કૃષ્ણ: ઈતિહાસ કે કલ્પના? (Krishna: History or Myth?)

ઘણા સમય પહેલાં ડૉ. મનિષ પંડિતે બનાવેલું આ દસ્તાવેજી ચિત્ર જોયું હતું. જે ઘડીએ નહેરુ સેન્ટરમાંથી સ્વયં તેના રચયેતાની હાજરીમાં જોઈને અને તેમની સાથે ચર્ચા કરીને ઘરે જવા નીકળ્યો ત્યારે જ વિચાર્યું હતું કે આના પર તો પોસ્ટ લખવી જ જોઈએ. પણ મારા આળસુ સ્વભાવને કારણે અને કંઈક અંશે ક્યાંથી શરૂ કરૂ અને ક્યાં પૂરું કરીશ તે અસમંજસમાં આજ સુધી લખવાનો મેળ ના પડ્યો. છેલ્લા ૩-૪ દિવસથી મારા મિત્ર અશોકભાઈના મિત્ર ભુપેન્દ્રસિંહજીની હોળી તહેવાર પરની પોસ્ટ પર થતી ચર્ચાનો તંત મુકતાં છેલ્લે આજે સવારે મેં કશુંક લખ્યું અને નક્કી કર્યું કે હવે તો સમય આવીજ ગયો છે આ પોસ્ટ લખવાનો. જો આપ આ દસ્તાવેજી ચિત્ર જુઓ અને ક્યાંક મેં કરેલી વાત તથ્યથી અળગી લાગે તો મારું ધ્યાન દોરજો, કેમકે ઘણા વખત પહેલાં જોઈ હોવાથી અને ત્યારબાદ થોડું ઘણું વધુ સંશોધન કરતો રહ્યો હોવાને કારણે ક્યાંક ભેળસેળ થઈ હોય એવું શક્ય છે. ધ્યાને આવતાં જ સુધારી લઈશ.

ડૉ. મનિષ પંડિત પુણેમાં જન્મેલા ભારતીય મૂળનાં ડૉક્ટર છે જેઓ વ્યવસાયે ન્યૂક્લિઅર મેડિસિન ફિઝિશ્યન છે અને યુ.કે.માં ન્યૂક્લિઅર મેડિસિન વિષય ભણાવે છે. સ્વાભાવિક રીતે જ વિજ્ઞાન અને તે પણ આવાં ઊંડાં વિજ્ઞાનના વિદ્વાન હોવાથી તેમના બનાવેલા દસ્તાવેજી ચિત્રમાં શું હશે તે જાણવાની ઉત્કંઠા હતી અને તે કારણે જ પહેલેથી તેમણે બનાવેલી આ ફિલ્મ Krishna: History or Myth? જોવા જતાં પહેલાં તેના પર કશું સંશોધન કર્યું નહોતું. કોઈપણ જાતના પૂર્વગ્રહયુક્ત માનસ સાથે નહોતું જવું.

તેમણે ફિલ્મની શરૂઆતમાં થોડું વક્તવ્ય આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે નાનપણથી જ શાળામાં અને પાઠ્યપુસ્તકોમાં ભણતા આવ્યાં કે મહાભારત અને રામાયણ મહાકાવ્યો છે અને એજ ગ્રંથોનાં મહાનાયક પાત્રોને ઘરમાં ભગવાન કૃષ્ણ અને રામ તરિકે પૂજાતા જોતા આવ્યાં હતાં. હંમેશા મનમાં પ્રશ્ન રહેતો કે સાચું કોણ? વર્ષોની પરંપરા કે બુદ્ધિવાદીઓએ લખેલા પાઠ્ય પુસ્તકો. અને તે પ્રશ્નના ઉત્તરની શોધમાં આ ફિલ્મના નિર્માણનું આયોજન થયું. આ સિવાય પણ થોડું-ઘણું સંભાષણ કરીને ફિલ્મની શરૂઆત થઈ. આશરે અડધોએક કલાકની આ ટૂંકી ફિલ્મમાં તેમણે પુરાતત્ત્વિય પુરાવા (archaeology), ભાષાશાસ્ત્રીય (linguistics), લોકવાયકા (living tradition) અને ખગોળવિદ્યા (astronomy) એમ ચાર પાયારૂપ પુરાવાઓ રજુ કર્યાં છે. તેમાંથી સૌથી અગત્યનાં અને બુદ્ધિજીવીઓને ગળે ઉતરી શકે તેવા બે સ્ત્રોતો, પુરાતત્ત્વ અને ખગોળશાસ્ત્રનાં પુરાવાઓ ચાવી રૂપ ભાગ ભજવે છે.

દ્વારકામાં થયેલા ઉત્ખનનને તેમણે આ પુરાતત્ત્વનાં પુરાવાઓમાં શામેલ કર્યા છે, જે જોતા એક વાત સાબિત થાય છે કે દ્વારકા નગરી અસ્તિત્વમાં હતી, તે કોઈ કાલ્પનિક નગરી નથી. એટલું જ નહી, મહાભારતમાં જણાવ્યું છે તે મુજબ દ્વારકાના નગરવાસીઓને એક મુદ્રા (સિક્કો) આપવામાં આવી હતી જે તેમના પાસપોર્ટ કે ઓળખપત્રનો ભાગ ભજવતી. આ સિક્કાના આબેહુબ વર્ણન વાળા સિક્કા ઉત્ખનન કાર્ય કરી રહેલા ડૉ. એસ.આર. રાવને મળી આવ્યાં છે. (મેં ૧૯૯૮-૯૯માં ગુજરાત સાયન્સ કોંગ્રેસનાં પાલિતાણા ખાતે ભરાયેલા અધિવેશનમાં પણ ડૉ. રાવનું પ્રેઝન્ટેશન જોયું હતું, જે પરથી એ વાતા સાબિત થતી હતી કે આ માણસ જુટ્ઠુ નથી ચિતરતો.) આ ઉપરાંત તેમણે આવા નમુનાઓનું રેડિઓ કાર્બનની મદદથી ડેટિંગ પણ કર્યું છે, જેને ડૉ. પંડિત મહાભારતની કાળગણના સાથે જોડે છે. આ તો થઇ એક પુરાવાની વાત. હવે વાત કરીએ ખગોળશાસ્ત્રનાં પુરાવાની. એ માટે તેમણે ડૉ. નરહરી આચાર (ભૌતિકવિજ્ઞાનના વ્યાખ્યાતા, મેમ્ફિસ યુનિવર્સિટી, યુ.એસ.એ.)નાં સંશોધનને ધ્યાનમાં લીધું છે. ડૉ. આચાર નાસા દ્વારા વિકસાવવામાં આવેલા પ્લેનેટેરિયમ સોફ્ટવેર (કે જેનો ઉપયોગ નાસા ઉપગ્રહ છોડવા માટેનો દિવસ નિર્ધારિત કરવા, અને જે તે ગ્રહ/ઉપગ્રહ/તારા અવકાશમાં કયા સ્થળે હશે તે જાણવા કરે છે તે)નો ઉપયોગ કરે છે, જેના દ્વારા કોઈપણ દિવસે અમુક નિયત સ્થળે આકાશમાં તારાઓ અને ગ્રહોની શું સ્થિતિ હશે તે જાણી શકાય છે. આ સોફ્ટવેર ભૂતકાળમાં પણ જઈ શકે છે અને ભૂતકાળની કોઈપણ તારીખે આકાશની શું સ્થિતિ હતી તે પણ જાણી શકાય છે. આજકાલ જીપીએસ ધરાવતા મોબાઇલ ફોન્સમાં પણ નાઇટસ્કાય, વગેરે એપ્સ મળે છે જેનાથી આપ આપની ઉપરના આકાશનો નક્શો મેળવી શકો છો (માટે આ સોફ્ટવેર અને તેના દ્વારા મળેલા પરિણામોમાં કોઈ શંકા કરવાનું કારણ રહેતું નથી). તેમણે મહાભારતના ‘ભીષ્મ પર્વ’માં વર્ણવેલાં અમુક ખગોળશાસ્ત્રીય અવલોકનોને આધારે આ પ્લેનેટેરિયમ સોફ્ટવેરની મદદથી એવી કોઈ ઘટનાઓ બની હતી કે નહી તે જાણવાનો પ્રયત્ન કર્યો. અને તેમણે ગણતરીમાં લીધેલી ઘટનાઓ પૈકીની બધીજ એક સાથે (થોડા સમયની અંદર), જેમકે મહાભારતના યુદ્ધ દરમ્યાનનું સૂર્ય ગ્રહણ અને ખૂબ લાંબા દિવસ સુદ્ધાંની ઘટનાઓ, બની હોય તેવું પણ મળી આવ્યું. આ વર્ષ છે ઈસવીસન પૂર્વે ૩૦૬૭. આમ તેઓ સાબિત કરે છે કે મહાભારતનું યુદ્ધ થયું છે તે હકિકત છે અને સાથે સાથે મહાભારતનાં અન્ય પ્રસંગો પણ કલ્પના કે કાવ્ય/કથા નહી પણ વાસ્તવિકતા છે.

ડૉ. મનિષ પંડિત છેવટે ઉપસંહાર તરિકે જણાવે છે કે જો આ બધી ઘટનાઓ ઘટી હોય, મહાભારતનું યુદ્ધ ખેલાયું હોય, તો પછી તેનો નાયક અસ્તિત્વમાં ના હોય તે માનવાને કોઈ કારણ જ નથી. તેમણે કૃષ્ણએ ભગવાન હતાં કે નહી તે મુદ્દો છેડ્યો નથી, તેમણે ફક્ત તે જ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે કૃષ્ણ પોતે એક કલ્પના નથી, વાસ્તવિકતા છે. તેઓ આગળ જણાવે છે, કે જો કોઈ એક વ્યક્તિ આટલી પ્રભાવશાળી અને વિવિધ વિદ્યાનું જ્ઞાન ધરાવતી હોય (બીજા દિવસે સૂર્ય ગ્રહણ થવાનું છે તેની જાણ કૃષ્ણને પહેલેથી જ હતી) તો ભલે તે સાધારણ વ્યક્તિ હોય, તેને ભગવાન માનવો જ ઘટે.

આમ આપણે પણ ભલે આપણા રેશનલ દિમાગને વશ થઈને કે પછી પાઠ્યપુસ્તકોમાં અંગ્રેજી શિક્ષણના પ્રભાવ હેઠળ રજૂ કરેલી વાતોને સાચી જ માનવી તેવા માનસ હેઠળ કે પછી જો હું ધર્મમાં અને ભગવાનમાં શ્રદ્ધા ધરાવું છું એમ કહીશ તો હું ગામડીઓ, અશિક્ષિત અને પછાત ગણાઈશ તેવી હિન ભાવનાને કારણે કૃષ્ણ ભગવાન હતાં તેમ ના માનવા તૈયાર થઈએ તો કશો વાંધો નહી, પણ કમસેકમ એટલું તો સ્વિકારવું જ ઘટે કે આપણને ભણાવવામાં આવેલું જ્ઞાન કે મહાભારત મહાકાવ્ય છે, ઇતિહાસ કે વાસ્તવિકતા નહી, તે સરાસર જુઠ્ઠાણું છે. જે રીતે વર્ષોથી આપણા પાઠ્યપુસ્તકો ભણાવતા આવ્યાં છે કે ૦ (શૂન્ય) આરબોની શોધ છે (કેમકે અંગ્રેજો તેમ માનતાં હતાં) આપણે પણ શૂન્ય આર્યભટ્ટની શોધ છે તે વાતનો સ્વિકાર નહોતા કરતાં, ભલે પછી આરબો તે શૂન્યને ભારત (હિંદ)ની રકમ ગણાવતાં હોય. એજ રીતે મહાભારત મહાકાવ્ય કે કવિની કલ્પના નહી પણ વાસ્તવિકતા છે, અને આપણા ભારતનો ઇતિહાસ છે તે વાત આપણે મને કમને પણ સ્વિકારવી જ જોઈએ.

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

8 Responses to કૃષ્ણ: ઈતિહાસ કે કલ્પના? (Krishna: History or Myth?)

  1. શ્રી ધવલભાઇ,
    સૌ પ્રથમ તો આપનો ખુબ ખુબ આભાર, આ દસ્તાવેજી ચલચિત્રની લિંક આપવા બદલ. ફિલ્મ ડા.લો. કરી લીધી છે, હવે પહેલું કામ તેને નિરાંતવા (અને સાફદિલથી) જોવાનું કરીશ. આપણે ચર્ચા ત્યાર પછી જ કરીશું. અત્યારે એટલું જ કહીશ કે આપના લેખમાં આપની સંશોધનવૃતિ અને સસંદર્ભ વાત મુકવાની ટેવ (જે, મને સ્વિકારવા દો કે, હું પણ આપની પાસેથી જ શિખ્યો છું) દેખાઇ આવે છે. આપના અમુલ્ય જ્ઞાન અને વિચારોનો લાભ આમજ આપતા રહેશોજી. આભાર.

    Like

  2. ભાઈલા,
    કૃષ્ણ એક ઐતિહાસિક મહાપુરુષ એવો મારો લેખ વાંચ્યો નથી લાગતો.મનીશ પંડિત અને ડૉ આચરના રીસર્ચ ઉપર જ લખ્યું છે.બીજો ‘સંભવામિ યુગે યુગે’ લેખ પણ વાંચી લેશો.ચાલો શોધવાની મહેનત હું જ કરી દઉં.કશું વધારે જાણવા મળશે તેમાં શંકા નથી.નીચે ક્લિક કરી વાચી લેશો.
    http://brsinh.wordpress.com/2010/05/23/
    http://brsinh.wordpress.com/2010/11/04/1605/

    Like

    • મુરબ્બિ, સવાલ વાંચવા કે ના વાંચવાનો નથી. કૃષ્ણને તો લોકોએ બોડી બામણીના ખેતર જેવો બનાવી દીધોએ છે. જે કોઈ આલીયો માલીયો આવે તે કૃષ્ણ વિષે ટિપ્પણી કરી જાય છે. મારો લેખ ધ્યાનથી વાંચશો તો ખબર પડશે કે તેનું મૂળ કૃષ્ણમાં નહી, આપણી મહાભારતને કલ્પના ગણવાની કુચેષ્ટામાં છે. કૃષ્ણતો આડ પેદાશ છે. કૃષ્ણ કોણ હતો અને શું હતો તે કોઈ પામી શક્યું નથી અને જે પામી ગયું તે તરી ગયું છે, એટલે તેના વિષે જે મનફાવે તે બોલે રાખવું એ જ આજના સમયનો તકાજો છે. સાધુઓ તેના ગુણ ગાય, કથાકારો તેની લીલાઓ કહે, મુન્શી તેના પર ૭ ભાગમાં નવલકથા પ્રસિદ્ધ, ગાંધીજી તેની કહેલી ભગવદ્ ગીતાનું અર્થઘટન કરીને અનાસક્તિયોગ લખે અને મારા-તમારા જેવા બ્લૉગર્સ પોતપોતાના મનના વિચારો પ્રમાણે તેનું નિરૂપણ કરે, એટલે તેને તો તેના વૌકુંઠમાં જ રહેવા દઈને તેની આસપાસના વિષયો પર ચર્ચા કરવી વધુ યોગ્ય છે, કમસેકમ ક્યાંક સહમતિ સધાવાની શક્યતાતો દેખાય?

      Like

  3. himanshupatel555 says:

    તમારા લેખમાં જ અન્ય અનેક બ્લોગના પણ સંદર્ભો મળ્યા અને સાથે સાથે ડોક્યુમેન્ટ્રી પણ જોવા મળી જેમાંનુ કેટલું અમેરિકામાં
    હિસ્ટ્રી ચેનલ પર જોયેલું હતું અને બીજું ઘણું નવુ જોવા મળ્યું.લેખ અને મુવી જોયા-વાંચ્યા પછી મહાભારત ફરી વાંચવાનુ મન
    થયું છે વિગતે ફરી વાંચીશ.આભાર તમારો ધવલભાઈ.બ્લોગો પર સાઠમારી બહુ ચાલે છે તેનાથી હું હમેશા અળગો રહ્યો છું,પણ
    પુસ્તક અનેક સંદર્ભોથી ખીચોખીચ છે તે જરુર જાણ્યું.
    નિમંત્રણ છે મારાં કાવ્યો અને અનુવાદો વાંચવા
    http://himanshupatel555.wordpress.com (મારાંકાવ્યો)
    http://himanshu52.wordpress.com ( વિશ્વના કાવ્યોના અનુવાદ)

    Like

    • હિમાંશુભાઈ, સૌ પ્રથમતો મારા બ્લૉગની મુલાકાત લેવા બદલ આભાર. મને અન્ય લોકોની જેમ પોકળ દાવાઓ કરવા અને વ્યર્થ વિધાનો રચવું નથી ગમતું. જો સાચી વાત રજૂ કરતા હોઈએ તો તેના યથાયોગ્ય સંદર્ભો તો આપવા જ જોઈએ જે મારું માનવું છે અને માટે જ હું જ્યાં યોગ્ય હોય ત્યાં સંદર્ભો ટાંકવાનું પસંદ કરૂં છું. અન્ય લોકોની જેમ કોઈક વિધાન કરી દીધા પછી જ્યારે પ્રશ્ન પુછવામાં આવે ત્યારે ગેંગેફેંફે થઈ જઈને મિથ્યા પ્રહારો કરવા પડે તેવી હાલતમાં શું કામ મુકાવું જોઈએ?

      Like

  4. સુરેશ દલાલે કહ્યું છે કે,

    “જો કૃષ્ણ કાલ્પનિક હોય તો એનાથી સુંદર કોઈ કલ્પના નથી અને વાસ્તવિક હોય તો એનાથી સુંદર કોઈ ઘટના નથી”

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....