શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

બે-ત્રણ દિવસ પહેલા ઇમેજીન પર આવતી સિરિઅલ દ્વારકાધીશ જોતો હતો. ઘણા સમયથી તેમાં સુદામાની કથા ચાલી રહી છે. આપણને તો સુદામા ભગવાનને મહેલે તાંબૂલ લઈને ગયો અને ભગવાને મુઠ્ઠી-મુઠ્ઠી તાંબૂલે તેની જાણ બહાર જ તેને ધન અને ઐશ્વર્ય આપ્યું જેની જાણ સુદામાને તે પોતાને ગામ પાછો ફરે છે ત્યારે જ થાય છે, તેટલી જ વાત જાણીએ છીએ (એટલિસ્ટ હું તો એટલું જ જાણતો હતો). પરંતુ આ સિરિયલમાં તો તે ઘટના કદાચ બે મહિના પહેલા આવી ગઈ અને તે પછી પણ હજુ સુદામા જ છવાયેલા રહ્યા છે.

હવે મૂળ વાત પર આવું તો, તેમાં મેં જોયું કે ભગવાન સુદામાના ઘરે રસૌયા બનીને આવે છે, કેમકે સુદામાની પત્ની ધન આવવાને કારણે છકી ગઈ હતી. સુદામા પૈસો મળવા છતાં ભિક્ષુકવૃત્તિ કરીને પેટ ભરવા માંગતો હતો અને બંબે વચ્ચે ચડભડ થતાં સુદામા તેમના ચાર પૈકીના ત્રણ પુત્રોને લઈને પત્નીથી અલગ રહેવા જતો રહે છે. ઝુંપડામાં રહીને, ભિક્ષા માંગીને, તે ભગવાનનું સ્મરણ કરતો રહે છે. પણ તેની પત્ની સુશીલા ધનમાં આળોટતી, સાહ્યબી ભોગવતી ભગવાનનું નામ સુદ્ધાં લેવા તૈયાર નથી. આથી તેને ભગવાનાભિમુખ કરવા અને તેણે સુદામાનો ત્યાગ કરીને કરેલી ભૂલ કબુલ કરાવવા કૃષ્ણ પોતે રસૌયો બની તેના ઘરે આવે છે પરંતુ તેમના લાખ પ્રયત્ન કરવા છતાં સુશીલામાં કોઈ ફેર પડતો નથી. હવે ક્લાઈમેક્સ… કૃષ્ણ એવું કરે છે કે જે એક માત્ર છોકરો સુશીલાની સાથે તેના મહેલમાં રહેતો હોય છે, તે અચાનક માંદો પડે છે. સુશીલા મોટામાં મોટા વૈદ્યને બોલાવે છે, અઢળક સંપત્તિ આપવા તૈયાર થાય છે. એક બાજુ સુદામા તેને સમજાવે છે કે ભગવાન કૃષ્ણના નામનું રટણ કર, બધું થીક થઈ જશે, પણ સુશીલા સુદામા પર ગુસ્સો કરીને તેને હાંકી કાઢે છે. બીજી બાજુ બધાંજ વૈદ્યો હાથ ધોઈ કાઢે છે. આ સમયે સુદામા ફરી તેની પત્ની પાસે જઈને કહે છે કે હવે કૃષ્ણનું શરણું લીધા સિવાય કોઈ ઉપાય નથી. અને કેમકે સુશીલા બધા પ્રયત્નો કરીને થાકી ગઈ હોય છે, પોતાના પુત્રને બચાવવા તે પણ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ એ જ રસૌયા સ્વરૂપે હાજર થાય છે અને તેમના પુત્રને સાજો કરી દે છે. સુશીલા ભગવાનની ભક્ત બની જાય છે.

હવે સવાલ…. શું ભગવાન એટલા સ્વાર્થી છે કે કોઈ માણસ તેમને ના માનતું હોય તો તેનું સંતાન લઈ લેવા સુધીની હદે તેને પિડા આપે કે જેથી ત્રસ્ત થઈને એ વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે? કે આવું તે પોતે મહાન છે અને સૌએ મારૂં શરણું સ્વીકારવું જ જોઈએ તેવા ઘમંડમાં કર્યું હશે? બીજું બધું માનવામાં આવે પણ ભગવાનનું આવું સ્વાર્થી કે ઘમંડી વલણ તો માનવામાં આવે તેવું જ નથી. શું ખરેખર કૃષ્ણએ સુદામાના બાળકની આવી હાલત કરી હશે?

Advertisements

ચોક્કસ સમુદાય

હમણાં નંબર ૧ ગુજરાતી વેબસાઈટ પર સમાચાર વાંચતાં ગોધરાકાંડની તારીખની તવારીખ શીર્ષક હેઠળનાં સમાચાર પર જઈ ચઢ્યો, અને તેના પહેલા જ ફકરામાં ઉપરના શબ્દ સમુહનો ઉપયોગ વારેવારે થયેલો જોવા મળ્યો. આ ચોક્કસ સમુદાય એટલે કયો સમુદાય? એ જ સમુદાય કે જેનાથી ભારતની જ નહી દુનિયાભરની જનતા ડરે છે? અને સૌથી વધારે ડરે છે આ ગુજરાતની નંબર ૧ વેબસાઈટ? રે કારયરતા….! મુસ્લિમ સમુદાય એવું સરેઆમ લખવામાં શું ડર લાગે છે કે લખનાર પોતે પણ તે ‘ચોક્કસ સમુદાય’નો હોવાથી શરમ અનુભવે છે? ગુજરાતના નાનાંમાં નાનાં બાળકને પણ ખબર હશે કે એ જે સમુદાયની વાત થઈ રહી છે તે મુસ્લિમ સમુદાયની વાત છે, કે પછી ‘ચોક્કસ સમુદાય’નું નામ લખીને હું ‘ભગવા આતંકવાદ’નો ઝંડો લહેરાવીને પ્રવક્તા બની રહ્યો છું?

જોર ક ઝટકા

NDTV Imagine પર છેલ્લા થોડા વખતથી આવતી શાહરૂખ ખાનની આ જાહેરાત કાંઇક આંખને ખૂંચે છે. આમ એકદમ ખૂલ્લેઆમ આવી ગાળ દેવા જેવી અશ્લિલ અંગ ચેષ્ટાઓ કરવી તેના જેવા મોટા કલાકારને શું શોભે છે? અને તેથી પણ મોટો સવાલ કે ઇમેજીન જેવી ચેનલે શું સોગંદ ખાધા છે કે તે ભારતની પ્રજાને અને તેની સંસ્કૃતિને ભ્રષ્ટ કરીને જ જંપશે? પહેલા મીઠી છૂરી નં ૧, જેમાં પરિવાર સાથે તો શું એકલા બેસીને પણ આપણે છોકરીઓ (મહિલાઓ કહીએ તો તો મહિલાઓનું અપમાન થયું કહેવાય)ની આવી ભાષા અને વાતો સાંભળી શકીએ તેવું નહોતું, પછી આવી આ રાખી કા ઈન્સાફ, જેમાં દરેક હપ્તે આપણને એમ લાગ્યા કરે કે હવે ભગવાન આ બાઈ સાથે ઈન્સાફ કરે તો સારૂં, અને બાકી રહેતું હતું તો હવે આ કહેવાતા કિંગ ખાનની આવી અશ્લિલ ચેષ્ટાઓ વાળી જાહેરાત. હું તો ભારતમાં નથી એટલે તમને પુછું છું કે શું ખરેખર ભારત દેશ આટલી હદે ‘ઍડ્વાન્સ’ થઈ ગયો છે? અમારા દેશમાં તો રસ્તે જતી નારીઓ આવી કુચેષ્ટાઓ કરે, કે ગાળા-ગાળી કરે, અને સહકાર્યકર્તાઓ સાથે પોતાની પાછલી રાતના અનુભવો કહે તે નવાઈ નથી, પરંતુ ભારતમાં પણ હવે એ દિવસો આવી ગયા છે?

રાખી કા ઈન્સાફ

ગયા અઠવાડીએ રાખી કા ઈન્સાફ જોયા પછી લાગ્યું કે આ બૈરી શું ધારીને બેઠી છે? લોકોને ન્યાય અપાવે છે કે ફસાવે છે? જો કે  ગયા શનીવારનો એપિસોડ (યુકેમાં પ્રસારિત થયેલો) જોયા પછી એટલું તો ચોક્કસ છે કે મીડિયા આજકાલ ઘણું બૉલ્ડ થઈ ગયું છે, અને તેથી પણ વધુ બૉલ્ડ છે ભારતની જનતા. આ એપિસોડમાં જે (કન્ફ્યૂસ્ડ) માણસ શ્રી નાગરનો ઈન્ટર્વ્યૂ રાખી લેતી હતી, તે કોઈ પણ દૃષ્ટિકોણથી પુરૂષ જેવો લાગતો જ નહોતો, સ્ત્રી જેવા વાળ, સ્ત્રી જેવી અદાઓ અને છટાઓ, બોલવાનો લહેકો, હાવભાવ, અને ત્યાં સુધી કે તેના કપડા પણ લેડિઝ કપડા હતાં (જો કે જીન્સ અને શર્ટ જ હતું, પરંતુ શર્ટને બદલે લેડિઝ ટોપ) છતાં કોઈક કારણથી તે કબુલવા તૈયાર નહોતો કે તે સજાતિય (ગે-Gay) છે. જો કે આખા એપિસોડમાં ખબર નહોતી કે ન્યાય માંગવા કોણ આવ્યું હતું અને રાખી કોના તરફથી કેસ લડી રહી હતી. પણ જે હોય તે, દાદ તો દર્શકોને આપવી પડે, કેમકે સામાન્ય રીતે આપણા સમાજમાં આવા બધા વિષયો પ્રત્યે સુગથી જોવામાં આવે છે, જ્યારે આ એપિસોડનાં દર્શકોએ સક્રિયપણે ભાગ લીધો અને અનેક યુવકો (હા, એક પણ યુવતિએ નહી) ઉભા થઈને પોતે પણ સજાતિય હોવાનો એકરાર કર્યો. શું ભારતમાં ખરેખર જનતા, અને ખાસ કરીને ગે જનતા આટલી બધી બૉલ્ડ છે કે તે ખુલ્લેઆમ સ્વિકારી શકે છે?

અંતે રાખીએ અને તેના દર્શકોએ કરેલા દબાણ હેઠળ વશ થઈને બીચારો કન્ફ્યૂસ્ડ છોકરી/છોકરો કબૂલ કરે છે કે તે ગે છે, અને તેના માતા-પિતા પણ તેને સ્વિકારે છે. પરંતુ તેનો ભાઈ ઉભો થઈને ચાલ્યો જાય છે. સવાલ એ છે કે આ કેવા પ્રકારનો ઈન્સાફ? એ માણસે કબુલ્યા પછી, તેને મીડિયામાંતો સારી એવી પ્રસિદ્ધિ મળી ગઈ, તે ડાન્સર છે એટલે હવે તેને ટેલિવુડ અને બોલિવુડમાં ચોક્કસ કામ મળી રહેશે, પરંતુ શું તેનો સ્થાનિક સમાજ તેને સ્વિકારશે?

હમણાંજ  સમાચારમાં વાંચ્યું હતું કે તેના એક એપિસોડમાં લક્ષ્મણ પ્રસાદ નામના અન્ય એક માણસ પર તેણે નપુંસક હોવાનો આરોપ લગાડતાં થોડા સમય બાદ તે માણસે આપઘાત કરી લીધો, આવી બધી સસ્તી પ્રસિદ્ધિ મેળવતાં લોકોનો જાન જાય છે તે વાત લોકો ક્યારે સમજશે? એ વાત તો ચોક્કસ છે કે જે માણસે આપઘાત કર્યો તે પોતાની મરજી વિરુદ્ધ તો આ શોમાં આવ્યો નહી હોય, તો પછી, શોમાં આવતાં પહેલા તેણે વિચાર્યું નહી હોય કે તેનું પરિણામ શું આવશે? હશે, જે હોય તે, મને લાગે છે કે હવે તો રાખીને પોતાને ઈન્સાફની જરૂર પડે તે દિવસો દૂર નથી.

જે ભાષા આપણને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ?

મને ભારતથી દૂર રહીને પણ, ભારત અને ખાસ કરીને મારા અમદાવાદ-ગુજરાતના સમાચાર વાંચવાની ચટપટી હંમેશા રહેતી હોય છે, અને માટે જ જ્યારે સમય મળે ત્યારે ગુજરાતી છાપાઓની વેબસાઈટ્સ ખોલી લેતો હોઉં છું. સાચું કહું તો ‘ગુજરાત સમાચાર’ માટે મને હંમેશા લગાવ રહ્યો છે, કારણ કદાચ એ હોઈ શકે કે બાળપણથી ઘરમાં તે વાંચતો આવ્યો છું, પરંતુ છેલ્લા થોડા સમયથી તેમાં જે વાસી સમાચારો છપાય છે તેના કારણે જરા તે પ્રેમ ઓછો થઈ ગયો છે, અને દિવ્ય ભાસ્કર પ્રત્યેનો પ્રેમ તેના ત્વરિત સમાચાર આપવાના ગુણને કારણે વધ્યો છે. પરંતુ, ‘દિવ્ય ભાસ્કર’માં લખવામાં આવતી લેખન શૈલિ, મુખપૃષ્ઠ પરની બિભત્સ તસવિરો, હિંદી મિશ્રિત ભાષા જેવા અનેક અવગુણો હંમેશા ખુંચતા રહ્યા છે. આજે તો ‘દિવ્ય ભાસ્કરે’ હદ જ કરી નાંખી, એક સમાચારનાં શિર્ષકમાં તેણે લખ્યું છે, “બુધવારનો દિવસ અપસુકનીયાર સાબિત થયો”, હવે આપ જ કહો કે આ “અપસુકનીયાર” શબ્દનો શું અર્થ થાય? શું દિવ્ય ભાસ્કર પાસે કોઈ ગુજરાતી બોલતા, પત્રકારો, ટાઈપિસ્ટો કે પ્રુફ રિડરો નથી? કે શું તેની પાસે ગુજરાતી શબ્દકોષ કે ગુજરાતી જોડણીકોષ નથી? શું આ જ ગુણવત્તા છે ગુજરાતી ભાષાની જે આપણે આ કહેવાતા ગુજરાતનાં “લિડીંગ ન્યુઝ પેપર” પાસેથી અપેક્ષા રાખવી જોઈએ? “અપસુકનીયાર” ને બદલે સાચો શબ્દ “અપશુકનિયાળ” લખવામાં પણ શું દિવ્ય ભાસ્કરને અપશુકન નડતા હતા? મને વળી વળીને પ્રશ્ન થાય છે કે જે ભાષા આપને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ? ગુજરાતી ભાષા પ્રત્યેની આતલી બધી નિરસતા કેમ?

%d bloggers like this: