શું કૃષ્ણ સ્વાર્થી કે ઘમંડી છે???

બે-ત્રણ દિવસ પહેલા ઇમેજીન પર આવતી સિરિઅલ દ્વારકાધીશ જોતો હતો. ઘણા સમયથી તેમાં સુદામાની કથા ચાલી રહી છે. આપણને તો સુદામા ભગવાનને મહેલે તાંબૂલ લઈને ગયો અને ભગવાને મુઠ્ઠી-મુઠ્ઠી તાંબૂલે તેની જાણ બહાર જ તેને ધન અને ઐશ્વર્ય આપ્યું જેની જાણ સુદામાને તે પોતાને ગામ પાછો ફરે છે ત્યારે જ થાય છે, તેટલી જ વાત જાણીએ છીએ (એટલિસ્ટ હું તો એટલું જ જાણતો હતો). પરંતુ આ સિરિયલમાં તો તે ઘટના કદાચ બે મહિના પહેલા આવી ગઈ અને તે પછી પણ હજુ સુદામા જ છવાયેલા રહ્યા છે.

હવે મૂળ વાત પર આવું તો, તેમાં મેં જોયું કે ભગવાન સુદામાના ઘરે રસૌયા બનીને આવે છે, કેમકે સુદામાની પત્ની ધન આવવાને કારણે છકી ગઈ હતી. સુદામા પૈસો મળવા છતાં ભિક્ષુકવૃત્તિ કરીને પેટ ભરવા માંગતો હતો અને બંબે વચ્ચે ચડભડ થતાં સુદામા તેમના ચાર પૈકીના ત્રણ પુત્રોને લઈને પત્નીથી અલગ રહેવા જતો રહે છે. ઝુંપડામાં રહીને, ભિક્ષા માંગીને, તે ભગવાનનું સ્મરણ કરતો રહે છે. પણ તેની પત્ની સુશીલા ધનમાં આળોટતી, સાહ્યબી ભોગવતી ભગવાનનું નામ સુદ્ધાં લેવા તૈયાર નથી. આથી તેને ભગવાનાભિમુખ કરવા અને તેણે સુદામાનો ત્યાગ કરીને કરેલી ભૂલ કબુલ કરાવવા કૃષ્ણ પોતે રસૌયો બની તેના ઘરે આવે છે પરંતુ તેમના લાખ પ્રયત્ન કરવા છતાં સુશીલામાં કોઈ ફેર પડતો નથી. હવે ક્લાઈમેક્સ… કૃષ્ણ એવું કરે છે કે જે એક માત્ર છોકરો સુશીલાની સાથે તેના મહેલમાં રહેતો હોય છે, તે અચાનક માંદો પડે છે. સુશીલા મોટામાં મોટા વૈદ્યને બોલાવે છે, અઢળક સંપત્તિ આપવા તૈયાર થાય છે. એક બાજુ સુદામા તેને સમજાવે છે કે ભગવાન કૃષ્ણના નામનું રટણ કર, બધું થીક થઈ જશે, પણ સુશીલા સુદામા પર ગુસ્સો કરીને તેને હાંકી કાઢે છે. બીજી બાજુ બધાંજ વૈદ્યો હાથ ધોઈ કાઢે છે. આ સમયે સુદામા ફરી તેની પત્ની પાસે જઈને કહે છે કે હવે કૃષ્ણનું શરણું લીધા સિવાય કોઈ ઉપાય નથી. અને કેમકે સુશીલા બધા પ્રયત્નો કરીને થાકી ગઈ હોય છે, પોતાના પુત્રને બચાવવા તે પણ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ એ જ રસૌયા સ્વરૂપે હાજર થાય છે અને તેમના પુત્રને સાજો કરી દે છે. સુશીલા ભગવાનની ભક્ત બની જાય છે.

હવે સવાલ…. શું ભગવાન એટલા સ્વાર્થી છે કે કોઈ માણસ તેમને ના માનતું હોય તો તેનું સંતાન લઈ લેવા સુધીની હદે તેને પિડા આપે કે જેથી ત્રસ્ત થઈને એ વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે? કે આવું તે પોતે મહાન છે અને સૌએ મારૂં શરણું સ્વીકારવું જ જોઈએ તેવા ઘમંડમાં કર્યું હશે? બીજું બધું માનવામાં આવે પણ ભગવાનનું આવું સ્વાર્થી કે ઘમંડી વલણ તો માનવામાં આવે તેવું જ નથી. શું ખરેખર કૃષ્ણએ સુદામાના બાળકની આવી હાલત કરી હશે?

Advertisements

ભગવદ્ ગીતા ૪.૧૩

ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: |
તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ||૪.૧૩||

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલાં કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે. જો કે, હું આ વ્યવસ્થાનો સ્ત્રષ્ટા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું તેમ તું જાણ.

ભગવદ્ ગીતાના ચોથા ધ્યાયનો આ તેરમો શ્લોક છે, જેમાં ભગવાન અર્જુનને જણાવે છે કે સમાજના ચાર વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર)ની રચના તેમણે કરી છે. અને માટે જ મેં ક્યાંક કોઈક અન્ય બ્લોગ પરની કોમેન્ટમાં કોઈકને એવું ઘોષિત કરતા જોયું હતું કે, જે કૃષ્ણએ વર્ણાશ્રમ ધર્મ ઉત્પન્ન કર્યો તેને હું ભગવાન નથી માનતો. સાચી વાત છે ભાઈ, તમારે શું કામ એ કૃષ્ણને ભગવાન માનવો પડે કે જે આગળ જતાં એમ પણ કહે છે કે ચારે વેદો, આ સમગ્ર સૃષ્ટિ, પર્વત, જળ, વાયુ, વગેરે બધું જ મેં ઉત્પન્ન કર્યું છે. સવાલ છે આપણા સ્વાર્થીપણાનો. આપણને સારૂં ના લાગે તે આપણે બેધડકપણે જણાવી દેતા હોઈએ છીએ અને તેના પર આપણે આપણો આખરી નિર્ણય પણ સંભળાવી દેતા હોઈએ છીએ, પણ તેની સાથે સાથે સારું શું લાગ્યું તેનો ઉલ્લેખ નહી કરવાનો. હવે આપણે આ જ વ્યક્તિને પુછીએ કે શું તમે માનશો કે કૃષ્ણએ ૯માં અધ્યાયમાં કહેલું “હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધિકર્તા તથા ૐકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ છું” એ પણ સાચું છે? તો કદાચ કહી દેશે કે, હોતું હશે? કોઈ કેવી રીતે સૃષ્ટિનો પિતા અને માતા તથા આશ્રયદાતા હોઈ શકે?

હવે ધ્યાનથી જોવાની વાત એ છે કે જે કૃષ્ણ આપણને આજે અન્યાયી લાગતી તે વર્ણપ્રથાના સ્થાપક તરિકે અન્યાયી લાગે છે, તે જ કૃષ્ણ આગળ જઈને એમ પણ જણાવે છે કે હું જ આ સૃષ્ટિનો આશ્રયદાતા પણ છું. જો તે આશ્રયદાતા હોય, માતા-પિતા હોય તો અન્યાયી કેવી રીતે હોઈ શકે? પણ ના, આપણે આ બધા તર્કમાં શું કામ ઉતરીએ? આપણે તો કોઈકે કરેલા એક વિધાનના અંશ પરથી જ તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ આંકવાનો ભગિરથ પ્રયાસ કરતા હોઈએ છીએ. આના પહેલાની મારી પોસ્ટ નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતામાં આનું જ એક ઉમદા ઉદાહરણ એક સંપ્રદાયના મહાન સ્થાપક દ્વારા કરવામાં આવેલા વિધાન સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. જે હોય તે, ભાઈ, દરેકને પોતાનો મત બાંધવાનો અને પોતાના નિર્ણય જાતે લેવાનો પુરેપુરો અધિકાર છે. મને તેની સામે કોઈ વાંધો હોઈ જ ના શકે.

મારો આજનો પ્રયાસ એ વર્ણપ્રથાને સમજવાનો છે. આપણે હંમેશા પૂર્વગ્રહ બાંધીને કોઈપણ વસ્તુને જોવા ટેવાયેલા છીએ, એટલે આ વર્ણપ્રથામાં દોષ જોઈએ તે સ્વાભાવિક છે. હું કાંઈ તે પ્રથાનો હિમાયતી નથી, પણ તેને વખોડવાના મતનો પણ નથી. જે રીતે અડધા ભરેલા પાણીના ગ્લાસને આપણે અડધો ખાલી પણ જોઈએ છીએ અને આપણી માનસિકતા પ્રમાણે તેને અડધો ભરેલો કહેવો કે અડધો ખાલી કહેવો તે નક્કી કરતાં હોઈએ છીએ, તે જ રીતે આ વર્ણપ્રથાને સાચી કે ખોટી, ન્યાયી કે અન્યાયી, વગેરે વગેરે કહેવા ઉતાવળા થઈ જઈએ છીએ. વનસ્પતિશાસ્ત્રનો વિદ્યાર્થી હોવાને નાતે મને વનસ્પતિઓમાં રહેલી ડિવિઝન ઓફ લેબરની વ્યવસ્થા બહુ આકર્ષતી હતી. વનસ્પતિમાં પર્ણનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવવાનું, પુષ્પનું કાર્ય છે કિટકોને આકર્ષિને પરાગનયન દ્વારા બીજ બનાવવાનું બીજનું કાર્ય છે નવી પેઢીને જન્મ આપવાનું, મૂળનિં કાર્ય છે જમીનમાંથી પાણી અને પોષકદ્રવ્યો શોષીને અન્ય અંગો સુધી પહોંચાડવાનું, અને તેમ છતાં કોઈ પણ અંગને અન્યાય નથી થતો, આપણને ક્યારેય એવો અહેસાસ પણ નથી થતો કે આ બિચારા પાંદડા, આખો દિવસ તડકામાં પોતે તપે અને તેમના બનાવેલા ખોરાકથી જલ્સા કરે પેલા ફૂલો. કે પછી આ બિચારાં મૂળિયાં પોતે આખી જીંદગી જમીનમાં દટાયેલાં રહે અને હવામાં લીલાલહેર કરે પેલા પાંદડા. ઉલટાનું બધાંજ અંગોએ કરેલા સહિયારા કાર્યને કારણે જ વનસ્પતિ અડિખમ ઉભી રહે છે અને ફૂલેફાલે છે.

ચાર વર્ણની સમાજવ્યવસ્થાનું પણ આવું જ હતું. કેમકે સમાજમાં દરેક વર્ગને પોતપોતાનું કાર્ય વહેંચવી દેવામાં આવ્યું હતું, દરેકનું એકબીજા પર અવલંબન પણ હતું. કુંભાર શૂદ્ર ભલે કહેવાતો, પણ તેના સિવાય અન્ય કોઈ ઘડા બનાવી નહોતું શકતું, અને તેના ઘડા વગર કોઈને પાણી ઠંડુ મળતું નહી. જો ભંગી સફાઈ કરવા ના આવે તો શેરીઓમાં કચરાના ઢગ થઈ જાય અને બિમારીઓ ફેલાઈ જાય, અને માટે જ તેને વારે તહેવારે સીધું આપવાનો પણ રિવાજ હતો. આજે પણ ઝાડુવાળાઓ દિવાળીના નાસ્તા ઘરેઘરેથી ઉઘરાવે છે. તે શું સુચવે છે? તેમનો સમાજમાં સમાવેશ. જો તેમને સમાજમાં સમાવ્યા ના હોત તો આપણે તેમની પાસેથી ગુલામની જેમ કામ કરાવવું અને તેમને કશું ના આપવું તેમ જ માનતા હોત. હોળી પ્રગટાવવા માટે એ જ હરિજન/ભંગીની જરૂર પડે. કંસારો ના હોત તો પિત્તળના કે અન્ય ધાતુઓના વાસણો કોણ ઘડતું હોત? સમાજમાં અસમાનતા ત્યારે દેખાવા લાગી જ્યારે આ ડિવિઝન ઓફ લેબરની પ્રથા નષ્ટ થઈ ગઈ. જ્યારે બ્રાહ્મણ પણ ઘડા ઘડવા માંડ્યો અને લુહાર રાજગાદીએ બેસી ગયો. કોઈપણ કામ હોય તેને કરવા માટે ચોક્કસ આવડતની જરૂર પડે છે. અને આ આવડત શીખવાથી મળે છે. પ્રૌરાણિક કાળમાં દરેક કામો શીખવા માટે આજે હોય છે તેવી કોલેજો અને યુનિવર્સિટીઓની વ્યવસ્થા નહી હોય અને માટે જ આ ટેકનિકલ શિક્ષણ સુલભ થઈ પડે માટે તે આવડત ગળથુથીમાં જ મળી આવે અને જીવનના વિકાસની સાથે સાથે તેનો વિકાસ થતો જાય તેવી વ્યવસ્થા ઘડવામાં આવી હતી.

આપણે વખતો વખત જનિન (જીન્સ) દ્વારા વારસામાં મળતા ગુણોના વખાણ કરીએ છીએ. બ્લોગર મિત્ર ભુપેન્દ્રસિંહજી એ આ જીન્સ પર એક આખી લેખમાળા તૈયાર કરી છે. તેમણે અમુક પોતાના તારણો અને અમુક મનોવૈજ્ઞાનિકોના નિષ્કર્ષો ટાંક્યા છે જેના દ્વારા એ બતાવે છે કે આપને (પુરુષગત કે સ્ત્રીગત) સ્વભાવ પણ આપણા આ જીન્સ દ્વારા મળેલા વારસાને કારણે જ હોય છે. આધુનિક વિજ્ઞાન પણ એ વાત કહે છે કે સ્ત્રીની ગર્ભાવસ્થાના ચોક્કસ ગાળા દરમ્યાન ગર્ભમાં રહેલા બાળકને માતાના વિચારો, તેના દ્વારા જોવામાં આવતા દૃશ્યો અને સાંભળવામાં આવતા અવાજોની અસર થાય છે. હવે જો બ્રાહ્મણના ઘરમાં રોજ સવારસાંજ શાસ્ત્રોના પાઠ થતાં હોય અને સ્ત્રી તે વાતાવરણમાં રહેતી હોય તો ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં આ પાઠોને ગ્રહણ કરવાની ક્ષમતા ગર્ભથી જ વધી ગઈ હોય છે. અને તે જ રીતે આપણા જનિનો પણ આપણી કુશળતા આગલી પેઢીમાં ટ્રાન્સફર કરતાં હોય છે.

એટલે વર્ણપ્રથામાં બધાજ પરિબળો મિશ્ર થઈને બાળકના પુખ્ત થવા સુધીમાંતો તેને પોતે જે કુટુંબમાં કે જે વર્ણમાં જન્મ્યું હોય તે વર્ણ કે કોમના કામનું જ્ઞાન સ્વાભાવિક રીતે જ આવી ગયું હોય. શાળામાં ભણવા ના ગયો હોય પણ શાકવાળાનો છોકરો પોતે હોલસેલમાં લીધેલા શાકનો છુટક ભાવ શું રાખવો, અને ભણ્યો ના હોવા છતાં નોટો અને સિક્કાઓ પારખવાનું અને તેણે વેચેલા ૩૫૦ ગ્રામ રિંગણા માટે તેને આપવામાં આવેલી મોટી નોટના એક્ઝેક્ટ છુટા પૈસા કેટલા પાછા આપવા તેની ગણતરી તેને બખુબી આવડતી હોય છે. આમ, તેનું જે કામ છે તે શિખવા માટે તેણે ક્યાંય નથી જવું પડતું. એવું પણ બની શકે કે ભણેલા ગણેલા માણસને ૩૫૦ ગ્રામ રિંગણ, ૨૫૦ ગ્રામ ભીંડા, ૫ કિલો બટાકા, લીલો મસાલો અને ૭૫૦ ગ્રામ મૂળાના કેટલા પૈસા થયા અને ૧૦૦ રૂપિયામાંથી કેટલા બચશે તે ગણતરી કરવામાં અભણ કાછીયા કરતા બેવડો સમય લાગે. પાણીપુરીની લારી પર એક સાથે ૮ બહેનો પાણીપુરી પિરસતા ભૈયાને કઈ બેને કેટલી ખાધી, કોને તીખી, કોને તીખી-ગળી ભેગી અને કોને ફક્ત કોરી પાણીપુરી આપવાની છે તે બધી જ ખબર રહે છે, જે સંપૂર્ણ ભગવદ્ ગીતા મોઢે બોલી જનાર બ્રાહ્મણને કે આખા રાજ્યનો ભાર સહન કરનાર રાજા કે તેના પ્રધાન માટે લગભગ અશક્ય બાબત બની રહે.

આ ઉપરાંત તે પ્રથાનું કે અન્ય એક જમાપાસુ એ હતું કે તેમાં સ્પર્ધા નહોતી. દરેકને નાનપણથી ખબર હોય કે તેને મોટા બનીને શું બનવાનું છે, તેનો વ્યવસાય અન્ય કોઈ નથી મેળવી લેવાનું, માતે ૧૦માં અને ૧૨માં ધોરણની પરિક્ષાઓમાં ૨૦ કલાક વાંચવાની અને પરિક્ષામાં ૯૩.૭ ટકાથી ઓછા માર્ક આવે તો કાંકરિયામાં ઝંપલાવવા જવાની જરૂર નહોતી પડતી. આજે પણ ભારતમાં પુસ્તકિયા જ્ઞાનની જેટલી ઘેલછા છે તેટલી પશ્ચિમના દેશોમાં નથી. ખાસ કરીને અહીં બ્રિટનમાં તો નથી જ. અહીં હું જે બેંકમાં કામ કરૂં છું તે મલ્ટીનેશનલ બેંક છે, ખાલી લંડનમાં આજે રિસેશન પછી પણ હજુ અમારો ૧૦,૦૦૦નો સ્ટાફ છે, પણ આટલી મોટી બેંકમાં અનેક સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ્સ એવા મળી આવશે કે જે જીસીએસસી કે એ-લેવલ (અનુક્રમે આપણું દસમું અને બારમું) પાસ હોય. અહીં પુસ્તકીયા જ્ઞાન કરતાં વ્યવહારૂ જ્ઞાન અને અનુભવને વધુ પ્રાધાન્ય છે. એવુંજ આપણી વૈદિક સંસ્કૃતિનું હતું. તેમાં પણ કોઈ બાળકને જીવનના પહેલા ૧૦-૧૨ વર્ષ સુધી લગભગ બધુંજ ભણાવ-ભણાવ કરવું અને પછી વિદ્યાર્થી જીવનના છેલ્લા ૩ કે ૫ વર્ષ દરમ્યાન જ વ્યાવસાયિક જ્ઞાન આપવું એવી મૂર્ખામિ ભરેલી માનસિકતા નહોતી. તે સમયે બાળકને જન્મથી જ તેનું વ્યાવસાયિક જ્ઞાન મળતું રહેતું.

હા, જ્યારે સમાજમાં સારો વર્ગ અને હલકો વર્ગ અને સ્પૃશ્ય અને અસ્પૃશ્ય એવા વર્ગો સ્થપાયા ત્યારે આ વર્ણપ્રથા દુષિત થઈ ગઈ. તેવું કેમ થયું અને ક્યારે થયું તે હજું શોધવું બાકી છે. પણ જો આપણી આ વર્ણપ્રથામાંથી અસ્પૃશ્યતા દૂર કરી દઈએ તો ખરેખર તેમાંથી ઘણું શિખવા જેવું છે, મને તો એ આખી પ્રથા એક અલગ દૃષ્ટિકોણથી જોવાનું હંમેશા મન થાય છે. કદાચ મને પ્રતિભાવમાં બ્રાહ્મણ હોવાને નાતે પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણથી આ લેખ લખવાનો આરોપ પણ સહન કરવાનો વારો આવે. પન હું ફરી એક વખત સ્પષ્ટતા કરી દઉં કે હું પોતે પણ એ વર્ણપ્રથાનો પ્રખર હિમાયતી નથી, કે નથીતો તેને પુનઃસ્થાપિત કરવા માટેનું જોઈ જનઆંદોલન છેડવાનો વિચાર ધરાવતો. આ પ્રયાસ છે ફક્ત તે પ્રથાને નફરતની દૃષ્ટિએ ન જોતાં તેને જોવાનો અન્ય એક અભિગમ પુરો પાડવાનો. આશા છે કે આ પોસ્ટ વાંચનાર બુદ્ધિજીવીઓ પોતાના પ્રતિભાવો આપશે અને મારો દૃષ્ટિકોણ કેટલો સાચો અને કેટલો ખોટો છે તેની ચર્ચા કરવાનો મોકો મળશે. અસ્તુ!

નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા

અન્ય સહબ્લોગરો (યશવંતભાઈ ઠક્કર-નરસિંહ મહેતા ઇડિઅટ હતા! અને અશોકભાઈ મોઢવાડિયા-ભણે નરસૈંયો…મને ઓળખો છો ?
)ને નરસિંહ મહેતા પર લખતા જોઈને અને તેથી વધુ અમુક બ્લોગર મિત્રોને મુઢ જનતા જે નરસિંહ મહેતાને મહાન ભક્ત અને મહાન કવિ, આદિ કવિ વગેરે માને છે તે નરસિંહ મહેતાને તદ્દન ફાલતુ ગણાવતા જોઈને મને પણ શૂરાતન ચઢ્યું કે હું શું કામ આ નરસિંહ મહેતા માટે કશું ના લખું? અને બસ એજ શૂરાતનમાં (આમ તો બ્રાહ્મણ હોવાને નાતે શૂરાતન ચઢાવવું ના જોઈએ, પણ અમારા અન્ય એક બ્લોગર મિત્ર ભુપેન્દ્રસિંહ હંમેશા યુદ્ધ કરવા માટે સહુને પ્રેરતા હોય છે, તેથી તેમની ચાબખાવાણીથી પ્રેરાઈને આજે શૂરાતન ચઢાવી) આ લખવા બેઠો.

આગળ વધતા પહેલા પ્રસ્તાવના બાંધી લઉં કે ભલે શરુઆત કટાક્ષ કે રમૂજથી થઈ હોય, અને ભલે મારી આગળની પોસ્ટ કટાક્ષરૂપ હોય, આ પોસ્ટ હું સિરિઅસલી સંપૂર્ણ સિરિયસ ભાવે લખી રહ્યો છું, તેથી આપ વાંચકોએ પણ તેને ગંભિરતાથિઇ વાંચવી અને લેવી. હવે મૂળ મુદ્દા પર આવીએ,

ગયા વર્ષે ઈ-મેલ પત્રાચાર પર મીરાં બાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, વગેરે ઉપર ચર્ચા ચાલી રહી હતી, જેમાં દાવા-પ્રતિદાવા હતા કે આ બધાજ અને અન્ય થોડા ઘણા સંતો સાચા ભક્તો નહોતા. તે પૈકિનું વિષયવસ્તુને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું અવતરણ અહીં ટાંક્યું છે. તે વાંચો, જેમાં કોઈકે એવો સ્પષ્ટ દાવો કર્યો છે કે “નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા”.

Narsinh Mehta is well known amongst general populace as a pure devotee. But in one conversation a devotee told XXXXX XXXXXXXXXX that Narsinh Mehta was very happy on death of his wife (who was not favourable for his devotional service) that “now I will be able to perform bhajana peacefully”. XXXXX XXXXXXXXXX commented that devotional service of a pure vaisnava is never disturbed by any material factors and thus if this is the standing of Narasinh Mehta then he is not a pure devotee.

હવે આ XXXના અનુયાયિઓ નરસિંહ મહેતાને ભક્ત નથી ગણતા, અંગ્રેજીમાં કહિએ તો બોનાફાઇડ નથી માનતા. અને વાત પણ સાચી છે. જો જો, આ ફક્ત ભક્તિમાર્ગના સંદર્ભમાં જ ચર્ચા થઈ રહી છે, તેથી તેમાં દુન્યવી જ્ઞાન અને વ્યવહારૂ દૃષ્ટિ ઉમેરવાની નથી. મારા મમ્મી હંમેશા કહે છે તેમ, બધાને એક લાકડીએ ના હંકાય. એટલે હંમેશા એ જ તકિયાનુસી લોજીકલ વાતો ના કરીને જે તે વાતને તે જ પરિપ્રેક્ષ્યમાં ચર્ચીએ તો વધુ મજા આવે.

ઉપરના અવતરણમાં નરસિંહ મહેતાના ભજન ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાળ..નો સંદર્ભ આપવામાં આવ્યો છે. XXXને નરસિંહ મહેતા કોણ હતો, શું હતો તેની કોઈ જાણકારી લાગતી નથી. તેઓ ફક્ત એક વ્યક્તિએ કરેલી રજૂઆત પરથી પોતાનું ફરમાન સંભળાવે છે. આપણે ચોક્કસપણે એવી આશા ના રાખી શકીએ કે દરેક વ્યક્તિને દરેક પ્રાંતના સંતોની જાણકારી હોય, મને રાજસ્થાનના કે તમિલનાડુના બધાંજ સંતો અને કવિઓની માહિતી નથી, તેમ આ XXX પણ ગુજરાતી નહોતા તેથી તેમને નરસિંહ મહેતા વિષે જાણકારી હોવી જોઈએ તેવું માનવું અયોગ્ય છે. પણ તેમણે કરેલા નિવેદન પરથી એટલું સ્પષ્ટ થાય છે કે તેમણે જેની વાત સાંભળીને પોતાનો નિર્ણય સંભળાવ્યો, તે વ્યક્તિમાં તેમને પુરો વિશ્વાસ છે. અને તે વ્યક્તિ જે જાણકારી આપે છે તેને તે ૧૦૦ ટચના સોના જેવી માને છે. આ ટુંકા ફકરા પરથી અનેક પ્રશ્નો ઉદ્ભવે છે, જેની ચર્ચા અત્યારે નહી કરીએ. આપણે તો ફક્ત એક જ મુદ્દો ચર્ચીશું કે, શું ખરેખર નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા? સહુ તેમને ભક્ત માને છે, તેથી તે ભક્ત જ નહોતા તેમ કહીને આ ચર્ચા અહીં અટકાવી ના શકીએ અને માટે જ તે ભક્ત હતા, તો શું શુદ્ધ ભક્ત હતા?

XXX જે કારણથી નરસિંહ મહેતાને શુદ્ધ ભક્ત તરિકે નકારી કાઢે છે, મને તેની સામે પણ વાંધો નથી. મને વાંધો છે તેમના અનુયાયિઓ સામે. જેમણે XXXના કરેલા વિધાનમાંથી if this is વાળા ભાગનો છેદ ઉડાડી દીધો. મેં ઉપર કહ્યું અને તે પરિચ્છેદ પરથી સ્પષ્ટ થાય છે તેમ XXXને નરસિંહની કોઈ જાણકારી નથી, માટે તે અજ્ઞાતભાવે આવું કહે છે, પણ શું ખરેખર તે હકિકત છે કે માણેક મે’તી નરસિંહ મહેતાની ભક્તિમાં પ્રતિકૂળ હતી? જવાબ છે ના. નરસિંહના જીવનચરિત્ર પરથી અનેક જગ્યાએ માણેક મે’તી તેમની સાથે જ હતાં તેવું સ્પષ્ટ છે. તો રજૂઆતકર્તાએ આપેલી ખોટી માહિતી કે પૂર્વાગ્રહયુક્ત માહિતીને કારણે કરવામાં આવેલું વિધાન અને ફરમાન પણ ફોક થઈ નથી જતું? XXX કહે છે કે જો એવું હોય તો નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નથી, એનો અર્થ એવો થાય છે કે જો એવું ના હોય તો નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત હતાં. ખરું કે ખોટું?

માટે ક્યારેય કોઈપણ વાતમાંથી એક અંશ લઈને આપને તેને ટાંકી ના શકીએ. કેમકે આખી વાત કયા પરિપ્રેક્ષ્યમાં થઈ છે તે જાણ્યા વગર તેનો નિર્ણય લેવો તે અજ્ઞાનતાની નિશાની છે.

ભગવદ્ ગીતા (૩.૧૪)

ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો ૧૪મો શ્લોક આ પ્રમાણે છે:

અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ |
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞ: કર્મસમુદ્ભવઃ ||

જેનો સીધો સાદો અર્થ થાય છે:
બધા દેહધારી પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે (પોષણ પામે છે) અને અન્ન વરસાદ (પર્જન્ય)થી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે અને યજ્ઞ નિયત કર્મ કરવાથી થાય છે.

હવે તમને થતું હશે કે આજે વળી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા કેમ બેસી ગયો? અને તેમાં પણ કોઈ નહી અને આ શ્લોક? તો એનું કારણ એવું છે કે ગયા શુક્રવારે હું એક યુવાન ગોરા બ્રહ્મચારીને સાંભળવા ગયો હતો. તે ભગવન્નામના મહિમા પર પ્રવચન આપી રહ્યાં હતા. ભગવાનનું નામ સમુહમાં લઈએ તેને સંકિર્તન કહેવામાં આવે છે, અને તેમણે શરૂઆતમાં કહ્યું હતું કે સંકિર્તન કરવું એ પણ એક યજ્ઞ છે, માટે ઘણી વખત ‘સંકિર્તન યજ્ઞ’ એવો મહાવરો વાપરવામાં આવે છે જે મેં પણ સાંભળ્યો છે. તો હવે મુદ્દાની વાત, તેમણે આ શ્લોકનું અર્થઘટન એવું કર્યું કે, યજ્ઞ એટલે સંકિર્તન, અને સંકિર્તન એટલે ભગવાનનું નામ. માટે, ભગવાનનું નામ લેવાથી (કે એનો જાપ કરવાથી) જ વરસાદ આવે છે, અને વરસાદથી અન્ન પાકે છે જેનાથી દરેક જીવોનું પાલન-પોષણ થાય છે. જો આપણે ભગવાનનું નામ નહી લઈએ તો વરસાદ નહી આવે અને દુકાળ પડશે. માટે ભગવાને કહ્યાં પ્રમાણે આપણે સંકિર્તન કરવું જોઈએ.

હવે આ આખા શ્લોકમાં ભગવાને સંકિર્તનની તો ક્યાંય વાત કરી જ નથી, અને ત્રીજા અધ્યાયમાં યજ્ઞ એટલે કે લાકડામાં ઘી અને હુતદ્રવ્ય હોમીને અગ્નિ રૂપે કરવામાં આવતાં યજ્ઞની જ વાત કરી રહ્યાં છે. તો પછી એમાં આ ભેળસેળ કરવાની ક્યાં જરૂર છે? હા, તમારે નામનો મહિમા ગાવો હોય તો ગાવને, પણ જે લોકો તમારામાં શ્રદ્ધા રાખીને આવે છે તેને એવું જ્ઞાન શું કામ આપવું કે જે તમને પણ પોતાને ખબર ના હોય? મનુસંહિતા (મનુસ્મૃતિ)ના તૃતિય અધ્યાયના ૭૪માં શ્લોકમાં પણ આ જ વાત કહી છે, પણ તદ્દન ઉલટા ક્રમમાં, એટલે કે તેમાં એમ કહ્યું છે કે…..

યજ્ઞમાં વ્યવસ્થિત રીતે હોમેલી આહુતિ, સૂર્ય સુધી પહોંચે છે, સૂર્યથી વરસાદ આવે છે, વરસાદભા અન્ન ઉપ્તન્ન થાય છે, માટે જ જીવ સંભવે છે (તે અન્નમાંથી પોષણ મેળવે છે).

આજે વિજ્ઞાન પણ સ્વિકારે છે કે યજ્ઞો કરવાથી એટલેકે કે અગ્નિ પ્રગટાવવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે વાદળ બાંધવામાં ખુબ મદદરૂપ થાય છે. હવે આ જ વાત વર્ષો પહેલા મનુસ્મૃતિમાં કહી છે, જેનો અર્થ એમ કરી શકાય કે તે સમયનું આપણું ભારતવાસીઓનું, આર્યોનું વિજ્ઞાન એટલું સચોટ હતું. મારી અન્ય પોસ્ટ કૃષ્ણ: ઇતિહાસ કે કલ્પના? પરથી એ તો ફલિત થાય છે જ કે આપણું ખગોળશાસ્ત્રનું જ્ઞાન કેટલું બળવત્તર હતું, શૂન્યની શોધ આપણે કરી, એકડાની પાછળ ૫૦ મીંડા સુધીની રકમો આપણે જાણતા હતાં, દશાંશ પધ્ધતિની શોધ પણ આપણી છે, અને વરસાદ, જીવની ઉત્પત્તિ, વનસ્પતિ અને પ્રાણી બંને સજીવ છે, જેવી અનેક વિજ્ઞાનની વાતો આપણે હજારો વર્ષોથી જાણીએ છીએ. તો પછી આવા ભવ્ય વારસામાં આવતી સાચી વાતોને આમ પોતાના સ્વાર્થ મુજબ શું કામ વાળવાની જરૂર પડે છે? ગીતામાં શું કહ્યું છે તેનું દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અર્થઘટન કરે છે અને કહે છે કે ગીતા તો ગુહ્ય જ્ઞાન છે, એનો સીધો અર્થ ના નીકળે તેના મર્મને જાણવો પડે. પણ શું કામ? જો એવું હોત તો ભગવાને અર્જુનને કાનમાં ના કીધી હોત ગીતા? છેક હસ્તિનાપુરમાં બેઠેલા સંજયને સંભળાય એટલે મોટેથી શું કામ કીધી?

આપણા હિંદુઓની આ જ તકલીફ છે, પોતે શાસ્ત્રો વાંચશે નહી અને પછી આવું અડધું પડધું જ્યાંથી સાંભળ્યું હોય તે બીજાઓ પાસે ઠપકારે રાખશે. પોતાને હિંદુ ગણાવનારામાંથી કેટલાએ ગીતા વાંચી હશે? અને ગીતા કદાચે વાંચી હોય તો તેથી આગળ શ્રીમદ્ ભાગવત કે પછી કોઈ વેદ વાંચ્યો હોય અને પછી પોતાને હિંદુ કહેવડાવતા હોય એવા કેટલા મળશે આપણને? આપણા ભાગવતમાં પણ આવી અનેક વાતો છે, જે આપણને ધર્મ પાલન કરતાં શીખવે છે. અને ધ્યાનથી વિચારીએ તો સમજી શકાય તેમ છે કે એમાં ક્યાંકને ક્યાંક વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે, જે ચોક્કસ પણે જ સંશોધનને અંતે ઉદભવ્યો હોય. આ વિષય પર એક નહી અનેક લેખો લખાય એવા છે. જેમ જેમ અવસર આવતો જશે તેમ તેમ ઉભરો ઠલવાતો જશે.

આના જેવીજ એક વાત કરવી છે ‘ગીતા સાર‘ની, જેના પર કદાચ ટૂંક સમયમાં એકાદો નાનકડો લેખ લખાશે એવું લાગે છે.

||જય શ્રી કૃષ્ણ||

કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે…

(મારા બે ઘનિષ્ઠ મિત્રો સાથે થયેલી ધર્મ અને દાન વિષેની ચર્ચા….. મિત્રોનો સંપર્ક થઈ શક્યો નથી માટે તેમના નામ દૂર કર્યા છે, તેમની સંમતિ મળતા નામ અહીં ઉમેરીશ..)

પ્રથમ મિત્રઃ

શ્રી ધવલભાઈ,  હરે કૃષ્ણ, સીતારામ, જય માતાજી…

હું આપણા મેઈલની આપલે ને અહીં લાવ્યો છુ. માટે ખોટુ થતુ હોય તો માફ કરજો. પણ આપણા બીજા મિત્રો, તમે અને હું:-)બધાનાં વિચારો જાણી શકાય અને વધુ જ્ઞાન મેળવી શકાય તે માટે.

તમારી વાત બિલકુલ સાચી છે. જીવનમાં કાંઈને કાંઈ નવુ શીખતા રહેવુ જોઈએ. શીખેલું કયારેક કામ લાગે (કહેવત છે ને કે – સંઘર્યા સર્પ પણ કામ લાગે:-) આમ પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ અત્યારનાં સમયમાં આખા વિશ્વમાં થાય છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનાં વપરાશમાં અંગ્રજીભાષાનાં જ્ઞાનની વધુ જરૂર પડે છે. આમ પણ તમે કીધુ તેમ કે બધીજ ભાષા આવડવી જરૂરી નથી પણ કોઈપણ ક્ષેત્રનું જ્ઞાન વધુને વધુ મળે તો ખોટુ શું છે.

સારૂ ચાલો તો આપણે સામાન્ય ચર્ચા તો કરી પણ તમે કીધુકે અમારે અહીં મંદિર પણ શોધવા નીકળવુ પડે તેમ છે. મારા માનવા મુજબ ભગવાનની ભક્તિ કરવા મંદીરની જરૂર નથી, મંદીર કે મુર્તિ તો આપણા મનને ચલિત ન થવા દે અને ધ્યાન કેન્દ્રીત કરવા માટે છે. બાકી તો ઈશ્વર ક્યાં નથી ? ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યુ છે તેમ કે હું સર્વ વ્યાપક બ્રહ્મ છુ. હું અણુ અણુ માં છું. (છોડમાં રણછોડ) છતા પણ સમય મળે એટલે મંદીરે કે ચર્ચમાં જવુ જોઈએ અને આપણને જોઈને પણ બીજાને ઈશ્વરમાં શ્રધ્ધા બેસે અને બીજાને પ્રેરણા મળે તે માટે. બાકી તો આ દુનિયામાં કોઈ માણસ, પશુ, પંખી કે કોઈ જીવની ભુખ કે તેની કોઈ પણ પીડા આપણને સ્પર્શે નહી તો બધી ભક્તિ નકામી છે. માટે મારા મતે તો સાચી ભક્તિ તે છે, કે ” ”’કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે…સંત કબીરજી”’ “. અને જો જીવનમાં આવી સમજણ આવે તો સમજવુ કે આપણને સનાતન ધર્મનો માર્ગ મળી ગયો છે અને ઈશ્વરની નજીક છીએ. મને તો ખબર કે તમારે ત્યાના(લંડન) સમાજમાં ભુખ્યામાણસ કે પીડિત માણસ, પશુ પંખી જેવા હશે. જેમ ભારતમાં આવુ દરેક શહેર કે ગામડામાં જોવા મળે છે. જેથી અહીં સૌરાષ્ટ્રમાં સંતો એ અલગ અલગ જગ્યાઓ સ્થાપી છે અને ભુખ્યાને ભોજન ઘરબાર વગરનાં આશ્રય આપ્યો છે. 

સારૂ ચાલો તો ધવલભાઈ આમા કાંઈ વધારે કે ખોટુ લખાણુ હોય તો ધ્યાન દોરજો અને આજે હું વધારે કાંઈક ખિલી ગયો ખબર નહી શું થયુ.પણ તમારા જેવા સુપાત્ર મળે તો કોણ સતસંગ ન કરે ? આમ પણ કીધુ છેને કે  ચાર મિલે, ચોસઠ ખીલે, બીસ રહે કર જોઈ, હરિજન સે હરિજન મિલો તો નાચે સાત કરોડ. તમે, અશોકભાઈ, મહર્ષિભાઈ, સતિષચંદ્રજી તથા સુશાંતભાઈ વગેરે તમારા બધા જેવા મિત્રો હોયને તો સતસંગ કરવાની મજા આવે. બાકી તમે કીધુ તેમ અંગ્રજી ખંતથી શિખવા માંડીશ. પણ આવી રીતે કયારેક મળતા રહેજો. આવુ બધુ તમને કહેવાનુ ન હોય કારણકે તમોતો ઓલરાઉન્ડર છો. આને ચર્ચા ન સમજતા પણ સતસંગ જ સમજજો. આ સમયમાં આવો આધ્યાત્મિક સતસંગ તો સપનામાં પણ દુર્લભ છે. આતો આપણા ઉપર પ્રભુની કૃપા છે કે આપણે દુર હોવા છતા મળીએ છીએ. હું તમારાથી નાનો છુ માટે ભુલચુક માફ કરજો (ઓર્ડર નથી અરજ છે:-)સૌ મિત્રોને સતસંગ કરવા નિમંત્રણ છે. બરોબરને ધવલભાઈ?

દ્વિતિય મિત્રઃ

શ્રી ધવલભાઇ, આપની આગળની ચર્ચાઓ ખબર નથી પરંતુ જરૂર રસપ્રદ હશે !!! મને લાગે છે કે આપણાં ….”સિંહ”  …..”સ્વામિ”માં રૂપાંતરીત થઇ રહ્યા છે (અને આપને “ધવલસ્વામિ” જામશે!!) 🙂 જો કે તેમાં પણ કશું ખોટું નથી,”સિંહ” ને પણ જંગલનો “સ્વામિ” જ કહેવાય છે ને!!! નેટ પર ઘણું જોઉં અને જાણું છું!!! તેમાં ક્યાંક આવી સાત્વિક ચર્ચાઓ વાંચી અને પ્રેરકબળ મળે છે. અને આપણાં મિત્ર …..સિંહ અને તેમનું મિત્રમંડળ ”’કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે…સંત કબીરજી”’, એ દોહાનો વ્યવહારમાં અમલ પણ કરે છે તેનો એકાદ વખત સાક્ષી બનવાનું બહુમાન મને પણ મળેલ છે. આપ બન્નેનો આભાર. 

મારો ઉત્તરઃ

“…. સ્વામી” તમારી વાત સાચી છે,  ભગવાનતો સર્વત્ર વ્યાપક છે, પરંતુ આપણે મંદિર જઇએ છીએ કારણકે, મંદિર ફક્ત આરાધનાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક શિક્ષણ આપતું સ્થળ પણ છે, ઘરે ભક્તિ કરવાથી આપણને સંત વાણીનો લાભ નથી મળતો, મંદિરમાં જતા સંતોની વાણીનો લાભ મળી શકે છે, અને ત્યાં આપણને શિક્ષણ મળે છે, આપણી સંસ્કૃતિમાં કહે છે કે ગુરૂ વિના જ્ઞાન નહી, આ ગુરુ આપણને સામાન્ય રીતે ઘરે બેઠા નથી મળતા, તેના માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. માટે અનેક ઉદ્દેશ્યોથી મંદિર જવું આવશ્યક છે. તમારી વાત સાચી છે કે સાચી ભક્તિતો ગરીબ ગુરબાની સેવા જ છે. પરંતુ આ યુગમાં ગરીબ કોને ગણવો તે એક પ્રશ્ન છે. હું તો એમ માનું છું કે દાન પણ પાત્રને આપવું, કુપાત્રને આપેલું દાન એળે જાય છે, એટલેકે કોઇ પણ ભીખારીને ખાવા કે પૈસા આપવા જોઇએ, પરંતુ જો કોઇ વ્યક્તિ ભીખ ફક્ત એટલા માટે જ માંગતી હોય કે તેને વગર કામ કરે કે વગર મહેનતે બેઠા બેઠા ખાવાની આદત પડી ગઈ હોય તો આપણે તેને ભીખ આપીને પાપ કરીએ છીએ. તમે કદાચ જોયું હશે કે દુનિયાની મોટા ભગાની બધી બદીઓ ઝુંપડ પટ્ટીઓમાં ફુલતી ફાલતી હોય છે, ત્યાં જ દારૂના અને જુગારના અડ્ડાઓ જોવા મળશે, જો એ લોકોને ખાવા માટે પૈસા નાહોય તો તેમની પાસે દારૂના પૈસા કેવી રીતે આવી જાય છે? આપણે આપેલા દાનથી જો વ્યક્તિની બૂરી આદતોની લત સંતોષાતી હોય તો તે પરોપકાર એળે ગયો ગણાય.

::બીજી એક કથા કહું, એક વખત લક્ષ્મીજી ભગવાનને પુછે છે કે, “પ્રભુ, તમે બધા જીવોને ઉત્પન્ન તો કરો છો, પરંતુ પછી તેમનું પાલન કરવાની ચિંતા પણ કરો છો ખરા?” તો ભગવાન વિષ્ણુ ઉત્તર આપે છે કે, “દેવી, મેં ઉત્પન્ન કરેલા દરેક જીવ માટે અન્નની વ્યવસ્થા હું કરી જ દઉં છું”. લક્ષ્મીજી ભગવાનને ખોટા પાડવા માટે એક ડબ્બીમાં કીડીને બંધ કરી છે છે, અને ૨-૩ દિવસ પછી ભગવાનને જઈને કહે છે કે, જો તમે કહેલી વાત સાચી હોય તો મને કહો કે આ ડબ્બીમાં રહેલા જીવના અન્નની વ્યવસ્થા કોણે કરી છે? ભગવાન કહે છે કે તેને પણ આ સમય દરમ્યાન તેનું અન્ન મળી ચુક્યું છે, દેવી કેહે છે, “કેવી વાત કરો છો પ્રભુ! હવે તો પોતાની હાર સ્વિકારી લો, આ ડબ્બિ ૨ દિવસથી મારી પાસે છે, મેં કીડીને અન્ન આપ્યું નથી તો તેની વ્યવસ્થા કેવી રીતે થઈ ગઈ?” ભગવાન કહે છે કે ડબ્બી ખોલીને જુઓ, અને જ્યારે લક્ષ્મીજી ડબ્બી ખોલે છે ત્યારે કીડી તેમાં જીવતી હોય છે, અને અંદર એક  ચોખાનો દાણો પડેલો જુએ છે. ભગવાન કહે છે, કે “જોયું દેવી? જ્યારે તમે ડબ્બી બંધ કરતા હતા ત્યારે જ તમારા કપાળમાં કરેલા ચાંલા પર ચોંટાડેલા ચોખાનો એક દાણો ડબ્બીમાં પડી ગયો હતો, આમ તમે જ તેના ખોરાકની વ્યવસ્થા કરી દીધી હતી.” આમ આપણે ઘણી વખત નાહકની ચિંતા કરતા હોઇએ છીએ. કથાનો ભાવાર્થ એવો નથી કે આપણે કોઇને અન્ન ના આપનું કે દાન ના આપવું, પન તેમ કરતા પહેલા ખાતરી લેવી કે સુપાત્ર વ્યક્તિ છે કે નહી? લોકો કીડીઓના દર પુરવા જાય છે (લોટ ભભરાવીને) અને અમારા અમદાવાદમાં સવારના પહોરમાં કાંકરીયા તળાવમાં લોકો માછલાને ખવડાવવઅ આવે છે (તળાવની પાળે લોકો લોટની કણક વેચે છે, તે ખરીદીને તેઓ કણકની ઝીણી ઝીણી ગોળીઓ કરી તળાવની માછલીઓને નીરે છે), પરતું કીડીનો ખોરાક લોટ નથી અને માછલીનો ખોરાક કણક નથી, ભગવાને તેમનો ખોરાક નિયત કરેલો છે અને તે તેમને મળી જ રહેશે. આપને નાહકનાં તેમનો આવો નિરર્થક ખોરાક ખવડાવીને ફક્ત આત્મ સંતોષ મેળવીએ છીએ, તેના બદલે આવા પ્રયત્નો ખરેખર જરૂરિયાતમંદને મદદ કરવામાં કર્યા હોય તો લેખે લાગે.

::હવે ___ભાઈ મારે માટે બીજું કોઇ બિરૂદ લઈને આવે તે પહેલા અહીં સત્સંગને અલ્પ વિરામ આપું છું, ___ભાઈ તમારા કામના સાક્ષી છે, એટલે તમે કરો છો તે સેવા કાર્યને ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન નથી લગાડતો, આ તો ફક્ત ઉદ્દેશોની વાત કરી છે, ક્યાંય બંધ બેસતી પાઘડી ના પહેરી લેશો. અને આ સત્સંગ ચાલુ રાખશો.

%d bloggers like this: