્યાયમાંના ૨૮ પૈકીના ૬, એટલે કે લગભગ પાંચમાં ભાગના (૨૦ ટકા) નરકો સેક્સ સંબંધી પાપ (અપરાધો)ના ફળસ્વરૂપે પ્રાપ્ત થતા નરકો છે. આ નરકોના નામ છે, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તપ્તસૂર્મિ, વજ્રકંટક શાલ્મલી, પૂયોદ અને લાલાભક્ષ. આ છએ નરકોમાં જનારાઓ એક યા બીજા પ્રકારે સેક્સ સંબંધી પાપ કરનારા છે, જેમાં અન્યની પત્ની, રજસ્વલા સ્ત્રી, પશુ વગેરે સાથે જાતીયસંબંધ બાંધનારાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ ૨૮માંથી એકેય નરકમાં વેશ્યા, ગણિકા કે દેહવિક્રય કરતી સ્ત્રી નથી જતી. હા, જે પતિ પોતાની પત્નીના દેહવિક્રયની કમાણી ખાતો હોય તે આમાંના એકાદા નર્કમાં જાય છે. તો એ શું દર્શાવે છે? એવું સ્પષ્ટ નથી થતું કે એ સમાજમાં સ્ત્રી વેશ્યાવૃત્તિ કરે તો તે બદચલન નહોતી બની જતી. કોઈ સ્ત્રી મજબૂરીમાં પોતાનું કે પોતાના બાળકોનું ભરણપોષણ કરવા માટે એ માર્ગ અપનાવે તો તેને પાપ નહોતું ગણવામાં આવતું. એ જ રીતે જે શાસ્ત્ર માણસના પશુ સાથેના સંબંધો વિષે વાત કરતું હોય તે શાસ્ત્રને શું પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધોની જાણ નહિ હોય? જો જે ધર્મ આવા ખૂબ જ અલ્પપ્રમાણમાં થતા કર્મો વિષે પણ લખી શકતો હોય અને જેને નિંદનીય ગણતો હોય, તે ધર્મએ કદી સજાતીય સંબંધો નહિ જોયા હોય? શક્ય જ નથી. તો પછી એ ધર્મમાં એવા સજાતીય ધર્મોને ક્યાંય નિંદનીય કે પાપ કે નરકના અધિકારી નથી ગણાવ્યા એનો અર્થ એમ ન કરી શકાય કે ધર્મએ એ પ્રકારના સંબંધોને સ્વીકાર્યા છે? જો હજારો કે સેંકડો વર્ષ પહેલાનો આપણો સમાજ એ સંબંધોને સ્વીકારી શક્યો હોય તો આપને કેમ ના સ્વીકારી શકીએ?

આજના સમાજમાં આપણે ‘દોસ્તાના’ જેવી ફિલ્મો સપરિવાર જોઈ શકીએ છીએ, છાશવારે ફિલ્મોમાં ગે પાત્રની કોમેડી સહન કરી શકીએ છીએ, અરે પ્રખ્યાત ‘સાસ ભી કભી બહુ થી’ કે એ જ અરસાની કોઈક ટેલિવિઝન સિરિયલમાં પણ ગે/સજાતીય પાત્ર હતું જેને ઘરઘરમાં જોવામાં આવતું હતું, તો છાપાઓ અને મીડિયાવાળાઓ કયો સમાજ ‘ઓર્થોડોક્સ’ છે એમ કહે છે? ભલે સર્વોચ્ચ અદાલત એમ કહે કે આ કાયદો સંસદે બદલવો પડશે, પણ એ સંસદમાં બેઠેલા એકેય લલ્લુએ દુનિયા જોઈ જ નથી. એમને શું ખબર કે દુનિયામાં શું થઈ રહ્યું છે? એ લોકોએ આપણા શાસ્ત્રોનું પણ અધ્યયન નથી કર્યું કે આવો બધો વિચાર કરી શકે. ભગવાન એમને સદ્‌બુદ્ધિ આપે કે એ લોકો આ બાબતે કશુંક વિચારે અને આવા મુર્ખામીભર્યા કાયદાને બદલે. દુનિયાને બતાવી આપો કે આપણો સમાજ કેટલો પ્રગતિશીલ અને સહિષ્ણુ છે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

36 Responses to સજાતીય સંબંધો અને હિંદુ ધર્મ

 1. આ વિષય પર લખવા માટે, થેન્ક યુ, ધવલભાઇ! મૂર્ખ અને ડફોળો લોકો વાર-તહેવારે સમજ્યા વગર હિંદુ સમાજ-પરંપરાને જ બધી બાબતો માટે જવાબદાર ગણે છે – તેમના માટે ૧૦ વખત વાંચવા જેવો લેખ-પોસ્ટ.

  Liked by 1 person

 2. Maharshi says:

  સરસ છણવટ કરી ધવલભાઇ આપે… પાંચમાં સ્કંધમાં હજુ હમણા જ હું આવું જ કંઇક વાંચી અને તમારા જેવું જ વિચારતો હતો અને આ મુદ્દો મારા ધ્યાને પણ આવ્યો. છતા હજુ ૧૦૦% સંમત્તિ માટે મન નથી માનતું. કારણ કે જાહેર જીવનમા સ્વિકારવાથી અને ખુલ્લે આમ પ્રદશનો યોજવાથી આ વસ્તુ તરફ વળવાની પ્રેરણા અન્ય લોકોને પણ મળી શકે જે નુકશાન કારક નિવડે. વળી શારીરિક અને મૂળભૂત રીતે સજાતીય લોકો બહુ ઓછા છે અને સેક્સના મેનિયાક લોકો આવી છુટછાટનો ગેરલાભ મોટા પાયે લઈ શકે જે ભયસ્થાન ધ્યાનમાં રાખવું ઘટે. તમારો લેખ ગમ્યો અને વિચારવા મજબુર કરે તેવી દલીલો બદલ ધન્યવાદ ભાઇ…

  Liked by 1 person

  • આનંદની વાત છે મહર્ષિભાઇ કે તમે પણ તાજેતરમાં જ આ અધ્યાય વાંચ્યો અને આવું જ કંઈક વિચાર્યું. “આ વસ્તુ” એવી નથી કે જેની ફેશન થઇ પડે. તમે તો પશ્ચિમી સંસ્કૃતિ જોઈ છે, હું અને તમે તો એ સંસ્કૃતિમાં રહીએ છીએ. મારા દેશમાં વરસોથી “આ વસ્તુ” કાયદેસર છે, પણ હજુ અહી પણ ‘ગે’ શબ્દ સાંભળતા જ લોકોનાં નાકનાં ટેરવા ચડી જાય છે. છાશવારે સજાતીયાતાવીરોધી તત્ત્વો કે જેને અહી હોમોફોબીક કહે છે તેવા હુમલા થતા જ રહે છે. જો આ બ્રિટન જેવો મુક્ત અને શિક્ષિત સમાજ પણ હજુ “આ વસ્તુ” તરફ વળી શક્યો નથી કે નથી તો તેને સંપૂર્ણપણે સ્વીકારી શક્યો. કેટલાય સમયથી સજાતીય લગ્નો પર અહીના સમાજમાં પણ ચર્ચા ચાલે જ છે અને “સામાન્ય” લોકો હજુ તેને માટે તૈયાર નથી. ઓસ્ટ્રેલીયાની અદાલતે પણ આપણા ભારતના ન્યાયાલયના જેવો જ કોઈક ચુકાદો આપ્યો છે. માટે, સજાતીય સંબંધો જાહેરમાં સ્વીકારવાથી સમાજને કોઈ નુકાશાન થાય એવું મને તો લાગતું નથી, હા જે લોકો માનસિક કે શારીરિક રીતે સજાતિય છે તેઓને અવશ્ય ફાયદો થશે અને તે એ કે તેમને પોલીસની લુખ્ખાગીરીથી ડરવું નહિ પડે, તેમની કોઈ રંજાડ નહિ થાય, વગેરે. જેમાં તમે કહો છો કે “વિચારવા મજબુર કરે તેવી દલીલો…” એ જ વસ્તુ બીજા લોકો પણ માને અને ફક્ત સજાતીય સંબંધોનો કે એવા સંબંધો ધરાવતી વ્યક્તિઓનો વિરોધ કરતા પહેલા બે વખત વિચારે તો ઘણું…..

   Liked by 1 person

 3. હું તમારા વિચારો સાથે સંમત છું. તમે પુરાણ અને શ્રીમદ્‍ ભાગવતનો હવાલો આપીને ધર્મને નામે સજાતીય સંબંધો વિરુદ્ધ કોઈ દલીલ રજુ થાય તે માટેના રસ્તા બંધ કરી દીધા. આમાં નવું જાણવા પણ મળ્યું.

  Liked by 1 person

  • દીપકભાઈ, જે લોકો દલીલો કરવા ધારે છે તે તો કોઈકને કોઈક રીતે કરવાના જ, અમુક લોકો પોતાની વ્યક્તિગત સુગ અને સંકુચિત માન્યતાને ધર્મનું નામ આપીને આગળ વધતા હોય છે, તેવા લોકો પોતાના નવા શાસ્ત્રો બનાવતા પણ નહિ અચકાય, અને આમે, મારા જેવા નાના બ્લોગરની પીપુડી તો કોણ સાંભળવાનું? મારા લખાણના વાચકો જ જો ફક્ત આ વિષય પર તટસ્થપણે વિચારે અને extremist લોકોની વાતોમાં ભોળવાઈ ના જાય તો મારું આ લખાણ સાર્થક થયું લાગે….

   Liked by 1 person

 4. Swami Vivekananda says Puranas are authoritative only when they agree with vedas. – bit.ly/IW39ge

  વેદોની મુખ્યત્વે અદ્વૈત વાદી વિચારધારા પ્રમાણે શારીરીક સંબંધોને સંતાન પ્રાપ્તિના હેતુ સિવાય ક્યારેય મહત્વ નથી આપ્યું તો પછી આ સજાતીય શારીરીક સંબંધોનું શું મહત્વ છે? આપણી સંસ્કૄતિએ હંમેશા ઈન્દ્રિયો પર સંયમ રાખવાનું શીખવ્યું છે અને એમાં શારીરીક સંબંધનો પણ સમાવેશ થાય છે.

  મારા પિતાજીએ એમની પુસ્તિકા “ષોડશ સંસ્કાર” માં જે ટાંક્યું છે તે લખવાની અહીં મને ઈચ્છા થાય છે,

  “વૈદિક ઋષિઓએ કામનો વિરોધ કર્યો નથી. કામને પણ ‘કામદેવ’ કહ્યો છે. તે દ્વારા જ પ્રજાતંતુ કાયમ રહે છે. માટે જ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે,

  धर्म विरूद्धों भूतेषु कामोडस्मि भरतर्षम ।।
  [હે અર્જુન ! ધર્મથી અવિરુદ્ધ એટલે કે ધર્મને જે માન્ય છે તે કામ હું છું.]

  દેવોનો કૃપાપ્રસાદ લેવાય, દેવને ભેટાય નહીં. અગ્નિદેવના કૃપા પ્રસાદથી ઠંડીમાં ઉષ્મા મેળવી શકાય, ભોજન રાંધી શકાય, વરાળયંત્રો ચલાવી શકાય પણ અગ્નિદેવ પ્રત્યે અતિભાવને લઈને તેમને ભેટાય નહીં. ભેટવા જતાં તે વ્યક્તિને સળગાવી દે. તે જ રીતે સંયમપૂર્વક કામદેવનો કૃપા પ્રસાદ લેવાય. તેના દ્વારા ધર્મને યોગ્ય સંતતિને જન્મ આપી શકાય.”

  મારી દ્રષ્ટિએ સજાતીય સંબંધો મુખ્યત્વે કેવળ શારીરીક મજા માણવા માટેનાં જ હોય છે. પ્રેમના નામે માછલાં ધોવા ના જોઈએ. બે ભાઈ વચ્ચેનો પ્રેમ, પ્રેમ નથી હોતો? શું એમના વચ્ચે શારીરીક સંબંધો હોવા જરૂરી છે?

  હવે આપણે તાર્કિક દ્રષ્ટિએ વિચારીએ તો પણ સજાતીય લોકો સમાજને કશું સકારાત્મક નથી આપતા. સજાતીય સંબંધો કાયદેસર ગણાય તો એ સમાજમાં આવનારી પેઢીને એવો અણસાર આપશે કે શારીરીક સંબંધ એ દરેક નાગરિકનો હક છે અને સમાજમાં આ ગંદકી વધુ ફેલાશે.

  આપણાં દેશમાં બર્હ્મચર્યનું જ્ઞાન આપવાનું નાશપ્રાય થઈ ગયું છે, જેનું પરિણામ અવાર નવાર થતાં બળાત્કારની ઘટાનાઓ છે.

  Liked by 1 person

  • શ્રી નીર્મળભાઈ,

   હું માનુ છું અહીં ધવલભાઈ સમલૈંગિક સંબંધોનું અનુમોદન નથી કરતા પણ સમલૈંગિક સંબધો હોય છે અને હોઈ શકે છે તે બાબતે અંગુલિ નીર્દેશ કરે છે. તેમણે શ્રીમદ ભાગવતનો સંદર્ભ આપીને કહ્યું છે કે આ પ્રકારના સંબંધો બાંધનારને માટે ધર્મમાં નર્ક રુપી સજા ફરમાવી છે. તેનો અર્થ તેમ થયો કે આવા સંબંધો હોય છે અને તેને રોકવા માટે ધર્મએ પણ સજારુપી દંડ ઉગામ્યો છે.

   Liked by 1 person

   • અતુલભાઈ, હા હું આવા સંબંધોનું અનુમોદન નથી કરતો પણ વિરોધ પણ નથી કરી રહ્યો. હું એમ કહું છું કે ધર્મે આવા સંબંધોને પાપ નથી ગણ્યા. જ્યારે બીજા અનૈતિક જાતીય સંબંધોને પાપ ગણ્યા છે ત્યારે સજાતીય સંબંધોનો પાપોની યાદીમાં ઉલ્લેખ સુધ્ધા નથી. એટલે એમ કે ધર્મ એનો વિરોધ કરતો નથી.

    Liked by 1 person

    • ઉલ્લેખ ન હોવો કે હોવો એ મહત્વનું નથી એમ મારું માનવું છે. આપણો ધર્મ,ખરેખર જે ધર્મ નહિ પણ સંસ્કૃતિ છે, ક્યારેય પુસ્તકિયા વિચાર કે જ્ઞાનથી આપણને બાંધી નથી રાખતો. આપણી સંસ્કૃતિ એ આપણને વિચારશીલ થવા પ્રેરે છે.

     અન્ય ધર્મમાં અને આપણા દેશનાં ઘણાં બધાં સંપ્રદાયોમાં, ચોપડીમાં જે લખેલું હોય તે જ પાળવું એવું ઠોકી બેસાડ્યું હોય છે. આપણાં સાહિત્યમાં જો એનો ઊલ્લેખ ન મળતો હોય તો એને તાર્કિક દ્રષ્ટિએ અને/અથવા વેદોનો સંદર્ભ લઈને આજના સમાજે વિચારવું જોઈએ કે એનું ફળ શું‌ આવી શકે?!

     આજના આપણાં સમાજનો બહુ ઓછો વર્ગ વિચારશીલ છે; તેથી જ કાયદા, પાપ અને પુણ્યની વાતો વડે યોગ્ય માર્ગદર્શન આપવું પડે છે. હકીકતમાં નર્ક કે સ્વર્ગ અને પાપ કે પુણ્ય જેવું કશું છે જ નહિ.

     વિવેકાનંદ જેમ કહે છે તેમ, આપણી સંસ્કૃતિ અસત્ય થી સત્ય તરફ નથી લઈ જતી પણ નિમ્ન સત્યથી ઉચ્ચ સત્ય તરફ લઈ જાય છે. આપણે સમાજને આગળ ધપાવવી હોય તો સજાતીય સંબંધોનું જે વાસ્તવિક સત્ય છે તેની સુધારી આત્મીય સંબંધના ઉચ્ચ સત્ય તરફ વેગ આપવો જોઈએ.

     Each stage is “true” but some are lower truth and others are higher truth. ~ Vivekanand.

     Liked by 1 person

     • બીલકુલ સાચી વાત, આપણી સંસ્કૃતિ આપણને વિચારશીલ થવ પ્રેરે છે અને એ જ વિચારશીલતામાં એક વધુ ડુબકી મારવાનું આહ્વાહન આપતા વિચારો મેં રજૂ કર્યા. લોકો જ્યારે “ધર્મમાં સજાતિય સંબંધો નિષિદ્ધ છે” એમ કહેતા હોય છે ત્યારે તે કોઈકને કોઈ પુસ્તકિયા જ્ઞાનની જ વાતનો સહારો લઈને કહેતા હોય છે ને? કેમ આપણે એમને ચૂપ નથી કરાવતા કે ધર્મની વાત છોડો, ધર્મ જેવું કશું છે જ નહિ, સંસ્કૃતિ છે અને સંસ્કૃતિમાં કશાની સખત મનાઈ નથી, સમભાવે વિચારીને પછી સાંપ્રત સમયના અનુભવે જ નિર્ણય લેવો? સજતિય સંબંધો સારા કે ખરાબ તે તો શરીરવૈજ્ઞાનિકો (દાક્તરો) અને મનોવૈજ્ઞાનિકો જ જણાવી શકે, મને કે બીજી આમ જનતાને એમાં શું સમજ પડે?

      તમે ઉપર એક વખત કહો છો કે પુસ્તકીયા જ્ઞાનનો સહારો ન લેવો, પણ પછી પાછા કહો છો કે વેદોનો સહારો લઈને તાર્કીક રીતે નક્કી કરવું? શું વેદો એ પુસ્તક નથી? જ્કેઓ પ્મૌસ્તકોનો સહારો ન લેવો એમ કહેત હોઈએ તો કેમ વેદોથી પણ સ્વતંત્ર થઈને ફક્ત તાર્કીક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ નિર્ણય ન લેવો જોઈએ?

      સાચી વાત છે, સ્વર્ગ કે નર્ક જેવું કશું છે જ નહિ, જે ભાગવત પુરાણમાં નરકોનું વર્ણન છે, એ જ પુરાણના એ જ અધ્યાયમાં કહ્યું છે કે નરક પણ આ લોકમાં જ છે, ગર્ભોદક સમુદ્રથી ઉપર, હવે એનું અર્થઘટન જે કરીએ તે, પણ એક અર્થ તો એમ પણ કરી જ શકાય કે પૃથ્વી ઉપર જ નરક છે. અને એ જ રીતે, મેં મારા લેખમાં જણાવ્યું જ છે કે પાપ એટલે પ્રવર્તમાન સમાજમાં જેને સ્વિકૃતિ નથી એવું કૃત્ય. આધુનિક સમાજ અને કાયદો જેને ગુનો કે અપરાધ કહે છે તેને આપણા શાસ્ત્રએ પાપ કહ્યું છે.

      Liked by 1 person

    • ઘણી બાબતો એવી હોય કે જે સમયના વહેવા સાથે વિકસે. જેમ કે HIV/AIDS વગેરે રોગો. હવે જો સમલૈંગિક સંબંધોથી આવા રોગો વકરવાની શક્યતા હોય તો સ્વાભાવિક રીતે તેને રોકવા માટે પ્રયાસ થવો જોઈએ. એમ તો એવું પણ કહી શકાય કે વિજાતીય સંબંધોથી યે AIDS થાય છે તો શું સંબંધો જ રોકી દેવા? સામાન્ય રીતે નાનપણમાં કુતુહલ વશ અને પછી આનંદ આવવાથી ઘણાં ખરા બાળકો સજાતીય સંબંધો માણતા હોય છે. મેં તો ભુંડની પાંચ બચ્ચાઓની એક આખી હારમાળાને જોઈ હતી કે જે ગાડીના ડબ્બાની જેમ એકબીજા સાથે જોડાઈને દોડાદોડી કરતા હતા. પણ આ બધું સમજણના વિકાસ સાથે બંધ થવું જોઈએ કે સમલૈંગિક સંબંધોને છેક લગ્ન સુધી લઈ જવા જોઈએ?

     Liked by 1 person

     • સો ટકા સાચી વાત કહી અતુલભાઈ તમે. આ અને આવી અન્ય બાબતો સમયના વિકસવા સાથે વિકસે. લોકોને પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે નિર્ણય કરવાની છૂટ હોવી જોઈએ. સમાજે ફક્ત બહોળા પ્રમાણમાં કયા કાર્યથી સમાજને નુકસાન થશે કે નહિ થાય એ વિચારીને વિસ્તૃત સીમારેખા ઘડવી જોઈએ. એ સીમામાં રહીને કરવામાં આવતા બધા જ કામો સ્વીકૃત હોવા જોઈએ. સરકારને ટેક્સ ન ભરવો એ ગુનો છે, પણ NSS કે PPFમાં કે એવી અન્ય સ્કીમોમાં રોકાણ કરીને ટેક્સ બચાવવો એ ગુનો નથી, કેમકે તે કાયદાના દાયરામાં રહીને કરેલું કૃત્ય છે. એ જ રીતે સજાતિય સબંધો કઈ હદ સુધી હોવા જોઈએ અને તેને લગ્નનું સ્વરૂપ આપવું કે ન આપવું તે વિષે ચર્ચા થવી જોઈએ નહિ કે સજાતિય સંબંધો જ ન હોવા જોઈએ તે વિષય પર. જે દેશોમાં સજાતિય સંબંધો વર્ષોથી કાયદેસર છે તેવા દેશોમાં પણ હજુ આજેય (વિધિવત્ – ચર્ચ/દેવળ કે ધર્મવિધીથી થતા) સજાતિય લગ્નોને તો માન્યતા નથી જ. અમારા યુ.કે.માં જ જુઓ તો સજાતિય યુગલ સિવિલ પાર્ટનરશીપ એટલે આપણે જેને કોર્ટ-મેરેજ કહીએ છીએ તેની જ છૂટ છે, લગ્નની નહિ. ઓસ્ટ્રેલિયાની કોર્ટે પણ ગયા અઠવાડીએ જ એવો ચુકાદો આપ્યો છે જેમાં કહ્યું છે કે “લગ્ન” ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચે જ થઈ શકે, સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ વચ્ચે નહિ. અમેરિકા પણ વિધિવત્ લગ્નો પર હજુ ડિબેટ કર્યે રાખે છે પણ આ બધા અને અન્ય ઘણા દેશોમાં આવા સંબંધો કાયદેસર છે. આપણે પણ આજના સાંપ્રત સમાજના પરિપ્રેક્ષ્યમાં શું સાચું અને શું ખોટું એ વિચારવું જોઈએ, ધર્મના વેવલાવેડાના આધારે નહિ.

      જ્યારે પહેલવહેલા નળ આવ્યા ત્યારે લોકો નળના પાણીથી નહાવાથી અભડાઈ જવાય તેમ માનતા, ધીમે ધીમે નળ સ્વિકૃતિ પામ્યા પણ દેવપૂજા માટે તો કૂવાનું જ પાણી વપરાતું. આજે એ પણ નળના પાણીથી થતું થઈ ગયું છે. જ્યારે ફિલ્મો નવી નવી આવી ત્યારે ફિલ્મો જોવી એ સમાજમાં હલકું કૃત્ય ગણાતું આજે નથી ગણાતું. અરે ભલે આપણી સંસ્કૃતિમાં કાલિદાસ જેવા મહાન નાટ્યકારો થયા, દુષ્યંત-શકુંતલા, મૃચ્છકટિકમ્ જેવા ભવ્યાતિભવ્ય નાટકો લખાયા, ચાલીસ-પચાસ વર્ષ પહેલા નાટકો જોવા જવું એ પણ નિંદનીય કામ ગણાતું. આજે નાટક જોવા જવું એ સ્ટેટસ સિમ્બોલ છે. પચાસ વરસ પહેલા જે કૃત્ય સારું નહોતું ગણાતું એ આજે પણ ના જ ગણી શકાય એવું કોણે કહ્યું?

      Liked by 1 person

     • સાચી વાત કહી ધવલભાઈ કે આપણે પણ આજના સાંપ્રત સમાજના પરિપ્રેક્ષ્યમાં શું સાચું અને શું ખોટું એ વિચારવું જોઈએ,

      ધર્મના વેવલાવેડાના આધારે નહિ. ધર્મને વેવલાવેડા કહેવા સામે મને વાંધો છે કારણકે ધર્મ એટલે વેવલાવેડા નથી. ધારયતિ ઈતિ ધર્મ. પ્રત્યેક પ્રાણી, પદાર્થ, વ્યષ્ટી, સમષ્ટી આ બધા શું ધારણ કરે છે તેનો અભ્યાસ અને તારણો તે ધર્મ છે. આજ કાલ હિંદુ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, ઈસ્લામ વગેરે કે જેને ધર્મ કહેવામાં આવે છે તે ધર્મો છે જ નહીં તે તો જુદા જુદા દાર્શનિકોની સ્વતંત્ર વિચારસરણી કે દર્શનો છે કે જે સમૂહ પર થોપી દેવામાં આવ્યા છે.

      તમે આ વિષયની શરુઆત સજાતિય સંબંધો અને હિંદુ ધર્મથી કરી એટલે આ વિષયની સાથે ધર્મનીયે ચર્ચા વચ્ચે ઘુસાડવી પડી. પ્રહલાદભાઈએ ઘણો અભ્યાસપૂર્ણ લેખ લખ્યો છે અને આ બાબતે લોકોને ઉદાર બનવા માટેય અપીલ કરી છે.

      Liked by 1 person

      • અતુલભાઈ, મને આનંદ છે કે તમને જ્યાં વાંધાજનક જણાયું ત્યાં તમે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. માફી માંગું છું એ શબ્દો માટે. હું પણ કદાપિ ધર્મને વેવલાવેડા નથી ગણાવતો. મારો એ શબ્દપ્રયોગ અયોગ્ય હતો. મારો કહેવાનો મતલબ એમ હતો કે ધર્મના નામે વેવલાવેડા કરીને એ વિષયે વિચારવું જ નહિ અને નન્નો ભણી દેવો તે ખોટું છે. પ્રહલાદભાઈનો લેખ પણ વાંચ્ચ્યોઈ જ રહ્યો છું, શરૂઆત જ તેમણે એકદમ સચોટ કરી છે. બસ, આ જ ઉદારતાભરી વિચારસરણીની હાકલ છે….

       Liked by 1 person

  • જો પુરાણૉ ફક્ત ત્યારે જ સાચા માનવા જ્યારે તે વેદો સાથે સહમત થતા હોય તો પછી પુરાણૉની આવશ્યકતા જ શું કામ છે? ફક્ત વેદો જ અમલમાં રાખવા જોઈએ. હશે, દરેક સંપ્રદાય અને તત્વચિંતકની પોતાની વિચારસરણી હોય છે. સ્વામી વિવેકાનંદ મહાન તત્ત્વચિંતક છે તેમની વાતને મૂલવવા જેટલી ક્ષમતા મારામાં નથી.

   “દેવોનો કૃપાપ્રસાદ લેવાય, દેવને ભેટાય નહીં.” આ વાત દરેક દેવ માટે લાગુ ન પાડી શકીએ. ભક્તિમાર્ગમાં ભગવદ્ પ્રાપ્તિના પવ માર્ગ જણાવ્યા છે, જેને નવધાભક્તિ કહે છે. દાસ્ય ભાવની સાથે સાથે સાખ્ય ભાવ પણ છે, જેમાં ભગવાનને પોતાના સખાની, મિત્રની જેમ ભજી શકાય તેમ જણાવ્યું છે. મીરાંબાઈ આનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને તમે જે દેવ, અગ્નિદેવનું ઉદાહરણ આપ્યું તેમના માટે એ વાત સાચી પણ, વરૂણદેવ કે જળ દેવતા ને ભેટ્યા વગર કે એમને આપણા અંગે લપેટ્યા વગર આપણો દીવસ જ ન ઉગે. આપણા ધર્મમાં નિત્યસ્નાનને સ્થાન આપ્યું ત્યારે પણ જળ દેવ છે એનો વિચાર કર્યો જ હશે ને? ભેટવાની વાત તો જવા દો, આપણે તો દેવનો કોળીયો કરીને એને ઓહિયા કરી જઈએ છીએ, કેમ અન્ન દેવતા નથી?

   હું તો કહું છું કે “આપણાં દેશમાં બર્હ્મચર્યનું જ્ઞાન આપવાનું નાશપ્રાય થઈ ગયું” તે સારું જ થયું છે. કેમકે બ્રહ્મચર્ય કાંઈ દરેક આલીમવાલીના ગજાની વાત નથી. બ્રહ્મચર્ય પાળાનારા કંઈ કેટલાય સાધુ મહાત્માઓ પોતાની લંપટાલીલામાં સ્ત્રીઓને જ નહિ, બાળકો અને સમલિંગી વ્યક્તિઓને ફસાવતા હોવાના અને તેમનું દમન કરતા હોવાતા કિસ્સા રોજેરોજ આપણી સમક્ષ આવે છે.

   આયુર્વેદ જે પંચમોવેદ કહેવાય છે તેમાં ભૂખ, તરસ, ઉત્સર્ગ (મળ-મૂત્ર ત્યાગ), કામ આ બધાને કુદરતી આવેગો કહ્યા છે. અને એમાં આવેગોને રોકવા નહિ એમ પણ કહ્યું છે. સમજ્યાવિચાર્યા વગર ભૂખ્યા રહેવાથી કે મળ-મૂત્રને રોકી રાખવાથી શરીર તકલીફમાં મૂકાય છે. એવું જ કામનું છે, કામનું દમન કરવાથી પણ શરીરને તકલીફ થાય છે અને રોગો પણ થાય છે, જે મોટેભાગે માનસીક રોગો હોય છે. પણ હા, “અતિ સર્વત્ર વર્જ્યતે” અતિશય કામ પણા તકલીફ આપે. કોઈક રીતે એવું સાબીત થાય કે સજાતિય સંબંધો રાખનારા વિજાતિય વ્યક્તિઓ કરતા વધુ શારિરિક સંબંધ બાંધે છે તો આપણે વિચારવું જોઈએ.

   Liked by 1 person

   • “જો પુરાણૉ ફક્ત ત્યારે જ સાચા માનવા જ્યારે તે વેદો સાથે સહમત થતા હોય તો પછી પુરાણૉની આવશ્યકતા જ શું કામ છે? ફક્ત વેદો જ અમલમાં રાખવા જોઈએ.” – એવું જ થવું જોઈતું હતું પણ અગાઉ જણાવ્યું એમ, આજના આપણાં સમાજનો બહુ ઓછો વર્ગ વિચારશીલ છે; તેથી જ કાયદા, પાપ અને પુણ્યની વાતો વડે યોગ્ય માર્ગદર્શન આપવું પડે છે. જેથી પુરાણો લખાયા અને વિવિધ સ્મૃતિઓ લખાઈ અને કેટલીક વાર તેની સાથે ચેડાં કરી તેનો દુરુપયોગ પણ થયો. આપણે ત્યાં અલ્લોપનિષદ પણ છે, જેમાં અલ્લાહનો ભગવાન તરીકેનો ઉલ્લેખ છે. પરંતુ અલ્લોપનિષદ એ ખરેખર ઉપનિષદ છે જ નહિં, વાસ્તવમાં તે મુઘલોનાં સમયમાં ભારતીય અને મુઘલોની એકતા જાળવવાં માટે લખાયું હતું.

    વેદોનો સંદર્ભ લેવો જોઇએ એમ કહેવા બદલ મારો ભાવાર્થ એમ હતો કે, જો કાયદાએ કે સમાજે કોઇ પુસ્તકનો સંદર્ભ જ લેવો હોય તો વેદો નો લઈ શકાય. વેદોનો તો આમ ૯૯% ભાગ પ્રાપ્ય જ નથી કારણકે પુરાતન સમયમાં વેદોનું જ્ઞાન મૌખિક રીતે એક વ્યકતિ દ્વારા અન્યને વ્યકતિગત રીતે અપાતું હતું, જેથી જ વેદી, દ્વીવેદી, ત્રિવેદી અને ચતુર્વેદી જેવી અટકો હાલમાં પણ જોવા મળે છે.

    “બ્રહ્મચર્ય કાંઈ દરેક આલીમવાલીના ગજાની વાત નથી.” – શું આપણા સમાજ હાર માની લીધી છે કે બ્રહ્મચર્ય પાળી શકાય એવું જ નથી? હાર માની લીધી હોય તો આપણે સમાજને જાગૃત કરવો જોઇએ. બ્રહ્મચર્ય પાળવું અને એનો ડોળ કરવામાં આભ જમીનનું અંતર છે! આજે સાચા સંતો ક્યાં જોવા મળે છે?

    “આવેગોને રોકવા નહિ એમ પણ કહ્યું છે.” – આવેગોને રોકવા એજ ઈન્દ્રિયોનો સંયમ છે. જે ઈન્દ્રિયો પર વિજયી મેળવી શકે તે જ સાચો યોગી અને જેને આપણે ઈન્દ્ર કહ્યો છે. (મને ખબર નથી આ સારું છે કે ખરાબ પણ હું ભયંકર શરદીમાં પણ મારી ઊધરસને રોકી શકું છું. :))

    “કામનું દમન કરવાથી પણ શરીરને તકલીફ થાય છે અને રોગો પણ થાય છે, જે મોટેભાગે માનસીક રોગો હોય છે.” – માનસિક રોગ ત્યારે જ થાય કે જ્યારે તમારા મન પર તમારો સંયમ ના હોય અને મન પર સંયમ એજ યોગ શીખવે છે. પતંજલીનું આ વિષય પર ચિંતન વાંચવા જેવું છે. આપણે આપણી ઈચ્છા પર કાબુ નથી રાખી શકતા એ જ તો આપણાં સમાજની વિડંબણા છે. પાશ્ચાત્ય સમાજના ભૌતિક વાદ અને મૂડીવાદ તરફ જે આપણી આંધળી દોડ છે એજ સમાજનાં ઘણાં બધા દુ:ખોનું કારણ છે.

    Liked by 1 person

    • પ્રભુ, આપણે સામાન્ય માનવીઓના સમાજમાં રહીએ છીએ, યોગીઓના સમાજમાં નહિ. કદાચ વેદકાળમાં પણ આખો સમાજ યોગીઓનો બનેલો નહોતો. સંયમની વાત ક્યાં કરો છો? કેટલા લોકો સળંગ પાંચ ઉપવાસ કરી શકે છે એ જરા પૂછી જુઓને? ભૂખને નાથવી કદાચ સૌથી સહેલું છે, પણ તેને પણ નથી નાથી શકતા ત્યાં કામને નાથવાની વાત ક્યાં કરવી? વિશ્વામિત્રનું તપોભંગ પણ મેનકાએ જ કર્યું હતું, જે પણ કામનો જ એક પ્રકાર છે… અને હા, જ્યારે વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધર્યું ત્યારે મહાયોગી ભગવાન શંકરનો પણ વિર્યપાત થયો હતો, ત્યારે આજકાલ તો ફક્ત પામર મનુષ્યો રહ્યા છે, ક્યાં સૌ કોઈ વિશ્વામિત્ર કે મહાદેવ છે? જો હોત તો પણ આજની કામી દુનિયામાં તેઓ ન ટકી શક્યા હોત.

     Liked by 1 person

     • વાત તમારી સાચી છે પણ શું આપણે આ સત્ય તરફ જવાનો પ્રયાસ છોડી દેવો જોઇએ. પ્રયત્ન જ સફળતા આપે છે નહિ કે નિરાશા કે નકારાત્મકતા! જેમને આ રસ્તો ના ફાવે તે અન્ય રસ્તો પકડે છે પણ છેવટે પહોંચવાનું તો એક જ સ્થળે છે. 🙂

      મને માફ કરજો પણ મારાથી મુખ્ય વિષયથી વાત બીજી તરફ ફંટાઈ ગઈ, હું પણ મારા વિચારો પર કાબુ ના રાખી શક્યો. મારે અને સમાજના દરેક વ્યકતિએ આ સંયમ જ શીખવાનો છે. મારી પ્રભુને એવી જ ઈચ્છા કે મને અને સૌને સંયમ અને વિચારશીલ જીવન આપે.

      Liked by 1 person

      • ભાઈ મારા, સજાતીય સબંધો એ અસત્ય તરફનો રસ્તો અને વિજાતીય સબંધો એ સત્યનો માર્ગ? તમે આગળ કહ્યા પ્રમાણે તો સૌએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એનો અર્થ તો એમ જ થાય કે બ્રહ્મચર્ય જ સત્ય તરફ લઇ જાય, અને કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધ અસત્ય તરફ જ લઇ જાય, ભલે તે સજાતીય હોય કે વિજાતીય. શું આપણે ૪-૫ પેઢી પછી પૃથ્વી પરથી માનવજાતનો છેદ ઉડી જાય એવા સમાજનું સ્વપ્ન જોઈએ છીએ? ચોક્કસ પણે એટલું તો કહી જ શકું કે વેદો લખનારા પણ એટલા તો અજ્ઞાની નહોતા જ કે તેઓ એવી શિક્ષા આપે કે સમાજમાં સહુએ બ્રહ્મચર્ય પાળવું.

       જેમ તમે કહો છો કે પરિણીત વિજાતીય યુગલે પણ સંતતિનિર્માણ સીવાય જાતીય સમાગમ ના કરવો અને તેમ કરવાને સંયમી જીવના કહેવાય, તો, જો કોઈ સજાતીય યુગલ પણ એટલાજ પ્રમાણમાં જાતીય સુખ માણે તો તેને પણ આપણે સંયમી ગણવું જ જોઈએ ને? અને તેવા સમાગમની માત્રા કેટલી હોવી જોઈએ તે કોણ નક્કી કરશે? કે પછી કોઈ સ્વીકાર્ય એવા ધર્મગ્રંથમાં એ માત્રા પણ જણાવી જ છે? જ્યારે આ “સંતતિનિર્માણ માટે જ સેક્સ” એવી વાત નીકળી છે ત્યારે એક પ્રશ્ન પૂછવાનું રોકી શકતો નથી, આજના અને વેદકાળના સમાજમાં કેટલાય યુગલો એવા છે અને હતા કે જેમને લગ્નના શરૂઆતનાં ૨-૩ વર્ષમાં જ ખ્યાલ આવી જતો કે કોઈક શારીરિક ક્ષતિને કારણે તેમને ક્યારેય સંતાન પ્રાપ્તિ નહિ થઇ શકે. તો શું આવા યુગલોએ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું રહે અને રહેતું?

       અને ભાઈ, ચર્ચા કરીએ તો આડે પાટે તો જવાય એની ચિંતા ના કરાવી કે માફી માગવાની પણ જરુર નથી. ચર્ચાથી જ જ્ઞાન વધે એવું હું માનું છું, એટલે ની:સંકોચ ચર્ચા ચાલુ રાખો….

       Liked by 1 person

     • ધવલભાઈ, શ્રી નિર્મલભાઈ પાઠકે વેદો અને પુરાણો વિશે સ્વામી વિવેકાનંદનું મંતવ્ય ટાંક્યું છે, પરંતુ મને એ સંદર્ભ બહારનું લાગે છે. મૂળ કથનને સજાતીય સંબંધો સાથે કંઈ લેવા દેવા નથી, એ આ પ્રમાણે છેઃ
      …(T)he Smritis, Puranas, Tantras — all these are acceptable only so far as they agree with the Vedas; and wherever they are contradictory, they are to be rejected as unreliable. But nowadays we have put the Puranas on even a higher pedestal than the Vedas!…I have no faith in the theories advanced by Western savants with regard to the Vedas. They are today fixing the antiquity of the Vedas at a certain period, and again tomorrow upsetting it and bringing it one thousand years forward, and so on. However, about the Puranas, I have told you that they are authoritative only in so far as they agree with the Vedas, otherwise not. In the Puranas we find many things which do not agree with the Vedas. (http://en.wikisource.org/wiki/The_Complete_Works_of_Swami_Vivekananda/Volume_3/Lectures_from_Colombo_to_Almora/The_Religion_we_are_born_in)

      શ્રી નિર્મલભાઈએ વિવેકાનંદને ટાંક્યા તેથી એમ તો સાબિત નથી થતું કે વેદોમાં સજાતીય સંબંધો વિશે કંઈક લખાયું છે. ઉપર આપેલા લેખમાં પણ વિવેકાનંદ સજાતીય સંબંધોની તો ચર્ચા જ નથી કરતા. લેખનો સાર એ છે કે વેદો પર સૌનો એકસરખો અધિકાર છે, બ્રાહ્મણ કે શૂદ્ર – બધા વેદના જ્ઞાન માટે અધિકારી છે. આનો સંદર્ભ જ જુદો છે.

      એ જે હોય તે, પરંતુ સજાતીય સંબંધોના સંદર્ભમાં અહીં એક લિંક આપું છું, એના દ્વારા ત્રણ લેખ ગીતા અને સજાતીય લગ્નો વિશે વાંચવા મળશે. http://yogablog.hari-kirtana.com/2012/09/10/gay-marriage-in-the-bhagavad-gita/

      એમ ન ધારી લેશો કે હું આ અર્થઘટન સ્વીકારું છું, પરંતુ ધર્મશાસ્ત્રોનાં ઘણાં અર્થઘટનો થઈ શકે છે, એટલું જ દેખાડવા આ લિંક આપી છે. એટલે ધર્મ કે સંસ્કૃતિને નામે સજાતીય સંબંધોનો વિરોધ કરવાનું મને યોગ્ય નથી લાગતું. વળી, તમે નળના પાણીનો દાખલો આપ્યો છે તેમ સમય સાથે મૂલ્યો પણ બદલાતાં જાય છે. સજાતીય સંબંધોને અનૈતિક માનવા હોય તો માનો, અકુદરતી માનવા હોય તો માનો, પરંતુ એને ગેરકાયદે કેમ મનાય? એમાં કાયદાને શી લેવાદેવા? આવા સંબંધ રાખનારા બધા સમાજોમાં છે અને હંમેશાં લઘુમતીમાં રહેવાના છે. કંઈ સજાતીય સંબંધોની છૂટ મળે તો બધા જ એના તરફ આકર્ષાઈ જશે એમ માનવાને કારણ નથી..

      હસ્તમૈથુન પણ અપરાધ છે? એને તમે પાપ માનો તો પણ, સજા પાપ માટે નહીં, ગુના માટે થાય. હવે તો સજાતીય સંબંધો કે વેશ્યા સાથેના સંબંધોને કારણે કોઈને એઇડ્ઝ થશે તો પહેલાં તો એને સજા કરાશે, ઇલાજ તો પાછળ જ રહી જશે!

      Liked by 1 person

      • આ લિંક બદલ આભાર દીપકભાઈ, નિર્મળભાઈ સ્વામી વીવેકાનંદનું કથન ટાંકીને મારા તર્કનો આધાર બેબુનિયાદ ઠરાવે છે, કેમકે મેં પુરાણનો આધાર લીધો છે માટે તેઓ કહે છે કે સ્વામી વિવેકાનંદ પુરાણોની વાતો સ્વીકારતા નથી, જો તે વેદો સાથે મેળ ખાતી ના હોય તો. મેં જે નારાકોની વાત કરી તે વિષે વેદમાં શું કહ્યું છે તેના પર જો તેમને પ્રકાશ પાડ્યો હોત કે કદાચ આ નારકો કોને પ્રાપ્ત થાય એની જે વાત પુરાણમાં કરી છે તે લોકો વિશે વેદમાં કશું લખ્યું હોય તેનો ઉલ્લેખ જો તેઓ કરે તો આપણને વધુ જાણવા મળે. જો કે હું તેમની ધર્મ અને વેદોમાં વર્ણવેલી આત્મસંયમ અને ઇન્દ્રીયદમનની વાત સાથે સહમત નથી, પણ તેઓ જે સ્વચ્છ સમાજ નું ચિત્ર જોઈ રહ્યા છે, જેમાં બધા જ યોગીઓ હોય, તેવા સમાજના નિર્માણની આશા હું પણ રાખું અને માટે તેમના તે સ્વપ્નમાં સહભાગી થાઉં છું.

       તમે એકદમ જ સાચુ કહ્યું કે જો સજાતીય સંબંધને લીધે કોઈને એઇડ્સ થશે તો તેનો ઈલાજ થાય એ પહેલા તેને સજા કરવામાં આવશે. ખરેખર જ અંધેરી નાગરીમે ગંડુશા રાજા જેવી હાલત છે….

       Liked by 1 person

     • દિપક ભાઈ, તમારી વાત સાચી છે કે સજાતીય સંબંધ ગેરકાયદે ન ગણાવો જોઈએ તેથી જ મેં અગાઉ જણાવ્યું હતું કે, આપણે સમાજને આગળ ધપાવવો હોય તો સજાતીય સંબંધોનું જે વાસ્તવિક સત્ય છે તેની સુધારી આત્મીય સંબંધના ઉચ્ચ સત્ય તરફ વેગ આપવો જોઈએ. અર્થાત જેમ નશાખોરોને સુધારવા જેમ પુનુરુત્થાન કેન્દ્રો હોય છે તેજ રીતે સજાતીય લોકો માટે પણ કોઇક પ્રકારની સંસ્થા કે પુનુરુત્થાન કેન્દ્ર થવા જોઈએ. છેવટે કોઈ માણસ સજાતીય કે વિજાતીય થઈને તો નથી જન્મતો, આ બધું માનસિક હોય છે!

      જેમ ગાંડા થવું એ માનસિક રોગ છે પણ તે ગેરકાયદેસર નથી એજ રીતે સજાતીય સંબંધો પણ એક માનસિક વિકૃતિ છે જે ને ગેરકાયદે ના ઠેરવીએ તો એને સુધારી તો શકીએ. આ સંબંધો ને અકુદરતી એટલાં માટે મનાતા હશે કે આ સંબંધોથી સમાજને કશું સકારાત્મક નથી મળતું જ્યારે વિજાતીય સંબંધોથી સમાજને આગળ ધપાવનારા સંતાનો પ્રાપ્ત થાય છે જે મનુષ્ય અને પ્રાણીઓમાં કુદરતી પ્રક્રિયા છે.

      સજાતીય સંબંધોનો પાયો જ શારીરીક ભોગ પર રચાયેલો હોય છે જેનાંથી આ સંબંધમા આત્મા બહુ ઓછી જોવાં મળે છે. આપણે વેદો, પુરાણો કે અન્ય કોઈ સાહિત્યને ભૂલી જઈને તાર્કિક દ્ર્ષ્ટિએ વિચારીએ તો પણ સજાતીય સંબંધો એક માનસિક વિકૄતિ છે જેને સુધારી શકાય છે, એમ મારું માનવું છે.

      હવે, આ પરિસ્થિતિને ડામવા આપણેને કાયદો બનાવવાની કેમ જરૂર છે એ વિષે વિચારીએ. આપણો દેશ વિવિધતાનો દેશ છે એટલે કુરાન કે ગીતા આધારિત નિયમો ઘડવા મુશ્કેલ છે. તો હવે શું માનવું અને નહિ માનવું જેથી સમાજ અધોગતિ તરફ ના ધકેલાય એનો નિર્ણય કોણ કરશે? ન્યાયાલય અથવા તો સરકાર! ન્યાયાલયે એની ગેરકાયદે ઠેરવી અને મંતવ્ય આપ્યું કે આને કાયદેસર કરવી હોય તો સરકાર કરી શકે છે. (આમ પણ આજના સમયમાં હિંદુ સંસ્કૃતિને વખોડવી એ ફેશનમાં છે.)

      સજાતીય સંબંધો કાયદેસર થાય તો વિજાતીય સંબંધો વાળા લઘુમતીમાં આવી જશે એવું જરાકેય નહિ થાય અને એ અશક્ય લાગતી વાત છે. પણ જો તે કાયદેસર થશે તો સમાજમાં આવનારી પેઢીને એક એવો સંદેશો જઈ શકે છે કે જાતીય સંબંધો એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે અને તે કોઈ પણ ભોગે મળવો જ જોઇએ. સમાજના અવિચારી તત્વો જે ખાલી ભોગવાદી છે, તેમને એક છુટો દોર મળી શકે તેમની વાસના સંતોષવાનો.

      હાલમાં હું અમેરિકામાં સ્થિત છું અને સજાતીય જોડાને સાથે રેહતા જોઉં છું. તેમણે દત્તક લીધેલ બાળકો કે અન્ય સંબંધોથી જન્મેલ બાળકોને એ પ્રશ્ન સતાવતો હોય છે કે મા કોણ અને બાપ કોણ? આવા બાળકોને નથી માનું મમત્વ કે બાપનું જ્ઞાન સારી રીતે મળતું. સંસ્કારની વાત તો ભૂલી જ જવી જોઈએ કારણ કે એતો હવે ભારતનાં આજની પેઢીના મોટા ભાગનાં મા-બાપ પણ નથી આપી શકતા એમનાં પોતાના સંતાનોને. “બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા!”

      Liked by 1 person

      • નિર્મળભાઈ, સજાતીયતા એ માનસિક વિકૃતિ છે એવું તમે કયા આધારે કહો છો? કામ એ આવેગ છે, જેમ દરેક વ્યક્તિનો જઠરાગ્નિ એક સરખો નથી હોતો તેમ જ તેનો કામાગ્નિ પણ એક સરખો નથિ હોતો, અને આ વાત હું નહિ, આયુર્વેદ અને એલોપથી બન્ને કહે છે. હવે કોઈ પુરુષ કે સ્ત્રીને વિજાતીય પાત્ર સાથે પણ કામનો અતિરેક થતો હોય તો તેને વિકૃતિ કહીશુ? કદાપી નહિ. કોઈ વ્યક્તિનો ખોરાક મારા કરતા વધુ હોય તો શું તે વિકૃત છે? હા, વધુ ખાય પણ પચાવી ન શકે અને શરીર પર ચરબીના થર જામે તો તેને બીમારી જરૂર કહી શકાય પણ વિકૃતિતો નહી જ. મારી કમર ૩૭ની છે અને હું ૭ રોટલી ખાઉં તો મારું પેટ ભરાઈ જાય છે. મારા ઘણા મિત્રો છે જેમની કમર ૨૮ કે ૩૦ની છે, પણ એ લોકો મારી રોટલી કરતા બમણી જાડીને મોટી એક એવી ૧૦ રોટલી આરામથી ખાઈ જાય છે, શું તમે એને વિકૃતિ કહેશો? જો જવાબ ના હોય, તો કોઈ કેટલું સેક્સ કરે છે એનો કોઈપણ માપદંડ કેવી રીતે હોઈ શકે અને વધારે કે ઓછું કરનારાને વિકૃત કેવી રીતે કહી શકાય?

       દુનિયાના અનેક મનો ચિકિત્સકોએ સાબિત કરી બતાવ્યું છે કે સજાતીય વ્યક્તિઓમાં વિજાતીય વ્યક્તિની સરખામણીએ લાગણીઓ વધુ હોય છે. અને સજાતીય સંબંધો ફક્ત શારીરીક ભોગ માટે જ હોય છે એવું કોણે કહ્યું? મને તો ઉલટું એમ લાગે છે કે વિજાતીય સંબંધો શારીરીક ભોગ માટે વધુ હોય છે, જેમાં જો કોઈ સ્ત્રી પુરુષને સંતોષ ન આપી શકતી હોય તો છૂટાછેડા થાય છે, કે તે પુરુષ લગ્નેતર સંબંધો રાખતો થાય છે, તો કહો જોઉં કે કયા સંબંધો શારીરીક ભોગના પાયા પર રચાયેલા કહેવાય?

       તમે કહો છો કે જો સજાતીય સંબંધોને માન્યતા આપવામાં આવશે તો (જ) આવનારી પેઢીને એમ થઈ જશે કે જાતીય સંબંધો એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે, શું એ માનસિકતા આજે પણ આપણા સમાજમાં નથી? તમે કેટલા લોકોને એવા જોયા જે શારીરીક રીતે નોર્મલ હોય પણ તેમને જાતિય સંબંધ બાંધવો જ ન હોય? સજાતીય હોય કે વિજાતીય હોય, તે બંને શબ્દોમાં “જાતીય” તો આવી જ જાય છે, એટલે તમારી એ માન્યતા અને તર્ક તદ્દન ખોટા છે એવું મને લાગે છે.

       Liked by 1 person

 5. http://en.wikipedia.org/wiki/Section_377_of_the_Indian_Penal_Code

  377. Unnatural offences: Whoever voluntarily has carnal intercourse against the order of nature with any man, woman or animal, shall be punished with imprisonment for life, or with imprisonment of either description for term which may extend to ten years, and shall also be liable to fine.

  Explanation: Penetration is sufficient to constitute the carnal intercourse necessary to the offense described in this section.

  આ કાયદામાં તો પ્રાણીઓને ય સજા ફરમાવવામાં આવી છે. જેઓ આ કાયદો શું છે તે જાણતા નથી તેમ જ જાણી શકે તેમ પણ નથી.

  Liked by 1 person

 6. જો કે મારી સમજવામાં ભૂલ થઈ છે. પુરુષ, સ્ત્રી કે પ્રાણીઓ સાથે સૃ્ષ્ટી વિરુદ્ધનું કર્મ કરનારને સજા ફરમાવવામાં આવેલ છે.

  Liked by 1 person

 7. shirish dave says:

  વ્યક્તિએ કે વ્યક્તિઓએ કે સમાજે શું કરવું જોઇએ તે માટે આપણા પૂર્વજોનો કે બીજાના પૂર્વજોનો કે ધર્મગ્રંથોનો આધાર માત્ર લઈ યોગ્યતા અયોગ્યતા તારવવાની જરુર નથી. વેદોમાં કે ભાગવતમાં કે બીજા પુસ્તકોમાં કંઈ પણ લખ્યું હોય તેને અંધશ્રદ્ધાથી માનવાની જરુર નથી.

  સમાજ એ એક જીવંત એન્ટીટી છે અને તે સમાજ જે તે સમયે પોતાની તંદુરસ્તીને અનુરુપ જે નિર્ણય યોગ્ય લાગે છે તે નિર્લેણય છે. તે સાચો પણ હોય અને ખોટો પણ હોય.

  પાંચ પાંડવો, પાંડુના અનૌરસ પુત્રો હતા. તે સમયે તેમની, જે તે રીતે કરાતી ઉત્પાદન ક્રિયા, સ્વિકૃત ગણવામાં આવી હશે.

  કેટલાક જન્મથી કે તત્પશ્ચાત પ્રજોત્પત્તિમાટે સક્ષમ હોતા નથી. પુરુષ અને સ્ત્રી નો મનોભાવ અને ખાસ કરીને વિજાતીય વ્યક્તિ પ્રત્યેનો મનોભાવ તેના શરીરમાં રહેલા પુરુષ અને સ્ત્રી હોર્મોન્સ ના આધારે હોય છે. ઘણી વ્યક્તિઓ જેઓ હોર્મોન્સને કારણે સંતાન ઉત્પત્તિ માટે અક્ષમ હોય તો તેમને હોર્મોન્સની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

  વ્યક્તિની આ સ્થિતિને રોગ ગણીએ કે ન ગણીએ તે એક મનને ગમતો ન ગમતો શબ્દ પ્રયોગ છે. પણ ટ્રીટમેન્ટ તો શબ્દ પ્રયોગ થી અલિપ્ત રહે છે. જો એક પુરુષ, પુરુષ ગામી બને અને એક સ્ત્રી, સ્ત્રી ગામી બને તો તેમાં હોર્મોન્સ જવાબદાર હોય છે કે નહીં તેની ચિકિત્સા વિશેષજ્ઞ લોકોએ ચર્ચા કરવી જોઇએ. કારણ કે માણસની મનોવૃત્તિ તેની અંદર રહેલા રસાયણો ઉપર આધાર રાખે છે અને આ રસાયણો વધારી, ઘટાડી શકાય છે. જેમ શરીરના રોગનો ઉપચાર થઈ શકે છે તેમ માનસિક રોગોનો પણ ઉપચાર થઈ શકે છે. કોઈ રોગની દવા જ નથી કે આ રોગની દવા નથી એવું પ્રયોગો કર્યા વગર સ્વિકારી ન શકાય.

  દરેક વ્યક્તિનો પોતાના શરીર ઉપર અધિકાર છે. બે સજાતીય વ્યક્તિઓ એક સાથે રહે તો તેના ઉપર કોઈ પ્રતિબંધ નથી. એવું જરુરી નથી કે બે સજાતીય વ્યક્તિઓ એક સાથે રહે તો તેઓ સજાતીય સંબંધ રાખે ને રાખે જ અને ન રાખે તો પણ તેમણે સજાતીય સંબંધ રાખ્યો એમ જ ગણાય.

  (જો બે વિજાતીય અને સગપણ ન ધરાવતી વ્યક્તિઓ એક સાથે એકલી રહે તો તેમણે શારીરિક સંબંધ રાખ્યો એમ ગણાય છે). સજાતીય કે વિજાતીય શારીરિક સંબંધો જાહેરમાં બંધી શકાતા નથી.

  હવે જો સજાતીય અને સગપણ વગરની બે વ્યક્તિઓ એક સાથે રહેતી હોય અને તેઓ પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધે તો જાહેરમાં તો ન જ બાંધે. અને ખાનગીમાં શારીરિક સંબંધ બાંધે તો બીજાને ખબર કેવી રીતે ખબર પડે? એટલે કે સજાતીય સંબંધને ગૂનો ગણવો કે ન ગણવો એ વાત જ અસ્થાને છે.

  હવે વાત રહી સજાતીય લગ્નની.

  લગ્ન ક્યારે એક પરિબળ બને છે?
  આપ કમાઈનો વારસો આપોઆપ કોને અપાય છે? સંતાનોને અપાય છે.

  સંતાનો ન હોય તો કોને અપાય છે? લોહીસંબંધીઓને અપાય છે.

  અગર જો કોઇને પોતાનો વારસો નજીકના સંબંધીઓને ન આપવો હોય તો? તો તે વ્યક્તિ વીલ બનાવી શકે છે.
  તે વ્યક્તિ પોતાના વીલ મારફત કોઈને પણ પોતાનો વારસો કે તે તેનો હિસ્સો આપી શકે છે.

  તો પછી સમસ્યા શું છે કે જે થી સજાતીય સંબંધોને માન્યતા આપવા માટે ખરડો લાવવો પડે?

  પરદાદાની સંપત્તિ ની વહેંચણી માટે?

  કોઈ પણ વ્યક્તિ પોતાને વારસામાં મળતો હિસ્સો બીજાને આપી શકે છે. જો તેને અગાઉની વિજાતીય વ્યક્તિ દ્વારા થયેલા સંતાનો હોય અને પછી સજાતીય પતિ કે પત્ની મળે તો પણ બાપ કમાઈના વારસામાં સંતાનોનો હક્ક તો રહે છે જ.

  તો પછી સમસ્યા રહી “જીવન સાથીની રુએ” મળતા વિસાની? એ જ કે બીજું?

  નવો કાયદો લાવવાની કે રાષ્ટ્રપતિનો વટ હુકમ લાવવાની જરુરત કે શિઘ્રતા કેવી રીતે ઉત્પન્ન થઈ? શું કોઈ લાગતા વળગતાને બચાવવાનો છે જેની સીડી, સ્ટીંગ ઓપરેશન દ્વારા તૈયાર છે? કે કોઈ નહેરુવીયન કોંગ્રેસનો નેતા આદતથી મજબુર છે અને તે આવા સ્ટીંગ ઓપરેશન ના કાલ્પનિક ભયથી અસ્વસ્થ છે?

  Liked by 1 person

  • આભાર શિરીષભાઈ વૈજ્ઞાનીક અભિગમથી જણાવવા બદલ. બે વાત કહીશ, પહેલી તો એ કે આપણે એવું માનવાની પણ જરૂર નથી કે સજાતિયતાનો ઈલાજ જરૂરી છે, શક્ય છે કે નહિ તે દિશામાં પણ શું કામ વિચારવું? જે છે તે બધુ નોર્મલ જ છે તેમ જ માનીને ચાલીએ તો?

   અને બીજું એ કે સા સજાતિય લોકો અત્યાર સુધી તો બંધબારણે છાના-છપના એમને જે કરવું હોય તે કરતા જ આવ્યા છે, પણ હવે પ્રશ્ન ઉઠે છે સમાજમાં અને કાયદામાં સ્વીકૃતિનો. ૨૫-૫૦ વરસ પહેલા માનવઅધિકાર એટલે શું તે કોઈ જાણતું નહોતું પણ આજે દુનિયામાં નૈતિકતાના મુલ્યો માટે એની જ દુહાઈ દેવાય છે. આ લોકો પણ એ જ માનવઅધિકાર માંગે છે, કે અમારે કશું પણ છુપાવવું શું કામ પડે?

   Liked by 1 person

 8. શ્રી નિર્મલભાઇ,

  શ્રી શિરીષભાઇએ વૈજ્ઞાનિક કારણો આપ્યાં છે. જ્ઞાનનો વિસ્તાર થતો હોય છે એટલે એમ ન કહી શકાય કે પહેલાં બધું જ્ઞાન ઉપસ્થિત હતું અને હવે નથી. સજાતીય સાથીની પસમ્દગી માટે હૉર્મોન્સ જવાબદાર હોય છે. એ માનસિક વિકૃતિ પણ નથી.

  વળી ઋગ્વેદ વાંચતાં જ સમજાઈ જાય છે કે એ વખતના આર્યો જીવનને ઉત્સાહથી જીવતા હતા. પ્રકૃતિના સૌંદર્યના પ્રશમ્સક હતા. ઊછળતી નદીઓનો મહિમા ગાતા હતા, સોમરસ (દારુ નથી) પીને આનંદિત થતા હતા. દેવો પાસેથી એ અન્ન, ધન, ગાયોનાં આંચળ દૂધથે ભરી દેવાની પ્રાર્થના કરતા હતા.

  હું તમને ખાતરી આપવા માગું છું કે બ્રહ્મચર્ય કે મોક્ષ જેવા વિચારો ઋગ્વેદના સમયમાં નહોતા.અથવા પછીના વિદ્વાનોએ એમનો પોતાની રીતે વિકાસ કર્યો. પરંતુ વેદોમાં બધી જાતના વિચારોનાં બીજ હતાં આગળ ઉપર ઉપનિષદો વિકસ્યાં, અને તે પછી પણ ઘણા પંથો વિકસ્યા. સંયમ, નિગ્રહ વગેરેને વૈદિક ધર્મ કરતાં જૈન ધર્મમાં વધારે પ્રાધાન્ય મળ્યું છે. એટલે આપણે આજે જેને ધર્મ કહીએ છીએ એવો જ પહેલાં પણ હતો એમ ન કહી શકાય.

  નવા વિચારોનો સ્વીકાર કરવો જોઇએ અને જ્ઞાનના વિકાસનો લાભ લેવો જોઇએ. આ કારવામાં આપણા વિચારોમાં ફેરફાર કરવા પડે તો તે પણ કરવા જોઇએ, કારણ કે આપણે મુખ્ય નથી, સત્ય મુખ્ય છે.

  Liked by 1 person

 9. shirish dave says:

  સજાતીય સંબંધ રોગ છે કે નહીં? માનસિક રોગ છે કે શારીરિક રોગ છે? ઈલાજ કરવા યોગ્ય છે કે નહીં? ઈલાજ ન કરાવવો એ ક્ષમ્ય છે કે નહીં? આ બધી વાત જવા દો. સંમતિથી થતા સજાતીય કે વિજાતીય સંબંધો જ્યારે જાહેરમાં થતા જ નથી અને થઈ શકતા નથી, અને ખાનગીમાં થતા હોય તો કોઈ કશું કરી શકતું નથી કારણ કે જાણી શકાતું નથી. કાયદેસર રોકી શકાતું નથી. આમાં રાષ્ટ્રપતિના વટહૂકમની ક્યાં જરુરત છે એજ સમજી શકાતું નથી. આને સળગતો પ્રશ્ન કેવી રીતે ગણી શકાય? શું કોઈ લાગતા વળગતાને બચાવવાનો છે જેની સીડી, સ્ટીંગ ઓપરેશન દ્વારા તૈયાર છે? કે કોઈ નહેરુવીયન કોંગ્રેસનો નેતા આદતથી મજબુર છે અને તે આવા સ્ટીંગ ઓપરેશન ના કાલ્પનિક ભયથી અસ્વસ્થ છે?

  Liked by 1 person

 10. MG says:

  જે રીતે સ્ત્રી-પુરુષનાં સંબધ માટે સમાજીક નિયમો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે તે રીતે આમાં જરૂર ખરી કે નહી ? રામાયણ, મહાભારતમાં આ સંબધોને માન્યતા આપતો કોઇ પ્રસંગ છે કે નહીં ? ગીતામાં કોઇ ગાઈડ લાઇન ખરી? મહાભારત વિષે તો એમ કહેવાય છે કે જે ઘટના કે પ્રસંગ એમાં નથી અન્યત્ર કશે નથી!..મ્હારા માનવા મુજબ દ્વારિકામાં યાદવો આવા કુછંદે ચઢીને ક્રોસ ડ્રેસીંગ કરીને ઋષિઓને દુભવ્યા હતાં અને બરબાદ થઈને નેસ્ત નાબૂદ થઈ ગયાં હતાં. ઐતિહાસીક રીતે જોઇએ તો રોમ, ગ્રીસ વગેરે સમુદ્ધ સામ્રાજ્યો પણ આવાં કારણે જ નાશ પામ્યા છે. આવાં સમ્બ્ધોમાં વફાદારી હોવાની સંભાવના ઘણી ઓછી છે, એટલે એઈડ્સ ની સંભાવના 100% છે. એવું પણ જોવામાં આવે છે કે આવી વ્યકતિ નોર્મલ વ્યક્તિને પણ આકર્ષવા પ્રયત્ન કરે છે. એટલે આ વ્યવહાર ચેપી રોગની જેમ ફેલાઇ શકે છે. એનાં બદલે સ્ત્રી પુરૂષનાં મુક્ત સાહચર્યને સંમતિ આપવી જોઇએ, પછી ભલે તેઓ પરીણિત પણ હોય. તિબેટમાં પરિવારમાં જેમ એકબીજા સાથે સહિયારી ચા પિવાય એ રીતે આવા સંબધો પણ માન્ય છે. તે આપણે પણ સ્વીકારીએ તો? જેથી સંપત્તિના ઝગડા, બેવફાઇ વગેરે નિવારી શકાય અને બિમારી ફેલાવાની શકયતા ઓછી થઈ જાય. વળી સગ્ગા ભાઇ-બહેન સંબધ રાખે અને કોઇ થર્ડ પાર્ટીને નુકશાન ન થતુ હોય તો એ પણ માન્ય ન રાખવા જોઇએ? ઘણી વખત એવુ બને છે અને બહેન પરણી જાય એટલે ઘી ના ઠામમાં ઘી પડી રહેતું હોય છે. આવાં મામલામાં બહેન જો ત્યકતા બને કે છૂટાછેડા થાય તો બહેન લાચાર નથી થતી કેમકે ભાઇ સાથે અંતરંગ સંબધ હોવાથી સ્વીકારવા તૈયાર જ હોય છે. માટે ટુંકમાં આવા બધા જ પ્રકારનાં સંબધો(શાં માટે ફક્ત સમલૈગિંક?) માટે વેવલાવેડા છોડીને નવા યુગમાં વધું વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારવું જોઇએ. સ્ત્રી વેશ્યા બને એનાં કરતા એના મનગમતા એક વ્થવાવધુ પુરૂષ સાથે રહેવાનો,પરણવાનો હક આપવો જોઇએ. મહાભારતમાં અપહરણ કરીને મનગમતી સ્ત્રીને પરણી શકાય છે તો આજના યુગમાં પણ માન્યતા આપવી જોઇએ. જેથી જે બળીયા હોય તે મનગમતી સ્ત્રી મેળવી શકે અને જે નબળા નર હોય તેઓ અંદરોઅંદર સંબધ બનાવી લે તો ચાલે કે નહીં?

  Liked by 1 person

  • મુરબ્બી શ્રી, આપે રજૂ કરેલા વિચારો ખરેખર અત્યંત ઉમદા છે. જો સમાજમાં એ બધા વિષયો પર ચર્ચા થાય અને એમાંનું અમુક કાયદેસર થઈ જાય તો સમાજ ઘણો સુધરી જાય. એકાદ બે જગ્યાએ જ્યાં મને કશું કહેવા જેવું લાગે છે તે રજૂ કરું છું, તમે કહો છો કે વેશ્યાને એક-બે કે વધુ પુરુષો સાથે પરણવાનો અધિકાર મળે તો… ભાઈ, આવો અધિકાર કાયદાની દૃષ્ટિએ તો વેશ્યાને છે જ. વેશ્યા હોય કે અન્ય કોઈ નારી હોય, તેને પરણવા પર કોઈ જ પ્રતિબંધ નથી કે નથી તેને કોઈ સજા થતી. હા, પ્રસ્તુત કાયદો એક કરતા વધુ વ્યક્તિ સાથે લગ્નની પરવાનગી નથી આપતો. કદાચ ભાઈ-બહેનના લગ્ન સંબંધે પણ કાયદો કશું જ નહિ કહેતો હોય (મને જાણકારી નથી એટલે ચોક્કસપણે ન કહી શકું) પણ સમાજ એવા સંબંધોને સ્વીકારતો નથી. આમ તમે કહ્યા તેમાંના મોટાભાગના મુદ્દાઓને કાયદાએ સ્વીકૃતિ આપી છે સમાજે નથી આપી. જ્યારે મેં જે મુદ્દો રજૂ કર્યો છે તે ઉલટું ઉદાહરણ છે. જેમાં સમાજ આવા સંબંધોને મંજૂરી આપે છે, કાયદો નથી આપતો.

   ગીતાએ વિષયે નહિ પણ અન્ય કોઈ વિષયે પણ કોઈપણ ગાઈડલાઈન આપી નથી. ગીતા ફક્ત કર્તવ્યપરાયણતા શીખવે છે. સમાજમાં બનતી દરેક ઘટનાઓ માટે ફક્ત ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકમાંથી જ બધું નીકળે આવે તેવી અપેક્ષા રાખવી તે અતિશયોક્તિ છે. રહ્યો સવાલ તમે વર્ણવેલા યાદવોના પ્રસંગનો, તો જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તે બનાવ ક્રોસડ્રેસીંગને કારણે નહિ પણ કોઈ ઋષીની હાંસી ઉડાવવાને કારણે બનેલો જેમાં એક યાદવબાળ સગર્ભા હોવાનો ભાસ ઉભો કરે તેવા પ્રકારના વસ્ત્રો/મેક-અપ કરીને ગયો એની સાથે બીજા બાળકો પુરુષ વેષે જ ગયા અને કોઈ ઋષીને તેના ગર્ભનું બાળક નર કે માદા હશે તેમ પૂછ્યું હતું. ઋષીને આ બાબતની જાણ થતા બધો બખેડો ઊભો થયો હતો નહિ કે ક્રોસડ્રેસીંગને કારણે. જો કે મારું એ ઘટના વિષેનું જ્ઞાન સીમિત છે એટલે હું ખોટો પણ હોઈ શકું. ગીતામાં જે કહ્યું છે તેનું શું અર્થઘટન કરી શકાય તેનો દાખલો દીપકભાઈએ ઉપરની તેમની એક કોમેન્ટમાં લિંક દ્વારા આપ્યો જ છે, જે આપ પણ જોઈ જશો.

   અને તમે રામાયણ અને મહાભારતમાં આવા સબંધોને માન્યતા આપતા પ્રસંગોની વાત કરો છે માટે જ મેં અહિં નરકોના વર્ણનની વાત કરી છે. તાર્કીક રીતે વિચારી જૂઓ કે જે સમાજમાં પશું સાથે જાતિય સમાગમ કરવા બદલ કે રજસ્વલા સ્ત્રી સાથે વિજાતીય સંબંધો બાંધવા બદલ પાપની જોગવાઈ હોય, શું તે સમાજે સજાતીય સંબંધો વિષે વિચાર્યું જ નહી હોય? એ કાળે લોકો પશુ સાથે સમાગમ કરવા જતા હશે પણ પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચે સંબંધો નહી હોય એમ તમને લાગે છે? અશક્ય વાત છે. મંદિરો પરની કોતરણીમાં પણ સજાતીય યુગલોની કામક્રીડાના શીલ્પો છે, તે શું સુચવે છે? મહાભારતમાં એવી ઘણી વસ્તુઓ નથી જે આજના સમાજમાં જોવા મળે છે અને જે કાયદેસર છે.

   Liked by 1 person

   • શ્રી MG પૂછે છે કે “જે રીતે સ્ત્રી-પુરુષનાં સંબધ માટે સમાજીક નિયમો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે તે રીતે આમાં જરૂર ખરી કે નહી ?”

    પહેલી વાત તો એ કે સામાજિક નિયમો અને જવાબદારીઓ “નક્કી કરવામાં આવી” નથી. એના માટે કોઈ પાર્લામેન્ટ મળી નહોતી. અમુક વ્યવહારો શરૂ થયા અની નિયમ બની ગયા. આ વ્યવહારો દરેક કાળમાં એક જ જાતના નહોતા. એમાં સમય પ્રમાને ફેરફાર થતો રહ્યો.

    યાદવો ક્રોસ ડ્રેસિંગનો શિકાર નથી બન્યા. કથા એમ છે કે સાંબને સગ્રભા સ્ત્રીના વેશમાં ઋષિ પાસે લઈ ગયા. ઋષિએ શાપ આપ્યો કે આને સાંબેલું અવતરશે અને એ તમારા આખા કુળનો નાશ કરશે. સાંબના પેટમાં બાંધેલા ઘડામાંથી સાંબેલું નીકળ્યું.યાદવો ડરી ગયા અને સાંબેલાના ચૂરેચૂરા કરી નાખ્યા અને જમીનમાં દાટી દીધા. એમાંથી છોડ બન્યો એ તીક્ષ્ણ ધારવાળો હતો. યાદવો એની ડાળીઓથી લડ્યા અને બધા માર્યા ગયા. આ સાંબેલું શું હશે તે હું નથી જાણતો. કથામાં કોઈક તત્ત્વ ઘુસી ગયું છે.

    પરંતુ મુદ્દો સજાતીય સંબંધો વિશે સુપ્રીમ કોર્ટે હાલમાં આપેલા ચુકાદાનો છે. એટલે બીજા પ્રકારના સંબંધોની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. આપને કોઈ પણ બહાને આ સંબંધોને ગેરકાનૂની ઠરાવવા માગતા હોઇએ,તો ભલે, પણ એમાં કાયદો વચ્ચે આવતો જ નથી અને “નક્કી કરેલા નિયમો’ નો સમાજે કદી સ્વીકાર નથી કર્યો. કોર્ટ એમ કહે કે માતાપિતા દીકરી માટે છોકરો શોધે તે ગેરકાનૂની છે, તો લોકો માની લેવાના છે? સજાતીય સંબંધોની બાબતમાં પણ એવું જ થવાનું છે. માત્ર પોલીસને લાભ થશે.

    Liked by 1 person

    • બીલકુલ સાચી વાત છે દીપકભાઈ, અત્યાર સુધી આ કાયદાની મડાગાંઠનો ફાયદો ફક્ત પોલીસે જ ઉઠાવ્યો છે અને આગળ જતા પણ પોલીસ જ પૈસા પડાવવાના હેતુથી આ કાયદો વાપરતી રહેશે. કેટલી વખત કોર્ટમાં આ ૩૭૭ની કલમ હેઠળના કાયદા હેઠળ કાર્યવાહી થઈ અને તેના કારણે કેટલા લોકોને સજા થઈ એના આંકડા મેળવવા જેવા ખરા.

     Liked by 1 person

  • smdave1940 says:

   એમજી ભાઈની વાત એક સારો કટાક્ષ છે. અને સજાતીય સંબંધોનો પ્રશ્ન વિચારવા લાયક જેઓ માનતા હોય તેઓ એ આ બાબતને પણ વિચારવા લાયક માનવી જોઈએ. પણ મને એ ખબર પડતી નથી કે નહેરુવીયન કોંગ્રેસદ્વારા ચાલતી સરકારે પોતે આમાં પાર્ટી બનીને સર્વોચ્ચ ન્યાયાલયમાં ફુલબેન્ચ પાસે શું કામ જવું જોઇએ?શું નહેરુવીયન કોંગ્રેસના કોઈ નેતા/નેતાઓ નું સ્ટીંગ ઓપરેશન થયું છે?

   Liked by 1 person

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: