શબ્દ સુઝાવ

હું અંગ્રેજી શબ્દ Scriptorium (સ્ક્રિપ્ટૉરિઅમ) માટે યોગ્ય ગુજરાતી શબ્દની શોધમાં છું. અમે થોડાઘણા લોકોએ ભેગા મળીને આ વિષે ચર્ચા શરૂ કરી હતી, પણ કુતરાનો સંઘ કાશીએ ના જાય તે ન્યાયે અમે કોઈ ચોક્કસ નિર્ણય પર ન પહોંચી શક્યા, એટલે થયું કે લાવ બ્લૉગજગતનું શરણું લઉં. તો આપ સહુ મિત્રોના શરણે આવ્યો છું. અમારી થયેલી ચર્ચાના સ્થુળ અંશો અહિં રજૂ કરું છું, તે વાંચી આપના પણ અભિપ્રાયો આપશો તો મને અને આપણી ભાષાને મદદ થશે.

મૂળ ચર્ચા:
ગુજરાતી લેક્સિકન મુજબ Scriptorium (સ્ક્રિપ્ટૉરિઅમ)નો અર્થ લખવાની ઓરડી, મઠમાંની એવો કર્યો છે. આ સ્ક્રિપ્ટૉરિઅમ એ એવી જગ્યા છે, જે પૂરાણા સમયમાં મઠો/આશ્રમો (ખાસ કરીને ખ્રિસ્તી મોનેસ્ટરિઝ)માં એક ઓરડો હોતો હતો, જ્યાં બેસીને લહિયાઓ જૂની હસ્તપ્રતોની નકલ તૈયાર કરતા હતા. ટૂંકમાં જ્યાં પુસ્તકોનો સંગ્રહ હોય તે જગ્યાએ લખવાની સુવિધા માટેનું સ્થળ. જો પુસ્તકાલય હોય તો, પુસ્તકાલયમાં એવો કોઈ અલાયદો ઓરડો કે વિભાગ હોય છે જેમાં લખવાની સુવિધા હોય? અને જો હોય તો તેને શું કહે છે? આ વિષે આપના સૂચનોની તાતી જરૂર છે. મને જે ૨-૩ શબ્દો સૂઝ્યા છે તે અહિં લખું છું, આપને પણ જો સૂઝતા હોય તો જણાવવા વિનંતિ.

    લેખનખંડનવો શબ્દ, પણ વાંચનાલયમાં લખવા માટેનો ઓરડો એ ન્યાયે
    ચર્ચાખંડનવો શબ્દ, પણ અહિં આપણે ચર્ચાઓ કરીએ છીએ એ ન્યાયે (પણ થોડો કૃત્રિમ)
    સભાખંડપ્રવર્તમાન શબ્દ, વર્ચ્યૂલી તો આપણે અહિં સભાઓ જ ભરીએ છીએ ને?

એક મિત્રએ જણાવ્યું કે તેમને સભાખંડ શબ્દ વધારે વ્યાજબી જણાય છે. (સંપૂર્ણ બંધબેસતો તો નહીં પરંતુ અર્થ સારે તેવો !) એમ તો લેખનાલય એવું પણ તેમના મગજમાં આવ્યું પરંતુ શબ્દકોશમાં તેમને એવો શબ્દ મળ્યો નહિ. ત્યારે બીજા મિત્રએ કહ્યું કે સભાખંડ શબ્દ સારો છે અને તેને તેઓએ ટેકો જાહેર કર્યો. અને સાથે સાથે સૂચન પણ કર્યું કે કોઇપણ કારણસર તે ન વપરાય તો લેખનખંડને તેમનો બીજો મત આપવો. બાકી રંગશાળા એટલે કે થિએટર શબ્દનો પણ વિચાર રજૂ કર્યો. ત્યારે વળી ત્રીજા મિત્ર એક અન્ય શબ્દ લઈને આવ્યા: અભ્યાસિકા. તેને માટે તેઓનું કહેવું હતું કે ભારતના અમુક ભાગમાં સેવાભાવી કે બિનધંધાદારી સ્થળ કે જ્યાં ચર્ચા વિચારણા પરિસંવાદ આદિ યોજાય, એવા ઑફીસ જેવા નાનકડ ખંડને અભ્યાસિકા કહેવાય છે. આના સંદર્ભમાં અન્ય રંગશાળા સુચવનાર મિત્રએ પ્રશ્ન ઊઠાવ્યો કે તે અન્ય ભાષાનો શબ્દ તો નથી ને? કેમકે તે ભારતના અન્ય પ્રાંતમાં પ્રચલિત છે, આ શક વ્યાજબી હતો.

આ બધાના જવાબમાં મારું કહેવું એમ હતું કે, “લેખનાલય અને રંગશાળા બંને સારા શબ્દો છે, લેખનાલય શબ્દકોશમાં ના હોવાનો કોઈ વાંધો નથી, મને પણ બે શબ્દો તો શબ્દકોશમાં ન હોય તેવા જ સૂઝ્યા હતા. અને રંગશાળા પણ ખોટું નથી, કેમકે આપણે ઘણી વખત ચોતરા ઉપર ભવાઈઓ કરી ચૂક્યા છીએ (મજાક). પણ પુસ્તકાલયમાં રંગશાળા કંઈક જચતી નથી. અભ્યાસિકા માટે મિત્રનો શક વ્યાજબી છે, તે અન્ય ભાષી શબ્દ તો નથી ને? આમે આપણે અહિં ચર્ચાઓ કરીશું, અભ્યાસ તો નહિ જ. હિંદીમાં અભ્યાસ એટલે ‘મહાવરો’ એવો અર્થ થાય છે, એમ મરાઠીમાં કદાચ અભ્યાસનો કોઈક અર્થ થતો હોય જેને અનુલક્ષીને આ નામ વપરાતું હોય. ગુજરાતીમાં અભ્યાસ એટલે ભણતર એવો સર્વસામાન્ય અર્થ નિકળે છે.”

ત્યારે ચોથા એક મિત્ર એ જણાવ્યું કે તેમના વિચારમાં અન્ય શબ્દો આવે છે જેમકે લેખનકુટિર, વિમર્શકુટિર, ચર્ચાખંડ વિગેરે. તેમના મતે તે સ્થળનું નામ તે સ્થળના અર્થને સાર્થક કરનારું હોવું જોઈએ. તે અર્થે તેનો સંદર્ભ ચર્ચાના સંબંધે જ હોવો જોઈએ. ત્યાં હવે કોઈ લેખન ક્રિયા થવાની નથી. લેખન સંદર્ભે આપાયેલું નામ તે સ્થળના ઉપયોગ વિષે અયોગ્ય માહિતી આપે છે. નવો આવેલો માણસ લેખન સંદર્ભે નામ જોશે ને કદાચ તેને લખવાની જગ્યા સમજી બેસે તો? આવી ગડમથલ દૂર કરવા. તે નામ અર્થ સભર હોવું જોઈએ – ‘ચર્ચાકુટિર‘ કે ‘ચર્ચાલય‘ કેવું રહેશે? જો કે તેમને પણ તે ખાસ જચ્યા નહિ. તેમણે વધુમાં જણાવ્યું કે અભ્યાસિકા એ નામ પણ યોગ્ય છે કેમકે ત્યાં નિતીઓ, નિયમોનો, પરિયોજઓનો અભ્યાસ, અવલોકન, સુધારણા, વિચારણા આદિ થવાનું છે. અહીં અભ્યાસને શાળાકીય સંદર્ભમાં ન જોવાવો જોઈએ. અહીં ચર્ચા દરમ્યાન આપણે એક બીજા પાસે શીખવાના છીએ, જાણવાના છીએ, જણાવવાના છીએ આમ અભ્યાસ એટલે જ્ઞાનની આપલેના માધ્યમ સ્વરૂપે સંદર્ભે અભ્યાસિકા નામ અર્થ સભર લાગે છે. આ શબ્દનો સંધિ વિચ્છેદ કરીને તેમણે પોતાનો તર્ક રજૂ કર્યો:

અભ્યાસ = અભિ + આસ અભિ = વારંવાર, આસ = ઉમેરવું. આમ અહીં આપણે વારંવાર ચર્ચા અને માહિતી ઉમેરતા રહીશું તે અર્થે પણ નામ યોગ્ય લાગે છે. રહી વાત અન્ય ભાષાનો શબ્દ હોવાની, તો જો ગુજરાતી ભાષા અંગ્રેજીમાંથી શબ્દો કે તત્સમ ઉપાડી શકતી હોય તો પોતીકી અન્ય ભારતીય ભાષામાંથી સારા અર્થસભર શબ્દો કેમ કેમ નહીં લેવા? અને માત્ર હિંદી નહીં ભાગવદ ગોમંડળ પ્રમાણે પણ તેનો એક અર્થ મહાવરો એવો જ છે. વળી શબ્દનો અંત ‘ઈકા’થી થતો હોવાથી તે અમુક ખાસ સ્થળ કે કક્ષ છે તેવો ભાસ પણ થાય છે. જો કે આને અંતે તેમણે પણ અન્યો શું કહે છે તે જાણવા મોકળું મન રાખી ચર્ચા આગળ વધારી.

કેમકે આખી ચર્ચા મેં શરૂ કરી હતી, તે કાર્યક્રમનું સંચાલન હું કરી રહ્યો હતો, એટલે મેં કહ્યું: “સવાલ પારકી ભાષા અને પોતિકી ભાષાનો નહી, પણ જ્યાં સુધી આપણી ભાષાના શબ્દો ઉપલબ્ધ હોય ત્યાં સુધી પારકા શબ્દ ન લેવાનો છે. નવા શબ્દો બનાવીએ તો પણ પોતાની ભાષાના વિકાસ અર્થે, અન્ય ભાષાના (ભલે ભારતીય ભાષા હોય કે આંગ્લ ભાષા) શબ્દોનો સહારો શું કામ લેવો? ‘અભ્યાસ’ શબ્દને આધારમાં લઈને જ નામ રાખવું હોય તો અભ્યાસખંડ કે અભ્યાસગૃહ શબ્દો આપણી ભાષામાં છે જ, પણ આ શબ્દો યાદ આવતાની સાથે જ સાહજિકતાથી શાળાનો વર્ગ યાદ આવી જાય. મેં હિંદીમાં અભ્યાસનો અર્થ મહાવરો થાય છે તેમ લખ્યું તેનું કારણ પણ આ જ હતું, કે ગુજરાતીમાં આ શબ્દ સાંભળતાવેંત શિક્ષણ યાદ આવે, જ્યારે હિંદીમાં સાંભળીએ ત્યારે પ્રેક્ટિસ યાદ યાવે. ભગોમં પ્રમાણે [ સં. અભિ ( પાસે )+ અસ્ ( હોવું ) ] – पुं. – પડોશ; સમીપતા. અને અન્ય સંધિ એ જ ભગોમં મુજબ [ સં. અભિ ( તરફ ) + અસ્ ( જવું ) ] – पुं. – ભણતર; પઠન. ૧. અભ્યાસ કરવો = (૧) અનુભવ કરવો. (૨) ધ્યાનમાં લેવું. (૩) ભણવું; શીખવું. (૪) મનન કરવું; વિચાર કરવો. ૨. અભ્યાસ જોવો-તપાસવો = પરીક્ષા લેવી. હા, આ ઉપરાંત પણ અભ્યાસ શબ્દના અનેક અર્થો આપ્યા છે. હવે અભ્યાસિકા વિષે: ભગવદ્ગોમંડલમાં ‘અભ્યાસક’ શબ્દ છે જેનો અર્થ થાય છે [ સં. અભ્યસ્ ( ભણવું ) + અક ( કર્ત્તૃવાચક પ્રત્યય ) ] – पुं. – પંડિત; વિદ્વાન., વિદ્યાર્થી; અભ્યાસ કરનારો. અને વિશેષણ રૂપે ભણતરમાં મંડ્યો રહેનાર. સામાન્ય સંસ્કૃત વ્યાકરણના નિયમ મુજબ ‘ઈકા’ પ્રત્યય પુર્લિંગમાંથી સ્ત્રીલિંગમાં પરિવર્તન દર્શાવે છે. જેમકે, લેખક-લેખિકા, નાયક-નાયિકા, બાલક-બાલિકા, અધ્યાપક-અધ્યાપિકા, શિક્ષક-શિક્ષિકા, વગેરે. એ ન્યાયે ‘અભ્યાસક’નું સ્ત્રી વાચક રૂપ બને ‘અભ્યાસિકા’, જેનો અર્થ થાય પંડિત સ્ત્રી, વિદ્વાન સ્ત્રી, વિદ્યાર્થિની, અભ્યાસ કરનારી, વગેરે.” આ ફક્ત ફક્ત શબ્દોની સમજૂતી આપવાના જ હેતુથી મેં જણાવ્યું અને સાથે સાથે મૂળ વિકલ્પોનું ભંડોળ બહોળું થઈને આટલા શબ્દોમાં પરિણમ્યું: લેખનખંડ, ચર્ચાખંડ, સભાખંડ, લેખનાલય, રંગશાળા, અભ્યાસિકા, લેખનકુટિર, વિમર્શકુટિર, ચર્ચાકુટિર, ચર્ચાલય, અભ્યાસખંડ અને અભ્યાસગૃહ.

હવે ખરી રસાકસી જામી અને અભ્યાસિકાનો પ્રસ્તાવ લાવનાર મિત્રએ સંધિવિચ્છેદક મિત્રનો ખૂબ ખૂબ આભાર માનીને કહ્યું કે સરસ અર્થ સમજાવ્યો! અને તે શબ્દની સકારાત્મક વાતો જણાવવા બદલ પણ ખુશી અભિવ્યક્ત કરી અને વધુમાં જણાવ્યું કે સ્થળનું નામ અર્થસભર શબ્દ હોવાની વાત તેમને ગમી. એક વાત જે તેમણે અનુભવી તે એ હતી કે સંધિવિચ્છેદક મિત્રએ ભ.ગો.માંથી સર્વ એવા અર્થ સૂચવ્યા કે કેમ આપણે આ શબ્દ લઈ શકાય અને મેં (ધવલે) બધા એવા કારણો સૂચવ્યા કે કેમ આ શબ્દ ન લઈ શકાય! ફરી એક વખત તેમણે ચોથા મિત્રની સકારાત્મકતાને સલામ કરી!

હવે બીજા મિત્રએ કહ્યું કે, “અરે પણ આમાં શબ્દ કઈ ભાષાનો છે તે તો ચોખવટ થઈ જ નહિં?” સલામ કરનારા મિત્રને મેં કહ્યું કે મૂળ સંધિવિચ્છેદક ચોથા મિત્રએ સુચવેલો સંધિ વિચ્છેદ અને મેં ભગવદ્ગોમંડલના સંદર્ભને આધારે સૂચવેલો સંધિ વિચ્છેદ સરખાવીને જો તેમણે મારી નકારાત્મકતાને નવાજી હોત તો મને આથી પણ વધુ આનંદ થાત. પણ ખેર. ચર્ચા આગળ ચાલી અને અન્ય ભાષાના શબ્દને લગતા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “આપ હજુ યુવાન છો અને અપનો દ્રષ્ટિકોણ વિકસે તે અર્થે ખાસ તેઓએ આ જણાવ્યું, અત્યારે એમ માની લો કે અભ્યાસિકા એ શબ્દ કોઈ ભાષાનો નથી નવો તૈયાર થયેલો છે. તે શબ્દ અન્ય શબ્દો મેળાવીને બનાવવામાં આવ્યો છે. ભાષા ત્યારે જ વિકસે જ્યારે તેમાં નવા શબ્દો ઉમેરાય એમ મારું માનવું છે ભાષા માં વપરાતા શબ્દો તે ઓપન સોર્સ ડોમેનમાં છે અને જ્યાં શબ્દની જરૂર જણાય ત્યાં નવા બનાવી અને વાપરવાની છૂટ તે ભાષીને હોય છે. પહેલાં મને લગતું કે મારો વિચાર નિજી છે અને ભૂલ ભરેલો હોઈ શકે. પણ એક પીઢ ગાંધીવાદી ગુજરાતી ભાષાના જાણકારએ પણ મારા દ્રષ્ટિકોણનું સમર્થન કરેલું (અન્ય બે મિત્રો પણ એ વાર્તાલપમાં હતા), ત્યારથી મારી માન્યતા દ્રઢ બની છે. હવે તમે કહેશો કે ભાષામાં પહેલેથી શબ્દ હોય તો શું જરૂર છે? અરે ભાઈ, હું કહીશ આપણી આદિ ભાષા સંસ્કૃતમાં અને તે થકી ગુજરાતીમાં પાણી માટે જળ શબ્દ મોજુદ છે તો નીર અને કેટકેટલાય અન્ય સમાનાર્થી શબ્દોની શી જરૂર જ્યારે નીર પહેલેથી મોજુદ હતો. તે સમયનો સાહિત્ય સમાજ કેટલો મુક્ત દ્રષ્ટિકોણ ધરાવતો હશે કે જેથી આટઆટલા નવા શબ્દો આપણને મળ્યા. તો આપણે શા માટે એવું સંકુચિત વલણ ધરાવીયે કે નવા શબ્દો ને સ્થાન ન જ હોય.”

તેઓએ થોડું વધુ રીસર્ચ કર્યું અને ગુજરાતી લેક્સિકોન પ્રમાણે અભ્યાસિકા એક ગુજરાતી શબ્દ છે તેમ શોધી લાવ્યા જેથી હવે તે પરભાષી શબ્દ હોવાની શંકા ગઈ. ગુજરાતી લેક્સિકન મૂજબ તેનો અર્થ ” (૧) અભ્યાસપૂર્વક લખાયેલી પુસ્તિકા. (૨) કરેલા અભ્યાસની ટૂંકી નોંધ રાખવાની પોથી.

તેમના સંશોધન બદલ આભાર વ્યક્ત કરીને મે મારું સંભાષણ આગળ ચલાવ્યું, “અભ્યાસક શબ્દ પરથી અભ્યાસિકા બને તેમ તો મેં પણ ઉપર જણાવ્યું જ છે અને માટે શબ્દ ગુજરાતી ગણી શકાય તેમ તારણ કાઢવું. પણ તેના અર્થો જે મેં તારવ્યા હતા અને જે તમે ગુજરાતી લેક્સિકનમાંથી મેળવ્યા છે તે બધામાં ક્યાંય આ શબ્દનો અર્થ ‘સ્થળ’ કે ‘કક્ષ’ને અનુલક્ષીને થયો નથી તે પણ અત્રે ધ્યાન રાખવું. અને ગાંધીવાદી સાથેની ચર્ચામાં તેમણે એમ પણ કહ્યું હતું કે નવો શબ્દ એવો શોધવો કે જેનો અર્થ સરતો હોય અને જે સંદર્ભે વાપરતા હોઇએ તેને અનુરૂપ હોય.”

બસ, આટલે આવીને અમારી ચર્ચા અટકી ગઈ તે અટકી ગઈ. એ પછી કોઈ જવાબ ના મળ્યો. લાંબા સમય સુધી રાહ જોઈને હું થાક્યો એટલે તમારું મગજ ખાવા આવ્યો છું. હમણાં ભદ્રંભદ્રને અક્ષર દેહ આપી રહ્યા છીએ એટલે જરા આર્યભાષાનો પ્રયોગ કર્યો છે જે તમારે સહુએ સહન કરવો રહ્યો. અને એમાંય ખાસ કરીને ભદ્રંભદ્રના કોર્ટ કેસ પર કામ કરી રહ્યો હોવાથી દાખલા-દલીલો જરા વધારે છણાવટથી રજૂ કર્યા છે.

Advertisements

DjVu

આ DjVu એ મૂળ ફ્રેન્ચ શબ્દો Déjà vuનું ટૂંકાવેલું સ્વરૂપ છે. Déjà vuનો શબ્દશ: અર્થ થાય છે, ‘પહેલા જોયેલું’. આ શબ્દ મોટે ભાગે આપણે બધાએ ક્યારેકને ક્યારેક કરેલા એ અનુભવને વર્ણવવા માટે વપરાય છે, જેમાં આપણે વર્તમાનમાં જે ઘટનામાંથી પસાર થઈ રહ્યા હોઈએ, તે જ ઘટના આપણી સાથે પહેલા ઘટી ચુકી હોવાનો દૃઢ પણે અહેસાસ કરીએ છીએ. આ એક માનસિક સ્થિતિ જ છે, જેમાં કંઈ અસામાન્યતા કે ચિંતા કરવા જેવું નથી હોતું.

પણ, હું અત્યારે તે માનસિક સ્થિતિની કે એ Déjà vu અનુભવની વાત નથી માંડતો. આ DjVu કમ્પ્યૂટરની ફાઇલનો એક પ્રકાર છે. જેમ .jpg, .pdg, .png, .gif, .doc, વગેરે ફાઇલ એક્સ્ટેન્શન્સ છે તેમ જ .DjVu પણ એક ફાઇલ એક્સ્ટેન્શન છે. આ એક્સ્ટેન્શન સ્કેન્ડ ઇમેજીસ સાથે સંકળાયેલું છે. જેમ કોઈ કાગળને સ્કેન કરીને સામાન્યત: તેને .pdf ફોર્મેટમાં સેવ કરતા હોઈએ છીએ તે જ રીતે આ .DjVu ફોર્મેટમાં સેવ કરી શકાય છે. આ ઉપરાંત તે ઓપન ફાઇલ ફોર્મેટ છે અને તેના ડેવલપર્સ તેને ઓપન સોર્સ તરિકે વહેંચે પણ છે. હવે આ બધી ટેકનીકલ વસ્તુઓનો અર્થ એમ થાય કે આ સરળતાથી ઉપલબ્ધ અને મફત મળતું ફાઇલ એક્સ્ટેન્શન છે. .DjVu ફાઇલો ખોલવા માટે વિવિધ સોફ્ટવેર્સ ઉપલબ્ધ છે, અને બ્રાઉઝર પ્લગ-ઇન્સ પણ ઉપલબ્ધ છે, જે જો તમે તમારા બ્રાઉઝર (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા, ગુગલ ક્રોમ, વગેરે)માં ઇન્સ્ટોલ કર્યું હોય તો જેમ .pdf ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ખુલે છે, તેમ આ ફાઇલ પણ તમે ખોલી શકો. હવે પ્રશ્ન ઉઠે કે જો તેમાં અને pdfમાં ફેર ના હોય તો શું કામ આ વાપરવું? તો જવાબ છે, કે તે બંનેમાં ફેર છે. સીધો સાદો ફરક એ કે આ ફોર્મેટમાં બનાવેલી ફાઈલનું કદ pdf અને jpgની સરખામણીએ નાનું હોય છે. અને સામ્યતા એ છે કે આમાં પણ ટેક્સ્ટ સર્ચ અને OCR (ઑપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન)ની સુવિધા તો ઉપલબ્ધ છે જ. એટલે બધી રીતે સ્કેન કરવામાં આવતી ઇમેજીસ માટે આ સારામાં સારું ફાઇલ ફોર્મેટ છે. pdf ફાઇલોને સહેલાઈથી DjVuમાં ફેરવી શકાય છે.

હવે મૂળ મુદ્દા પર આવીએ. આ નામે વિકિસ્રોતમાં એક એક્સ્ટેન્શન છે જેની વાત હું અહીં કરવાનો છું. હવે પાછું થશે કે આ વિકિસ્રોત વળી શું છે? તમે સહુએ વિકિપીડિયા તો સાંભળ્યું જ હશે, અને ગુજરાતી બ્લૉગ વાચકોને ખ્યાલ હશે જ કે ગુજરાતી ભાષામાં પણ વિકિપીડિયા છે, જેમાં ૨૨,૦૦૦થી વધુ લેખો છે. આ વિકિપીડિયાનો ભાઈ કે બહેન જે કહો તે વિકિસ્રોત, જે મૂક્ત સાહિત્યકોશ છે. એટલે કે સાહિત્યની એવી કૃતિઓ કે જેના પર હવે કોઈ પ્રકાશનાધિકારો રહ્યા નથી, તેનો સંગ્રહ. અમે (હું, અશોકભાઈ અને અન્ય ગુજરાતી વિકિપીડીયનો) ત્રણ વર્ષથી ગુજરાતી વિકિસ્રોતની માંગ કરી રહ્યા હતાં, જે ત્રણ દિવસ પહેલા સંતોષાઈ અને ૨૭ માર્ચના દિવસે ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. અમે લોકોએ ત્યાં ૧૦૦૦થી વધુ કૃતિઓ પહેલેથી જ સંગ્રહી રાખી છે, જેમાં મહદંશે ભજનો, આરતિઓ, સ્તોત્રો, ગરબા, લોકગીતો જેવી જનસહજ કૃતિઓ છે. પણ આ ઉપરાંત અમે ત્યાં ગાંધીજીના પુસ્તકો ચઢાવવાનું પણ શરૂ કર્યું. પહેલી કૃતિ અમે લીધી રચનાત્મક કાર્યક્રમ જે સહકાર્ય વડે ફક્ત પાંચ જ દિવસમાં અમે સુશાંતભાઈ સાવલાના માર્ગદર્શન હેઠળ પૂરી કરી અને હાલમાં અશોકભાઈની રાહબરી હેઠળ અમે સત્યના પ્રયોગો પર કાર્ય કરી રહ્યા છીએ.

સ્વાભાવિક રીતે જ પુસ્તકને ડિજીટાઇઝ કરવાનો એક જ માર્ગ છે, તેને ટાઈપ કરવું. અંગ્રેજી અને અન્ય રોમન સ્ક્રિપ્ટમાં લખાતી ભાષાઓને ફાયદો થયો છે OCR સોફ્ટવેર્સનો, જેમાં સ્કેન ઇમેજમાં રહેલું લખાણ આપોઆપ ઇમેજ સ્વરૂપે ન રહેતા ટેક્સ્ટ સ્વરૂપે ફેરવાઇ જાય છે. પણ આપણી ભારતીય ભાષાઓ માટે આવું કોઈ અસરકારક OCR સોફ્ટવેર ઉપલબ્ધ નથી. માટે આપણે ના છૂટકે ટાઈપ કરીને જ ગુજરાન ચલાવવું પડે. આમ કરવા માટે બે જ રસ્તા છે, પુસ્તક સાથે લઈને બેસો, અને તેમાંથી જોઈ-જોઈને ટાઇપ કરો. મારા જેવા જેની પાસે પુસ્તક ના હોય તેને અશોકભાઈ જેવા સેવાભાવી લોકો સ્કેન કરીને ઇમેજ મોકલે અને અમે પ્રિન્ટ કરી, તે પ્રિન્ટઆઉટમાં જોઇજોઇને ટાઇપ કરીએ. આમ કરવામાં ગરદન ઉંચેનીચે કરવી પડે. જો એવું ના કરવું હોય તો મારા જેવા લોકો એક સાથે બે વિન્ડો ખુલ્લી રાખી એક બાજુ સ્કેન્ડ ઇમેજ રાખે અને બીજી બાજુ વિકિસ્રોત ખુલ્લું રાખે જેમાં ટાઇપ કરીએ. આમ, એક જ સ્ક્રીન પર મૂળ સ્રોત અને તેનું નવું ગંતવ્ય બંને દેખાય, ગરદનને ઓછો શ્રમ પડે. આ જ કામ જરા અલગ રીતે કરવા માટે અમારા આ વિકિસ્રોતમાં એક સુવિધા છે જેને કહે છે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન. તેમાં આ DjVu કે pdf ફાઇલો અપલોડ કરીને તેને વિકિસ્રોતમાં જ એક બાજુએ રાખીને બાકીના અડધા સ્ક્રીનમાં ટાઇપ કરવાની સગવડ આપવામાં આવે.

How I digitise

સ્કેન ઇમેજને ટાઇપ કરવાની મારી પદ્ધતિ

Screenshot of DjVu extension

DjVu એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીને બનાવેલું મલયાલમ વિકિનું પુસ્તક

જે લોકો પારંપરિક રીતે ચોપડી કે કાગળો જોઈને ટાઇપ કરતા આવ્યા છે તેમને આ સુવિધા આશીર્વાદ સમાન લાગે, પણ મને મારી ગોઠવણમાં અને આ સુવિધામાં કોઈ ફેર જણાતો નથી. ઉલટાનું હું મારી ગોઠવણ વધુ સુવિધાજનક માનું છું. કારણકે ટાઇપ થઈ ગયા પછી, જે તે પાનું એકદમ સ્વચ્છ દેખાય છે, અને લખાણ આખા સ્ક્રીન પર વહેંચાયેલું હોય છે. જ્યારે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન વાપરીને બનાવેલા પુસ્તકમાં અડધો સ્ક્રીન ઇમેજ રોકે અને અડધા સ્ક્રીનમાં ટાઇપ કરેલું લખાણ દેખાય. મારા મનને આ ફુવડ વસ્તુ લાગે છે (ઉદાહરણ તરીકે અંગ્રેજી વિકિસોર્સનું આ પાનું જુઓ). પણ સાથે સાથે એનો એક ફાયદો એ છે કે તેમાં ટાઇપિસ્ટે કરેલી ભૂલ ભવિષમાં જો કોઈ અન્ય વ્યક્તિ પ્રૂફ રીડર તરીકે કામ કરતી હોય તો તેની પાસે પુસ્તક ના હોવા છતાં તે પ્રૂફ રીડ કરી શકે છે. જ્યારે મારા કેસમાં જે પ્રકરણ અશોકભાઈએ મને ના ફાળવ્યું હોય કે જેની કોપી મને સ્કેન ના કરી હોય તેનું પ્રૂફ રીડીંગ હું કરી શકું નહી, કેમકે મારી પાસે મૂળ સ્રોત ના હોય. પણ જો તેમાં પણ મારી ગાંધીજીના અગિયાર મહાવ્રતોમાંના એકને અનુસરતા હોઈએ, તો “જાતે મહેનત”ના સૂત્રને અનુસરીને આપણે કરેલા ટાઇપિંગનું પ્રૂફ રીડ પણ જો આપણે જ કરી લઈએ તો આ બધી ઝંઝટમાંથી ટળી શકીએ છીએ.

જો તમે વિકિપીડિયામાં કામ કરતા હોવ તો તમને વિકિસ્રોતમાં પણ આમંત્રણ છે, જો ના કરતા હોવ તો તમને વિકિપીડિયા અને વિકિસ્રોત બંનેમાં જોડાવા માટે આમંત્રણ છે. અને જો તમને જોડાઈને યોગદાન કરવામાં રસ ના હોય તો એટલિસ્ટ અમે કરેલી મહેનતનો લાભ ઉઠાવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અમે રાંધ-રાંધ કરીશું અને કોઈ જમશે નહી તો શું કામનું?

અને હા, જો તમે વિકિસ્રોતમાં યોગદાન કરતા હોવ તો આ લેખ વાંચ્યા પછી આ DjVu એક્સ્ટેન્શન વિષે વધુ જાણકારી મેળવવા માટે મારો સંપર્ક અહિં કે મારા વિકિસ્રોત અને વિકિપીડિયાના ચર્ચાનાં પાનાં પર કરી શકો છો. તથા વધુ વાંચન માટે શીજુ એલેક્સનો આ બ્લૉગ વાંચવો. ગુજરાતી વિકિસ્રોતના સભ્યોને જો આ એક્સ્ટેન્શન ઉપયોગી જણાય તો મને ત્યાં જણાવવા વિનંતી, આપણે તે વિષે વધુ ચર્ચા કરીને તે માટે ઘટતું કરી શકીએ.

માતૃભાષા (Charity begins at Home)

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે મુરબ્બી શ્રી. દીપકભાઈના બ્લૉગ પર પ્રસિદ્ધ થયેલી આ પોસ્ટ અને છેલ્લી ૨-૩ પોસ્ટ્સ પરની ચર્ચાઓમાંથી મને આ લખવાની પ્રેરણા મળી છે. મારો પોતાના ઘરનો દાખલો છે…

અમે જ્યારે યુ.કે. આવ્યા ત્યારે પૃથા ૩ વર્ષની હતી. સ્વાભાવિક રીતે જ અહીં આવીને તેણે નર્સરી જવાનું શરૂ કર્યું. ભારતમાં હતા ત્યારે પણ અંગ્રેજી માધ્યમની શાળામાં તેને મુકી હતી તેથી થોડું-ઘણું તો એને ફાવવાનું જ હતું, પરંતુ આપણે ત્યાંની શાળાઓ ભલે અંગ્રેજી માધ્યમની હોય પણ શિક્ષક સુચનાઓ તો હિંદીમાં જ આપતા હોય, એટલે મને અને શેફાલીને સૌથી મોટી ચિંતા હતી કે પૃથાને એકી-પાણી કરવા જવું હશે તો કેવી રીતે કહેશે? એને અમે “કેન આઇ ગો ટુ ટોયલેટ?” અને “આઇ વોન્ટ વોટર” આ બે વાક્યો બરાબર શીખવાડ્યા હતા. પણ નસિબ જોગે એને અંગ્રેજી શાળામાં કોઈ જ તકલીફ પડી નહી (કેહે છે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે). ઘરમાં અમે તેની સાથે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખતાં.

પણ જેમ-જેમ એ મોટી થતી ગઈ તેમ-તેમ તેનો અંગ્રેજીનો વપરાશ વધવા માંડ્યો. એ બીજા ધોરણમાં આવી ત્યારે લગભગ સદંતર ગુજરાતી બોલવાનું બંધ કરી દીધું. અમે બોલીએ તે સમજી જાય પણ જવાબ અંગ્રેજીમાં જ આપે. અહીં યુ.કે.માં થોડાઘણા ગુજરાતી પરિવારોને ઓળખતો થયો હતો, જે બધાં જ આફ્રિકાથી ૭૦ના દાયકામાં અહીં આવીને વસ્યા હતા. તેમના બાળકો ઘરમાં બીલકુલ ગુજરાતી બોલતા નથી. મને નવાઈ એ વાતની લાગતી કે મા-બાપ જે બોલે તે બાળકો સમજી જાય, પણ બોલી ના શકે તે કેવી રીતે શક્ય છે? હવે જ્યારે મારી પોતાની પણ એ જ પરિસ્થિતી ઉભી થઈ ત્યારે મેં જાણ્યું. પૃથાને પુછ્યું કે બેટા ગુજરાતીમાં કેમ નથી બોલતી? તો જવાબ મળ્યો કે શાળામાં બધા અંગ્રેજીમાં જ વાતો કરે છે એટલે આપણે પણ અંગ્રેજી જ બોલવું જોઇએ. મને કાંઇ સમજાયું નહી. અમારા પડોશમાં બીજા પણ ભારતીય પરિવારો રહેતા અને તેમાંથી એક પરિવાર સાથે અમારે સારો એવો ઘરોબો થઈ ગયો હતો. તે લોકો તમિલ ખ્રિસ્તી હતાં. તેમનો છોકરો નિખિલ પણ પૃથાના ક્લાસમાં જ હતો. તેણે પણ ઘરમાં તમિલ બોલવાનું બંધ કરી દીધું હતું. આ છોકરાઓ પહેલા એકબીજા સાથે ભાંગીતુટી હિંદીમાં પણ વાતો કરી લેતા, પણ હવે અંદરોઅંદર પણ અંગ્રેજીમાં જ વાત કરતા.

હવે મને લાગ્યું કે આ અંગ્રેજીના મૂળ ક્યાંક ઉંડા લાગે છે. એટલે મેં પૃથાને સાથે બેસાડીને વિસ્તારથી પુછ્યું તો તેણે કહ્યું કે ગુજરાતી કે હિંદીમાં વાતો કરવામાં શરમ આવે છે, કેમકે બીજા બધા અંગ્રેજી બોલતા હોય છે. અમે એને સમજાવી કે બેટા સાચી વાત છે, શાળામાં ભલે અંગ્રેજીમાં બોલો પણ ઘરે તો ગુજરાતીમાં જ બોલવું. બીજા દીવસે તેને શાળાએ મુકવા ગયા ત્યારે ઇસ્ટર્ન યુરોપિયન્સના છોકરાઓ પણ હતાં જેમને મુકવા તેમના મા-બાપા આવ્યા હતા. તે લોકો તેમને બાય પણ તેમની ભાષામાં જ કહેતા હતા. પૃથાને આ બતાવ્યું અને સાંજે ફરીથી સમજાવ્યું કે જો બેટા તેમને તો શરમ નથી આવતી તો આપણને આપણી ભાષામાં બોલવામાં શેની શરમ? આ ઉપરાંત આ દેશની, અને ખાસ કરીને લંડન શહેરની શાળાઓની એક સારી વાત એ છે કે અહીં અમુક દ્વિભાષી પુસ્તકો રાખવામાં આવે, જેમાં વાર્તાઓ અંગ્રેજી અને તમારી ભાષા એમ બંનેમાં હોય. આવા ૨-૪ પુસ્તકો શાળામાંથી લીધા અને તેને બતાવ્યા કે જો બેટા આપણી ભાષાનો વપરાશ શરમજનક હોય તો તમારી શાળામાં આપણી ભાષાના પુસ્તકો કેમ હોય છે? કેમ તમારા શિક્ષકો ફક્ત અંગ્રેજી પુસ્તકો જ નથી રાખતા? એક-બે દિવસ આ ખચવાટ રહ્યો, પણ પછી તેની જાતે જ એ ગુજરાતીમાં અમારી સાથે વાતો કરતી થઈ ગઈ.

આજે એ વાતને પાંચ વર્ષ વિતી ગયા, એ મોટા ધોરણમાં પણ આવી ગઈ, પણ એ અને વ્રજ બંને ઘરમાં ગુજરાતી જ બોલે છે. ઘણી વખત એને ભણાવતી વખતે કે એ કશુંક પુછે તે સમજાવતી વખતે હું અજાણપણે અંગ્રેજી પર ચઢી જઉં તો તે મને ટોકીને કહે કે, “પપ્પા તમે મારી સાથે અંગ્રેજીમાં કેમ વાત કરો છો?” અરે ઘરે ગુજરાતી છાપું મંગાવીએ છીએ તે વાંચતા પણ હવે તો પૃથા શીખવા માંડી છે. મારા પેલા પડોશીના છોકરા આજે પણ તમિલ બોલતા નથી થયાં. હવે તો તે બાળકો એવો વર્તાવ કરે છે કે તે તમિલ સમજતા પણ ના હોય, મા-બાપને પણ અંગ્રેજી બોલવા મજબૂર કરે છે. મેં તેને ઘણીવાર કીધું કે તું પણ તેમની સામે દાંડાઈ કર કે, તને અંગ્રેજી નથી સમજાતું. ખાવા બેસે ત્યારે ત્યારે જો એ લોકો અંગ્રેજીમાં કશું માગે તો ના આપ, તમિલમાં જવાબ આપ કે મને અંગ્રેજી નથી સમજાતું, પાપી પેટ કા સવાલ હૈ, છોકરાઓ ૪ દિવસમાં તમિલ બોલતા ના થાય તો મને કહેજે. પણ તેની તૈયારી નથી, કદાચ તે હરખાતો પણ હશે કે તેના છોકરા કેટલા એડ્વાન્સ્ડ છે કે ફક્ત અંગ્રેજી જ બોલે છે.

થોડો આગ્રહ રાખવાથી અને બાળકોને કેળવણી આપવાથી તે આપણી ભાષાનું જતન કરતા થઈ જ જાય છે. પહેલ આપણે કરવાની હોય છે, બાળકો તો આપણી પાસેથી પ્રેરણા લેવાના જ છે.

તા.ક.: માતૃભાષા દિને શક્ય તેટલી જગ્યાએ અંગ્રેજી શબ્દો ટાળવાનો પ્રયત્ન કર્યો છે, ફરી પાછી એ જ દીપકભાઈની ગુજરાતી ભાષાના ધોવાણને લગતી પાછલી પોસ્ટ પરથી જ પ્રેરણા લઈને ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે, કદાચ ક્યાંક કૃત્રિમ લાગે પણ ચલાવી લેવા વિનંતી છે.

ભારતીય અંક પ્રણાલી

આપણી પૌરાણિક/વેદિક અંક પ્રણાલી એટલી તો સક્ષમ છે કે સૌથી પહેલાં આપણા ગણિત શાસ્ત્રો અને વેદોમાં એકની પાછળ ૫૦ મીંડા આવે ત્યાં સુધીની સંખ્યાઓનાં નામ મળી આવે છે. આમાંથી અબજ, ખર્વ, નિખર્વ, વગેરેતો ખુબ જ સહજ રીતે સહુને જ્ઞાત છે. દલીલ કરીએ તો આધુનિક અંગ્રેજી મિલિયન/બિલિયન/ટ્રિલિયન વાળી અંક પ્રણાલીમાં તેથી પણ આગળ સુધી ગણતરી જાય છે, પણ તે અંક પ્રણાલી તદ્દન નવી છે. વાત છે આપણા ભવ્ય વારસાની.

પણ જ્યારે સમાચાર પત્રો (છાપાં) અને અન્ય પ્રચાર માધ્યમોને કરોડની ઉપર ગણતરી કરવાની હોય ત્યારે પાંગળા બની જતાં જોઉં છું ત્યારે દુ:ખ થાય છે. કેમકે જે જ્ઞાન આપણને અંગ્રેજોની ગુલામીને કારણે અને અંગ્રેજોએ મારી-મચડી નાંખેલા આપણા ઇતિહાસથી અભિભૂત થયેલા મારા જમાનાના પાઠ્યપુસ્તક રચયિતાઓએ નહોતું આપ્યું, અને જે જ્ઞાન કદાચ આજે પણ શાળાઓમાં નથી અપાતું, તે જ્ઞાન આપણને આ છાપાં, ટીવી ચેનલો, વગેરેમાંથી જ મળી રહે છે. જ્યારે છાપાંઓની વાત કરીએ છીએ ત્યારે એ જાણવું પણ અગત્યનું છે કે ગુજરાતી અખબાર જગતમાં અગ્રેસર ગણાય એવાં ત્રણ મુખ્ય છાપાંઓ ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર, આ ત્રણેયે ક્યારેકને ક્યારેક તો આપણને આ જ્ઞાન આપ્યું વહેચ્યું જ છે. જુઓ ગુજરાત સમાચારનો આ લેખ, સંદેશનો આ, અને દિવ્ય ભાસ્કરનો આ લેખ. હવે આ જ્ઞાન આપણને વહેંચ્યું તો શું તેમના પત્રકારો, સંપાદકો અને તંત્રીઓને નહીં વહેંચ્યું હોય? જનતાને આ બધું જણાવ્યા પછી પણ જ્યારે સરકારના ગોટાળાઓની સંખ્યા લખવાની આવે ત્યારે તે લોકો હજાર કરોડ અને દસ હજાર કરોડ જેવા કૃત્રિમ એકમો કેમ લખતા હશે તે સમજાતું નથી.

ટીવી ચેનલો તો ફક્ત પાશ્ચાત્ય જગત (યુએસએ અને યુકે, સોરી અમેરિકા અને લંડન)નું થુંકેલું ચાટવામાંથી ઉંચી નથી આવતી એટલે તેમની પાસેથી તો આવી અપેક્ષા રાખવી નિરર્થક છે. તેમનો તો ઘણી વખત પાડ માનું છું કે એ લોકોની એટલી મહેરબાની છે કે શક્ય તેટલો મિલિયન, બિલિયન વગેરેનો ઉપયોગ ટાળે છે.

છેલ્લો આક્રોશ આપણા શિક્ષણ જગત પર છે. શું શાળાઓમાં બાળકોને આ સંખ્યાઓ ભણાવવી એ આપણું કર્તવ્ય નથી? દર ૪-૫ વર્ષે પાઠ્ય પુસ્તકો બદલાય છે, કયા પાઠ્ય પુસ્તકમાં આ સબબનું શિક્ષણ આપવામાં આવ્યું છે આજ સુધી કોઈ કહી શકશે? આપણા લોકલાડીલા ન.મો. પણ ‘વાંચે ગુજરાત‘ જેવા અભિયાનો ચલાવે છે, પણ ‘સાચું ભણે ગુજરાત‘ જેવું અભિયાન ચલાવવાનો સમય હવે પાકી ગયો છે તેવું તે ક્યારે સમજશે? જ્યારે કેન્દ્રમાં જશે ત્યારે ‘સાચું ભણે ભારત‘ અભિયાન ચલાવવા માટે આ મુદ્દો તેમણે સાચવી રાખ્યો છે કે શુ?

આજનો શબ્દ-પિષ્ટપિંજણ

આજે અચાનક એક મિત્રને તેમના સંદેશાનો જવાબ લખતાં આ શબ્દ યાદ આવી ગયો. ચકાસવા માટે ભગવદ્ગોમંડલ ખોલ્યું ત્યારે ત્યાં આ શબ્દ યથાસ્વરૂપે ના મળતાં નવો શબ્દ મળ્યો-પિષ્ટપેષણ. હવે અવઢવ (અરે વાહ, બીજો શબ્દ) પેદા થઈ, કે સાચું શું? પિષ્ટપિંજણ કે પિષ્ટપેષણ. પણ ખાડિયાનું પાણી કાંઈ એમ હાર માને? આપણો શબ્દ ખોટો કેમ હોય? ગુગલ સર્ચ કરતાં એક-બે નહી પુરા ૭૨ પરિણામો મળ્યાં અને હા, તેમાં નંબર ૧ ગુજરાતી વેબસાઈટનો પણ સમાવેશ થઈ જાય છે. મારા શબ્દની સંધિ છુટી પાડી વધુ સંશોધન કરતાં:

પિષ્ટ= પીસેલું; કૂટેલું; દળેલું; ભૂકો કરેલું; લોટ કરેલું. અને
પિંજણ= લંબાણથી ચર્ચા કે ચકચાર કર્યા કરવી તે; કંટાળો આપે એવું ટાયલું; લંબાવવું તે; ચૂંથવું કે ફેદવું તે; વારંવાર એકની એક વાત કર્યા કરવી તે.

માટે, જેમ ગણિતમાં અ=૩ અને બ=૨ તો અ+બ=૫ થાય, તે સમીકરણ પ્રમાણે પિષ્ટ+પિંજણ=પિષ્ટપિંજણ તદ્દન સાચું પડે.

જો જો ભાઈ, આ પોસ્ટને પિષ્ટપિંજણ ના ગણી લેતા….

મોટો થઈને શું બનીશ?

આજે સવારે વ્રજ ઊઠીને આવ્યો અને મારા ખોળામાં બેઠો અને મને વળી શું સુજયું તે મેં થોડી વાર એને લાડ કરીને પુછ્યું, “ભૈલુ, તું મોટો થઈને શું બનીશ બેટા?”

એટલે એની વિચાર પ્રક્રિયા ચાલું, અં…. અં…… અં……

છેવટે મેં તેને પર્યાય આપવા માંડયા, ડૉક્ટર? એન્જિનિઅર? એસ્ટ્રોનોટ? સાયાન્ટિસ્ટ? સૉફ્ટવેર એન્જિનિઅર? ટીચર? …… અને બધાનો જવાબ હતો…. “ના

હારીને મેં તેને પૂછયું, “તો શું બનીશ?”

અને નહી કલ્પેલો જવાબ મળ્યો, “જે’ જે’ (ભગવાન)”.

હું ખુશ થઈ ગયો અને મેં એને કીધું કે સરસ બેટા, તો તું જે’ જે’ જ બનજે, વંઠી ના જઈશ, એટલે સવાલ થયો, “એટલે શું?”

મેં કીધું કે એટલે એમ કે તું બગડી ના જઈશ (આ વિદેશની ધરતી પર તો એ જ મોટી બીક ને ભાઈ). એટલે એણે તરતજ સામે ટીવી પર પડેલી નાના કૃષ્ણની મૂર્તિ બતાવીને જવાબ આપ્યો, “પણ આતો આવો જ છે ને!”

મેં એને પૂછ્યું કે, આવો એટલે કેવો?

તો મને બ્રહ્મજ્ઞાન આપતો જવાબ મળ્યો, “જો ને, આવો જ છે ને? ચૂપ-ચાપ બેસી રહે છે, કશું બોલતો નથી, હલતો નથી, એતો બગડી જ ગયો છે ને!”

Vraj and Krishna in background

Vraj Kishor & Krishna

ત્યારે મને ભાન થયું કે એને મન બગડી જવું એટલે કોઈક વસ્તુનું કામ કરતાં અટકી જવું. એની પાસે ઉપર બેસીને ચલાવી શકાય તેવી રિચાર્જેબલ મોટર બાઈક છે, જેની બેટરી ડાઉન થઈ જાય અને ચાલે નહી ત્યારે તે બાઈક બગડી જાય છે. એટલે કનૈયો પણ બગડી ગયો છે. અને માટે જ તે મોટો થઈ ને જે’ જે’ બને અને બગડી ના જાય તે કેવી રીતે શક્ય બને?

જે ભાષા આપણને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ?

મને ભારતથી દૂર રહીને પણ, ભારત અને ખાસ કરીને મારા અમદાવાદ-ગુજરાતના સમાચાર વાંચવાની ચટપટી હંમેશા રહેતી હોય છે, અને માટે જ જ્યારે સમય મળે ત્યારે ગુજરાતી છાપાઓની વેબસાઈટ્સ ખોલી લેતો હોઉં છું. સાચું કહું તો ‘ગુજરાત સમાચાર’ માટે મને હંમેશા લગાવ રહ્યો છે, કારણ કદાચ એ હોઈ શકે કે બાળપણથી ઘરમાં તે વાંચતો આવ્યો છું, પરંતુ છેલ્લા થોડા સમયથી તેમાં જે વાસી સમાચારો છપાય છે તેના કારણે જરા તે પ્રેમ ઓછો થઈ ગયો છે, અને દિવ્ય ભાસ્કર પ્રત્યેનો પ્રેમ તેના ત્વરિત સમાચાર આપવાના ગુણને કારણે વધ્યો છે. પરંતુ, ‘દિવ્ય ભાસ્કર’માં લખવામાં આવતી લેખન શૈલિ, મુખપૃષ્ઠ પરની બિભત્સ તસવિરો, હિંદી મિશ્રિત ભાષા જેવા અનેક અવગુણો હંમેશા ખુંચતા રહ્યા છે. આજે તો ‘દિવ્ય ભાસ્કરે’ હદ જ કરી નાંખી, એક સમાચારનાં શિર્ષકમાં તેણે લખ્યું છે, “બુધવારનો દિવસ અપસુકનીયાર સાબિત થયો”, હવે આપ જ કહો કે આ “અપસુકનીયાર” શબ્દનો શું અર્થ થાય? શું દિવ્ય ભાસ્કર પાસે કોઈ ગુજરાતી બોલતા, પત્રકારો, ટાઈપિસ્ટો કે પ્રુફ રિડરો નથી? કે શું તેની પાસે ગુજરાતી શબ્દકોષ કે ગુજરાતી જોડણીકોષ નથી? શું આ જ ગુણવત્તા છે ગુજરાતી ભાષાની જે આપણે આ કહેવાતા ગુજરાતનાં “લિડીંગ ન્યુઝ પેપર” પાસેથી અપેક્ષા રાખવી જોઈએ? “અપસુકનીયાર” ને બદલે સાચો શબ્દ “અપશુકનિયાળ” લખવામાં પણ શું દિવ્ય ભાસ્કરને અપશુકન નડતા હતા? મને વળી વળીને પ્રશ્ન થાય છે કે જે ભાષા આપને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ? ગુજરાતી ભાષા પ્રત્યેની આતલી બધી નિરસતા કેમ?

%d bloggers like this: