એમાં મેં શું ખોટું કહ્યું?

આજે એક ભાઈની સાથે વાત ચાલતી હતી. વાતમાંથી કોઈક ત્રાહિત વ્યક્તિની કાંઈક વાત નીકળી અને મેં પૂછ્યું કે તે ક્યાં રહે છે? જવાબ મળ્યો: “ન્યુ મણીનગરઅને મરી ભભકી. મેં કીધું કે મને સખત ગુસ્સો ચડે છે જ્યારે લોકો એક સ્થળના નામ પરથી બીજાનું નામ પાડે છે. તેઓ ઉવાચ: “એમાં શું થઈ ગયું યાર, તો ખાલી નામ છે“.

મેં એમને એક સવાલ પૂછ્યો, “માનો કે તમારે એક બાબો છે ચિંતન, ભગવાનની કૃપાથી તમારે ઘેર ફરી પારણું બંધાય અને અન્ય એક પૂત્રરત્ન અવતરે તો તમે ક્યારેય એનું નામનવો ચિંતનપાડશો? જવાબમાં તેઓ હસ્યા અને મેં ફેંકેલા બોલ પર ચોગ્ગો મારતા હોય એવા ભાવ સાથે બોલ્યા: “એક ઉપર બીજો બાબો તો ૨-૪ વરસમાં આવી જાય. મણીનગર પછી ન્યુ મણીનગર કાંઈ બેચાર વરસમાં થોડું બન્યું?” મને લાગ્યું કે અહિં સ્વિંગ બોલિંગથી કામ નહિ ચાલે એટલે મેં ગુગલી ફેંક્યો: “બરોબર છે. ચાલો બીજો પ્રશ્ન પૂછું કે તમારા માતુશ્રીનું નામ રમીલાબેન છે અને તમારા ઘરે ઈશ્વરના આશીર્વાદથી સુંદર કન્યા જન્મે છે. હવે તો તમે એનું નામનવી રમીલાપાડશોને? કે પછી રાજાઓમાં હોતુંતું એમરમીલા બીજીવધારે યોગ્ય રહેશે?” અને સાલું મારી ગુગલીએ કામ કર્યું. ભાઈ કહે, એવું તે કાંઈ હોતું હશે? અને અચાનક એમને કાંઈક કામ યાદ આવ્યું અને એમણે મારી રજા માંગી જે મેં આપી દીધી.

હવે તમે કહો, એમાં મેં શું ખોટું કહ્યું?

Advertisements

વિકિપીડિયા અને બ્લૉગ્સ-એક સરખામણી

માતૃભાષાના મંડપ નીચે – ૨ શીર્ષક હેઠળ મુરબ્બી શ્રી જુગલકિશોરભાઈએ વેબગુર્જરી પર પ્રસિદ્ધ કરેલા સંપાદકિય પર મેં કરેલી ટિપ્પણી

હું અહિં આવ્યો તો હતો વિકિપીડિયા વિષે જણાવવા, પણ મેં જોયું કે અત્યાર સુધીમાં મળેલી ત્રણે-ત્રણ કોમેન્ટ્સ વિકિપીડિયા વિષે જણાવી ચૂકી છે. હું વિકિપીડીયાનો પ્રબંધક છું અને ઉપરની ત્રણે કોમેન્ટ્સ સાથે સહમત થઉં છું, હા, મુરબ્બી શ્રી વોરા સાહેબે જણાવ્યું તેમાં અને પછીની યોગેશભાઈની કોમેન્ટમાં થોડો વિરોધાભાસ જરૂર છે, છતાં તે બંને સાથે સહમત છું. વ્યોમભાઈએ પણ સમજાવ્યું જ છે, જે એકદમ સાચું છે. અંગ્રેજી વિકિપીડિયા જેટલી ઝડપથી ગુજરાતી વિકિપીડિયામાં ફેરફારો નથી થતા, એનું મોટું કારણ બંનેના સંખ્યાબળમાં ૧:૧૦૦૦નો કે કદાચ તેથી દસ ગણો કે સો ગણો ગુણોત્તર પ્રમાણ છે. હશે, જે હોય તે. વિકિપીડિયાની સરખામણી બ્લૉગ્સ સાથે કોઈ કાળે ન થઈ શકે. જેમ વર્તમાન પત્રોની સરખામણી નવલકથાઓ સાથે, નવલકથાઓની સરખામણી વ્રતકથાઓ સાથે કે આ ત્રણેમાંથી કોઈની પણ સરખામણી ગુજરાતી વિશ્વકોશ સાથે ન થઈ શકે, અને ગુજરાતી વિશ્વકોશની સરખામણી Encyclopædia Britannica સાથે ન થઈ શકે, તેમ જ ગુજરાતી વિકિપીડિયાની સરખામણી અંગ્રેજી વિકિપીડિયા સાથે ન થઈ શકે અને ન તો તેને અન્ય કોઈપણ ઓનલાઇન માધ્યમ સાથે સરખાવી શકીએ.

બ્લૉગ જગતનું જમાપાસું કહો તો જમાપાસું અને ઉધારપાસું કહો તો ઉધારપાસું, તે એ છે કે તેમાં જેને જેમ ફાવે તેમ લખી શકે છે. તેને કોઈ પડકારે તો એ પડકારરૂપ કોમેન્ટને લેખક પોતે ડિલિટ કરી શકે છે, કોમેન્ટકર્તાને બ્લૉક કરી શકે છે, વગેરે, વગેરે. એટલે કે મુદ્રણાલયોમાંથી છપાતા સાહિત્યની જેમ જ, આ સાહિત્ય પણ અસ્પૃશ્ય રહી શકે છે, અને આપણે તેને આમ નિસ્પૃહી રહેલું જોયું પણ છે. જેમ છાપામાં કોઈ સમાચાર, લેખ કે વિગત છપાઈ હોય, તેના વિરોધમાં કે તેની સામે વાંધો ઉઠાવતો પત્ર તમે અખબારના કાર્યાલયને લખ્યો હોય તો પણ તે છાપવો કે નહિ, કે તેનો ઉત્તર આપવો કે નહિ તે અખબારના તંત્રી કે માલિકના હાથમાં હોય છે, તેમ જ બ્લૉગ જગતમાં પણ એ સત્તા બ્લૉગના ઓનર (બ્લૉગર)ના હાથમાં હોય છે. એટલે આપણે જે બીક વિકિપીડિયા માટે બતાવીએ છીએ કે “…… એમાં સૌ કોઈને માહિતી મૂકવાની છૂટ હોઈ તે લખાણોની ચકાસણીનાં કોઈ ધોરણો ખરાં ? લખાણો પર સુધારાવધારા થતા હોય છે પણ એ બધા સુધારાની પણ સચ્ચાઈનું શું ?” ત્યારે આપણે આ જ પ્રશ્ન બ્લૉગના સંદર્ભમાં પૂછવાની દરકાર પણ કરતા નથી, અને ત્યાં તો આપણે બ્લૉગરના વિચારોની સ્વતંત્રતા અને વૈવિધ્યની વાહવાહ કરીએ છીએ. કેમ આવા બેવડા ધોરણો? શું કોઈ બ્લૉગ એવો છે જેમાં લખેલું લખાણ સુધારવાની છૂટ અન્ય કોઈ વ્યક્તિને હોય? પોતાના લખાણો ક્યાંથી લીધેલા છે તેની માહિતી અને સંદર્ભ આપતા બ્લૉગો કેટલા? આપણે આવા અસંદર્ભ બ્લૉગો પર તો કોઈ ખાસ પ્રશ્ન ઉઠાવતા હોઈએ એવું ખાસ ધ્યાને ચડતું નથી. તો વિકિપીડિયા પર પ્રશ્ન ઉઠે છે એનો મતલબ શું એમ જ કરવો ને કે વિકિપીડિયા પાસેથી લોકોની અપેક્ષા અનેકગણી વધુ છે? હું તો ચાહીશ કે લોકો જેટલી સંખ્યામાં બ્લૉગ્સ વાંચે છે તેટલી જ સંખ્યામાં પહેલા વિકિપીડિયા વાંચે. વિકિપીડિયામાં મળતી માહિતીને બ્લૉગ્સ પર મળતી માહિતી સાથે સરખાવી જુએ, જો કોઈ બ્લૉગમાં કોઈ માહિતી ખોટી છે તેમ લાગે તો તેના લેખકને તે સુધારવા માટે જણાવી જુએ અને પછી મુલવણી કરે.

તમે ઉઠાવેલા પહેલા પ્રશ્નના જવાબમાં મને તો એમ લાગે છે કે જાણીતા લેખકો અને વિવેચકોને પ્રિન્ટમીડિયામાં એ કામ કરવાથી અર્થોપાર્જન થાય છે, જ્યારે અહિં ફક્ત સમય વેડફાતો લાગે અને કાળે કરીને કદાચ દુશ્મનો પણ વધે, એટલે આ માધ્યમથી તેઓ દૂર રહેતા હોય તે સ્વાભાવિક છે.

બીજો પ્રશ્ન જે તમે ઉઠાવ્યો છે, તે જ મારી હૈયા વરાળ પણ છે, કે બ્લૉગજગતમાં મનફાવે તેમ લખવા કરતા મને તો મોટો વાંધો મનફાવે તેવા વ્યાકરણમાં અને મનફાવે તેવી જોડણીમાં લખવા સામે છે. મને તો હજુ સુધી એ સમજાતું નથી કે જો કોઈને લખવાનો એટલો બધો શોખ હોય તો કેમ તેઓ પોતાનું વ્યાકરણનું જ્ઞાન સુધારવાની કોશિશ નથી કરતા? આપણી પોતાની ભાષામાં લખવાનું મન થાય તો ભાષાને જાણવી તો જોઈએ ને? વિચારો ભલે પોતાના હોય, પણ ભાષાનું તો બંધન નડવું જોઈએ ને? હું પોતે પણ કોઈ વ્યાકરણનો કે જોડણીનો ખાં નથી, પણ હું જ્યારે લખતો હોઉં ત્યારે એટલી તો સભાનતા રાખું છું કે બને ત્યાં સુધી ભૂલ ના કરું, જો કોઈ જોડણીની ખબર ન હોય તો જોડણીકોશ, ભગવદ્‌ગોમંડલ કે ગુજરાતી લેક્સિકન જેવા હાથવગા માધ્યમમાં ચકાસણી કરી લઉં છું. એમ કરવું કશું અઘરૂં નથી, ઉપરથી એમ કરતા મારું જ જ્ઞાન વધે છે. પણ લોકોને ક્યારે એ સમજાશે? જો ખરેખર આપણી ભાષાને અને તેમાં લખાતા લખાણોને સમૃદ્ધ કરવા હોય અને લોકભોગ્ય બનાવવા હોય તો, સૌપ્રથમ તો ભાષાશુદ્ધિ માટેની જાગૃતિ આણવાની જરૂર છે. આપણે જે લોકો ફક્ત પ્રિન્ટમીડિયા જ વાંચે છે તેમને બ્લૉગ્સ વાંચતા કરીશું અને તે બ્લૉગ્સમાં સાર્થ, ઊંઝા, મહેસાણા, ભાવનગર, અમદાવાદ, લંડન, સીડની, વગેરે બધા જ પ્રકારની જોડણીઓ વંચાવીશું તો આપણી ભાષાની હાલત અત્યારે છે તેના કરતા પણ વધારે કફોડી થશે એમ નથી લાગતુ? આપણે આપણા ઘરે લગનપ્રસંગ લઈએ ત્યારે કેવું ઘરને ધોળાવીને અને સ્વચ્છ કરીને રાખીએ છીએ? દીવાળીમાં પણ કેમ નવી ચાદરો પાથરીએ છીએ? કેમકે ઘરે આવતા મહેમાનને આપણી ભીંતના ઉખડી ગયેલા પોપડા, કે ચાદરોમાં પડેલા કાણા, કે ગાદલા પર પડેલા છોકરાઓના મૂતરના ધાબા બતાવવામાં આપણને જેટલો સંકોચ થાય છે તેટલો જ સંકોચ બ્લૉગજગતમાં રહેલી જોડણી અને ભાષાની અરાજકતા બતાવવામાં થવો જોઈએ.

જો ભાષાના નિયમોની ચિંતાની વાત કરતા હોઈએ તો હું તો એવા લોકોથી પણ ખુશ નથી કે જે અન્ય જગ્યાએથી માહિતી લઈ આવે અને તમે કહો છો તેમ “પોતે ક્યાંક્યાંથી માહિતી લાવ્યા છે તેની લિંક મૂકીને પોતાની નિષ્ઠા અને જાગૃતિનો પરિચય કરાવતા જ રહે” આ વિધાન તમારા એ જ ફકરામાં આવે છે જેમાં તમે ભાષા કે સાહિત્યનાં ધારાધોરણોની, સાહિત્યસ્વરૂપોની કક્ષાની અને ભાષાના નિયમોની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને એટલે એમ સમજી લઉં છું કે તમે ક્યાંથી લાવ્યાની લિંક મૂકનારને તાજના સાક્ષીની રૂએ આ પ્રશ્નોમાંથી બાકાત રાખો છો. શું કામ? જો નિષ્ઠા પારકા લેખક પ્રત્યે હોય તો પોતાની ભાષા-માતૃભાષા-માટે કેમ નહી? કોઈએ ભૂલ કરી હોય તો એ ભૂલ હું જ્યારે એ લખાણ મારા બ્લૉગ પર મેલતો હોઉં ત્યારે તો સુધારી શકું ને? ગુજરીમાંથી ચાર પાયાવાળું ટેબલ લાવ્યો હોઉં અને એ ડગુમગુ થતું હોય તો શું હું એને એમનું એમ રાખીશ કે એકાદ પાયાને છોલાવીને કે એની નીચે ગડી કરેલો કાગળ કે પૂંઠું મૂકીને ટેબલને ડગતું બંધ કરીશ? તો કોઈને ત્યાંથી લઈ આવેલું લખાણ ડગુમગુ થતા ટેબલ જેવું હોય તો તેના એક પાયાની નીચે ગડી વાળેલું પૂંઠું કેમ ન ખોસી શકાય?

ચાલો, મૂળ લેખ કરતા તો મારી ટીપ્પણી લાંબી ખેંચાઈ ગઈ, મારા બ્લૉગ પર તો હું લખતો નથી , પાછું મને કોઈ કહેશે કે પારકે રસોડે આટલું બધું કેમ રાંધી આવો છો?

DjVu

આ DjVu એ મૂળ ફ્રેન્ચ શબ્દો Déjà vuનું ટૂંકાવેલું સ્વરૂપ છે. Déjà vuનો શબ્દશ: અર્થ થાય છે, ‘પહેલા જોયેલું’. આ શબ્દ મોટે ભાગે આપણે બધાએ ક્યારેકને ક્યારેક કરેલા એ અનુભવને વર્ણવવા માટે વપરાય છે, જેમાં આપણે વર્તમાનમાં જે ઘટનામાંથી પસાર થઈ રહ્યા હોઈએ, તે જ ઘટના આપણી સાથે પહેલા ઘટી ચુકી હોવાનો દૃઢ પણે અહેસાસ કરીએ છીએ. આ એક માનસિક સ્થિતિ જ છે, જેમાં કંઈ અસામાન્યતા કે ચિંતા કરવા જેવું નથી હોતું.

પણ, હું અત્યારે તે માનસિક સ્થિતિની કે એ Déjà vu અનુભવની વાત નથી માંડતો. આ DjVu કમ્પ્યૂટરની ફાઇલનો એક પ્રકાર છે. જેમ .jpg, .pdg, .png, .gif, .doc, વગેરે ફાઇલ એક્સ્ટેન્શન્સ છે તેમ જ .DjVu પણ એક ફાઇલ એક્સ્ટેન્શન છે. આ એક્સ્ટેન્શન સ્કેન્ડ ઇમેજીસ સાથે સંકળાયેલું છે. જેમ કોઈ કાગળને સ્કેન કરીને સામાન્યત: તેને .pdf ફોર્મેટમાં સેવ કરતા હોઈએ છીએ તે જ રીતે આ .DjVu ફોર્મેટમાં સેવ કરી શકાય છે. આ ઉપરાંત તે ઓપન ફાઇલ ફોર્મેટ છે અને તેના ડેવલપર્સ તેને ઓપન સોર્સ તરિકે વહેંચે પણ છે. હવે આ બધી ટેકનીકલ વસ્તુઓનો અર્થ એમ થાય કે આ સરળતાથી ઉપલબ્ધ અને મફત મળતું ફાઇલ એક્સ્ટેન્શન છે. .DjVu ફાઇલો ખોલવા માટે વિવિધ સોફ્ટવેર્સ ઉપલબ્ધ છે, અને બ્રાઉઝર પ્લગ-ઇન્સ પણ ઉપલબ્ધ છે, જે જો તમે તમારા બ્રાઉઝર (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા, ગુગલ ક્રોમ, વગેરે)માં ઇન્સ્ટોલ કર્યું હોય તો જેમ .pdf ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ખુલે છે, તેમ આ ફાઇલ પણ તમે ખોલી શકો. હવે પ્રશ્ન ઉઠે કે જો તેમાં અને pdfમાં ફેર ના હોય તો શું કામ આ વાપરવું? તો જવાબ છે, કે તે બંનેમાં ફેર છે. સીધો સાદો ફરક એ કે આ ફોર્મેટમાં બનાવેલી ફાઈલનું કદ pdf અને jpgની સરખામણીએ નાનું હોય છે. અને સામ્યતા એ છે કે આમાં પણ ટેક્સ્ટ સર્ચ અને OCR (ઑપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન)ની સુવિધા તો ઉપલબ્ધ છે જ. એટલે બધી રીતે સ્કેન કરવામાં આવતી ઇમેજીસ માટે આ સારામાં સારું ફાઇલ ફોર્મેટ છે. pdf ફાઇલોને સહેલાઈથી DjVuમાં ફેરવી શકાય છે.

હવે મૂળ મુદ્દા પર આવીએ. આ નામે વિકિસ્રોતમાં એક એક્સ્ટેન્શન છે જેની વાત હું અહીં કરવાનો છું. હવે પાછું થશે કે આ વિકિસ્રોત વળી શું છે? તમે સહુએ વિકિપીડિયા તો સાંભળ્યું જ હશે, અને ગુજરાતી બ્લૉગ વાચકોને ખ્યાલ હશે જ કે ગુજરાતી ભાષામાં પણ વિકિપીડિયા છે, જેમાં ૨૨,૦૦૦થી વધુ લેખો છે. આ વિકિપીડિયાનો ભાઈ કે બહેન જે કહો તે વિકિસ્રોત, જે મૂક્ત સાહિત્યકોશ છે. એટલે કે સાહિત્યની એવી કૃતિઓ કે જેના પર હવે કોઈ પ્રકાશનાધિકારો રહ્યા નથી, તેનો સંગ્રહ. અમે (હું, અશોકભાઈ અને અન્ય ગુજરાતી વિકિપીડીયનો) ત્રણ વર્ષથી ગુજરાતી વિકિસ્રોતની માંગ કરી રહ્યા હતાં, જે ત્રણ દિવસ પહેલા સંતોષાઈ અને ૨૭ માર્ચના દિવસે ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. અમે લોકોએ ત્યાં ૧૦૦૦થી વધુ કૃતિઓ પહેલેથી જ સંગ્રહી રાખી છે, જેમાં મહદંશે ભજનો, આરતિઓ, સ્તોત્રો, ગરબા, લોકગીતો જેવી જનસહજ કૃતિઓ છે. પણ આ ઉપરાંત અમે ત્યાં ગાંધીજીના પુસ્તકો ચઢાવવાનું પણ શરૂ કર્યું. પહેલી કૃતિ અમે લીધી રચનાત્મક કાર્યક્રમ જે સહકાર્ય વડે ફક્ત પાંચ જ દિવસમાં અમે સુશાંતભાઈ સાવલાના માર્ગદર્શન હેઠળ પૂરી કરી અને હાલમાં અશોકભાઈની રાહબરી હેઠળ અમે સત્યના પ્રયોગો પર કાર્ય કરી રહ્યા છીએ.

સ્વાભાવિક રીતે જ પુસ્તકને ડિજીટાઇઝ કરવાનો એક જ માર્ગ છે, તેને ટાઈપ કરવું. અંગ્રેજી અને અન્ય રોમન સ્ક્રિપ્ટમાં લખાતી ભાષાઓને ફાયદો થયો છે OCR સોફ્ટવેર્સનો, જેમાં સ્કેન ઇમેજમાં રહેલું લખાણ આપોઆપ ઇમેજ સ્વરૂપે ન રહેતા ટેક્સ્ટ સ્વરૂપે ફેરવાઇ જાય છે. પણ આપણી ભારતીય ભાષાઓ માટે આવું કોઈ અસરકારક OCR સોફ્ટવેર ઉપલબ્ધ નથી. માટે આપણે ના છૂટકે ટાઈપ કરીને જ ગુજરાન ચલાવવું પડે. આમ કરવા માટે બે જ રસ્તા છે, પુસ્તક સાથે લઈને બેસો, અને તેમાંથી જોઈ-જોઈને ટાઇપ કરો. મારા જેવા જેની પાસે પુસ્તક ના હોય તેને અશોકભાઈ જેવા સેવાભાવી લોકો સ્કેન કરીને ઇમેજ મોકલે અને અમે પ્રિન્ટ કરી, તે પ્રિન્ટઆઉટમાં જોઇજોઇને ટાઇપ કરીએ. આમ કરવામાં ગરદન ઉંચેનીચે કરવી પડે. જો એવું ના કરવું હોય તો મારા જેવા લોકો એક સાથે બે વિન્ડો ખુલ્લી રાખી એક બાજુ સ્કેન્ડ ઇમેજ રાખે અને બીજી બાજુ વિકિસ્રોત ખુલ્લું રાખે જેમાં ટાઇપ કરીએ. આમ, એક જ સ્ક્રીન પર મૂળ સ્રોત અને તેનું નવું ગંતવ્ય બંને દેખાય, ગરદનને ઓછો શ્રમ પડે. આ જ કામ જરા અલગ રીતે કરવા માટે અમારા આ વિકિસ્રોતમાં એક સુવિધા છે જેને કહે છે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન. તેમાં આ DjVu કે pdf ફાઇલો અપલોડ કરીને તેને વિકિસ્રોતમાં જ એક બાજુએ રાખીને બાકીના અડધા સ્ક્રીનમાં ટાઇપ કરવાની સગવડ આપવામાં આવે.

How I digitise

સ્કેન ઇમેજને ટાઇપ કરવાની મારી પદ્ધતિ

Screenshot of DjVu extension

DjVu એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીને બનાવેલું મલયાલમ વિકિનું પુસ્તક

જે લોકો પારંપરિક રીતે ચોપડી કે કાગળો જોઈને ટાઇપ કરતા આવ્યા છે તેમને આ સુવિધા આશીર્વાદ સમાન લાગે, પણ મને મારી ગોઠવણમાં અને આ સુવિધામાં કોઈ ફેર જણાતો નથી. ઉલટાનું હું મારી ગોઠવણ વધુ સુવિધાજનક માનું છું. કારણકે ટાઇપ થઈ ગયા પછી, જે તે પાનું એકદમ સ્વચ્છ દેખાય છે, અને લખાણ આખા સ્ક્રીન પર વહેંચાયેલું હોય છે. જ્યારે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન વાપરીને બનાવેલા પુસ્તકમાં અડધો સ્ક્રીન ઇમેજ રોકે અને અડધા સ્ક્રીનમાં ટાઇપ કરેલું લખાણ દેખાય. મારા મનને આ ફુવડ વસ્તુ લાગે છે (ઉદાહરણ તરીકે અંગ્રેજી વિકિસોર્સનું આ પાનું જુઓ). પણ સાથે સાથે એનો એક ફાયદો એ છે કે તેમાં ટાઇપિસ્ટે કરેલી ભૂલ ભવિષમાં જો કોઈ અન્ય વ્યક્તિ પ્રૂફ રીડર તરીકે કામ કરતી હોય તો તેની પાસે પુસ્તક ના હોવા છતાં તે પ્રૂફ રીડ કરી શકે છે. જ્યારે મારા કેસમાં જે પ્રકરણ અશોકભાઈએ મને ના ફાળવ્યું હોય કે જેની કોપી મને સ્કેન ના કરી હોય તેનું પ્રૂફ રીડીંગ હું કરી શકું નહી, કેમકે મારી પાસે મૂળ સ્રોત ના હોય. પણ જો તેમાં પણ મારી ગાંધીજીના અગિયાર મહાવ્રતોમાંના એકને અનુસરતા હોઈએ, તો “જાતે મહેનત”ના સૂત્રને અનુસરીને આપણે કરેલા ટાઇપિંગનું પ્રૂફ રીડ પણ જો આપણે જ કરી લઈએ તો આ બધી ઝંઝટમાંથી ટળી શકીએ છીએ.

જો તમે વિકિપીડિયામાં કામ કરતા હોવ તો તમને વિકિસ્રોતમાં પણ આમંત્રણ છે, જો ના કરતા હોવ તો તમને વિકિપીડિયા અને વિકિસ્રોત બંનેમાં જોડાવા માટે આમંત્રણ છે. અને જો તમને જોડાઈને યોગદાન કરવામાં રસ ના હોય તો એટલિસ્ટ અમે કરેલી મહેનતનો લાભ ઉઠાવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અમે રાંધ-રાંધ કરીશું અને કોઈ જમશે નહી તો શું કામનું?

અને હા, જો તમે વિકિસ્રોતમાં યોગદાન કરતા હોવ તો આ લેખ વાંચ્યા પછી આ DjVu એક્સ્ટેન્શન વિષે વધુ જાણકારી મેળવવા માટે મારો સંપર્ક અહિં કે મારા વિકિસ્રોત અને વિકિપીડિયાના ચર્ચાનાં પાનાં પર કરી શકો છો. તથા વધુ વાંચન માટે શીજુ એલેક્સનો આ બ્લૉગ વાંચવો. ગુજરાતી વિકિસ્રોતના સભ્યોને જો આ એક્સ્ટેન્શન ઉપયોગી જણાય તો મને ત્યાં જણાવવા વિનંતી, આપણે તે વિષે વધુ ચર્ચા કરીને તે માટે ઘટતું કરી શકીએ.

માતૃભાષા (Charity begins at Home)

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે મુરબ્બી શ્રી. દીપકભાઈના બ્લૉગ પર પ્રસિદ્ધ થયેલી આ પોસ્ટ અને છેલ્લી ૨-૩ પોસ્ટ્સ પરની ચર્ચાઓમાંથી મને આ લખવાની પ્રેરણા મળી છે. મારો પોતાના ઘરનો દાખલો છે…

અમે જ્યારે યુ.કે. આવ્યા ત્યારે પૃથા ૩ વર્ષની હતી. સ્વાભાવિક રીતે જ અહીં આવીને તેણે નર્સરી જવાનું શરૂ કર્યું. ભારતમાં હતા ત્યારે પણ અંગ્રેજી માધ્યમની શાળામાં તેને મુકી હતી તેથી થોડું-ઘણું તો એને ફાવવાનું જ હતું, પરંતુ આપણે ત્યાંની શાળાઓ ભલે અંગ્રેજી માધ્યમની હોય પણ શિક્ષક સુચનાઓ તો હિંદીમાં જ આપતા હોય, એટલે મને અને શેફાલીને સૌથી મોટી ચિંતા હતી કે પૃથાને એકી-પાણી કરવા જવું હશે તો કેવી રીતે કહેશે? એને અમે “કેન આઇ ગો ટુ ટોયલેટ?” અને “આઇ વોન્ટ વોટર” આ બે વાક્યો બરાબર શીખવાડ્યા હતા. પણ નસિબ જોગે એને અંગ્રેજી શાળામાં કોઈ જ તકલીફ પડી નહી (કેહે છે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે). ઘરમાં અમે તેની સાથે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખતાં.

પણ જેમ-જેમ એ મોટી થતી ગઈ તેમ-તેમ તેનો અંગ્રેજીનો વપરાશ વધવા માંડ્યો. એ બીજા ધોરણમાં આવી ત્યારે લગભગ સદંતર ગુજરાતી બોલવાનું બંધ કરી દીધું. અમે બોલીએ તે સમજી જાય પણ જવાબ અંગ્રેજીમાં જ આપે. અહીં યુ.કે.માં થોડાઘણા ગુજરાતી પરિવારોને ઓળખતો થયો હતો, જે બધાં જ આફ્રિકાથી ૭૦ના દાયકામાં અહીં આવીને વસ્યા હતા. તેમના બાળકો ઘરમાં બીલકુલ ગુજરાતી બોલતા નથી. મને નવાઈ એ વાતની લાગતી કે મા-બાપ જે બોલે તે બાળકો સમજી જાય, પણ બોલી ના શકે તે કેવી રીતે શક્ય છે? હવે જ્યારે મારી પોતાની પણ એ જ પરિસ્થિતી ઉભી થઈ ત્યારે મેં જાણ્યું. પૃથાને પુછ્યું કે બેટા ગુજરાતીમાં કેમ નથી બોલતી? તો જવાબ મળ્યો કે શાળામાં બધા અંગ્રેજીમાં જ વાતો કરે છે એટલે આપણે પણ અંગ્રેજી જ બોલવું જોઇએ. મને કાંઇ સમજાયું નહી. અમારા પડોશમાં બીજા પણ ભારતીય પરિવારો રહેતા અને તેમાંથી એક પરિવાર સાથે અમારે સારો એવો ઘરોબો થઈ ગયો હતો. તે લોકો તમિલ ખ્રિસ્તી હતાં. તેમનો છોકરો નિખિલ પણ પૃથાના ક્લાસમાં જ હતો. તેણે પણ ઘરમાં તમિલ બોલવાનું બંધ કરી દીધું હતું. આ છોકરાઓ પહેલા એકબીજા સાથે ભાંગીતુટી હિંદીમાં પણ વાતો કરી લેતા, પણ હવે અંદરોઅંદર પણ અંગ્રેજીમાં જ વાત કરતા.

હવે મને લાગ્યું કે આ અંગ્રેજીના મૂળ ક્યાંક ઉંડા લાગે છે. એટલે મેં પૃથાને સાથે બેસાડીને વિસ્તારથી પુછ્યું તો તેણે કહ્યું કે ગુજરાતી કે હિંદીમાં વાતો કરવામાં શરમ આવે છે, કેમકે બીજા બધા અંગ્રેજી બોલતા હોય છે. અમે એને સમજાવી કે બેટા સાચી વાત છે, શાળામાં ભલે અંગ્રેજીમાં બોલો પણ ઘરે તો ગુજરાતીમાં જ બોલવું. બીજા દીવસે તેને શાળાએ મુકવા ગયા ત્યારે ઇસ્ટર્ન યુરોપિયન્સના છોકરાઓ પણ હતાં જેમને મુકવા તેમના મા-બાપા આવ્યા હતા. તે લોકો તેમને બાય પણ તેમની ભાષામાં જ કહેતા હતા. પૃથાને આ બતાવ્યું અને સાંજે ફરીથી સમજાવ્યું કે જો બેટા તેમને તો શરમ નથી આવતી તો આપણને આપણી ભાષામાં બોલવામાં શેની શરમ? આ ઉપરાંત આ દેશની, અને ખાસ કરીને લંડન શહેરની શાળાઓની એક સારી વાત એ છે કે અહીં અમુક દ્વિભાષી પુસ્તકો રાખવામાં આવે, જેમાં વાર્તાઓ અંગ્રેજી અને તમારી ભાષા એમ બંનેમાં હોય. આવા ૨-૪ પુસ્તકો શાળામાંથી લીધા અને તેને બતાવ્યા કે જો બેટા આપણી ભાષાનો વપરાશ શરમજનક હોય તો તમારી શાળામાં આપણી ભાષાના પુસ્તકો કેમ હોય છે? કેમ તમારા શિક્ષકો ફક્ત અંગ્રેજી પુસ્તકો જ નથી રાખતા? એક-બે દિવસ આ ખચવાટ રહ્યો, પણ પછી તેની જાતે જ એ ગુજરાતીમાં અમારી સાથે વાતો કરતી થઈ ગઈ.

આજે એ વાતને પાંચ વર્ષ વિતી ગયા, એ મોટા ધોરણમાં પણ આવી ગઈ, પણ એ અને વ્રજ બંને ઘરમાં ગુજરાતી જ બોલે છે. ઘણી વખત એને ભણાવતી વખતે કે એ કશુંક પુછે તે સમજાવતી વખતે હું અજાણપણે અંગ્રેજી પર ચઢી જઉં તો તે મને ટોકીને કહે કે, “પપ્પા તમે મારી સાથે અંગ્રેજીમાં કેમ વાત કરો છો?” અરે ઘરે ગુજરાતી છાપું મંગાવીએ છીએ તે વાંચતા પણ હવે તો પૃથા શીખવા માંડી છે. મારા પેલા પડોશીના છોકરા આજે પણ તમિલ બોલતા નથી થયાં. હવે તો તે બાળકો એવો વર્તાવ કરે છે કે તે તમિલ સમજતા પણ ના હોય, મા-બાપને પણ અંગ્રેજી બોલવા મજબૂર કરે છે. મેં તેને ઘણીવાર કીધું કે તું પણ તેમની સામે દાંડાઈ કર કે, તને અંગ્રેજી નથી સમજાતું. ખાવા બેસે ત્યારે ત્યારે જો એ લોકો અંગ્રેજીમાં કશું માગે તો ના આપ, તમિલમાં જવાબ આપ કે મને અંગ્રેજી નથી સમજાતું, પાપી પેટ કા સવાલ હૈ, છોકરાઓ ૪ દિવસમાં તમિલ બોલતા ના થાય તો મને કહેજે. પણ તેની તૈયારી નથી, કદાચ તે હરખાતો પણ હશે કે તેના છોકરા કેટલા એડ્વાન્સ્ડ છે કે ફક્ત અંગ્રેજી જ બોલે છે.

થોડો આગ્રહ રાખવાથી અને બાળકોને કેળવણી આપવાથી તે આપણી ભાષાનું જતન કરતા થઈ જ જાય છે. પહેલ આપણે કરવાની હોય છે, બાળકો તો આપણી પાસેથી પ્રેરણા લેવાના જ છે.

તા.ક.: માતૃભાષા દિને શક્ય તેટલી જગ્યાએ અંગ્રેજી શબ્દો ટાળવાનો પ્રયત્ન કર્યો છે, ફરી પાછી એ જ દીપકભાઈની ગુજરાતી ભાષાના ધોવાણને લગતી પાછલી પોસ્ટ પરથી જ પ્રેરણા લઈને ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે, કદાચ ક્યાંક કૃત્રિમ લાગે પણ ચલાવી લેવા વિનંતી છે.

નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા

અન્ય સહબ્લોગરો (યશવંતભાઈ ઠક્કર-નરસિંહ મહેતા ઇડિઅટ હતા! અને અશોકભાઈ મોઢવાડિયા-ભણે નરસૈંયો…મને ઓળખો છો ?
)ને નરસિંહ મહેતા પર લખતા જોઈને અને તેથી વધુ અમુક બ્લોગર મિત્રોને મુઢ જનતા જે નરસિંહ મહેતાને મહાન ભક્ત અને મહાન કવિ, આદિ કવિ વગેરે માને છે તે નરસિંહ મહેતાને તદ્દન ફાલતુ ગણાવતા જોઈને મને પણ શૂરાતન ચઢ્યું કે હું શું કામ આ નરસિંહ મહેતા માટે કશું ના લખું? અને બસ એજ શૂરાતનમાં (આમ તો બ્રાહ્મણ હોવાને નાતે શૂરાતન ચઢાવવું ના જોઈએ, પણ અમારા અન્ય એક બ્લોગર મિત્ર ભુપેન્દ્રસિંહ હંમેશા યુદ્ધ કરવા માટે સહુને પ્રેરતા હોય છે, તેથી તેમની ચાબખાવાણીથી પ્રેરાઈને આજે શૂરાતન ચઢાવી) આ લખવા બેઠો.

આગળ વધતા પહેલા પ્રસ્તાવના બાંધી લઉં કે ભલે શરુઆત કટાક્ષ કે રમૂજથી થઈ હોય, અને ભલે મારી આગળની પોસ્ટ કટાક્ષરૂપ હોય, આ પોસ્ટ હું સિરિઅસલી સંપૂર્ણ સિરિયસ ભાવે લખી રહ્યો છું, તેથી આપ વાંચકોએ પણ તેને ગંભિરતાથિઇ વાંચવી અને લેવી. હવે મૂળ મુદ્દા પર આવીએ,

ગયા વર્ષે ઈ-મેલ પત્રાચાર પર મીરાં બાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, વગેરે ઉપર ચર્ચા ચાલી રહી હતી, જેમાં દાવા-પ્રતિદાવા હતા કે આ બધાજ અને અન્ય થોડા ઘણા સંતો સાચા ભક્તો નહોતા. તે પૈકિનું વિષયવસ્તુને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું અવતરણ અહીં ટાંક્યું છે. તે વાંચો, જેમાં કોઈકે એવો સ્પષ્ટ દાવો કર્યો છે કે “નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા”.

Narsinh Mehta is well known amongst general populace as a pure devotee. But in one conversation a devotee told XXXXX XXXXXXXXXX that Narsinh Mehta was very happy on death of his wife (who was not favourable for his devotional service) that “now I will be able to perform bhajana peacefully”. XXXXX XXXXXXXXXX commented that devotional service of a pure vaisnava is never disturbed by any material factors and thus if this is the standing of Narasinh Mehta then he is not a pure devotee.

હવે આ XXXના અનુયાયિઓ નરસિંહ મહેતાને ભક્ત નથી ગણતા, અંગ્રેજીમાં કહિએ તો બોનાફાઇડ નથી માનતા. અને વાત પણ સાચી છે. જો જો, આ ફક્ત ભક્તિમાર્ગના સંદર્ભમાં જ ચર્ચા થઈ રહી છે, તેથી તેમાં દુન્યવી જ્ઞાન અને વ્યવહારૂ દૃષ્ટિ ઉમેરવાની નથી. મારા મમ્મી હંમેશા કહે છે તેમ, બધાને એક લાકડીએ ના હંકાય. એટલે હંમેશા એ જ તકિયાનુસી લોજીકલ વાતો ના કરીને જે તે વાતને તે જ પરિપ્રેક્ષ્યમાં ચર્ચીએ તો વધુ મજા આવે.

ઉપરના અવતરણમાં નરસિંહ મહેતાના ભજન ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાળ..નો સંદર્ભ આપવામાં આવ્યો છે. XXXને નરસિંહ મહેતા કોણ હતો, શું હતો તેની કોઈ જાણકારી લાગતી નથી. તેઓ ફક્ત એક વ્યક્તિએ કરેલી રજૂઆત પરથી પોતાનું ફરમાન સંભળાવે છે. આપણે ચોક્કસપણે એવી આશા ના રાખી શકીએ કે દરેક વ્યક્તિને દરેક પ્રાંતના સંતોની જાણકારી હોય, મને રાજસ્થાનના કે તમિલનાડુના બધાંજ સંતો અને કવિઓની માહિતી નથી, તેમ આ XXX પણ ગુજરાતી નહોતા તેથી તેમને નરસિંહ મહેતા વિષે જાણકારી હોવી જોઈએ તેવું માનવું અયોગ્ય છે. પણ તેમણે કરેલા નિવેદન પરથી એટલું સ્પષ્ટ થાય છે કે તેમણે જેની વાત સાંભળીને પોતાનો નિર્ણય સંભળાવ્યો, તે વ્યક્તિમાં તેમને પુરો વિશ્વાસ છે. અને તે વ્યક્તિ જે જાણકારી આપે છે તેને તે ૧૦૦ ટચના સોના જેવી માને છે. આ ટુંકા ફકરા પરથી અનેક પ્રશ્નો ઉદ્ભવે છે, જેની ચર્ચા અત્યારે નહી કરીએ. આપણે તો ફક્ત એક જ મુદ્દો ચર્ચીશું કે, શું ખરેખર નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા? સહુ તેમને ભક્ત માને છે, તેથી તે ભક્ત જ નહોતા તેમ કહીને આ ચર્ચા અહીં અટકાવી ના શકીએ અને માટે જ તે ભક્ત હતા, તો શું શુદ્ધ ભક્ત હતા?

XXX જે કારણથી નરસિંહ મહેતાને શુદ્ધ ભક્ત તરિકે નકારી કાઢે છે, મને તેની સામે પણ વાંધો નથી. મને વાંધો છે તેમના અનુયાયિઓ સામે. જેમણે XXXના કરેલા વિધાનમાંથી if this is વાળા ભાગનો છેદ ઉડાડી દીધો. મેં ઉપર કહ્યું અને તે પરિચ્છેદ પરથી સ્પષ્ટ થાય છે તેમ XXXને નરસિંહની કોઈ જાણકારી નથી, માટે તે અજ્ઞાતભાવે આવું કહે છે, પણ શું ખરેખર તે હકિકત છે કે માણેક મે’તી નરસિંહ મહેતાની ભક્તિમાં પ્રતિકૂળ હતી? જવાબ છે ના. નરસિંહના જીવનચરિત્ર પરથી અનેક જગ્યાએ માણેક મે’તી તેમની સાથે જ હતાં તેવું સ્પષ્ટ છે. તો રજૂઆતકર્તાએ આપેલી ખોટી માહિતી કે પૂર્વાગ્રહયુક્ત માહિતીને કારણે કરવામાં આવેલું વિધાન અને ફરમાન પણ ફોક થઈ નથી જતું? XXX કહે છે કે જો એવું હોય તો નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નથી, એનો અર્થ એવો થાય છે કે જો એવું ના હોય તો નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત હતાં. ખરું કે ખોટું?

માટે ક્યારેય કોઈપણ વાતમાંથી એક અંશ લઈને આપને તેને ટાંકી ના શકીએ. કેમકે આખી વાત કયા પરિપ્રેક્ષ્યમાં થઈ છે તે જાણ્યા વગર તેનો નિર્ણય લેવો તે અજ્ઞાનતાની નિશાની છે.

મોટો થઈને શું બનીશ?

આજે સવારે વ્રજ ઊઠીને આવ્યો અને મારા ખોળામાં બેઠો અને મને વળી શું સુજયું તે મેં થોડી વાર એને લાડ કરીને પુછ્યું, “ભૈલુ, તું મોટો થઈને શું બનીશ બેટા?”

એટલે એની વિચાર પ્રક્રિયા ચાલું, અં…. અં…… અં……

છેવટે મેં તેને પર્યાય આપવા માંડયા, ડૉક્ટર? એન્જિનિઅર? એસ્ટ્રોનોટ? સાયાન્ટિસ્ટ? સૉફ્ટવેર એન્જિનિઅર? ટીચર? …… અને બધાનો જવાબ હતો…. “ના

હારીને મેં તેને પૂછયું, “તો શું બનીશ?”

અને નહી કલ્પેલો જવાબ મળ્યો, “જે’ જે’ (ભગવાન)”.

હું ખુશ થઈ ગયો અને મેં એને કીધું કે સરસ બેટા, તો તું જે’ જે’ જ બનજે, વંઠી ના જઈશ, એટલે સવાલ થયો, “એટલે શું?”

મેં કીધું કે એટલે એમ કે તું બગડી ના જઈશ (આ વિદેશની ધરતી પર તો એ જ મોટી બીક ને ભાઈ). એટલે એણે તરતજ સામે ટીવી પર પડેલી નાના કૃષ્ણની મૂર્તિ બતાવીને જવાબ આપ્યો, “પણ આતો આવો જ છે ને!”

મેં એને પૂછ્યું કે, આવો એટલે કેવો?

તો મને બ્રહ્મજ્ઞાન આપતો જવાબ મળ્યો, “જો ને, આવો જ છે ને? ચૂપ-ચાપ બેસી રહે છે, કશું બોલતો નથી, હલતો નથી, એતો બગડી જ ગયો છે ને!”

Vraj and Krishna in background

Vraj Kishor & Krishna

ત્યારે મને ભાન થયું કે એને મન બગડી જવું એટલે કોઈક વસ્તુનું કામ કરતાં અટકી જવું. એની પાસે ઉપર બેસીને ચલાવી શકાય તેવી રિચાર્જેબલ મોટર બાઈક છે, જેની બેટરી ડાઉન થઈ જાય અને ચાલે નહી ત્યારે તે બાઈક બગડી જાય છે. એટલે કનૈયો પણ બગડી ગયો છે. અને માટે જ તે મોટો થઈ ને જે’ જે’ બને અને બગડી ના જાય તે કેવી રીતે શક્ય બને?

જે ભાષા આપણને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ?

મને ભારતથી દૂર રહીને પણ, ભારત અને ખાસ કરીને મારા અમદાવાદ-ગુજરાતના સમાચાર વાંચવાની ચટપટી હંમેશા રહેતી હોય છે, અને માટે જ જ્યારે સમય મળે ત્યારે ગુજરાતી છાપાઓની વેબસાઈટ્સ ખોલી લેતો હોઉં છું. સાચું કહું તો ‘ગુજરાત સમાચાર’ માટે મને હંમેશા લગાવ રહ્યો છે, કારણ કદાચ એ હોઈ શકે કે બાળપણથી ઘરમાં તે વાંચતો આવ્યો છું, પરંતુ છેલ્લા થોડા સમયથી તેમાં જે વાસી સમાચારો છપાય છે તેના કારણે જરા તે પ્રેમ ઓછો થઈ ગયો છે, અને દિવ્ય ભાસ્કર પ્રત્યેનો પ્રેમ તેના ત્વરિત સમાચાર આપવાના ગુણને કારણે વધ્યો છે. પરંતુ, ‘દિવ્ય ભાસ્કર’માં લખવામાં આવતી લેખન શૈલિ, મુખપૃષ્ઠ પરની બિભત્સ તસવિરો, હિંદી મિશ્રિત ભાષા જેવા અનેક અવગુણો હંમેશા ખુંચતા રહ્યા છે. આજે તો ‘દિવ્ય ભાસ્કરે’ હદ જ કરી નાંખી, એક સમાચારનાં શિર્ષકમાં તેણે લખ્યું છે, “બુધવારનો દિવસ અપસુકનીયાર સાબિત થયો”, હવે આપ જ કહો કે આ “અપસુકનીયાર” શબ્દનો શું અર્થ થાય? શું દિવ્ય ભાસ્કર પાસે કોઈ ગુજરાતી બોલતા, પત્રકારો, ટાઈપિસ્ટો કે પ્રુફ રિડરો નથી? કે શું તેની પાસે ગુજરાતી શબ્દકોષ કે ગુજરાતી જોડણીકોષ નથી? શું આ જ ગુણવત્તા છે ગુજરાતી ભાષાની જે આપણે આ કહેવાતા ગુજરાતનાં “લિડીંગ ન્યુઝ પેપર” પાસેથી અપેક્ષા રાખવી જોઈએ? “અપસુકનીયાર” ને બદલે સાચો શબ્દ “અપશુકનિયાળ” લખવામાં પણ શું દિવ્ય ભાસ્કરને અપશુકન નડતા હતા? મને વળી વળીને પ્રશ્ન થાય છે કે જે ભાષા આપને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ? ગુજરાતી ભાષા પ્રત્યેની આતલી બધી નિરસતા કેમ?

%d bloggers like this: