કૃષ્ણ અને રાધા

મારા મિત્ર અશોકભાઈ લખેલી પોસ્ટ ભણે નરસૈયો… મને ઓળખો છો? પર ચાલેલી ચર્ચાના પ્રતિભાવરૂપે મેં લખેલી કોમેન્ટ જે મારા તર્કો તરિકે મને સહજ રીતે ઉપલબ્ધ થઈ રહે તે માટે અહીં મુકું છું…

અશોકભાઈ, હું પણ દીપકભાઈ અને અન્ય વિદ્વાનો સાતેહ્ સહમત થઉં છું કે આ બે કે વધુ કૃષ્ણ હોવા જોઈએ. એનું કારણ મારો જાત અનુભવ છે. હું નાનો હતો ત્યારે બહુ તોફાની હતો, મારા આખા શરીરે પડીને વાગ્યાના ઘાના ડાઘા હજુ છે, પણ અત્યારે ૩૮ની ઉંમરે હું કોઈપણ જોખમ લેતાં, અરે એસ્સેલ વર્લ્ડની અમુક રાઈડ્સમાં બેસતાં પણ ડરું છું. અમે ખાડિયામાં પોળના એક છેડેથી શરૂ કરી બીજા છેડે છાપરાં કુદીને જતાં હતાં, અને અમુક જગ્યાએ ચાર માળની ઉંચાઈએ, ઢાળ વાળા છાપરા પર ૩-૫ ફિટનો ગેપ પણ કુદી જતાં, પણ આજે એ હિંમત ના કરી શકું. કોલેજમાં ખુબ રમુજી હતો હવે ગંભીર થઈ ગયો છું. મારા કોલેજના મિત્રો મળે છે તો ઘણી વખત કહે છે, કે તું એ ધવલ નથી. હું ઘણો ગુસ્સાવાળો પણ હતો, પણ શેફાલી મારા કરતા વધુ ગુસ્સાવાળી છે, એટલે કદાચ મારો ગુસ્સાવાળો સ્વભાવ પણ હવે ટક્યો નથી. જેણે મારો ગુસ્સો જોયો છે તે હંમેશા કહે છે કે આવો શાંત ધવલ તો હોઈ જ ના શકે. મારા મમ્મી હંમેશા કહે છે કે તું લગન પછી બદલાઈ ગયો છું. તો જો, મારી જ વાત કરું તો, નાનપણનો ખાડિયાનો તોફાની ધવલ, કોલેજનો ઉચ્છંખલ ધવલ, કોલેજ પછીનો અને લગન પહેલાનો મમ્મી પર ગુસ્સો કરનારો ધવલ, અને આજનો શાંત, જોખમ નહી ખેડનારો, ઠરેલ ધવલ. આ વચ્ચેના અનેક બીજા ધવલો હશે. માટે જો હું એક હોવા છતાં ચાર જણાતો હોઉં તો, કૃષ્ણ કેમ નહી? મારો કોલેજનો એક મિત્ર, ખુબ છેલબટાઉ, ૧૫ છોકરીઓ જોડે લફરા હશે. પડોશની ભાભીઓએ સાથે પણ તે રાસલીલા કરતો. પણ લગન થયાં, એક છોકરી થઈ, આજે તેના જેવો ચારિત્ર્યવાન કોઈ મને નથી દેખાતો. તો જે કૃષ્ણ લગ્ન પહેલા ગોપીઓ સાથે લીલાઓ કરતો હોય (રાધાને તો હજુ આપણે વચ્ચે લાવતાં જ નથી) તે રુક્મિણિ સાથે લગ્ન કરીને કેમ ઠરીયલ ના થઈ જાય? જેણે લગ્ન પહેલા નિષ્ફળ પ્રેમો કર્યા હશે તેને ખબર જ હશે કે લગ્નજીવનમાં હોળી ચાંપવી હોય તો જ પહેલાના લફરાઓને તાજા રખાય, શું કૃષ્ણને આપણે એટલો મુર્ખ માની લઈએ છીએ કે એની પાસેથી લગ્ન કર્યા પછી, દ્વારકાના રાજા બન્યા પછી પણ પોતાની ગોપીઓ સાથે રાસ રમવા જવાની અપેક્ષા રાખીએ? એ ઉપરાંત તે રાજા બન્યો હતો, રાજા અને ગોવાળના છોકરા વચ્ચે તો ભેદરેખા રાખવી જ જોઈએ ને? તે જ તેને કર્યું. બાળપણમાં બળીયા રાક્ષસોને મારતી વખતે કે કાળીનાગને નાથતી વખતે તેને પોતાના સિવાય અન્યોનો ખ્યાલ નહોતો, પણ મથુરાની ગાદી પર બેઠા પછી, જરાસંધના આક્રમણો સામે લડતી વખતે તેણે સમગ્ર મથુરાની પ્રજાનો વિચાર કરવાનો હતો, માટે જ તેણે એક સમયે લડત મુકીને દ્વારકા વસાવવાનું વધુ પસંદ કર્યું, કે જેથી હવે જેની જવાબદારી તેના શિરે હતી, તે પ્રજાનું ક્ષેમકુશળ સચવી શકે. કોઈપણ વ્યક્તિ જીવનમાં ઉંમર વધતાં બદલાતી જાય છે, એ રીતે તે પણ બદલાયો, અને માટે તેને એક કરતા વધુ ગણાવી શકીએ.

સાથે સાથે, એ વાત સાથે પણ સહમત છું કે સાહિત્યનો કૃષ્ણ, લીલાઓ કરતો કૃષ્ણ અને દ્વારકાનો કૃષ્ણ તદ્દન જૂદું વ્યક્તિત્વ ધરાવે છે, તેનું કારણ એ પણ હોઈ શકે કે તેને રજૂકર્તાએ પોતાને ગમ્યાં તે ભાવો જ વધુ પ્રગટ કર્યાં હોય, પણ એનો અર્થ એવો પણ ના કરી શકીએ કે તે ફક્ત કલ્પનાઓ હતી. મારા પપ્પાના મિત્રો તેમને રે રીતે જાણતા હોય તેના કરતાં તદ્દન વિપરિત રીતે મારા કુટુંબના લોકો જાણતા હોય, અને તેમના કરતાં પણ જુરી રીતે અમે તેમના બાળકો અને તેમની પત્નિ તેમને જાણતી હોય. હવે તેમના મિત્રો તેમનું જીવનચરિત્ર લખે તો અલગ પાસાઓ પ્રમાને વર્ણન કરે, હું અલગ વર્ણન કરું અને મારા કાકા, મામા, ફોઈ માસા કાંઈક અલગ જ વર્ણન કરે. એવું છે આ બિચારા કૃષ્ણનું. એનું સદભાગ્ય એટલું કે હજુ કોઈએ તેની ઉપર પણ કાંઈ કામ નહી કરવાનો અને ગામને મારતા રહેવાનો આરોપ નથી મુક્યો. પણ તેથી મોટો આરોપ ઘમંડી હોવાનો તો મુકાઈ જ ગયો છે તેની ઉપર. ખેર, જેવી જેની માન્યતા.

હવે રાધા વિષે જોઈએ તો, રાધા ફક્ત જયદેવની કલ્પના હતી તેવું કદાપિ ના કહી શકીએ. કેમકે રાધાનો ઉલ્લેખ બ્રહ્મ વિવર્ત પુરાણ કે જે અઢાર મુખ્ય પુરાણો પૈકિનું એક છે તેમાં પણ છે અને ગર્ગ સંહિતા કે જેનો રચનાકાળ ૯૦૦થી ૫૦૦ ઇસ.પૂર્વેનો માનવામાં આવે છે તેમાં પણ છે (આવું અંગ્રેજી વિકિપીડિયા પરથી જાણવા મળ્યું). જયદેવનું ગીતગોવિંદ ૧૨મી સદીમાં રચવામાં આવ્યું છે, તેથી તેમના પ્રેરણાસ્ત્રોત તરિકે આપણે બ્રહ્મ વિવર્ત પુરાન અને ગર્ગ સંહિતાને ગણાવી શકીએ. હા, એવું કહી શકાય કે રાધાને કૃષ્ણ કરતાં ઉંમરમાં એટલી મોટી, પરણેલી વગેરે ચિતરવી તે તેમની કલ્પના હોઈ શકે, પણ રાધા એક પાત્ર તરિકે તદ્દન બનાવટી કલ્પના નથી, પણ વાસ્તવિકતા છે. કનૈયાલાલ મુનશીએ કૃષ્ણાવતાર નામે ૭ ભાગમાં કૃતિ રચી છે, તેમાં બધાંજ સાચા પાત્રો છે, પન ઘટનાઓ ઘણી કાલ્પનિક છે. એટલે તેમણે કૃષ્ણને સ્વાર્થી અને કપટી બતાવ્યા છે, કે તે સત્યભામાને ફક્ત સ્યામંતક મણી માટે પરણ્યા, એ ઘટના ક્યાંય ના જોવા મળતી હોય એનો અર્થ એવો તો ના કરી શકીએ કે સત્યભામા એ પાત્ર જ કાલ્પનિક અને ક.મા.મુનશીએ બનાવેલું છે. એવું જ રાધાનું પણ છે.

ભુપેન્દ્રભાઈ ઘણી વખત વધુપડતા કલ્પનાઓમાં વહી જાય છે અને તે કારને અતિશયોક્તિ કરી બેસે છે. ગીતગોવિંદ જેવી સુંદર રચનાને અને તેના ઉમદા કવિને પિડોફાઈલ કેવી રીતે ગણાવી શકીએ? તેમને ક્યાંય કૃષ્ણના જનનાંગોનું વર્ણન કર્યું છે? ક્યાંય કૃષ્ણ અને રાધાને સંભોગરત દર્શાવ્યા છે? જો એવું હોય તો કદાચ તેમને પિડોફાઈલ કહેવા વિશે વિચાર કરી શકીએ. તેથી વધુ, એટલા વર્ષો પહેલા યુવાવસ્થા અને કૌમાર્યવસ્થાની શું ઉંમર હતી તે આપણને ખ્યાલ છે? જો કોઈક બાળક ૧૦ વર્ષે કે ૧૪ વર્ષે કંસ જેવા રાજાને મારીને તેની ગાદીએ બેસી શકે તો તેને બાળક કહેવો કે પુખ્ત? તો તે ૧૪ વર્ષે મથુરાનું રાજ્ય સંભાળવા માટે પુખ્ત ગણાય તો જયદેવની રચનાઓમાં ૧૦-૧૨ વર્ષની ઉંમરના બાળકને તેનાથી એકાદ વર્ષ મોટી ઉંમરની કન્યા સાથે પ્રણય ખેલતો દર્શાવવામાં ક્યાંથી પિડોફાઈલ બની જવાયું? આપણા દાદાઓ પણ ૧૩-૧૪ વર્ષની ઉંમરે પરણતા હતાં, અંગ્રેજોના પ્રભાવથી આપણે ૧૮-૨૧ વર્ષની પુખ્ત વય મર્યાદા નક્કી કરી. પણ આજે પણ યુ.કે. જેવા દેશમાં ૧૨ વર્ષનો છોકરો ૧૪ વર્ષની છોકરીના બાળકનો પિતા હોવાનો દાવો કરે છે. છાપાઓ આ સમાચાર છાપે તો તેમની ઉપર પિડોફાઈલ હોવાનો આરોપ મુકી શકાય? કે પછી પેલી ૧૪ વર્ષની છોકરી પર પિડોફાઈલ હોવાનો આરોપ મુકવો? સમય, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાની પાકી જાણકારી મેળવ્યા વગર આવા અશિષ્ટ વિશેષણો કોઈના પણ માટે વાપરવા શોભનિય નથી એવું મારું માનવું છે. હું હંમેશા કહું છું તેમ જરૂરી નથી કે હું કાયમ સાચો હોઉં, અહિં પણ હું ખોટો હોઉં એવું શક્ય છે.

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

4 Responses to કૃષ્ણ અને રાધા

  1. યશવંત ઠક્કર says:

    ધબલભાઈ.. તમારી રજૂઆત અને રજૂઆતની રીત ગમી. ખાસ કરીને આ વાતો…
    * મારો કોલેજનો એક મિત્ર, ખુબ છેલબટાઉ, ૧૫ છોકરીઓ જોડે લફરા હશે. પડોશની ભાભીઓએ સાથે પણ તે રાસલીલા કરતો. પણ લગન થયાં, એક છોકરી થઈ, આજે તેના જેવો ચારિત્ર્યવાન કોઈ મને નથી દેખાતો.
    * જો કોઈક બાળક ૧૦ વર્ષે કે ૧૪ વર્ષે કંસ જેવા રાજાને મારીને તેની ગાદીએ બેસી શકે તો તેને બાળક કહેવો કે પુખ્ત? તો તે ૧૪ વર્ષે મથુરાનું રાજ્ય સંભાળવા માટે પુખ્ત ગણાય તો જયદેવની રચનાઓમાં ૧૦-૧૨ વર્ષની ઉંમરના બાળકને તેનાથી એકાદ વર્ષ મોટી ઉંમરની કન્યા સાથે પ્રણય ખેલતો દર્શાવવામાં ક્યાંથી પિડોફાઈલ બની જવાયું? આપણા દાદાઓ પણ ૧૩-૧૪ વર્ષની ઉંમરે પરણતા હતાં, અંગ્રેજોના પ્રભાવથી આપણે ૧૮-૨૧ વર્ષની પુખ્ત વય મર્યાદા નક્કી કરી. પણ આજે પણ યુ.કે. જેવા દેશમાં ૧૨ વર્ષનો છોકરો ૧૪ વર્ષની છોકરીના બાળકનો પિતા હોવાનો દાવો કરે છે. છાપાઓ આ સમાચાર છાપે તો તેમની ઉપર પિડોફાઈલ હોવાનો આરોપ મુકી શકાય?
    * સાથે સાથે, એ વાત સાથે પણ સહમત છું કે સાહિત્યનો કૃષ્ણ, લીલાઓ કરતો કૃષ્ણ અને દ્વારકાનો કૃષ્ણ તદ્દન જૂદું વ્યક્તિત્વ ધરાવે છે, તેનું કારણ એ પણ હોઈ શકે કે તેને રજૂકર્તાએ પોતાને ગમ્યાં તે ભાવો જ વધુ પ્રગટ કર્યાં હોય, પણ એનો અર્થ એવો પણ ના કરી શકીએ કે તે ફક્ત કલ્પનાઓ હતી. મારા પપ્પાના મિત્રો તેમને રે રીતે જાણતા હોય તેના કરતાં તદ્દન વિપરિત રીતે મારા કુટુંબના લોકો જાણતા હોય, અને તેમના કરતાં પણ જુરી રીતે અમે તેમના બાળકો અને તેમની પત્નિ તેમને જાણતી હોય. હવે તેમના મિત્રો તેમનું જીવનચરિત્ર લખે તો અલગ પાસાઓ પ્રમાને વર્ણન કરે, હું અલગ વર્ણન કરું અને મારા કાકા, મામા, ફોઈ માસા કાંઈક અલગ જ વર્ણન કરે. એવું છે આ બિચારા કૃષ્ણનું. એનું સદભાગ્ય એટલું કે હજુ કોઈએ તેની ઉપર પણ કાંઈ કામ નહી કરવાનો અને ગામને મારતા રહેવાનો આરોપ નથી મુક્યો.

    Like

  2. શ્રી ધવલભાઇ,
    આમતો મેં મારા લેખ પર ઘણી વાતો કરી. અહીં પૂનરાવર્તન નહીં કરૂં. ત્યાં કહ્યું તેમ જ, આપે મને હજુ વધુ શું શું વાંચવુ તે સુઝાડ્યું, એ મહાન કાર્ય બદલ સૌ પ્રથમ ઝાઝેરા ધન્યવાદ અને આભાર. મેં ત્યાં પણ પુછેલું કે ’રાધા-કૃષ્ણ’નું જે સુંદર કાવ્ય ગીતગોવિંદમાં રચાયું છે તેનો આસ્વાદ માત્ર ગીતગોવિંદની સીમામાં રહીને જ માણવો વધુ ઉત્તમ કે તેને અન્ય કૃતિઓ સાથે ભેળવીને માણવો વધુ યોગ્ય ? મારો કહેવાનો અર્થ એ છે કે ચાલો આપણે ગીતગોવિંદમાં નાયક-નાયિકા ’રાધા અને કૃષ્ણ’ ને બદલે રણછોડ અને રુકમણિ રાખીએ કે ધવલ અને ??? (Sorry ! હું નામ ભુલી ગયો 🙂 ) રાખીએ ! તેનાથી એ કૃતિના રસમાં કે સંદેશમાં શો ફરક પડશે ?

    મારા (અને આપણા ઘણા બધા મિત્રોના) મતે કૃષ્ણએ ભારતિય સંસ્કૃતિનું એવું વિરાટ પાત્ર છે જે કોઇ એક નજરમાં ન સમાય. તેને જરા અમથા ખસીને જુઓ તો તેનો રંગ અલગ દેખાય. આપે આ વાત બહુ તર્કબદ્ધ સમજાવી. મને અત્યાર પુરતો રસ માત્ર એ વાતને સમજવામાં છે કે, આગળ ઘણે કહેવાયું તેમ, ગીતગોવિંદના નાયક-નાયિકા…
    * રાધા અને કૃષ્ણની આયુ બાબતે ગીતગોવિંદમાં કશું વર્ણવાયું છે ખરૂં ?
    * રાધા પરણેલી હોવાનો ગીતગોવિંદમાં ક્યાંય ઉલ્લેખ ખરો ?
    * રાધા અને કૃષ્ણનો આ સંબંધ (અત્યારે આપણે વિચારીએ છીએ તેમ) ત્યારે (રચનાકારના વખતમાં અને મનમાં પણ) કોઇપણ રીતે અજુગતો ગણાતો હશે ?
    * જયદેવ કવિ હતા અને તેમણે ઈતિહાસ નહીં પણ કાવ્ય રચ્યું છે જેથી તેમના નાયક-નાયિકા, રાધા-કૃષ્ણનું વાસ્તવિક હોવું ન હોવું એ પ્રશ્ન અસ્થાને છે, જયદેવે પણ કંઇ આમજ બન્યૂં હશે કે આ વાસ્તવિક ઘટના છે તેવું નહીં જ લખ્યૂં હોય. આપણે એ વાંચન વડે પણ થોડું જાણી શકીએ / જાણીશું.
    * રાધા પણ ખરેખર વિદ્યમાન હતા કે માત્ર રચનાકારોની કલ્પનાનું પાત્ર છે એ નિર્ણય કરવો, મને લાગે છે કે, આપણા ક્ષેત્રની બહારનું છે. (સરવાળે હજુ આપણું જ્ઞાન કેટલું ?) હા, હું એટલું કહીશ કે આપણે જયદેવની રાધા, કે કવિની રાધા, એટલે શું હશે ? કોણ હશે ? અને કવિએ આમ જ કેમ લખ્યું હશે ? તેની સાહિત્ય અને કલા અને તેના તર્કબદ્ધ ઉપયોગી સંદેશની દૃષ્ટિએ ચર્ચા કરી શકીએ એ પણ ઘણું રસિક અને જ્ઞાનવર્ધક બનશે.

    અત્યારે તો આટલું જ સુઝ્યૂં, વધુ કશું મગજમાં આવશે તો વળી આપનું માથું પકાવીશ ! હા, ગીતગોવિંદ પર જરા નજર ફેરવી જજો. હવે તેનો વારો આવશે ! આભાર.

    Like

    • અરે ભાઈ, હું હજુ ગીત ગોવિંદ શોધતો રહી ગયો અને તમે તો મેળવીને વાંચવાનું પણ શરૂ કરી દીધું. સાચી વાત છે કે રાધા વિદ્યમાન હતાં કે કલ્પના તે નિર્ણય કરવા માટે આપણે સક્ષમ નથી, પણ જ્યારે આપણે તેને કલ્પના માનતા હોઈએ ત્યારે અન્ય પુરાવાઓ તેને વિદ્યમાન બતાવે છે તે જાણવું પણ એટલું જ અગત્યનું છે, માટે મેં સંદર્ભો ટાંક્યા હતા. તમારી આ શ્રેણીમાં આગળના લેખોની રાહ જોવાય છે.

      Like

આપના પ્રતિભાવ જણાવશો.....