મોવેમ્બર

આશા રાખું છું કે મારા બ્લોગની મુલાકાત લેનારો જે નાનકડો સમુદાય છે તેમાંના મોટાભાગના વાચકો મોવેમ્બરથી પરિચિત હશે. જે પરિચિત ના હોય તેમની જાણ સારૂં જણાવું કે, મોવેમ્બર એ આખા નવેમ્બર મહિના દરમ્યાન ચાલતી એક ઇવેન્ટ છે જેમાં ભાગલેનારાઓ આખો મહિનો મૂછો વધારે છે. મોવેમ્બર નામ પણ અંગ્રેજીમાં મૂછો (મુસ્ટૅચ) માટે મજાક જેવી ભાષામાં વપરાતા શબ્દ “મો” અને નવેમ્બર મહિનાના નામને ભેળવીને બનાવવામાં આવ્યો છે. લોકો આખા નવેમ્બર મહિના દરમ્યાન મૂછો ઉગાડવાનું અને વધારવાનું પ્રણ લે છે અને તે દ્વારા પુરુષોમાં થતા પ્રોસ્ટૅટ કેન્સર અને અન્ય પુરુષ સંબંધી રોગો પ્રત્યે લોકોમાં સભાનતા જગાવવાનું કામ કરે છે. સાથે સાથે આવા પુરુષ સંબંધી રોગોમાં સહાય માટે અને લોકજાગૃતિના કામો માટે દાન/ફાળો પણ ઉઘરાવવાનું કામ કરે છે. આ ચેલેન્જમાં જોડાનારાઓને “મો બ્રો” એટલે કે “મૂછ ભાઈ” કહેવામાં આવે છે.

મોવેમ્બરની શરૂઆત ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં થઈ હતી જે ૨૦૦૭માં અમારા યુકેમાં અમેરિકા સહિત દુનિયાના બીજા દેશોમાં પણ વિસ્તારીત કરવામાં આવી. અહિં રહીને ત્રણેક વર્ષથી આ મોવેમ્બર વિષે સાંભળતો અને વાંચતો આવ્યો હતો. ગયા વર્ષે મારી પણ આ સખાવતના કાર્યમાં જોડાવાની ઈચ્છા હતી પણ યાદ ના રહ્યું અને મોડો પડ્યો તેમાં રહી ગયો. આ વખતે ઓફિસના બીજા ૩-૪ મિત્રોની સાથે ટીમ બનાવીને આખો મહિનો મૂછો વધારવાનું બીડું ઝડપ્યું છે. અમે બધા “મો બ્રો” ભેગા થઈને લોકોને પ્રોસ્ટેટ કેન્સર, હતાશા, વૃષણના કેન્સર, વગેરે જેવા રોગો સામે જાગૃત કરીને તે રોગોની સારવાર અને સંશોધન માટે દાન/ફાળો ઉઘરાવીશું. જોઈએ ઓફિસના અને ઓફિસ બહારના સહૃદયી મિત્રો મારા આ પગલાને કેટલું બિરદાવે છે અને કેટલું દાન આપે છે.

મોવેમ્બરમાં મારું અને મારી ટુકડીનું પૃષ્ઠ જ્યાં કોઈપણ ફાળો નોંધાવી શકે છે.

મોવેમ્બર ચેરિટિનું અધિકૃત જાળસ્થળ
મોવેમ્બર ગુજરાતી વિકિપીડિયા પર

Advertisements

માતૃભાષા (Charity begins at Home)

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે મુરબ્બી શ્રી. દીપકભાઈના બ્લૉગ પર પ્રસિદ્ધ થયેલી આ પોસ્ટ અને છેલ્લી ૨-૩ પોસ્ટ્સ પરની ચર્ચાઓમાંથી મને આ લખવાની પ્રેરણા મળી છે. મારો પોતાના ઘરનો દાખલો છે…

અમે જ્યારે યુ.કે. આવ્યા ત્યારે પૃથા ૩ વર્ષની હતી. સ્વાભાવિક રીતે જ અહીં આવીને તેણે નર્સરી જવાનું શરૂ કર્યું. ભારતમાં હતા ત્યારે પણ અંગ્રેજી માધ્યમની શાળામાં તેને મુકી હતી તેથી થોડું-ઘણું તો એને ફાવવાનું જ હતું, પરંતુ આપણે ત્યાંની શાળાઓ ભલે અંગ્રેજી માધ્યમની હોય પણ શિક્ષક સુચનાઓ તો હિંદીમાં જ આપતા હોય, એટલે મને અને શેફાલીને સૌથી મોટી ચિંતા હતી કે પૃથાને એકી-પાણી કરવા જવું હશે તો કેવી રીતે કહેશે? એને અમે “કેન આઇ ગો ટુ ટોયલેટ?” અને “આઇ વોન્ટ વોટર” આ બે વાક્યો બરાબર શીખવાડ્યા હતા. પણ નસિબ જોગે એને અંગ્રેજી શાળામાં કોઈ જ તકલીફ પડી નહી (કેહે છે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે). ઘરમાં અમે તેની સાથે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખતાં.

પણ જેમ-જેમ એ મોટી થતી ગઈ તેમ-તેમ તેનો અંગ્રેજીનો વપરાશ વધવા માંડ્યો. એ બીજા ધોરણમાં આવી ત્યારે લગભગ સદંતર ગુજરાતી બોલવાનું બંધ કરી દીધું. અમે બોલીએ તે સમજી જાય પણ જવાબ અંગ્રેજીમાં જ આપે. અહીં યુ.કે.માં થોડાઘણા ગુજરાતી પરિવારોને ઓળખતો થયો હતો, જે બધાં જ આફ્રિકાથી ૭૦ના દાયકામાં અહીં આવીને વસ્યા હતા. તેમના બાળકો ઘરમાં બીલકુલ ગુજરાતી બોલતા નથી. મને નવાઈ એ વાતની લાગતી કે મા-બાપ જે બોલે તે બાળકો સમજી જાય, પણ બોલી ના શકે તે કેવી રીતે શક્ય છે? હવે જ્યારે મારી પોતાની પણ એ જ પરિસ્થિતી ઉભી થઈ ત્યારે મેં જાણ્યું. પૃથાને પુછ્યું કે બેટા ગુજરાતીમાં કેમ નથી બોલતી? તો જવાબ મળ્યો કે શાળામાં બધા અંગ્રેજીમાં જ વાતો કરે છે એટલે આપણે પણ અંગ્રેજી જ બોલવું જોઇએ. મને કાંઇ સમજાયું નહી. અમારા પડોશમાં બીજા પણ ભારતીય પરિવારો રહેતા અને તેમાંથી એક પરિવાર સાથે અમારે સારો એવો ઘરોબો થઈ ગયો હતો. તે લોકો તમિલ ખ્રિસ્તી હતાં. તેમનો છોકરો નિખિલ પણ પૃથાના ક્લાસમાં જ હતો. તેણે પણ ઘરમાં તમિલ બોલવાનું બંધ કરી દીધું હતું. આ છોકરાઓ પહેલા એકબીજા સાથે ભાંગીતુટી હિંદીમાં પણ વાતો કરી લેતા, પણ હવે અંદરોઅંદર પણ અંગ્રેજીમાં જ વાત કરતા.

હવે મને લાગ્યું કે આ અંગ્રેજીના મૂળ ક્યાંક ઉંડા લાગે છે. એટલે મેં પૃથાને સાથે બેસાડીને વિસ્તારથી પુછ્યું તો તેણે કહ્યું કે ગુજરાતી કે હિંદીમાં વાતો કરવામાં શરમ આવે છે, કેમકે બીજા બધા અંગ્રેજી બોલતા હોય છે. અમે એને સમજાવી કે બેટા સાચી વાત છે, શાળામાં ભલે અંગ્રેજીમાં બોલો પણ ઘરે તો ગુજરાતીમાં જ બોલવું. બીજા દીવસે તેને શાળાએ મુકવા ગયા ત્યારે ઇસ્ટર્ન યુરોપિયન્સના છોકરાઓ પણ હતાં જેમને મુકવા તેમના મા-બાપા આવ્યા હતા. તે લોકો તેમને બાય પણ તેમની ભાષામાં જ કહેતા હતા. પૃથાને આ બતાવ્યું અને સાંજે ફરીથી સમજાવ્યું કે જો બેટા તેમને તો શરમ નથી આવતી તો આપણને આપણી ભાષામાં બોલવામાં શેની શરમ? આ ઉપરાંત આ દેશની, અને ખાસ કરીને લંડન શહેરની શાળાઓની એક સારી વાત એ છે કે અહીં અમુક દ્વિભાષી પુસ્તકો રાખવામાં આવે, જેમાં વાર્તાઓ અંગ્રેજી અને તમારી ભાષા એમ બંનેમાં હોય. આવા ૨-૪ પુસ્તકો શાળામાંથી લીધા અને તેને બતાવ્યા કે જો બેટા આપણી ભાષાનો વપરાશ શરમજનક હોય તો તમારી શાળામાં આપણી ભાષાના પુસ્તકો કેમ હોય છે? કેમ તમારા શિક્ષકો ફક્ત અંગ્રેજી પુસ્તકો જ નથી રાખતા? એક-બે દિવસ આ ખચવાટ રહ્યો, પણ પછી તેની જાતે જ એ ગુજરાતીમાં અમારી સાથે વાતો કરતી થઈ ગઈ.

આજે એ વાતને પાંચ વર્ષ વિતી ગયા, એ મોટા ધોરણમાં પણ આવી ગઈ, પણ એ અને વ્રજ બંને ઘરમાં ગુજરાતી જ બોલે છે. ઘણી વખત એને ભણાવતી વખતે કે એ કશુંક પુછે તે સમજાવતી વખતે હું અજાણપણે અંગ્રેજી પર ચઢી જઉં તો તે મને ટોકીને કહે કે, “પપ્પા તમે મારી સાથે અંગ્રેજીમાં કેમ વાત કરો છો?” અરે ઘરે ગુજરાતી છાપું મંગાવીએ છીએ તે વાંચતા પણ હવે તો પૃથા શીખવા માંડી છે. મારા પેલા પડોશીના છોકરા આજે પણ તમિલ બોલતા નથી થયાં. હવે તો તે બાળકો એવો વર્તાવ કરે છે કે તે તમિલ સમજતા પણ ના હોય, મા-બાપને પણ અંગ્રેજી બોલવા મજબૂર કરે છે. મેં તેને ઘણીવાર કીધું કે તું પણ તેમની સામે દાંડાઈ કર કે, તને અંગ્રેજી નથી સમજાતું. ખાવા બેસે ત્યારે ત્યારે જો એ લોકો અંગ્રેજીમાં કશું માગે તો ના આપ, તમિલમાં જવાબ આપ કે મને અંગ્રેજી નથી સમજાતું, પાપી પેટ કા સવાલ હૈ, છોકરાઓ ૪ દિવસમાં તમિલ બોલતા ના થાય તો મને કહેજે. પણ તેની તૈયારી નથી, કદાચ તે હરખાતો પણ હશે કે તેના છોકરા કેટલા એડ્વાન્સ્ડ છે કે ફક્ત અંગ્રેજી જ બોલે છે.

થોડો આગ્રહ રાખવાથી અને બાળકોને કેળવણી આપવાથી તે આપણી ભાષાનું જતન કરતા થઈ જ જાય છે. પહેલ આપણે કરવાની હોય છે, બાળકો તો આપણી પાસેથી પ્રેરણા લેવાના જ છે.

તા.ક.: માતૃભાષા દિને શક્ય તેટલી જગ્યાએ અંગ્રેજી શબ્દો ટાળવાનો પ્રયત્ન કર્યો છે, ફરી પાછી એ જ દીપકભાઈની ગુજરાતી ભાષાના ધોવાણને લગતી પાછલી પોસ્ટ પરથી જ પ્રેરણા લઈને ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે, કદાચ ક્યાંક કૃત્રિમ લાગે પણ ચલાવી લેવા વિનંતી છે.

ચાન્સ કે ઈમાનદારી (૩)?

આગળની બે પોસ્ટ્સની શ્રેણીની જ આ ત્રીજી અને હાલ પુરતી છેલ્લી પોસ્ટ છે. જો કે આ અનુભવ પહેલાના બે કરતાં જુદો છે, પણ ભળતો સળતો હોવાથી તે જ શ્રેણીમાં સમાવી લીધો છે.

‘સૃષ્ટિ’માં કામ કરતો ત્યારે સૌરાષ્ટ્ર બાજુના કોઈક ગામડાની મુલાકાત લઈને ઘેર પાછા જવા માટે એસ.ટી.ની બસમાં બેઠો હતો. ભાડું ૪૯ કે ૫૯ રૂપિયા જેવું હતું. કંડક્ટરને પૈસા આપ્યાં એટલે એણે સ્વાભાવિક રીતે જ મોટી નોટો પાછી આપીને કહ્યું કે “એક રૂપિયો છુટો નથી, આવે એટલે આપું છું.” હજુ તો મુસાફરી શરૂ જ થઈ હતી અને ઓછામાં ઓછા બે અઢી કલાકના અંતરમાં ૩-૪ સ્ટોપ અને એક ડ્રાઈવર-કંડક્ટરની મરજીનું નાસ્તા સ્ટોપ આવવાની ખાતરી હતી એટલે કંડક્ટરને મારો એક રૂપિયો ક્યાંકથી છુટો મળી જ જશે તેમ વિશ્વાસ રાખીને બેઠો. પહેલા એક-બે સ્ટોપ પરથી મુસાફરો ચઢ્યા અને બધાની ટિકીટ અપાઈ ગઈ એટલે મેં કંડક્ટરને મારો રૂપિયો યાદ અપાવ્યો, પણ તેણે મોઢું બગાડીને “અરે યાર નથી આવ્યો, કીધુંને કે આવે એટલે આપીશ” કહીને પોતાનો જીવ છોડાવ્યો. અને પછી તો એને ખબર પડી ગઈ કે હું તેની છાલ નહી છોડું, એટલે તેણે મારી સામે નજર મેળવવાનું જ ટાળવા માંડ્યું. હું સમજી ગયો હતો કે મારો રૂપિયો પાછો મળવાનો નથી.

બસ સરખેજ થઈને આવી એટલે મેં અંજલી સિનેમા પાસે ઉતરી જવાનું નક્કી કર્યું. એપીએમસીના થોડાક પહેલેથી ઉભો થઈ ગયો અને કંડક્ટર પાસે પહોંચીને એક રૂપિયો માંગ્યો, તેણે એ જ સ્વાભાવિક રકઝક ચાલુ રાખી. અને જાણે રૂપિયો પાછો માંગવો તે મારી ભૂલ હોય તેમ મને ખખડાવવા માંડ્યો કે, ક્યાં ક્યાંથી હેંડ્યા આવે છે, આવા સારા કપડા પહેરીને એક રૂપિયા માટે મરે છે, અમારે તો જાણે એમના રૂપિયામાં બંગલા બંધાઈ જવાના હોય, વગેરે વગેરે. વાસણા બસ સ્ટોપ આવતાં બીજા થોડાઘણા લોકો ઉતરવા માટે ઉભા થયા અને હું બારણામાં ઉભો રહી ગયો. કંડક્ટરને કીધું કે જ્યાં સુધી મારો રૂપિયો પાછો નહી મળે ત્યાં સુધી હું કોઈને ઉતરવા નહી દઉં. તેની પાસે છુટા ના હોય તો હું ચાર રુપિયા છુટા આપું તે મને પાંચનો સિક્કો આપે. પણ તે હવે નાગાઇ ઉપર ઉતરી આવ્યો હતો. કહે કે, “મારી પાસે પાંચનો સિક્કો પણ નથી. હું ટિકીટની પાછળ લખી આપું એસ.ટી. સ્ટેન્ડ પર આવીને મેઇન કાઉન્ટર પરથી લઈ જજો.”

હું ટસનો મસ ના થયો. લોકો ઉતરવા માટે રાહ જોઈને ઉભા હતા અને બસ આગળ વધી શકે તેમ નહોતી. ક્લાઇમેક્સ હવે આવ્યો. મને જતું કે ઉભેલા લોકો કહેશે અને કંડક્ટરને ઝુક્યા વગર છુટકો નહી રહે. પણ મારા આશ્ચર્ય વચ્ચે તે લોકો પણ કંડક્ટરના સૂરમાં સૂર પુરાવીને બોલવા લાગ્યાં અને મને ગાળો દેવા માંડ્યા કે એક રૂપિયા માટે આટલો કજીયો કરું છું. મેં આખી બસ બાનમાં લીધી છે, વગેરે વગેરે. છેવટે મારે પ્રજામત સામે ઝુકાવવું પડ્યું અને કંડક્ટર પાસે ટિકીટ પાછળ લખાવ્યું, તેનો બીલ્લા નંબર લખાવ્યો અને ખાડિયા જવાનું થયું ત્યારે રસ્તામાં એસટી સ્ટેન્ડેથી મારો રૂપિયો પાછો લેતો આવ્યો અને તે કંડક્ટર સામે ફરિયાદ પણ નોંધાવતો આવ્યો.

પરમ દિવસે દીપકભાઈની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ત્યાં સુરેશભાઈની કોમેન્ટ હતી કે પ્રજાને તેની લાયકાત પ્રમાણે જ મળે છે. જે મારા આ અનુભવ પરથી પણ સાબીત થાય છે. આપણી પ્રજા એટલી બધી તો બેઈમાન થઈ ગઈ છે કે બેઈમાની તેમના મગજમાં ઘુસી ગઈ છે. જે પ્રજા પોતે જ બેઈમાન હોય તે અન્યને ક્યાં ઈમાનદારીના પાઠ ભણાવવાની હતી. આપણી પ્રજાની લાયકાત તો ઘણી ઉંચી છે, પણ તેમના મગજ એટલા દૂષિત થઈ ગયાં છે કે તેમને પોતાનો હક્ક માંગવામાં શરમ આવે છે અને કોઈક હક્ક માંગતું હોય તો તે તેમને દોષી જણાય છે. તેમની પાસે સમયનો અભાવ છે, એટલે એક રૂપિયો જતો કરીને બસમાંથી ઉતરી જવાની ઉતાવળ હોય છે, અને આડોશીપાડોશી શું કહેશે એવી હિનતાથી પીડાતા પોતાનો હક્ક જતો કરીને પણ ગરદન ટટ્ટાર રાખીને ચાલશે.

ચાન્સ કે ઈમાનદારી (૨)?

આગળ જણાવ્યો તેવો અન્ય એક અનુભવ તાજેતરમાં ઑગસ્ટ મહિનામાં જ્યારે ભારત ગયો હતો ત્યારે થયો. મારા જીજાજીએ અહીંથી HTCનો મોબાઇલ ફોન મંગાવ્યો હતો. અહીં યુ.કે.માં નેટવર્ક લોક કરેલા મોબાઇલ્સ મળે જેને ભારતમાં કે અન્ય ક્યાંય પણ વાપરવા માટે અનલોક કરાવવા પડે. જીજાજી ફોન અનલોક કરાવવા રિલીફ રોડ પરના જૂના કૃષ્ણ ટોકિઝની જગ્યાએ બનેલા શોપિંગ સેન્ટરમાં લઈ ગયા અને અનલોક કરાવીને લાવ્યા ત્યારે મારું ધ્યાન ગયું કે ફોનની સાથે મફત આવેલું 2 GB માઇક્રો એસડી કાર્ડ ફોનમાંથી ગાયબ હતું. હું અને મારી બહેનતો જીજાજી પર ચઢી બેઠા કે જઈને એની પાસેથી પાછું લઈ આવો. ફોન અનલોક કરવાના એણે ૩૦૦ રૂપિયા હતાં જ્યારે કાર્ડની કિંમત પણ ઓછામાં ઓછી ૩૦૦ તો હશે જ. એણે કાર્ડ કાઢી લીધું તો અનલોક મફત કરી આપવું જોઈતું હતું, અને તે પણ જણાવીને. જીજાજી વ્યવહારૂ દૃષ્ટિથી કહેવા માંડ્યા કે એ હવે કશું પાછું નથી આપવાનો અને એની સાથે ઝગડીને શું ફાયદો. છતાં ૨ દિવસ સુધી હું અને મારી બહેન એમને વારે ઘડીએ કાર્ડ લઈ આવવા માટે આગ્રહ કરતા જ રહ્યાં.

છેવટે જ્યારે મને લાગ્યું કે એ નહી જ જાય ત્યારે હું ત્યાં ગયો અને જીજાજીને પુછીને જે દુકાનેથી તેમણે અનલોક કરાવ્યું હતું ત્યાં જઈને કહ્યું કે ૨ દિવસ પહેલા અમુક વાગ્યાના સમયે HTC Wildfire ફોન અનલોક કરાવ્યો હતો તેનું કાર્ડ તેમની પાસે રહી ગયું છે (હા ભાઈ, એવું તો કહેવાય નહીને કે તેમણે કાઢી લીધું છે, કાણાને કાણો કહેવાતો હશે?). કાઉન્ટર પર બેઠેલો માણસ તો મુકરી જ ગયો કે એવું કોઈ અનલોક કર્યાનું તેને યાદ નથી. થોડી લમણાઝીક કરતો હતો ત્યાં જ અંદરથી અન્ય વ્યક્તિ બહાર આવી અને તેણે પુછ્યું, “તમે આવ્યા હતાં ફોન લઈને?” હું કશું કહું તે પહેલા તેણે જ નિર્ણય જાહેર કર્યો કે, “ના, તમે નહોતા આવ્યા”. મેં જણાવ્યું કે મેં ક્યાંય એવો દાવો કર્યો નથી કે હું આવ્યો હતો, જે આવ્યું હતું તેની પાસેથી તમે આ કાર્ડ કાઢ્યું છે જે પાછું આપ્યું નથી. હવે મારી ભૂલ હોય તેમ પેલા અંદરથી આવેલા માણસે તેની હાથમાંથી કાર્ડ કાઢી મને આપતા કહ્યું, “આ લો કાર્ડ, મેં ના કહ્યું કે તમે નહોતા આવ્યા”.

જે હોય તે, મને તો મારું કાર્ડ ધાર્યા કરતા વધુ સરળતાથી મળ્યું એટલે હું તો ખુશ થતો ઘરે ગયો. પણ હજુ પણ સમજાયું નથી કે એ તેની ઈમાનદારી હતી કે તે પણ ચાન્સ જ લેતો હતો?

ચાન્સ કે ઈમાનદારી?

ગઈકાલે કાર્તિકભાઈના બ્લૉગ પર ઉત્તરાયણ નિમિત્તની આ પોસ્ટ વાંચીને મને પણ મારો વર્ષો પહેલાનો અનુભવ યાદ આવી ગયો.

કદાચ તે સમયે કોલેજમાં હોઇશ. ફ્લેટના બધા છોકરાઓ મળીને દિલ્હી દરવાજા બહારના પતંગ બજારમાં ઉત્તરાયણના બે દિવસ પહેલા પતંગ લેવા નીકળ્યા. આમ તો દર વર્ષે રાયપુર દરવાજાના પતંગ બજારમાંથી પતંગ લેતા, પણ આ વખતે બધા પોત-પોતાના વાહનો લઈને નીકળ્યા હતા અને અમુક ભાઈબંધો નવા નવા સ્કૂટર ચલાવતા થયા હતાં (હા જી, સ્કૂટર જ, તે સમયે બાઇક તો માલદારના છોકરા ચલાવતા, અને અમે તો બધા બેંકરોના છોકરા હતા). લગભગ ૭-૮ જણાએ ભેગા થઈને વીશેક કોડી પતંગ ખરીદ્યા. ઘરે પહોંચીને પોતપોતાના પતંગ છૂટા પાડવા બેઠા ત્યારે ધ્યાન ગયું કે એક પંજો ઓછો હતો. મેં કહ્યું કે પાછા જઈને લઈ આવીએ. વસ્ત્રાપુરથી દિલ્હી દરવાજા એક પંજો પતંગ લેવા જવા માટે અડધા તો તૈયાર થયા નહી. બાકીના અડધાને મન એ બહાને જે અડધો-પોણો કલાક વધારે રખડવા મળ્યું તે અને મારે મન જેના પૈસા ચુકવ્યા છે તે વસ્તુ નાહકની શું કામ જવા દેવી, એમ મિશ્ર હેતુથી અમે બધા પતંગવાળાની દુકાને પહોંચ્યા. એને કીધું તો એણે તો માનવાનો જ ઇન્કાર કરી દીધો. અમારી સંખ્યા કાંઇ ઓછી નહોતી અને દુકાનમાં ભીડ પણ હતી. અમે થોડી મોટેથી વાત કરી અને લોકોનું ધ્યાન અમારી તરફ પણ ગયું. અમે દુકાનદારને કહ્યું કે અમે કાંઈ એક પંજો પતંગ મફત લેવા છેક વસ્ત્રાપુરથી અહીં લાંબા થવાના હતાં? છેવટે દુકાનદારને ત્યાં ઉભેલા ગ્રાહકોમાં પોતાની છબી છતી થવાની બીક જોય કે જે હોય તે, તેણે પોતાની ભૂલ થઈ હશે તેમ જણાવીને અમે જે ક્વોલિટીના પતંગ લીધા હતાં તે જ ક્વોલિટીનો એક પંજો આપ્યો.

આવા બીજા અનુભવો પણ વખતો વખત થયાં, અને માટે જ હજુ સુધી નક્કી નથી કરી શક્યો કે આ વેપારીઓ ગ્રાહની વસ્તુ પચાવી લેવાનો ચાન્સ લેતા હશે કે ખરેખર તેમની ભૂલ થતી હશે અને જ્યારે ભારપૂર્વક હક્ક માંગવામાં આવે ત્યારે ઇમાનદારીથી તે આપતા હશે? બીજા પણ આવા અનુભવો આગળ જતા અહીં લખીશ.

અને છેલ્લે છેલ્લે ક્રૉલીની ઉત્તરાયણની એક ઝલક….

Prutha flying kite

Vraj flying kite

Kite in the skies of Three Bridges

રામકહાણી

હમણાં કોઈક કારણે મારી દુર્મતિને વશ થઈને હું રેલ્વેની ઓનલાઈન બુકિંગ સાઈટ http://www.irctc.co.in પર લૉગ-ઈન થવા ગયો. સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા (હવે આ શું એ મારે ગુજરાતી બ્લૉગર્સને કહેવાની જરૂર લાગતી નથિ, કે છે?) દાખલ કર્યા પછી, બારણું તો ખુલ્યું પણ મને ઊમરે જ રોકી દીધો. અને પાછું કંઈક ચલિત ખરાઈ આંકડા (મોબાઈલ વેરિફિકેશન કોડ) એવું પુછવામાં આવ્યું. આપણને તો એ શું તેની જાણ હતી નહી. છેવડે નવા ખરાઈ આંકડા મંગાવવાની કડી પર ક્લિક કરીને મમ્મીને ફોન કર્યો (કેમકે મોબાઈલ નંબર ભારતનો જ આપવો પડે, એટલે મમ્મીનો નંબર આપેલો છે) કે તેમને કોઈ આંકડા ટૂંસંસે (SMS યાર) દ્વારા મળ્યા છે. જવાબ હતો ના. આપણે ફોન ચાલુ રાખીને જ ફરી એ આંકડા મોકલવાની વિજ્ઞપ્તિ કરી, પણ પરિણામ શૂન્ય. મમ્મીને અંગ્રેજી સંદેશા જોવામાં થોડી તકલીફ પડે, એટલે સંશયને સ્થાન નહી આપવાનું નક્કી કરીને મારી બહેન ધાત્રીના મોબાઈલ નંબર પર ખરાઈ આંકડા મોકલવાની ફેર વિજ્ઞપ્તિ કરી. પણ પરિણા હજુ પણ શૂન્ય. છેવટે હારી થાકીને તેમના જાળસ્થળ પર રહેલા ફરિયાદ નોંધાવો સ્થળે જઈને ફરિયાદનો વિપત્ર મોકલ્યો. સામે તરત જ ટિકિટ ક્રમાંક મળ્યો અને બાંહેધરી હતી કે ત્વરિત મારી સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે. આ બધું થયું દિનાંક ૧૨ ઓક્ટોબરે. હવે ખેલ શરૂ થયો. બીજે દિવસે મને વિપત્ર મળ્યો કે મેં મારા નોંધાવેલ વિપત્ર સરનામા સિવાયના અન્ય સરનામેથી ફરિયાદ નોંધાવી હતી, માટે મારે નવેસરથી ફરિયાદ નોંધાવેલા સરનામેથી વિપત્ર કરીને ફરિયાદ નોંધાવવી. રોજે એક વિપત્ર દ્વારા તેઓ મને કશુંકને કશુંક પુછતા રહ્યાં અને છેવટે ચોથા દિવસે મને કહેવામાં આવ્યું કે મારી નવી ગુપ્ત સંજ્ઞા ગોઠવીને મને મોકલવામાં આવશે. હું તો ખુરશીમાંથી ઉભો થઈ ગયો, કેમકે મારી ફરિયાદ ગુપ્તસંજ્ઞા બાબતે હતી જ નહી. તેમ કર્યા પછી પણ મને ઊમરેથી અંદર પ્રવેશવા દેવાશે તેની કોઈ બાંહેધરી નહોતી. છેવટે વિપત્રાચારનો નવો દૌર ચાલુ થયો અને મને જાણ કરવામાં આવી કે મારી ફરિયાદ લાગતા-વળગતા વિભાગને પ્રેષિત કરવામાં આવી છે અને તે લોકો મારા ચલિત નંબરની ખરાઈ કરવા માટે આંકડા મોકલશે. આ બધું થયું શુક્રવારે. ફરિયાદનો વિભાગ ૨૪ કલાક અને સાતે દિવસ ચાલુ હોય છે તેથી મને હતું કે મારી સમસ્યાનો ઉકેલ મોડામાં મોડો શનિ-રવીમાં તો આવી જ જશે.

પણ સોમવાર સુધી કશું હલ્યું નહી હોવાથી મેં છેવટે તેમના દૂરભાષ ક્રમાંક પર સંપર્ક કર્યો. સદનસિબે કોલ જોડાઈ ગયો અને કોઈક સુહૃદયી બહેન સાથે વાત થઈ. તેમણે મારી ઘટતું કરી જોયું અને ફલિત થયું કે કોઈક તકનિકી કારણોને લીધે તેમની પ્રણાલી ટૂંસંસે મોકલી શકતી નથી અને તે લોકો હવે ફોન કરીને ખરાઈ કરશે અને તે બાદ મને વિપત્ર દ્વારા મારા ખરાઈ આંકડા મોકલવામાં આવશે. આ પછી મારે દરરોજ દિવસમાં ત્રણ વખત ફોન કરવો પડતો અને તે લોકોએ મારી બહેનને ત્રણ વખત ફોન કર્યો. છેવટે ગુરૂવારે ૨૦ તારિખે મને તેમના ત્રીજા એક અધિકારીએ દુ:ખદ સંદેશો આપ્યો કે તેમણે ત્રણ વખત મારા ચલિત ક્રમાંક પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એક વખત અમે ફોન ઉપાડ્યો નહી, બીજી વખત અમે કાપી નાંખ્યો અને ત્રીજી વખત અમે તેમણે પુછેલા પ્રશ્નોના ઉત્તર ના આપી શક્યા. મેં ઉગ્રપણે આ ટિપ્પણીનો વિરોધ કર્યો. પરંતુ અધિકારીશ્રીને ઘરે જવાનો સમય થયો હોવાથી અને સંલગ્ન વિભાગના સહુ કર્મચારીઓ ઘરે જતા રહ્યાં હોવાથી તેઓ મને કોઈ રીતે મદદરૂપ નહી થઈ શકે તેમ અસહાયતા વ્યક્ત કરી. મને બીજે દિવસે મેં તેમના પહેલા જે અધિકારી સાથે વાત કરી હતી તેમની સાથે વાત કરવાનું જણાવીને તેમણે વિદાય લીધી. પણ જતાંજતાં મેં તેમને તે લોકોએ કરેલા બધાજ કોલ્સની તવારિખ આપી તાકિદ કરી હતી કે યોગ્ય પૂછપરછ કરીને બીજે દિવસે મારી ફરિયાદ તાજી કરે.

છેવટે શુક્રવારે ૨૧ તારિખે મેં તેમણે સુચવ્યા પ્રમાને બપોરે ૩ વાગ્યે ફોન કરીને તેમના અધિકારીશ્રી સાથે વાત કરવાની વિનંતિ કરી ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને મને ચલિત ખરાઈ આંકડા મારા નોંધાવેલ વિપત્ર સરનામા પર અડધા કલાકની અંદર મોકલી આપવામાં આવશે. જો કે આ ત્રીજો વાયદો હતો, એટલે આશા ઓછી હતી. પણ ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કશું કરી શકાય તેમ નહોતું. તેથી પરમ કૃપાળું પરમેશ્વરને પ્રાર્થના કરતો રહ્યો અને એકાદ કલાકમાં ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી કર્મચારીના હૃદયમાં કરૂણા પ્રગટાવી મને વિપત્ર દ્વારા સંદેશો પાઠવાવડાવ્યો. અને મારી દસ દિવસની આ રામકથાનો અંત આવ્યો.

મારા મનમાં ઉઠેલો સવાલ:
જે ભારતનું ટેકનિકલ જ્ઞાન દેશવિદેશની કસ્ટમર કેર સેવાઓ પુરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમકે અમારી બ્રિટિશ ટેલિકોમ (BT) ની લેન્ડલાઈન કોલની ગ્રાહક સેવા ભારતમાં છે, આ ઉપરાંત અનેક મોબાઈલ પ્રોવાઇડર્સના કોલ સેન્ટર્સ, સધર્ન રેલ્વે (યુકેની)ની વેબસાઈટ સપોર્ટ, વગેરે અનેક ટેકનિકલ ટીમ્સ ભારતમાં બેસીને સેવાઓ પુરી પાડે છે, તો પછી ભારતની જ કંપનીઓ કેમ એવી ગુણવત્તાની સેવા પુરી ના પાડી શકે?

આ છોકરાઓ મોટા થઈ ગયા….

બાળકો ઘણી વખત કેટલી મોટી અને મોટા માણસો જેવી વાત કરી જાય છે એના બે દાખલા મારા બંને છોકરાઓએ હમણાં જ મને આપ્યાં.

બે વર્ષથી પૃથા ગો’રો (ગૌરીવ્રત) કરે છે, કેમકે હવે તે મોટી થઈ ગઈ છે (એવું તેનું કહેવું છે, મને તો તે ૧૫ દિવસ પછી ૯ વર્ષની થશે તો પણ હજુ નાની જ લાગે છે). ભારત મારી બહેન, સાળી વગેરેની સાથે ફોન પર વાત થાય અને ગોર્યોની વાતો કરીએ એટલે એને પણ ગોર્યો કરવાનો શોખ થયો હતો અને ગયા વર્ષે સફળતાપૂર્વક વ્રત કર્યા પછી આ વર્ષે અમારો પણ ઉત્સાહ સારો એવો હતો. ગો’રો ચાલુ થવાના આગલા દિવસે અમે લોકો વાતો કરતા હતા અને વ્રજે એ સાંભળી એટલે તે કહે કે હું પણ ‘ગો’રી’ કરીશ. એટલે અમે એને કહ્યું કે બેટા ગો’રો તો છોકરીઓ જ કરે, છોકરાઓ નહી. એટલે એની સ્ટાન્ડર્ડ રીત પ્રમાણે તેણે એક જ સવાલ પુછ્યો, “કેમ?” હું કે શેફાલી કશું કહીએ એ પહેલાતો પૃથા બોલી, “કેમકે ગો’રો તો સારો વર મળે એટલા માટે કરવાની હોય, છોકરાઓ કરે તો એમને સારી વહુ મળે. પણ વાઇવ્સતો બધી સારી જ હોય, એટલે છોકરાઓએ ગો’રો કરવાની જરૂર ના પડે. ખાલી અમુક જ હસબન્ડ્સ સારા મળતા હોય, એટલે છોકરીઓ આ ગો’રો કરે એટલા માટે કે એ અમુકમાંથી એક સારો એમને મળી જાય.” અને તે જ ઘડીએ અમને બંનેને લાગ્યું કે આ છોકરી મોટી થઈ જ ગઈ છે!

હવે પૃથાની વાત કરૂં અને મારો વ્રજકિશોર બાકી રહી જાય એવું બને ખરૂં. એ લોકો અત્યારે ભારત ગયેલા છે, વેકેશનમાં. હજુ આજે એમને ગયે ૧૫ દિવસ થશે. હું શરૂઆતમાં એમને લગભગ દરરોજ ફોન કરતો, હવે આંતરે દિવસે કરું છું. ૪-૫ દિવસ પહેલા વ્રજ સાથે ફોન પર વાત કરતો હતો તો મને કહે, “પપ્પા, મને તને એક વાત કહેવાય?” (અહીં રહીને ગુજરાતી શીખે છે એટલે હજુ ૫ વર્ષનો થયો પણ એને તુ અને તમેનો ભેદ નથી ખબર, એના માટે બધા તું જ હોય છે.) મે કહ્યું, “એક કેમ ભૈલું, બે વાત કે’વાય” તો મને કહે “ના, એક જ વાત કરવી છે.” હું ઉવાચ, “બોલ બેટા”. પરમજ્ઞાની, જમાનાના ખાધેલ, વ્રજકિશોર ધવલ વ્યાસે કહ્યું, “અં…. અં… મને તો તું કેવો દેખાય છે ને એ પણ યાદ નથી આવતું, હું તો તને ભૂલી ગયો છું. તને યાદ છે હું કેવો દેખાઉં છું? હું ખાલી તને સાંભળું જ છું જોતો તો નથી, પછી હું ભૂલી ના જઉં?” હવે આટલા ઠાવકા વ્રજને પણ નાનો કેવી રીતે સમજાય?

કેટલી નિખાલસતાથી એણે આ વાત કહી. આટલા નાના બાળકોના મનમાં પણ શું-શું ચાલતું હશે એ આપણે કળી જ નથી શકતાં. એ લોકો કોઈકને સહજરીતે ભૂલી જતા હોય છે તે આપણે જાણીએ છીએ પણ તેમને પોતાને એ વાતની પ્રતીતિ પણ થતી હશે તેનો તો મને ખ્યાલ નહોતો.

%d bloggers like this: