આજનો શબ્દ

પણે કે પેણે!

આ અમારા અમદાવાદીઓમાં અને કદાચ ખાસ કરીને ખાડિયાવાસીઓમાં વપરાતો શબ્દ છે. જોકે હવે બહુ ચલણમાં રહ્યો નથી લાગતો. પાવલીની જેમ જ એ પણ ચલણમાંથી નીકળી ગયો છે. પણ છતાં, અમારા ખાડિયાવાસીઓ હજુ આ શબ્દ ભૂલ્યા નથી. મારા ઘરનો જ દાખલો લઉં તો, શેફાલી મણીનગરમાં ઉછરીને મોટી થઈ અને મારા સાસુ-સસરા મૂળ સાબરકાંઠાના, એટલે તેમના ઘરમાં આ શબ્દ જાણીતો નહી. પણ બંદા તો ખાડિયાનું પાણી એટલે આ શબ્દતો લોહીમાં વણાઈ ગયેલો.

મારો મિત્ર શેખર મરાઠી હતો, પડોશી અને ખાસ મિત્ર એટલે એની સાથે સારો એવો સમય હું વિતાવતો. તેને આ શબ્દથી બહુ હસવું આવતું. અને એણે મને ટોકી-ટોકીને તેનો પ્રયોગ કરતા બંધ કરી દીધો હતો. એ નાનપણના દિવસો હતા એટલે કોઈના પ્રભાવમાં આવીને આપણી સંસ્કૃતિ અને વારસો સહેલાઈથી ખોઈ બેસતા. પણ થોડા સમયથી ફરી પાછું આ શબ્દને પુનઃજીવિત કરવાનું મન થઈ રહ્યું છે એટલે જેમ ૮૦ના દાયકામાં યાદ રાખીને આ શબ્દ ના વપરાય તેની કાળજી લેતો તે જ રીતે આજકાલ ધ્યાન રાખીને આ શબ્દ વાપરવાનો આગ્રહ રાખું છું. આ ગાંડપણ સારૂં છે કે ખોટું તે ખબર નથી પણ મને એક શબ્દ પુનઃજીવિત કર્યાંનું સુખ મળે છે તેનાથી હું વંચિત રહેવા નથી માંગતો.

આપમાંથી કોઈએ આ શબ્દ વાપર્યો છે? સાંભળ્યો છે? કે તેનો અર્થ ખબર છે? ઈમાનદારીથી ભગવદ્ગોમંડલની મદદ લીધા વગર જણાવશો…

મેં આ શબ્દ વાપર્યો છે(જરૂરી)

મેં આ શબ્દ સાંભળ્યો છે

મને આનો અર્થ ખબર છે

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to આજનો શબ્દ

  1. અશોકભાઈ, દીપકભાઈ, ભૂપેન્દ્રસિંહજી અને યશવંતભાઈ, આપ સહુનો આભાર. અને હા, તમે બધાએ જણાવ્યો તે પ્રમાણે, અમારા ખાડિયામાં પણ આ શબ્દ ‘ત્યાં’ માટે જ વપરાય છે. જો કે ભગવદ્ગોમંડલમાં ‘પેણે’ શોધતાં જડતું નથી, પણ બની શકે કે એ અમારૂં અપભ્રંશ રૂપ હોય, કે કદાચ પણેને સુધરેલા દેખાવાની હોડમાં વિશિષ્ટ રીતે અપનાવેલું રૂપ હોય.

    ફરી એક વખત આપ સહુનો આભાર!

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....